કિલ્લોલ/સોણલાં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વનરાજનું હાલરડું કિલ્લોલ
સોણલાં
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૯
સાગર રાણો →
સોણલાં : ૧


સોણલાં લાવ્યે રે
હો સોણલાં લાવ્યે રે !
વીરાને પારણે ઝુલાવા નીંદરડી !
સોણલાં લાવ્યે રે !

હંસલા લાવ્યે રે !
હો હંસલા લાવ્યે રે !
વીરાને માનસરોવર ઝીલવા જાવું,
હંસલા લાવ્યે રે;
બાંધવને સ્વાર બની આસમાનમાં જાવું,
હંસલા લાવ્યે રે–સોણલાં૦

વાદળી લાવ્યે રે!
હો વાદળી લાવ્યે રે!
વીરાને આભની વાટે છાંયડી દેતી
વાદળી લાવ્યે રે!
બાંધવને મૂખડે શીતળ છાંટણાં દેતી
વાદળી લાવ્યે રે –સોણલાં૦

મોરલા લાવ્યે રે
હો મોરલા લાવ્યે રે!
વીરાને વીંઝણા ઢોળણ બાર કળાયલ
મોરલા લાવ્યે રે!
વીરાને ગીત સુણાવણ ઢેલડી સોતા
મોરલા લાવ્યે રે –સોણલાં૦

તારલા લાવ્યે રે
હો તારલા લાવ્યે રે!
વીરાને વાટ અંધારી દીવડા થાવા
તારલા લાવ્યે રે!
બાંધવને રંગબેરંગી તેજમાં ના'વા
તારલા લાવ્યે રે –સોણલાં૦

વીજળી લાવ્યે રે
હો વીજળી લાવ્યે રે!
વીરાને હીરલે મઢ્યા હાર પેરાવણ
વીજળી લાવ્યે રે!
બાંધવને સમશેરોના ખેલ શીખાવણ
વીજળી લાવ્યે રે — સોણલાં૦
સોણલાં : ૨


સોણલાં લાવ્યે રે
હો સોણલાં લાવ્યે રે!
વીરાને પારણે ઝુલાવા નીંદરડી!
સોણલાં લાવ્યે રે!

ઘોડલી લાવ્યે રે
હો ઘોડલી લાવ્યે રે!
વીરાને ઘૂમવાને ઘમસાણ
પાંચાળી ઘોડલી લાવ્યે રે!
બાંધવને વીંધવા ડુંગર માળ
દેવાંગી ઘોડલી લાવ્યે રે – સોણલાં૦

સાંકળી લાવ્યે રે
હો સાંકળી લાવ્યે રે!
વીરાને છાતીએ ટંકાવા
લોખંડી સાંકળી લાવ્યે રે!
બાંધવને બાવડે બંધાવા
વજ્જરની સાંકળી લાવ્યે રે – સોણલાં૦

પાઘડી લાવ્યે રે
હો પાઘડી લાવ્યે રે!
વીરાને ઝીલવા ઝાઝા ઘાવ
પેચાળી પાઘડી લાવ્યે રે !
બાંધવને ખાળવા તાતા તાવ
જાડેરી પાઘડી લાવ્યે રે – સોણલાં૦

નીમચો લાવ્યે રે
હો નીમચો લાવ્યે રે !
વીરાને તરવારોની તાળીઓ દેવા
નીમચો લાવ્યે રે!
બાંધવને વેરીઓ કેરાં માથડાં લેવા
નીમચો લાવ્યે રે – સોણલાં૦

કંકુ લાવ્યે રે
હો હીંગળો લાવ્યે રે!
વીરાને ચાંદલા ચોડી વારણાં લેવા
કંકુ લાવ્યે રે!
બાંધવને ચોખલા ચોડી મીઠડાં લેવા
હીંગળો લાવ્યે રે – સોણલાં૦

ઢોલ ધ્રૂસાવ્યે રે
હો ઢોલ ધ્રૂસાવ્યે રે!
વીરાને શૂરઘેરી શરણાઇ સંગાથે
ઢોલ ધ્રૂસાવ્યે રે!
બાંધવને સીંધુડાના શોર સંગાથે
ઢોલ ધ્રૂસાવ્યે રે – સોણલાં૦
સોણલાં : ૩


સોણલાં લાવ્યે રે
હો સોણલાં લાવ્યે રે !
વીરાને પારણે ઝુલાવા નીંદરડી !
સોણલાં લાવ્યે રે !

લાડડી લાવ્યે રે
હો લાડડી લાવ્યે રે!
વીરાને લાલ સીંદોરા ચોડવા થાપા
લાડડી લાવ્યે રે !
બાંધવને ભેટ કસી તરવાર બંધાવા
લાડડી લાવ્યે રે –સોણલાં૦

લાડડી લાવ્યે રે
હો લાડડી લાવ્યે રે !
વીરાને પડખેથી પડકાર દેનારી
લાડડી લાવ્યે રે !
બાંધવની આડડે ઉભી ઘાવ લેનારી
લાડડી લાવ્યે રે – સોણલાં૦

બેનડી લાવ્યે રે
હો બેનડી લાવ્યે રે !
ભાભીના ઘોર અંબોડા વાળવા
વ્હાલી બેનડી લાવ્યે રે !
ભાભીની રણહાકે રાગ પૂરવા
બાળી બેનડી લાવ્યે રે – સોણલાં૦

બેનડી લાવ્યે રે
હો બેનડી લાવ્યે રે !
વીરાને શોષ વેળાએ ટોયલી ટોવા
બેનડી લાવ્યે રે!
બાંધવને જખ્મો ઉપર બાંધવા પાટા
બેનડી લાવ્યે રે – સોણલાં૦

ગોઠીયા લાવ્યે રે
હો ગોઠીયા લાવ્યે રે!
વીરાને સાથ ચિતામાં પોઢનારા
પાંચ ગોઠીયા લાવ્યે રે !
બાંધવની બાંય ભેળા બાંય બાંધનારા
બાર ગોઠીયા લાવ્યે રે – સોણલાં૦

માવડી લાવ્યે રે
હો માવડી લાવ્યે રે!
વીરાને સોડમ ઓઢાડી આગ મેલાવણ
માવડી લાવ્યે રે!
બાંધવને બાળતાં જેનાં છૂટિયાં ધાવણ
માવડી લાવ્યે રે – સોણલાં૦