કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/મહાપ્રજાપતિ ગૌતમી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← માયાદેવી કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
મહાપ્રજાપતિ ગૌતમી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
ગોપા (યશોધરા) →


४–महाप्रजापति गौतमी

પવિત્ર સન્નારીનો જન્મ ગૌતમબુદ્ધના જન્મનાં થોડાંક વર્ષ પૂર્વે કોળિયા દેશની રાજધાની દેવદહ (દેવદૃષ્ટ) નામના નગરમાં શાક્યવંશના મહાસુપ્રબુદ્ધને ત્યાં થયો હતો. એમનું ગોત્ર ગૌતમ હોવાથી, એ ગૌતમી નામથી પ્રસિદ્ધ થયાં છે. પૂર્વ જન્મનાં સત્કર્મોને લીધે બાલ્યાવસ્થાથીજ એમનો સ્વભાવ ઘણો સારો હતો. સદાચાર અને કર્તવ્યપરાયણતા એ એમના વિશેષ ગુણ હતા. બુદ્ધદેવનાં માતા માયાવતી એમનાં મોટાં બહેન થાય. જન્મ સમયે બન્ને બહેનોનાં શરીર ઉપર શુભચિહ્‌નો જણાયાં હતાં. જ્યોતીષ અને સામુદ્રિક જાણનારા વિદ્વાન બ્રાહ્મણોએ બન્નેના જન્માક્ષર બનાવીને ભવિષ્યવાણી કહી હતી કે, “એમનાં સંતાન ચક્રવતીં રાજા થશે, પછી ભલે એ મનુષ્યોના પાર્થિવ રાજ્યના કે એમના હૃદયસામ્રાજ્યના રાજા થાય.”

દેવદહ નગરની પાસે રોહિણી નદીને કિનારે કપિલવસ્તુ નામના નગરમાં શુદ્ધોદન નામનો રાજા રાજ્ય કરતો હતો. તેની સાથે ગૌતમી અને તેમનાં બહેન માયાવતીનાં લગ્ન થયાં. વૈશાખ સુદિ પૂર્ણિમાના પુણ્ય દિવસે માયાવતીએ નેપાળની તરાઈમાં લૂંબિની નામક બગીચામાં બુદ્ધદેવને જન્મ આપ્યો. સુવાવડમાં સાતમે દિવસેજ માયાદેવીનું મૃત્યુ થયું. રાજાને હવે ઘણી મોટી ચિંતા થવા લાગી. જે પુત્રના જન્મ સમયે ત્રષિઓએ ઘણી મોટી મોટી આશા બંધાવી હતી, જેનામાં અસંખ્ય શુભ લક્ષણો બતાવ્યાં હતાં, તેની માતા પરલોક સિધાવી. હવે એને ઉછેરવાને માટે સ્નેહાળ, રાગદ્વેષ વગરની, ચતુર, શાંત અને માતૃપદ લેવાને તૈયાર એવી સ્ત્રી ક્યાં ખોળવી ? એના વિચારમાં રાજા નિમગ્ન થયો. મહાપ્રજાપતિ ગૌતમીને એજ સમયમાં નંદ નામનો પુત્ર સાંપડ્યો હતો, એટલે એ પણ નવરાં નહોતાં. માયાદેવીના મૃત્યુ પછી એમને ‘અગ્રમહિષી’, ‘મહાપ્રજાપતિ’ અને ‘પટરાણી’નું પદ પ્રાપ્ત થયું હતું, એટલે ઘરસંસારની જવાબદારી પણ વધી હતી; પરંતુ સ્વર્ગવાસી બહેન ઉપર એમને નિઃસ્વાર્થ પ્રેમ હતો. વળી પતિની મૂંઝવણ પણ એ પતિવ્રતા સમજી શક્યાં હતાં. બોધિસત્ત્વ જેવા ઉજ્જવળ ભવિષ્યવાળા કુમારને ઉછેરવાનો અને મોટી બહેનના પ્રેમનો બદલો વાળવાનો પ્રસંગ પ્રાપ્ત થયો તો એને કદી પણ પાછો ન ઠેલવો જોઈએ એવો ઉદાર વિચાર કરીને એ પરોપકારી રાણીએ પોતાના પુત્રને એક વિશ્વાસુ દાઈને સોંપી દીધો અને બહેનના પુત્ર ગૌતમને સ્તનપાન કરાવવાનું તથા ઉછેરવાનું પોતે માથે લીધું. ઘણા લાડપૂર્વક પોતાના પેટનું જ સંતાન હોય એ પ્રમાણે એમણે બુદ્ધદેવનું અત્યંત પ્રેમ સહિત લાલનપાલન કર્યું. બાળકમાં અનેક શુભ સંસ્કાર એમણે પોતાના શિક્ષણ અને સહવાસથી દાખલ કર્યા. પ્રૉફેસર ભાગવત વ્યાજબી લખે છે કે, “ગૌતમની પાછલી વયમાં જ્ઞાનલાલસા, દયા, ઉત્સાહ, બુદ્ધિની તીવ્રતા, ઉદ્યોગ, વિશદ દૃષ્ટિ, કાર્યદક્ષતા, નેતા બનવાની કુશળતા વગેરે જે ગુણો જણાયા હતા, તેનું મોટું શ્રેય ગૌતમીનેજ હતું.”

