લખાણ પર જાઓ

કાશ્મીરનો પ્રવાસ/તા. ૧૪-૧૧-૯૧

વિકિસ્રોતમાંથી
← તા. ૧૩-૧૧-૯૧ કાશ્મીરનો પ્રવાસ
તા. ૧૪-૧૧-૯૧
કલાપી
તા. ૧૫-૧૧-૯૧ →


તા. ૧૪-૧૧-૯૧ :-:- સવારમાં સૂર્યોદય પહેલાં કોહાલા છોડ્યું. રાતે જરાક વર્ષાદ આવી ગયો હતો તેથી અને ઝાકળથી પૃથ્વી ભીનાશવાળી હતી. શુક્રનો તારો પ્રભાતકાલ સૂચવતો ચળકી રહ્યો હતો, સપ્તઋષિ મંડલ પર્વતોની ખીણોમાં કોઇ વખતે લટકતું નજરે પડતું હતું, કાશ્મિરમાં આ સાતે ઋષિઓ આખી રાત દર્શન દેતા હતા, ઝળઝળીયું થયું, ઝુંપડામાં અહીં તહીં ઝબકતા કાશ્મિરી લાકડીઓના દીવા ઓલખાયા ને આકાશ પરના તારાની સાથે ઝાંખા પડવા લાગ્યા. કોઈ વખતે એકાદ તારો ખરી પડતો હતો. એક ઊંડી ગુફામાંથી પાણીનો ધોધ પડતો હતો. તેના પર વાદળાં જાણે સ્નાન કરવા આવ્યાં હોય તેમ છવાઇ ગયાં હતાં, પાણીની સાથે ગુફામાંથી બહાર નીકળતાં અથવા રેડાતાં હોય તેમ દીસતાં હતાં, પાંખોવાળા હાથીઓ જેવાં ભાસતાં હતાં અને મંદગતીથી આમ તેમ ફરતાં હતાં, એક અતિ ઊંડી ખીણની વચમાં એક મગરના જેવું મોટું વાદળું લટકતું હતું, લાંબુ થતું જતું હતું, થોડા વખતમાં મોટા અજગર જેવું ભાસવા લાગ્યું અને થોડા વખતમાં ટેકરી આડી આવી જવાથી અદૃશ્ય થ‌ઇ ગયું, નાનાં મોટાં વાદળાં દેવના વીમાનો જેવાં ચોતરફ આમતેમ દોડતાં હતાં, રાક્ષસોની માફક કદ અને આકાર બદલતાં હતાં, પ્રભાત સંધ્યા રાગને શોભાવતાં હતાં અને શોભતાં હતાં. હરિણ અને તેનાં બચ્ચાં જંગલમાં ફરવા લાગ્યાં હતાં અને ગાડીથી ચમકી, ચપળ, બીકણ, વિશાલ નેત્રોથી આમતેમ જોઇ કુદીકુદી ભાગી જતાં હતાં, પક્ષીઓ માળામાંથી બહાર નીસરી સૂર્યને આમંત્રણ આપતાં હતાં અને કેટલાંક આકાશમાં ભ્રમણ કરતાં હતાં. માણસો હજી ઊઠ્યાં નહોતાં પણ અમારા જેવા વટેમાર્ગુ, પોતાના સ્નેહિઓની વાતો કરતા, નિસાસા મેલતા, બગાસા ખાતા, વિચિત્ર રીતે કાંઇક ગણગણતા, ઊંટનાં અને પોઠિયાનાં ટોળાં સાથે ચાલ્યા જતા દેખાતા હતા. ખરેખાત "જેની આંખમાં કમળો હોય તે સર્વ પીળું ભાળે." અમે અમારા મિત્રોને મળવાને આતુર છીએ તેથી આ વટેમાર્ગુ પણ તેવાજ લાગે તેમાં કાંઇ નવાઈ નથી. કોઈ વખતે ચડાણ ઘણું હોવાથી ઘોડા અટકતા હતા. આમ અમે ચાલ્યા જતા હતા તેમ તેમ અજવાળું વધતું જતું હતું, અમારી ગાડી સૂર્યનાં દર્શન કરવા ઊંચી ચડતી હતી, પૂર્વ દિશામાં લાલ કિરણો દેખાયાં, તારા આકાશમાં ક્યાંઇ ઉડી જવા લાગ્યા, થોડા વખતમાં અમારી નીચે દૂર પૂર્વ દિશામાં સૂર્ય દેવતા દૃષ્ટિએ પડવા લાગ્યા, થોડા વખતમાં ઝાકળ વિખરાઇ ગૈ, થોડા વખતમાં વાદળાં ઉડી ગયાં, થોડા વખતમાં દરેક વસ્તુ સફેદ થ‌ઇ ગ‌ઇ અને સ્પષ્ટ દૃષ્ટિએ પડવા લાગી, તેથી જાણે અનેક વસ્તુઓ સૂર્યોદય સાથે જ ઉત્પન્ન થઈ હોય તેમ ભાસવા લાગ્યું ; ઝાડ છુટાં પડી ગયાં હોય તેમ દિસવા લાગ્યું. થોડા વખતમાં ટાઢ ઓછી થઈ અને સૂર્ય ગરમ થવા લાગ્યો, થોડા વખતમાં રૂંછાવાળા કોટ ઉતાર્યા અને અમે જરા પાળા ચાલવા લાગ્યા. દાતણ કરવાનો સમય થ‌ઇ ગયો પણ કોઈ અજાણ્યા ઝાડનું દાતણ કરતાં વખતે હરકત થાય તેથી કોઇ ડાળખી તોડતું નહીં ; આખરે દાડમી નજરે પડી તેથી તેનું દાતણ કરી અગાડી ચાલ્યા.

