કાશ્મીરનો પ્રવાસ/તા. ૭-૧૧-૯૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← તા. ૬-૧૧-૯૧ કાશ્મીરનો પ્રવાસ
તા. ૭-૧૧-૯૧
કલાપી
તા. ૮-૧૧-૯૧ →


તા. ૭-૧૧-૯૧:- સવારે ઊઠ્યા. થાક ઊતરી ગયો હતો. આજ સવારના નવ અને પિસતાળીશ મિનીટે હીઝ એક્સેલન્સીને મળવા ગયા. પહેલાં એમના એડિકોંને મળ્યા. એડિકોં વાઈસરૉયને અમે આવ્યા છીએ, એ ખબર આપવા ગયા અને થોડીજ વારમાં એડિકોંની સાથે પોતે પધાર્યા. વાઈસરૉય ઘણા જ સરલ અને નમ્ર પ્રકૃતીના હશે એમ અમને આ મુલાકાત પરથી લાગ્યું. વાઈસરૉય સાહેબે "તમે ઈંગ્રેજી અભ્યાસ ક્યાં કર્યો છે? મુસાફરી ક્યારથી નીકળ્યા છો ? ક્યાં ક્યાં ગયા ? શું શું જોયું ? ક્યાં ક્યાં જવાના છો ?" એવા કૅટલાક પ્રશ્નો પૂછ્યા અને કેટલીક વાતચીત થયા પછી રાવ બહાદુરે વાઈસરૉય સાહેબને કહ્યું કે, "મને આપ નામદાર તરફથી આજ સાલમાં રાઓ બહાદુરનો ઈલકાબ મળ્યો છે અને આજ વર્ષમાં આપની સલામનો મને લાભ મળ્યો છે તેથી હું ઘણો ભાગ્યશાળી થયો છું." પછી તુરતજ અમે વાઇસરૉય સાહેબની રજા લઇ, આ મુલાકાતમાં એમના ભલાઇ, સાદાઇ, અને માયાળુ સ્વભાવની વાતો કરતા ઉતારે ગયા.

૨. જમીને બપોરે કાશ્મીરી શાલ બનાવવાનું એક કારખાનું જોવા ગયા. આ ઉત્તમ પ્રકારની શાલની બનાવટ અમદાવાદી અથવા સુરતી કિનખાબ જેવી છે. આ બનાવટ એક બીજા શાલના વેપારી એક બીજાથી છુપી રાખે છે. આમ કરવાનું કારણ એક વેપારીને પૂછ્યું પણ સીધો જવાબ મળ્યો નહિ. ખરેખાત, આ છૂપું રાખવાની ટેવ ઘણીજ નુકસાનકર્તા છે. એથી સુધારાને તેમજ કળા કૌશલ્યને ઘણી હાનિ પહોંચે છે અને તેથી દેશ પછાત રહી જાય છે. આપણા ગિરનારી, તેમજ આબુરાજના અને વિંધ્યાચળના, વૈરાગ્યનો ડોળ કરતા, લાંબી લાંબી પીળી જટાવાળા બાવા અને એવા ઘણા માણસો કેટલાક પ્રકારની ઉત્તમ ઔષધિનો ઉપયોગ જાણતા હોય છે. કોઇ જંગલનાં પાંદડાંથી એકદમ ઘા મેળવી દે છે, કોઇક ચમત્કારી મૂળથી વાનું દરદ મટાડી દે છે, તો કોઇ સર્પનું ઝેર એક ક્ષણમાં ઉતારી દે છે. પણ આ અતિ સ્વાર્થી લોકોને તે વનસ્પતિનું નામ પૂછતાં કાંઇ કહેતા નથી અથવા એ તો મંત્રથી સારૂં થઇ ગયું એમ કહી ઠગે છે. એક માણસ આખી દુનિઆમાં પિડાતા માણસોને કેવી રીતે સારાં કરી શકે ? આ દવા જો જુદા જુદા દેશોમાં પ્રસિધ્ધ કરી હોય તો તેથી પોતાને તેમજ આખી સૃષ્ટિને કેટલો લાભ મળે ? વળી, તે માણસ મરી ગયો એટલે પૃથ્વી પરથી તેટલા જ્ઞાનનો નાશ થયો. જો આ પ્રમાણે દરેક માણસે કર્યું હોત તો માણસો આજ આ સ્થિતિમાં ક્યાંથી હોત ? અને આમ છુપા રાખનારાઓ પણ તે હુન્નર ક્યાંથી જાણતા હોય ? આવા વિચારો અને વાતો કરતાં પાછા ઉતારે આવી ચા પીધો. કાશ્મિરી પસ્મિનાની જોવા જાત પણ વખત ન હોવાથી અને તે બનાવટ સાધારણ કાપડની બનાવટ જેવીજ છે એમ અમે સાંભળ્યું હતું તેથી તે જોવા ગયા નહિ.

