કિલ્લોલ/નીંદરવિહોણી

વિકિસ્રોતમાંથી
←  નીંદરચોર કિલ્લોલ
નીંદરવિહોણી
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૯
ચાંદરડા  →



નીંદર-વિહોણી


જરીક બેની ઝંપ્યાં'તાં
ને રોણાં એનાં થંભ્યાં'તાં,
પોઢાડીને માતા પાણી પરવાર્યાં.

માડી પાછાં આવે છે
ને ઘરનાં બાર ઉઘાડે છે,
ઘર વચ્ચે બેનડ બા દોટો દઇ રહ્યાં !

ક્યાં ગઈ તારી નીંદરડી !
ને છોડી છો કે ઉંદરડી !
પાંપણને ક્યમ પલનો પોરો નહિ મળે !

કોણ મળ્યાં'તાં ધૂતારાં
ને કોણ મળ્યાં'તાં લૂટારાં !
કોણ અદેખાં સ્વપનાં તારાં હરી ગયાં !

ચાંદો સૂરજ ધૂતારા,
ને વનનાં પંખી લૂટારાં,

ઝાડ અદેખાં સ્વપનાં મારાં હરી ગયાં.