૨. અર્ધ ચંદ્ર અને ચક્કર જેવા આકારમાં આવી રહેલા પર્વતોમાં ઊંચી ચડતી સડક પર ગાડી ધીમે ધીમે ચાલી જતી હતી. આ પ્રદેશમાં ઝાડ અને સૌથી વધારે સરોની ઘટા ઘણી સુંદર છે. કેટલાંક વન બળી ગયેલાં દિસતાં હતાં, તેનાં ઝાડ ભુખરાં અને પાંદડા વિનાનાં હતાં. આવાં કેટલાંક ઠુંઠાં પડી ગયેલાં હતાં અને કેટલાંક ઉભાં અને આડાં ઉભેલાં હતાં, જાણે કેમ ભગવાં વસ્ત્રવાળા જોગી આસન કરી સમાધીસ્થ થયાં હોય ! કેટલેક સ્થાને ઘણીજ લીલી વૃક્ષ ઘટામાં પાણીના ધોધ પડતા હતા. ડાબી બાજુ જેલમ નદી દૂર જતી અને નાની થતી દેખાતી હતી કેમકે અમે ઘણાજ ઊંચા ચડતા હતા. કાશ્મીર જતી વખતે જ્યારે એવા ઊંચા પર્વત પરથી એવી ઊંડી ખાઈમાં ચાલી જતી તે જેલમને પ્રથમ જોઈ હતી ત્યારે આ જેલમ છે એમ કોઈએ ધાર્યું નહોતું.

