કાશ્મીરનો પ્રવાસ/પત્રની શરૂઆત
| ← કાશ્મીરનું સ્વપ્ન | કાશ્મીરનો પ્રવાસ પત્રની શરૂઆત કલાપી |
તા. ૧-૧૧-૯૧ → |
તા. ૨૨ જાન્યુઆરી ૧૮૯૨.
પ્રિય માસ્તર સાહેબ જોશીજી,
આપને કુદરતી લીલાનું અવલોકન કરવાનો શોખ છે, મને પણ કુદરતી કૃતિપર લક્ષ આપી, તેનું વર્ણન લખવામાં આનંદ આવે છે અને કાશ્મીર દેશ કુદરતી ખુબીનો જ સમુદાય છે તેથી તે વિષે આપને કાંઈક લખવું એવી મારી ઇચ્છા છે.
જે રસ્તે અમે શ્રીનગર ગયા હતા તેજ રસ્તેથી પાછા આવ્યા છીએ. તો એકજ દેખાવનું બે વખત વર્ણન આપવું એ નીરસ લાગે છે તેથી પહેલાં શ્રીનગરનું વર્ણન આપી પછી રાવલપિંડી અને શ્રીનગર વચ્ચેના રસ્તામાં જે જે સુંદર દેખાવો આવે છે તેનું વર્ણન આપું છું.
અમે શ્રીનગર ઑક્ટોબરની એકત્રીશમી તારીખે સવારે અગિયાર વાગે પહોંચ્યા. અમારાં વાહન, ગાડી અથવા ઘોડાં નહોતાં પણ અમે એક જાતની હોડીમાં બેઠા હતા. આ હોડીનું તળિયું દરિયામાંની હોડી જેવું હોતું નથી પણ ચપટ હોય છે, કારણકે આ હોડીને જેલમ નદીમાં ચાલવાનું છે હોય અને કોઈ કોઈ ઠેકાણે પાણી છીછરું હોવાને લીધે આવું તળિયું રાખવાની જરૂર છે. હોડી પાણીમાં માત્ર એકાદ વેંત ડૂબતી રહે છે અને ઉપર ઘાસનું છાપરૂં હોય છે, તેથી સખત પવનના ઝપાટાથી અથવા તોફાનથી ઊંધી વળી જવાની ઘણાને ધાસ્તી રહે છે. અમારે સ્હામે પૂર જવાનું હતું. તેથી અમે જ્યાંથી આ હોડીમાં બેઠા ત્યાંથી તેને ખેંચવી પડતી હતી. તેના અગાડીના ભાગમાં એક લાકડું ખોડી રાખે છે અને તેને એક દોરડું બાંધવામાં આવે છે; આ દોરડું ઝાલી હોડીને ખેંચવા માટે ચાર –પાંચ માણસો કિનારે ચાલ્યા જાય છે; અને હોડીને નદીની વચમાં રાખવાને એક માણસ તેના અગાડીના ભાગમાં લાંબો વાંસ લઈ ઉભેલો હોય છે. તે વાંસને તળિયામાં ખોસતો આવે છે અને હોડીને મરજી મુજબ વાળે છે. આ ખલાસીઓને કાશ્મીરમાં માંજી કહે છે અને હોડીને કિસ્તી કહે છે. અમારે આવી કિસ્તીમાં આશરે એંશી માઈલ મુસાફરી કરવાની હતી. એક્માં કુમારશ્રી ગીગાવાળા, હું અને અમારા પાસવાનો હતા, બીજીમાં પ્રાણજીવનભઈ અને એમનાં માણસો, ત્રીજીમાં રસોઇયા અને રસોડાનો સામાન અને ચોથીમાં બધો સામાન અને કેટલાંક માણસો. અકેક કિસ્તીનું દર માસે પંદર રૂપિયા ભાડું ઠરાવેલું હતું.