બુદ્ધદેવ સંસારત્યાગ કરીને વનવાસી બન્યા તે સમયે મહાપ્રજાપતિના સ્નેહાળ હૃદયને ઘણો આઘાત પહોંચ્યો હતો. અનેક વર્ષ પર્યંત ઉત્તર ભારતવર્ષમાં મુખ્ય મુખ્ય ગામોમાં ધર્મોપદેશ કરીને બુદ્ધદેવ પોતાના પિતાની રાજધાની કપિલવસ્તુમાં પહોંચ્યા હતા, ત્યાં જઈને પણ એમણે ધર્મોપદેશ કર્યો. એમના પિતા શુદ્ધોદને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો અને અર્હત્ પદ પ્રાપ્ત કરવાના પ્રથમ પગથિયારૂપ ‘શ્રોતાપન્ન’પદ પ્રાપ્ત કર્યું. બુદ્ધદેવના પુત્ર રાહુલે શ્રમણની દીક્ષા લીધી. થોડા સમય પછી રાજાએ અર્હત્ પદ પામીને મહાનિર્વાણ પ્રાપ્ત કર્યું. ત્યાર પછી થોડા દિવસમાં ગૌતમીના એકના એક પુત્ર નંદે પણ પોતાના વિવાહ અને રાજ્યાભિષેકને દિવસેજ ઘરબાર છોડી દઈને સંન્યાસધર્મની દીક્ષા ગ્રહણ કરી. તેની પાછળ શાક્યવંશના અનેક ક્ષત્રિયોએ પણ સંસારનો ત્યાગ કરીને દીક્ષા લીધી.