૩. જેલમ માતાએ સંઘાત છોડ્યો. અરે ! તેણે એક માની માફક શ્રીનગરમાં અને શ્રીનગરથી કોહાલા સુધી અમારી સંભાળ લીધી, તેના ખોળામાં અમને રમાડ્યા, તેના પયથી અમારૂં પોષણ કીધું, હાલરડાં ગાઇ અમને આનંદ આપ્યો, ઘુઘરો વગાડી રીઝવ્યા, નવી નવી વસ્તુઓ દૃષ્ટિ આગળ ધરી તૃપ્ત કીધા, આખરે સીતાની માફક પૃથ્વીમાં સમાઇ ગ‌ઇ, તેના પ્રથમના ઇરાદા પ્રમાણે બલિરાજા પાસે ચાલી ગ‌ઇ, વજ્ર જેવા, આ સ્વર્ગના પાષાણોને ફાડી લોપ થ‌ઇ ગઈ, પર્વતોને આડા ધરી સંતાઇ ગ‌ઇ, કોણ જાણે ક્યાંઇ દૃષ્ટિ મર્યાદા બહાર દોડી ગઈ; હવે તેનાં ફરી દર્શન ક્યારે થશે ! તેના વિના ઘાડ, સુંદર, રમણીય, વિશાલ અને નવપલ્લવ વૃક્ષો અને વેલી પણ શૂન્ય દીસવા લાગ્યાં, તેના વિના મોટી મોટી ખીણો સૂની ભાસવા લાગી, તેના વિના મહાન પર્વતો અને બરફથી ઢંકાયેલા શિખરો પણ અલંકાર વિહીન દેખાવા લાગ્યા, જેલમ માતા ગ‌ઇ; ગ‌ઇજ !

૪. કોહાલેથી દશેક માઇલ દૂર નીકળી આવ્યા, ચડાણ અતિશય સખત છે, માણસને ચાલતાં પણ શ્વાસ ચડી જાય અને ઊભા થ‌ઇ રહેવું પડે તેવું છે, તો ધન્ય છે આ છ માણસોને ઝપાટા બંધ ખેંચી જતા ઘોડાને ? કોચમેનને કુમચી ભાગ્યેજ મારવી પડતી હશે પણ તે વારંવાર "બાદરા" અને 'અલારખા' એ શબ્દો બોલી તેના નીમકહલાલ, મજબુત અને તેજ ઘોડાને સાબાશી અને આશિર્વાદ આપતો હતો.

૫. ડોડા રેવડીવાળું ફગવાડી આવ્યું. આ વખતે ત્યાં માણસો અગાડીથી ગયાં હતાં અને રસોઈ તૈયાર હતી તેથી એક ઝાડની એકલ છાંયા નીચે કોઇના ખાટલાપર બેસી જમી લીધું. શ્રીનગરથી લીધેલાં થ‌ઇ રહેવા આવેલાં પાન ચાવ્યાં અને કૂચ કરવાની પાછી તઈયારી કરી ચાલ્યા. શી ઝાડની સુંદર ઘટા ! કેવી ઠંડી પવનની લહર ! કેવા રમણીય દેખાવ !

૬. મરિ હીલપર રહેતા સોલજરોની બંદુકોના બહાર સંભળાવા લાગ્યા તેથી જાણ્યું કે હવે અમે મસુરી પહોંચી ગયા છીએ. આ ડુંગરની ઉપલી સપાટી જ્યાં શહેર છે તે સમુદ્રની સપાટીથી સાત હજાર ફીટ ઉંચી છે તેથી હવા ઘણી ઠંડી રહે છે. આટલા ભાગમાં પાઈન અને સરોના વૃક્ષોની ઘણીજ સુંદર ઘટા છે, અને આ દરેક ઝાડ ઉપર શેવાળના બબે ત્રણ ત્રણ ઇંચ દળ જામેલા રહે છે. આવાં ઉંચા વૃક્ષો અમે ક્યાંઇ જોયાં નથી. પાઇનના કેટલાક સોટા એક્સો ફીટ અથવા તેથી પણ વધારે ઉંચા હશે. ખરેખાત સ્વર્ગનાંજ વૃક્ષો ! આ સ્વર્ગનાં વાવટાની છાંયામાં આવ્યા કે શીતલતા ઘણીજ વધી ગ‌ઇ. ઠંડી વધી, ગરમ કપડાં પહેર્યાં.