જે જગ્યાએ અમો કિસ્તીમાં બેઠા ત્યાં અમારી બરદાસ માટે રાજ્ય તરફથી એક બ્રાહ્મણ મોકલવામાં આવ્યો હતો. આવા બ્રાહ્મણો કાશ્મીરમાં ઘણાં છે, અને તેઓ પંડિત કહેવાય છે. જે પંડિત અમારી બરદાસ માટે આવેલ હતો તેનું નામ વાસકાક હતું, પણ પાછળથી અમે એનું નામ કાગવાસ પાડેલું હતું. આ પંડિત અમારી સાથે ચાલ્યો. કિસ્તીવાળાએ કહ્યું કે, જો માંજીલોકો વધારે હશે તો અમે તમને શ્રીનગર એક દિવસ વહેલા પહોંચાડીશું. માંજી લાવવાનું કામ પંડિતને સોંપ્યું. પંડિત ત્રીસચાળીશ માણસોને પકડી લાવ્યો, પણ સવારે તો અમે એકે માંજી જોયો નહિ. બીજે દિવસે પણ એટલાંજ માણસોને પકડી લાવ્યો છતાં સવારે ચાર માણસો રહ્યાં. બીજા ક્યાં ગયાં ? અગાડીને દિવસે લાવેલ માણસમાંથી કામ કરવા એક્કે કેમ ન આવ્યું ? અમે પંડિતને કહ્યું હતું કે અમે એ લોકોને પૈસા આપશું; પણ પંડિતો ગરીબ લોકોને એક પાઈ પરખાવતા નથી. જે લોકોને તે પકડી લાવયો હતો તેમાંના દરેક પાસેથી તેણે પા પા અડધો રૂપિયો લઈ છોડી મૂક્યા. આ લોકો આવી રીતે પંડિતોના ગજવાં શા માટે ભરે છે? રાજ્યમાં કર્તાહર્તા પંડિતો જ છે. તેની સામેની ફરિયાદ કોઈ સાંભળે નહિ. માંજી લોકો ગરીબ અને અણસમજુ છ: તેઓની બિચારા માથે છપ્પનના પાટા પડે છે. તેઓની સ્થિતિ ગુલામ કરતાં પણ વધારે ખરાબ છે. પંડિતો તેઓને વેઠે કામ કરાવે છે, કામ ન કરે તો માર મારે છે. આવો એક માંજી અમારી હોડી ખેંચતો હતો તેણે અમને આ બધી વાત કરી. એ સિવાય પણ આ વાત સાચી માનવાને અમને ઘણાં કારણો મળ્યાં હતાં. એક વખત તો અમે માંજી લોકોને ભાગી જતાં, આ પંડિતને તેની પાછળ પડતાં, અને માર મારતાં નજરે જોયો. ત્યાર પછી અમે પંડિતને કહી દીધું કે હવેથી કોઈ માંજીને લાવવો નહિં; અને અમારૂં કામ કરવા આણેલા બિચારા ગરીબ માંજીઓને ખુશી કરી ઘેર જવા દીધા.
શ્રીનગરના ધોરી રસ્તા, એ જેલમ નદી અને તેના ફાંટા છે. આથી ગાડી અને ઘોડાને બદલે રંગેલી કિસ્તીનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે શ્રીનગરને કુદરતી બક્ષીસ ઘણી સારી મળેલી છે; તોપણ ત્યાંના રહેવાસી ગંદા, ગરીબ અને જંગલી જેવા હોવાને લીધે તેનો ઉપયોગ કેમ કરવો તે સમજતા નથી. શેહેર ઘણું જ ગંદું છે. સ્વચ્છતા એટલે શું, એ થોડા જ સમજે છે. ગરીબનાં ઝૂંપડા, તવંગરના ઘર, તેમજ મહારાજાના મહેલપર નળિઆંને બદલે ઘાસથી છવાએલાં માટીનાં છાપરાં હોય છે; તફાવત માત્ર એટલોજ છે કે શ્રીમંત લોકો ઘાસ કપાવી લીલા ગાલીચા જેવા છાપરાનો દેખાવ રાખે છે અને ગરીબ લોકો તેમ કરી શકતા નથી. મહારાજાની કિસ્તી પણ વગર રંગેલી અને ગંદી હોય છે. તો પછી ગરીબ માંજીની શી વાત કરવી ? ઘરને કોઈ પણ મરામત કરાવતું નથી, તેથી શહેર ખંડેર જેવું દેખાય છે.
