કાનુડે ન જાણી મોરી પીર

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

કાનુડે ન જાણી મોરી પીર,
બાઈ હું તો બાળ કુંવારી રે,
કાનુડે ન જાણી મોરી પીર.

જલ રે જમનાનાં અમે પાણીડાં ગયાં 'તાં,
વહાલા કાનુડે ઉડાડ્યાં આછાં નીર,
ઊડ્યાં ફરરરરરરરરરર રે. કાનુડે...૧

વૃન્દા રે વનમાં વ્હાલે રાસ રક્યો ચે,
સોળસેં ગોપીના તાણંયાં ચીર,
ફાટ્યાં ચરરરરરરરરરરર રે. કાનુડે...૨

હું વેરાગણ ક્હાના તમારારે નામની રે,
કાનુડે માર્યાં છે અમને તીર,
વાગ્યાં અરરરરરરરરરરર રે. કાનુડે...૩

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
કાનુડે બાળીને ફેઁકી ઊંચે ગિર,
રાખ ઊડી ફરરરરરરરરરર રે. કાનુડે...૪


અન્ય સંસ્કરણ=[ફેરફાર કરો]

કાનુડો શું જાણે મારી પીડ?

બાઈ અમે બાળ કુંવારા રે...કાનુડો શું જાણે.

જળ રે જમુનાના અમે ભરવાને ગ્યા’તા વા’લા,

કાનુડે ઉડાડયા આછાં નીર, ઉડયા ફરરરર રે... કાનુડો શું જાણે.

વૃંદા રે વનમાં વ્હાલે રાસ રચ્યો ને,

સોળસે ગોપીના તાણ્યા ચીર, ફાટ્યાં ચરરરર રે... કાનુડો શું જાણે.

જમુનાને કાંઠે વ્હાલો ગોધણ ચારે રે,

વાંસળી વગાડી, ભાગ્યા ઢોર, ભાગ્યાં હરરરર રે... કાનુડો શું જાણે.

હું વૈરાગી કાના તમારા રે નામની રે,

કાનુડે માર્યાં છે અમને તીર, વાગ્યાં અરરરર રે... કાનુડો શું જાણે.

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,

કાનુડે બાળીને કીધા ખાખ, રાખ ઉડી ખરરરર રે... કાનુડો શું જાણે.