કિલ્લોલ/સાગર રાણો

વિકિસ્રોતમાંથી
← સોણલાં કિલ્લોલ
સાગર રાણો
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૯
ધીરા વાજો →


સાગર રાણો


માળા ગૂંથી ગૂંથી લાવે
સાગર રાણો ફુલડાં ગૂંથી ગૂંથી લાવે.

ધરતીને હૈયે પે'રાવે
સાગર રાણો ફુલડાં ગૂંથી ગૂંથી લાવે.

આઘે આઘે એની અનુપમ વાડી,
ચાંદો સૂરજ રૂડા રાખ્યા બે માળી,

વિધ વિધ વેલડી વાવે
સાગર રાણો ફુલડાં ગૂંથી ગૂંથી લાવે–માળા૦

ઉંડે પાતાળે ગાળ્યા એણે ક્યારા,
રોપ્યા રાતલડીના રંગત તારા,

નવલખ નદીઓ સીંચાવે
સાગર રાણો ફુલડાં ગૂંથી ગૂંથી લાવે–માલા૦


સોનલ ફુલડે સવાર મલકતાં,
સંધ્યાના થાળ ગુલાબે છલકતા,

રજનીમાં ડોલર આવે
સાગર રાણો ફુલડાં ગૂંથી ગૂંથી લાવે–માળા૦

રાત દિવસ બીજાં કામ ન ફાવે,
ગાંડો પિયુજી લાખો ગેંદ ગુંથાવે,

જૂજવાં રંગ મિલાવે
સાગર રાણો ફુલડાં ગૂંથી ગૂંથી લાવે–માળા૦

રીસભરી ધરણી નવ રીઝે,
સ્વામીનાં દાન ત્રોડી ત્રોડી ખીજે,

દરિયો વિલાપ ગજાવે
સાગર રાણો ફુલડાં ગૂંથી ગૂંથી લાવે–માળા૦

યુગ યુગના અણભંગ અબોલા,
સૂના સાગર કેરા હૈયા-હીંડોળા,

ગરીબડો થઈને બોલાવે
સાગર રાણો ફુલડાં ગૂંથી ગૂંથી લાવે–માળા૦


કરૂણાળુ બોલ કહાવે
સાગર રાણો ફુલડાં ગૂંથી ગૂંથી લાવે.

ગેબીલા શબદ સૂણાવે
સાગર રાણો ફુલડાં ગૂંથી ગૂંથી લાવે.

ચરણ ચૂમી ચૂમી ગાવે
સાગર રાણો ફુલડાં ગૂંથી ગૂંથી લાવે.

માલા ગૂંથી ગૂંથી લાવે
સાગર રાણો ફુલડાં ગૂંથી ગૂંથી લાવે.

ધરતીને હૈયે પેરાવે
સાગર રાણો ફુલડાં ગૂંથી ગૂંથી લાવે.