૩. સાંજના ચાર વાગે અમે મહારાજ ગંજ (ગંજ એટલે મારકેટ) જોવા ગયા. આ જગ્યાએ ચાંદીનાં અને ત્રાંબાંનાં વાસણ વીગેરે પરચુરણ સામાન મળે છે. આ મારકેટ ચણેલી નથી પણ એક ચોકજ છે. જમીન પર નાના મોટા ખરબચડા પથ્થર પડેલા છે જેથી કોઇ પડે તો ડાચું રંગાઇ જાય તેવું છે, તેમાં આમ તેમ આંટા માર્યા, પછી પાળા ચાલી ગામમાં ફરતાં ફરતાં જુમા મસજીદ પાસે આવી પહોંચ્યા. બુટ ઉતારી મસજીદમાં દાખલ થયા. આ મકાન ઘણું વિશાલ છે, પણ કાશ્મીરી રિવાજ પ્રમાણે મરામતની મોટી ખામી છે. આ આલીશાન બાદશાહી દબદબાવાળા મકાનમાં ત્રણ મોટા ખંડ છે. ઓરડાની વચમાં ચિનારના લાકડાના ઊંચા સ્તંભની હાર છે. એક ખંડમાં આવા છાસઠથી વધારે ફીટ લાંબા આઠ થાંભલા છે. આવા ઉંચા લાકડાના થાંભલા હજુ સુધી મેં જોયા નહોતા. આ મસજીદમાં એક સૈયદ રહેતો હતો તેણે કહ્યું કે 'આ મકાન સિકંદર લોદીએ ચણાવેલું છે, અને એક વખત અકબરે મરામત કરાવી ત્યાર પછી કોઇએ આની સંભાળ લીધી નથી.' મસજીદના બારણામાં બે ફારસી લેખ છે પણ અમારામાંથી કોઇને તે ભાષા આવડતી ન હતી તેથી તેમાં શું લખ્યું હતું તે જણાયું નહિ.

૪. આ મકાનની પાસે શાહ આમદાનની જારત છે તે અમે જોવા ગયા. ત્યાં પણ બૂટ ઉતારવા પડે છે. શાહ આમદાન એક મહા પુરુષ થઇ ગયેલા છે. તે જ્યાં બેસતા હતા ત્યાં એક લાકડાની ઓરડી કરેલી છે અને તેની ઉપર અને પાસે દીવાલ પર કેટલાક અરબ્બી ભાષામાં લેખ છે. આ અક્ષરો ત્રાંબાના છે એમ અમે ધાર્યું હતું પણ હાથ ફેરવી જોતાં માલમ પડ્યું કે તે રંગેલા છે.

૫. ગામની શેરીઓમાં ખડબચડા પથ્થર પડેલા છે તેથી ગાડી અથવા ગાડું ચાલી શકે તેમ નથી અને જો ચાલે તો એકનાં બે થાય. વળી રસ્તા ઘણાજ દુર્ગંધવાળા છે. તેથી નાક આડો રૂમાલ રાખી અમારે ચાલવું પડતું. તોપણ વાઈસરૉયને લીધે આ વખતે રસ્તા જરા સાફ રાખવામાં આવ્યા હતા. વાઈસરૉયને લીધે આ ગંદકીનો ખરો અનુભવ નહીં થવાથી અમે તેટલી વાતથી બિનવાકેફ રહી ગયા છીએ. ખરેખરૂં દુર્ભાગ્ય !