કપિલવસ્તુમાં મહાપ્રજાપતિએ બુદ્ધદેવના ઉપદેશામૃતનું પુષ્કળ પાન કર્યું હતું. એવા મહાજ્ઞાની બોધિસત્ત્વને પોતે સ્તનપાન કરાવ્યું છે, ઉછેરીને મોટા કર્યા છે એ બાબતનું એમને અભિમાન હતું. બૌદ્ધધર્મ પ્રત્યે એમને શ્રદ્ધા ઉત્પન્ન થઈ હતી. પતિના મૃત્યુ તથા પૌત્ર રાહુલ અને પુત્ર નંદના સંસારત્યાગથી તેના મનમાં પણ સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયો. એને વિચાર આવ્યો કે, “શું પુરુષોજ ભિક્ષુ બનીને બ્રહ્મચર્યવ્રત ધારણ કરીને ધર્મનો પ્રચાર કરે અને અમે સ્ત્રીઓ એવા પુણ્યકાર્યને ન કરી શકીએ ? હું પણ આ સ્વાર્થી સંસારનો ત્યાગ કરીશ, બધી વાસનાઓનો પરિત્યાગ કરીશ, આખી દુનિયાને મારૂં કુટુંબ ગણીશ અને સર્વત્ર વિચરીને લોકોને ઉન્નત માર્ગમાં લઈ જવા પ્રયત્ન કરીશ.” એ વિચારો દૃઢ થયા એટલુંજ નહિ પણ બીજી પાંચસો સ્ત્રીઓના હૃદયમાં તેમણે એ શુભ વિચારો ઠસાવ્યા. બુદ્ધદેવ વૈશાલિમાં બિરાજતા હતા, તે સમયે મહાપ્રજાપતિ મૂંડન કરાવીને ૫૦૦ શાક્ય સ્ત્રીઓ સહિત ત્યાં જઈ પહોંચ્યાં. એ રાજવંશી સન્નારીને પગે ચાલવાનો આ પ્રથમજ પ્રસંગ હતો. એના પગ સૂજી ગયા હતા. એના મુખ ઉપર ખેદ હતો. ખેદ એટલા માટે હતો કે પહેલાં કપિલવસ્તુમાં એમણે બુદ્ધદેવને ભિક્ષુણીસંઘ સ્થાપવાની પ્રાર્થના કરી હતી; પણ એમ કર્યાથી ભિક્ષુઓ અને ભિક્ષુણીઓમાં લડાઈ– ટંટા ઊભા થવાનો ભય લાગવાથી બુદ્ધદેવે એમ કરવાની ના કહી હતી. આ વખતે એ વધારે દૃઢ સંકલ્પથી બુદ્ધદેવની પાસે ગયાં હતાં. એમના શિષ્ય આનંદની મારફતે પોતાનો ઉદ્દેશ જણાવ્યો. આનંદે બુદ્ધદેવને ભલામણ કરીને પૂછ્યું કે, “ભગવન્ ! આપના ધર્મનો સાક્ષાત્કાર સ્ત્રીઓથી પણ થઈ શકે એમ છે કે નહિ ?” બુદ્ધદેવ પહેલાં પણ અનેક વાર સ્ત્રીઓને ધર્મશાસ્ત્ર સમજવામાં અધિકાર છે એવો ઉપદેશ આપી ચૂક્યા હતા, એટલે આ પ્રસંગે પણ સ્પષ્ટ રીતે જણાવ્યું કે, “મારા ધર્મનું રહસ્ય પુરુષો જેટલું સમજી શકે છે તેટલું જ સ્ત્રીઓ પણ સમજી શકે એમ છે.” આનંદને હવે લાગ મળ્યો. એણે કહ્યું: “એવું છે તો આપ મહાપ્રજાપતિ દેવીને શા સારૂ નિરાશ કરો છો ? એમની પ્રાર્થના કેમ સ્વીકારતા નથી ? એમણેજ આપને ઉછેર્યા છે, આપના ઉપર એમને ઘણો સ્નેહ છે. એમના મનના સમાધાનની ખાતર, આપ એવો નિયમ કરો કે સ્ત્રીઓથી પણ પ્રવજ્યા લઈ શકાય છે.”