૭. સાંજના ત્રણવાગે મસુરીના ડાક બંગલા પાસે જ્યાં ગાડીઓ અને એક્કા ઉભા રહે છે ત્યાં પહોંચી ગયા. આ જગ્યાને સનિબેંક કહે છે. ગાડીપરથી ઉતરી, ઘોડાપર હાથ ફેરવી, શાબાશી આપી, આળસ મરડી ટેકરીનાં એક ખૂણાપર ડાક બંગલો છે તેમાં ઉતારો કર્યો.

૮. અમે કાગળ લખવા બેઠા અને ડાક બંગલાના એક માણસને ડાંડી લેવા મોકલ્યો. ડાંડી એ એક જાતની ડોળી છે, તેમાં એક માણસ બેસે છે અને ચાર માણસ તેને ઉપાડે છે. બેસવાને માટે ખુરસી ગોઠવેલી હોય છે. તેનો આકાર નાની હોડી જેવો હોય છે.

૯. ડાંડીઓ આવી, પાછળ રહેલા એક્કામાંના કેટલાક આવી પહોંચ્યા, કાગળ બંધ કર્યો, ફરવા જવાની તૈયારી કરી.

૧૦. અકેકી ડાંડીમાં અકેક જણ બેસી ગયા કે તુરતજ ઉપાડ્યા. "રામ બોલો ભાઈ રામ." આ ડાંડી ઉચકનારા મીયાનાવાળાની માફક બુમો પાડતા ચાલતા નથી. લંગોટી સિવાય બીજાં કપડાં ભાગ્યેજ શરીર પર હોય છે, છતાં નેણ સુધી વાળનાં પટિયાં પાડેલાં હોય છે. સૌંદર્ય જે પોતાને થોડું જ ઉપયોગી છે તેને મેળવવા માણસ કેટલાં મથે છે! આ પટીયાં પાડવાને બદલે જો આ માણસો દરરોજ નહાતાં હોય તો કેટલું સારૂં.

૧૧. ડાંડીવાળા ઉંચી ચડતી સડક પર ચાલ્યા જતા હતા. ઉપર બેઠેલા માણસે આમ તેમ હલવું જોઈએ નહિ, નહિતો તેને નીચે પડવું પડે, તેવી ડાંડીની ગોઠવણ છે. અમે જહાંગીરની દુકાને ગયા. ત્યાં કેટલોક સામાન જોયા પછી એક તસ્વીર પાડનારને ત્યાં ગયા, કેમકે અમારે કાશ્મીરી સ્થિતિની એક તસવીર પડાવવી હતી. તે દુકાનેથી ઝાડીમાં ફરતા ફરતા અમે પાછા ડાક બંગલે આવ્યા.

૧૨. સાંજ પડી ગ‌ઇ, પર્વતો ચોતરફ લાલાશવાળા થ‌ઇ ગયા, બરફના પહાડ ગુલાબી દીસવા લાગ્યા, વાળુ કર્યું. અમારો એક માણસ અને એક્કો પાછળ રહી ગયા, તેનું શું થયું? રાત થઈ ગઈ તોપણ તે આવ્યા નહિ. સવારે ચાલવું જોઈએ, તેના વિના તસવીર ન પડાવાય, કેમકે તે પણ કાશ્મીરમાં સાથે હતો.

૧૩. તે માણસનું શું થયું તે હજી કોઈ જાણતું નહોતું. અમે તો સુઇ ગયા. તેને ગોતવા માણસ મોકલત પણ રાતે અંધારામાં આવા જંગલોમાં અને પર્વતોમાં તેને ગોતવા કોઈને મોકલતાં "લેને ગ‌ઇ પૂત ઓર ખો બેઠી ખસમ" જેવું થવાની ધાસ્તી રહેતી હતી. સગડી બળ્યા કરતી હતી, કમાડ બંધ હતા અને શાલ ધડકી અને ધુસા, દરેકે સારી રીતે ઓઢ્યાં હતાં તોપણ પડખું ફેરવવાનું મન થતું નહોતું.

