કિલ્લોલ/હાલરડું વાલું

વિકિસ્રોતમાંથી
←  ચાંદરડા કિલ્લોલ
હાલરડું વાલું
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૯
નીંદરને સાદ  →



હાલરડું વાલું

વાલીડા વીરનું હાલરડું વાલું !
હૈયાના હીરનું હાલરડું વાલું !

ઉંઘી જા ઝટ
પોઢી જા પટ
તને દેખાડું સોણલું રૂપાળું
હો વીરનું હાલરડું વાલું ! – વાલીડા૦

તારૂં પારણીયું સાફ ને સુંવાળું
હો વીરનું હાલરડું વાલું ! – વાલીડા૦

વ્હાણે ચડીને વીર ! બાપુજી આપણા
પોગ્યા છે સમદર – પારે રે,
આઘા પરદેશની વિદ્યા આણીને
આપણે દેશ ઉતારે
હો વીરનું હાલરડું વાલું ! – વાલીડા૦

ઉંચા તે આભમાં કેડા રે કાઢવા
બાપૂજી ઉડતા વિમાને રે;
વીંઝે છે વાદળાં ને માપે છે તારલા
દેવા ઇલમ દુનિયાને
હો વીરનું હાલરડું વાલું – વાલીડા૦

તારાં પોઢણ લાલ હીંગોળે પારણે
પીવાનાં દૂધ તારે મીઠાં રે;
બાપુને આજ મેં તો ભૂખ્યા ઉજાગરે
ધૂમંતા સોણલામાં દીઠા
હો વીરનું હાલરડું વાલું – વાલીડા૦

તારે પ્હેરણ વીર ! ઉન કેરી આંગડી
ઓઢવાને શાલ દુશાલા રે;
ઓતરા રે ખંડના હિમાળા કેડલા
કાઢતા હશે બાપુ વાલા
હો વીરનું હાલરડું વાલું – વાલીડા૦

શેરીના માનવી શું જાણે મુરખાં !
કીધા કરે છે તને નાનો રે;

વેલો ઉઠીને કાલ્ય કટ કટ હાંકજે
બાપુનાં વ્હાણ ને વિમાનો
હો વીરનું હાલરડું વાલું – વાલીડા૦

ટણણણ રણઝણ ટોકરીઓ વાગે ને
ગમમમ આસમાન ગાજે રે;
જૂઠી જૂઠી જરીક બીડી જા આંખડી !
બાપુ આવે છે ધેર આજે
હો વીરનું હાલરડું વાલું.

ઉંઘી જા ઝટ
પોઢી જા પટ
તને દેખાડું સોણલું રૂપાળું
હો વીરનું હાલરડું વાલું.

વાલીડા વીરનું હાલરડું વાલું !
હૈયાના હીરનું હાલરડું વાલું !