બુદ્ધદેવે આનંદની ભલામણ માન્ય રાખી અને મહાપ્રજાપતિ તથા તેમની સાથે આવેલી ૫૦૦ શાક્ય કુમારીઓને પ્રવજ્યા આપીને એક નવો ભિક્ષુસંઘ સ્થાપ્યો. ભારતવર્ષમાં સ્ત્રીઓના અધિકારની બાબતમાં એક સુવર્ણાક્ષરે નોંધી રાખવા યોગ્ય દિવસ હતો. મહાપ્રજાપતિ એ ભિક્ષુણીસંઘના પ્રમુખ બન્યાં. બુદ્ધદેવે એ ભિક્ષુણીઓને ધર્મનો ઉપદેશ સમજાવ્યો. થોડી વારમાં એમની યોગ્યતા જોઈને બુદ્ધદેવે એ ભિક્ષુણીઓને ભિક્ષુઓના બીજા પણ અધિકાર સહિત સ્વતંત્રતા આપી. ત્યાર પછી તેમને ‘ઉપસંપદા’ મળી. એ સમયે પૂરા હક્ક પ્રાપ્ત થયા અને ભિક્ષુઓના મંડળમાં સર્વ વાતમાં મત આપવાનો અધિકાર એ સ્ત્રીઓને મળ્યો. મહાપ્રજાપતિ તો પૂર્વજન્મનાં સંસ્કારી સ્ત્રી હતાં, એટલે બુદ્ધદેવના ઉપદેશથી થોડા સમયમાંજ એમને સમાધિયોગ પણ પ્રાપ્ત થયો અને એકાગ્રચિત્તે ધ્યાન અને અનુષ્ઠાન કરીને અલૌકિક શક્તિ અને જ્ઞાન વડે અર્હત્ પદ પ્રાપ્ત કર્યું. ગૌતમીએ સ્થાપેલો આ ભિક્ષુણીસંઘનો ઈ. સ.ના ચોથા શતકમાં લોપ થયો, એવો આચાર્ય કૌશાંબીનો અભિપ્રાય છે. આજકાલ બ્રહ્મદેશમાં પણ એવા પ્રકારની એક સંસ્થા છે જેમાં સ્ત્રીઓને ‘દશ શીલધારિણી’ ઉપાસિકા કહે છે. અસ્તુ !

એક દિવસ ભગવાન બુદ્ધદેવ જેતવન વિહારમાં સ્થિતિ કરી રહ્યા હતા, તે વખતે તેમણે દરેક ભિક્ષુણીને તેમના ગુણ અને યોગ્યતાનુસાર દરજ્જો આપ્યો હતો. એ પ્રસંગે એમણે ગૌતમીને સૌની અધ્યક્ષ બનાવી હતી અને ગૌતમીએ કૃતજ્ઞતાપૂર્વક બુદ્ધદેવ આગળ કેટલીક આત્મજ્ઞાન અને વૈરાગ્યસૂચક અમૂલ્ય ગાથાઓ ગાઈ હતી.

એક સમયે બુદ્ધ ભગવાન વૈશાલી નગરની પાસે મહાવનમાં કુટાગાર નામક નગરમાં સ્થિતિ કરતા હતા, તે વખતે ગૌતમી દેવી ત્યાંની ભિક્ષુણીઓના ઉપાશ્રય (અપાસરા)માં નિવાસ કરતી હતી. એક દિવસ વૈશાલી નગરમાં ભિક્ષા માગી આવીને ગૌતમી દેવી પોતાના વિશ્રામસ્થાનમાં જઈને વિચારવા લાગી: “બુદ્ધનું પરિનિર્વાણ અથવા દેહત્યાગ મારાથી દેખી શકાશે નહિ. તેમના પ્રધાન શિષ્ય યુગલ, તેમના રાતદિવસના સેવક આનંદ, મારો પૌત્ર રાહુલ અને પુત્ર નંદકુમારના દેહત્યાગનો દેખાવ પણ મારાથી કદી જોઈ શકાશે નહિ. માટે એ સર્વને પૂછીને મારે તેમની પહેલાં જ આ દેહત્યાગ કરવો એ ઠીક છે.” આવા વિચારથી એણે બુદ્ધદેવને પોતાને ત્યાં તેડાવ્યા. બુદ્ધદેવ વિમાતા ગૌતમીના ઘરમાં પધાર્યા એટલે ગૌતમીએ તેમના ચરણમાં પડીને નમસ્કારપૂર્વક વિનય સાથે દેહત્યાગ કરવાની–પરિનિર્વાણ લેવાની આજ્ઞા માગી. બુદ્ધદેવે પોતાના સ્વભાવસિદ્ધ કોમળ પણ ગંભીર સ્વરે કહ્યું: “હવે તમારા દેહત્યાગનો સમય થઈ ચૂક્યો છે. હવે ખુશીથી જઈ શકશો.” ત્યાર પછી આનંદ વગેરે સેવકને બોધ આપીને અને ભિક્ષુણીઓને ઉપદેશ આપીને ગૌતમી સમાધિસ્થ થઈ અને એજ દશામાં એનો પવિત્ર આત્મા નશ્વર દેહનો ત્યાગ કરીને નિર્વાણપદને પામી ગયો.