૧૪. શ્રીનગર જતી વખતે આ મરી હિલપર શું થયું હતું તે લખું : અમે ત્રણ વાગે મસુરી પહોંચ્યા નહતા. સનિબેંક પાસેના ડાક બંગલામાં ઉતારો નહોતો. હવા પણ આ વખતના જેવી સૂકી નહતી. દિવસ પણ આવો ચોખ્ખો નહતો. દરેક જોઈતી વસ્તુ આ વખતની માફક હાજર નહોતી. રાતના સાત વાગે સનિબેંક પાસે ગાડી પહોંચી. રાવલપિંડીના એક વહોરા શેઠ મામુજીએ માઉન્ટપ્લેઝંટ (આનંદ ટેકરી) પર પોતાની કોઠીમાં અમારે માટે ઉતારાનો બંદોબસ્ત કરાવ્યો હતો. ડાક બંગલાથી તો અમે અજાણ્યા હતા અને સનિબેંકમાં એં સિવાય બીજી રહેવાની સોઇ નથી તેથી માઉંટપ્લેઝંટ પર ગયા વિના છૂટકો ન મળે. સનિબેંકથી માઊંન્ટપ્લેઝંટ ક‌ઇ દિશામાં આવ્યો ? કેટલે દૂર છે ? ક્યો રસ્તો ? તે અમે જાણતા નહોતા. મજુર અથવા ગાડું આસપાસ ક્યાંઇ ન મળે. ગાડીને ઉપર જવા હુકમ નથી અને હોય તોપણ ઘોડા થાકીને લોથ થઈ ગયા હતા, કેમકે રાવલપિંડી અને મસુરી વચમાં એ જોડ બદલવાની હતી પણ નવી જોડમાંથી એકે ઘોડો એક ડગલું પણ અગાડી ચાલ્યો નહિ, તેથી આ ઘોડાને જ એ ચાળીશ માઈલનો ટપ્પો ભરવો પડ્યો હતો. ખરેખાત, ધન્ય છે એ ઘોડાને. તેને તો વિસામો આપવો જ જોઈએ. કોચમેનને કહી દીધું કે 'અમારી ફિકર નહિ, ઘોડા છોડી નાખો.' ટાઢ સખત પડતી હતી. વાદળા પર્વત આસપાસ અને ઉપર છવાઇ ગયાં હતાં. ધુમ્મસ પણ આવી પહોંચી હતી. કોઇ કોઇ તારો ઝાંખો ચળકતો નજરે પડતો હતો. પર્વત અને ઝાડ એક રૂપ થ‌ઇ ગયાં હોય તેમ ભાસતું હતું. આગલે દિવસે સખત વરસાદ પડ્યો હતો અને આજ પણ પડશે એમ લાગતું હતું. દેડકાં ચોતરફ ડ્રાં ડ્રાં કરતાં હતાં. તમરાંનો છીનકાર જામી ગયો હતો. અમે રાવલપિંડી છોડ્યું ત્યાર પહેલાંની રાતે અગાડી મસુરી મોકલેલ અમારા માણસે અમને આ પ્રમાણે તાર કર્યો હતો : "Heavily rained all night, clouds still hanging on." આની અમે દરકાર રાખી નહતી પણ આજ હેરાન થશું એવી હવે ખાત્રી થ‌ઇ. ગાડી પરથી સામાન ઉતાર્યો અને હવે શું કરવું તેનો વિચાર કરતા હતા, તેટલામાં અમારો એક માણસ નજરે પડ્યો. તેની સાથે એક મજુર પણ હતો. આ માણસ અમારી રાહ જોતો સનિબેંક પર બેઠો હતો પણ તેની પાસે ફાનસ ન હોવાથી તે અમને અને અમે તેને અંધારામાં ઓળખી અથવા જોઇ શક્યા નહતા. તે અમારો અવાજ સાંભળી અમારી પાસે આવ્યો