લખાણ પર જાઓ

કિલ્લોલ/ નીંદરને સાદ

વિકિસ્રોતમાંથી
←  હાલરડું વાલું કિલ્લોલ
નીંદરને સાદ
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૯
વનરાજનું હાલરડું →



નીંદરને સાદ

હું તો સાદ પાડી પાડી શોધી રહી,
નીંદર ! આવો રે મારા ભઇલાની સેજ !
નીંદરડી ! વીરો મારો સૂતો નથી !

તમે કોણ રાજાની મોલાતે રહો ?
કોની કુંવરીના તાણો ફુલ-હીંડોળ !
નીંદરડી ! વીર મારો સૂતો નથી.

હું તો રાજાના મોલુંમાં રહેતી નથી,
નવ તાણું રે કો'ના ફુલ-હિંડોળ !
નીંદરડી ! વીર મારો સૂતો નથી.

હું તો ઝૂંપડે ઝૂલાવું પારણીયાં,
હું તો હીંચોળું થાક્યાં દીનનાં બાળ;
નીંદરડી ! વીર મારો સૂતો નથી.

મીઠાં પંપાળું ભૂખ્યાં તરસ્યાંના બાળ;
નીંદરડી ! વીર મારો સૂતો નથી.

તમે કોણ સરોવરે સંચરતાં ?
તમને વ્હાલા રે કોના નૌકા-વિહાર
નીંદરડી ! વીર મારો સૂતો નથી.

હું તો નવ રે સરોવરે સંચરતી,
નથી વહાલા રે મને નૌકા–વિહાર
નીંદરડી ! વીર મારો સૂતો નથી.

હું તો ઘોર સાગરમાં ઘૂમી રહી,
મુને વહાલાં રે વાવાઝોડાંનાં વ્હાણ
નીંદરડી ! વીર મારો સૂતો નથી.

હું તો મેઘલી રાતને મધ દરિયે
પ્રીતે પોઢાડું વ્હાણવટીઓનાં બાળ
નીંદરડી ! વીર મારો સૂતો નથી.

મીઠાં ઉંઘાડું કો' ખલાસીનાં બાળ
નીંદરડી ! વીર મારો સૂતો નથી.

તમે કોણ બગીચાની લહેર લીયો?
કેવાં માણો રે મેના મોરનાં ગીત
નીંદરડી ! વીર મારો સૂતો નથી.

હું તો મને લ્હેર બગીચાની લેતી નથી,
નથી ગમતાં રે મેના મોરનાં ગીત !
નીંદરડી ! વીર મારો સૂતો નથી.

હું તો વીંઝુ છું નિરજન રણવગડા,
મુને વહાલી રે સિંહ વાઘની ત્રાડ
નીંદરડી ! વીર મારો સૂતો નથી.

હું તો કાળા બપોરની પગ બળતી,
પ્રીતે પોઢાડું ગોવાળીડાનાં બાળ
નીંદરડી ! વીર મારો સૂતો નથી.

સુખે સૂવાડું થાક્યાં ખેડુનાં બાળ
નીંદરડી ! વીર મારો સૂતો નથી.

તમે શોખીલાં શાની રસોઇ તણાં?
તમે જમતાં રે કેના બતરીસા થાળ
નીંદરડી ! વીર મારો સૂતો નથી.

મુંને શોખ ન મીઠી રસોઇ તણો,
નથી ખપતા રે મારે બતરીસા થાળ,
નીંદરડી ! વીર મારો સૂતો નથી.

મુંને મીઠી લાગે રોટી રંક તણી,
મુંને વહાલી રે એની આછેરી રાબ !
નીંદરડી ! વીર મારો સૂતો નથી.

હું તો સાદ પાડીને શોધી રહી,
નીંદર ! આવો રે મારા ભાઇલાની સેજ !
નીંદરડી ! વીરો મારો સૂતો નથી.