કિલ્લોલ/રાતાં ફુલ
Appearance
< કિલ્લોલ
← હાલો ગલૂડાં રમાડવા | કિલ્લોલ રાતાં ફુલ ઝવેરચંદ મેઘાણી ૧૯૨૯ |
ઘૂઘરો → |
એક ઝાડ માથે ઝૂમખડું,
ઝૂમખડે રાતાં ફુલ
ભમર રે રંગ ડોલરિયો.
એક ડાળ માથે પોપટડો
પોપટડે રાતી ચાંચ
ભમર રે રંગ ડોલરિયો.
એક પાળ્ય માથે પારેવડું,
પારવડે રાતી આંખ
ભમર રે રંગ ડોલરિયો.
એક મ્હેલ માથે મરગલડો
મરગલડે માંજર લાલ
ભમર રે રંગ ડોલરિયો.
એક નાર માથે ચુંદલડી,
ચુંદડીએ રાતી ભાત્ય
એક માત હાથે બાળકડું,
બાળકના રાતા ગાલ
ભમર રે રંગ ડોલરિયો.
એક બ્હેન માથે સેંથલીયો,
સેંથલડે લાલ હીંગોળ
ભમર રે રંગ ડોલરિયો.
એક ગોખ માથે ભાભલડી,
ભાભજના રાતા દાંત
ભમર રે રંગ ડોલરિયો.
એક પ્હાડ માથે પાવળિયો,
પાવળિયે લાલ સીંદોર
ભમર રે રંગ ડોલરિયો.
એક આભ માથે ચાંદરડું,
ચાંદરડે રાતાં તેજ
ભમર રે રંગ ડોલરિયો.
એક સમુદ્ર કાંઠે સાંજલડી,
સાંજડીએ રાતા હોજ
ભમર રે રંગ ડોલરિયો.