હતો. ઠીક થયું ! હવે રસ્તો તો જડ્યો. મજુર પાસે સામાન ઊપડાવ્યો. અગાડી મજુર અને અમારો માણસ અને પછાડી અમે એમ ચાલવા લાગ્યા. આંખો ઉઘાડી રાખી હતી પણ તેથી થોડો જ ફાયદો હતો. અમારાં સારાં ભાગ્યે એટલું ઠીક હતું કે ભૂતથી અથવા ડાકણથી ભડકે તેવું અમારામાં કોઇ નહોતું ! સનિબેંકથી અમારો ઉતારો ત્રણ ચાર માઇલ દૂર હશે પણ અમને તો તેટલા ગાઉ થ‌ઇ પડ્યા હતા ! કેમકે મરિહિલ આવતાં રસ્તામાં જ્યારે જ્યારે ઘોડા અટકતા ત્યારે ચાલવું અને પ‌ઇ લેવાં પડતાં હતાં. ગાડીનો રસ્તો પણ સખત ચડાવવાળો હતો અને આ સડક જેનાપર અમે ચાલતા હતા તે પણ તેવી જ હતી. થોડા દૂર ચાલ્યા ત્યારે એક સાંકડી કેડી આવી. ઓછામાં પૂરૂં આના પર ચાલવું પડ્યું. એક તરફ પર્વત, ઝાડ અને ગટર અને બીજી બાજુએ ઝાડી અને ઉંડી ખાઇ ! અંધારામાં પર્વત અને ખાઇ સરખાં જ નજરે પડતાં હતાં, તોપણ ડાબી બાજુએ આવેલા ડુંગર તરફ અમે ચાલતા હતા. ગટરમાં અથવા ખાડામાં પગ પડવાથી અથવા ઠોકર લાગવાથી અને વારંવાર ભોંય ભરતા હતા ! પણ પાછાં કપડાં ખંખેરી ઉભા થ‌ઇ ચાલવા લાગતા હતા. "આ એક પડ્યો, આ બીજો, આ ફલાણો, આણે હમણાં કૂદકો માર્યો," એમ ધુબાકા ગણતા જતા હતા. પગ દુખવા આવ્યા, પણ ટાઢ ઉડી ગઈ. દીવા નજરે પડ્યા, સોલજરોનાં ટોળાં સામે મળતાં હતાં તેમાં ઘણી વખત કોઇ ભુટકાઇ જતું હતું. આખરે મામુજી શેઠની કોઠી આવી. પથરા અને પાંદડામાં થ‌ઇને ઉપર ચડ્યા પણ બીજો એક માણસ બતી લઈ આવ્યો તેથી કોઇ અહીં પડ્યું નહિ. હતા તેટલા જ અને તેવા જ ઉતારે પહોંચી ગયા; ઈશ્વરની કૃપા. આરામ ખુરશી પર પડ્યા અને ઉનો ચા ખૂબ પીધો. વર્ષાદ નહોતો પડતો પણ ધુમ્મસ અને ઝાકળથી નેવાં ચુતાં હતાં. રાતના દશ થ‌ઇ ગયા. ઊંઘ આવવા લાગી, પણ 'ઓઢવા ઓસરી અને પાથરવા પડથારજ હતાં.' માણસો, એક્કા અને સામાન હજી આવ્યાં નહોતાં. આખરે કોઇ મોજાં વગેરે પાથરી મોટો કોટ ઓઢી સગડી પાસે પડ્યા પણ થોડા વખતમાં માણસો આવી ગયાં. તેઓએ બીછાનાં તૈયાર કર્યાં અને અમે સુઇ રહ્યા. ત્યાર પછી બે ધડકી અને બે બન્નુસ અમે હંમેશાં સાથે જ રાખતા. સવારે ઉઠી કેવી રસોઈ જમીને ચાલ્યા હતા તે અગાડી લખાઈ ગયું છે. હવે, ડાક બંગલામાં અમે સુખે સૂઈ રહ્યા હતા ત્યાર પછી બીજે દિવસે શું થયું તે લખું :