શ્રીનગરમાં ૧,૦૦,૦૦૦ માણસની વસ્તી છે, તેમાં બે ભાગ મુસલમાનના છે, અને એક પંડિતનો છે. સ્ત્રી પુરુષો ઘણાં ખૂબસુરત, દેખાવડાં અને કદાવર છે પણ શરીર અને કપડાં હમેંશા ગંદા જ હોય છે. મુસલમાન વર્ગ વેપાર અને બીજાં કામ કરી રોજગાર ચલાવે છે. મુસલમાનનો થોડો જ ભાગ રાજ્યકારભારમાં નોકરી પર છે, કારણ કે સત્તા પંડિતોના બાપની જ છે. ઈશ્વરકૃપાથી હવે તે સત્તામાં દિનપ્રતિદિન ઘટાડો થતો જાય છે.
કાશ્મીરના મહારાજા પ્રતાપસિંહજીનો કામકાજમાં અભિપ્રાય પૂછવામાં આવે છે, અને એમના જ હુકમથી રાજ્યનો બધો કારભાર ચાલે છે એવો દેખાવ મહારાજાના નાનાભાઈ અમરસિંહજીએ રાખ્યો છે. પણ કર્તાહર્તા એક કાઉન્સિલ છે. કાઉન્સીલના પ્રેસિડન્ટ અમરસિંહજી છે. ખુદ મહારાજા રાજ્યમાં ઘણું થોડું ધ્યાન આપે છે. અહીં ગવર્મેંટ તરફથી એક રેસિડેન્ટ રહે છે, એમની પણ રાજ્યમાં સારી સત્તા છે. મહારાજાના બીજા ભાઈ રામસિંહજી જે અમરસિંહ કરતાં મોટા છે તે સેનાધિપતિ છે. પોતાના લશ્કરી કામ સિવાય બીજા કોઈ કામમાં વચ્ચે પડતા નથી.
કાશ્મીરમાં દરેક માણસ પારસીના ગોર (દસ્તુર) જેવી સફેદ પાઘડી બાંધે છે. વિવાહ પ્રસંગમાં પણ આ રંગ બદલાતો નથી. વરલાડ્ડો પણ તે જ રંગની અને તેવીજ પાઘડી બાંધે છે. સાધારણ માણસો સુરવાલ પહેરે છે. શરીર પર બદન અને તેના પર એક લાંબો, પગની ઘૂંટી સુધી નીચે લટકતો જભ્ભો પહેરે છે. આ ઝભ્ભાની બ્હાં ઘણી લાંબી અને પકતી હોય છે, તેથી હાથ બીલકુલ બહાર દેખાતા નથી. કામ કરવું હોય ત્યારે બ્હાંને ઉંચીને ઊંચી ચડાવી બેવડી કરી લે છે. કેટલાએક પંડિતો સુરવાલ પહેરે છે અને ઘણા માત્ર લંગોટી જ રાખે છે, કેમકે ઝભ્ભો ઘણોજ લાંબો હોય છે. હવે કેટલીક જગ્યાએ કોટ–પાટલૂન પણ નજરે પડે છે. સ્ત્રીઓ પુરુષ જેવાં જ કપડાં પહેરે છે, પણ માથે એક સફેદ વહોરાના જેવી ટોપી ઘાલે છે. આ અતિશય બેડોળ લાગે છે. ઘરેણાં બહુ જ થોડાં રાખે છે.
શ્રીનગરની હવા વિલાયતના જેવી છે. કેટલાકનું મત એવું છે કે મદિરાપાન કાશ્મીરમાં ન કરે તો માણસને હરકત થાય, અને માણસ હંમેશા નાહી શકે નહિ. આમ કહેનારા દારૂના શોખી, આળસુ કે અજાણ્યા જ હોવા જોઈએ. વિલાયતમાં તેમજ કાશ્મીરમાં એવાં માણસો ઘણાં છે કે જે મદિરાનો સ્પર્શ પણ કદી કરતા નથી. અમે હમેશાં નિયમસર કાશ્મીરમાં વગર હરકતે નાહી શકતા, મદિરા પીવાની કોઈ પણ વખતે કોઈને જરૂર પડી નહોતી અને આનંદથી બહાર હરીફરી શકતા હતા.
કાશ્મીરમાં મુસાફરી કરનારા માણસને કઈ કઈ બાબતની જરૂર પડે છે તે અમે પૂરૂં જાણી શક્યા નથી, કારણ કે અમે કાશ્મીરનો ઘણો જ થોડો ભાગ જોઈ શક્યા હતા : તોપણ અમને નીચેની વસ્તુઓની ઘણી જરૂર પડી હતી :-
- ૧—ગરમ કપડાં, ઓઢવાને શાલો અથવા બંડુસ.
- ૨—સંકેલાય તેવા પલંગો અને નાનાં પાતળાં ગાદલાં
- ૩—પાયખાનાનો તંબુ. જે માણસ હૉટલ અથવા ડૉક બંગલામાં ન ખાઇ શક્તો હોય તેણે એક બીજો રસોડાનો તંબુ પણ રાખવો જોઈએ. એક બે દિવસનું સીધું પણ સાથે જ રાખવાની જરૂર છે. દરેક મુકામે મજાના ડૉક બંગલા છે. તેમાં હૉટલની માફક જ જમવાની અને રહેવાની સારી સોઈ છે. જ્યાંથી જેલમ નદી પર કિસ્તીમાં મુસાફરી કરવી પડે છે ત્યાંથી સીધું સાથે રાખવાની ઘણી જ જરૂર છે. માંજીલોકો ઘણાજ સારા માણસો છે. નોકર કરતાં પણ વિશેષ આજ્ઞાંકિત છે. વળી ભલા અને હાથના ચોખ્ખા છે. આ લોકો મુસલમાન છે, અને રાંધી પણ આપે છે. જેને મુસલમાનના હાથે રાંધેલું ન ખપતું હોય તેણે રસોઇઆ સાથે રાખવા જોઈએ.
- ૪—કાશ્મીરમાં અમે ભેંશો ક્યાંય જોઈ નહિ. દૂધ ગાયોનું મળે છે. ઘી અને માખણ આળા ચામડામાં ભરી રાખે છે તેથી ઘણાં જ ખરાબ, કડવાં અને દુર્ગંધી હોય છે. અમને ઘી અને માખણ વિના ઘણી અડચણ પડી હતી. કાશ્મીરમાં દરેક દરેક મુસાફરે આ બે ચીજો હમેશાં સાથે રાખવી.
રાવળપીંડીથી બારામુલ્લાં સુધી ટાંગા ભાડે મળી શકે છે. આ ઉત્તમ વાહન છે, તે અમને મળી શક્યું નહિ, કારણ કે વાયસરૉયને માટે બધા ટાંગા રાખેલાં હતા. અમે ફેટન ગાડીમાં બારમુલ્લાં સુધી ગયા. સામાન અને માણસોને માટે એકા ભાડે કર્યા હતા, આ એકાનાં ટટ્ટુ ઘણાંજ ખરાબ હોય છે; એકા નાના અને ખળભળી ગયેલ હોય છે, અને હાંકનાર બેદરકાર હોય છે. જો સામાન પંદર અથવા સોળ દિવસ અગાડીથી ચડાવી શકાય તેમ હોય તો ગાડાં અથવા કરાંચીઓ પણ મળે છે. આ કરાંચીના બળદોને રાશ હોતી નથી, પણ હાંકનાર લાકડીથી બળદને ડાબી જમણી તરફ વાળે છે. પર્વત પરના આડાઅવળા અને સાંકડા રસ્તામાં આ ભયંકર છે.
કાશ્મીરમાં જવાનો ખરો વખત વસંત જ છે. એ ઋતુમાં હિમાલયમાંથી ઊતરતી, પછડાતી, ઉછળતી નદીઓ ઘણા જ જોસથી વહે છે. પર્વતો ઝરણથી છલકાતા દેખાય છે. ડુંગરો અને ખીણોપર વનસ્પતિના ગાલીચા પથરાઈ ગયેલા હોય છે. વળી ટાઢ પણ ઓછી હોય છે. જે ઋતુમાં અમે કાશ્મીરમાં ગયા તેમાં ફળફ્લાદિ ઊલી ગયાં હતાં, અને ઠંડી પણ સખત હતી. વાઈસરૉય તે જ વખતે કાશ્મીર હતા તેથી અમારા ધારવા પ્રમાણે અમે જઈ શક્યા નહિ. રાવળપીંડીમાં અમારે લગભગ બાર દિવસ પડ્યું રહેવું પડ્યું. અમારે આખો હિન્દુસ્તાન છ માસમાં જોવાનો હતો અને કાશ્મીરમાં ઘણી ટાઢ હોવાને લીધે અમને વધારે રોકાવું અને વધારે જોવું પરવડ્યું નહિ. આમ થવાથી અમે નાગાપર્વત, માનસબલ, માર્તંડ, અવંતિપુરનાં મંદિરો, અનંગનાથ, ઇસ્લામાબાદ અને પૃથ્વીના સ્વર્ગ જેવા કાશ્મીર દેશના એવાજ બીજા અતિ રમણીય પ્રદેશો જોઈ શક્યા નહિ.
કાશ્મીરની ખૂબસૂરતી અને મુસીબતો વિષે અમે જેવું વાંચ્યું હતું અને તેથી અમારા મનમાં જેવી કલ્પના હતી તેવું અમે અનુભવ્યું નહિ, તોપણ એ દેશ સ્વર્ગનું પ્રતિબિંબ છે અને ત્યાં જવું કઠિન અને જરા જોખમ ભરેલું છે તેમાં તો કાંઈ શક જ નથી. અલબત મુસીબત વિના સ્વર્ગનાં દર્શન ક્યાંથી થાય ?[૧]ખૂબસુરતી ઓછી લાગી તેનું કારણ એટલું જ હશે કે અમે ગયા તે સારી ઋતુ નહોતી. અમે બહુ જ થોડું જોયું અને જે કાંઈ જોયું તે પણ ઉતાવળથી. મુસીબત ઓછી પડી તેનું કારણ એ જ કે વાઈસરૉયને લીધે રસ્તા ઘણી સારી સ્થિતિમાં હતા. વળી જે સડક પર અમે ચાલ્યા હતા તે નવી બાંધેલી હતી. અમે કેટલાક દેખાવો એવા જોયા કે જે કલ્પનામાં અગાડી નહોતા, અને મુસીબતો પણ એટલી ભોગવવી પડી કે જેથી બે ત્રણ જીવની હાનિ થાત. ગમે તેમ હોય તોપણ મને તો એમજ લાગ્યું કે, કોઈ પણ સારી અથવા ખરાબ બાબતનો, ભોક્તા થયા પહેલાં જે વિચાર હોય છે તેમાં ભોક્તા થયા પછી ઘણો જ ઘટાડો થાય છે.+ અહીંની ભાષા જુદી જ છે. હિંદુસ્તાની ભાષા ઘણા માણસો સમજી શકે છે. રાજ્યનું દફતર ફારસી ભાષામાં રાખવામાં આવે છે.
- ↑ * એ વાક્ય વાંચી મને બંગાલી બાઈ શ્રી તોરૂદત્તે આવો જ વિચાર,
પેાતે લખેલી ‘The Royal Ascetic and the Hind’ એટલે
‘રાજર્ષિ અને મૃગી’ નામની કવિતામાં બતાવેલ છે તે યાદ આવ્યો છે,
તેમાંથી નીચેનો ફકરો આપણા અંગ્રેજી જાણનારા વાંચકોને માટે દાખલ
કરું છું :
“Not in seclusion, not apart from all,
Not in a place elected for its peace,
But in the heat and bustle of the world,
‘Mid sorrow, sickness, suffering and sin
Must he still labour with a loving soul
Who strives to enter thro' the narrow gate.”એ બંગાલી બાઈ આ દેશમાં પેદા થયેલાં સ્ત્રીરત્નોમાં પહેલો નંબર પામે એવાં વિલક્ષણ બુદ્ધિવાળાં હતાં. અમારા દુર્ભાગ્યે એ પૂરાં વીશ વર્ષ જીવવા પામ્યાં નહિ, તોપણ આટલી નાની ઉંમરમાં બંગાલી, સંસ્કૃત વગેરે દેશી ભાષામાં તેમ જ અંગ્રેજી ભાષામાં ‘Sheaf gleaned from French Field' વગેરે જેવા પંડિતમાન્ય, સરસ અને માર્મિક મોટા ગ્રંથો તેણે લખેલા છે.
N. B. J.