અપદાન તથા થેરીગાથા ગ્રંથમાં એમની રચેલી વાણી છે. એ વાણીમાં બુદ્ધદેવ પ્રત્યે એમની સ્નેહભરી ભક્તિ શબ્દેશબ્દમાં ટપકે છે. એમની રચના ઘણી સરળ અને સુખ આપનારી છે. એ કહે છે કે:–

“હે સુગત ! હું તારી માતા છું અને તું મારો વીર પિતા છે; કેમકે ઉત્તમ ધર્મ શીખવીને મને નવો જન્મ આપીને તું મારો પિતા બન્યો છે. મેં તને લાડ લડાવીને નાનેથી મોટો કર્યો છે, શુદ્ધ અને પવિત્ર ધર્મરૂપી શરીર આપીને તેં મને મોટી કરી છે. મેં તો એક ઘડીભરની તારી તરસ છિપાવવાને સારુ તને ધાવણ ધવરાવ્યું હતું. તેં મને જે ધર્મનું ધાવણ ધવરાવ્યું છે તેથી મને અક્ષય શાંતિ મળી છે. માંધાતા આદિ રાજાઓની માતાનાં નામ ભવસાગરમાં લુપ્ત થઈ ગયાં છે; તારી મા થઈને હું ભવસાગરથી પાર ઉતરી ગઈ છું.

“રાજમાતા, રાજમહિષી એ બધાં નામ સ્ત્રીઓને માટે સુલભ છે, પરંતુ બુદ્ધમાતા એ નામ પરમ દુર્લભ છે. સ્ત્રીઓને ભિક્ષુણી બનવાનો અધિકાર આપવા મેં તમને વારંવાર કહ્યું હતું, એટલા માટે મારો અપરાધ થયો હોય તો હે સુરશ્રેષ્ઠ ! મને ક્ષમા આપજો.

“તમારી આજ્ઞાથી મેં ભિક્ષુણીઓ ઉપર શાસન ચલાવ્યું છે. એ કાર્ય કરવામાં કોઈ જાતની ત્રુટિ રહી ગઈ હોય, તો એને માટે પણ હે ક્ષમાપિતા ! (ક્ષમાના આધાર) મને ક્ષમા આપજો.

“તમે જ્યારે નાના હતા, ત્યારે તમને જોઈને તથા તમારી તોતડી વાણી સાંભળીને આંખ અને કાનને જેટલી તૃપ્તિ નહોતી થઈ, તેટલી તૃપ્તિ તમે આપેલા ધર્મરસના પાનથી થઈ છે.”

થેરીગાથામાં મહાપ્રજાપતિ કહે છે: “બુદ્ધવીર ! હું તમને નમસ્કાર કરૂં છું. તમે સર્વ સત્તા છો, સૌથી શ્રેષ્ઠ છો; મારા જેવી કેટલીયની દુઃખરૂપી જ્વાળા તમે બુઝાવી છે. દુઃખનું નિદાન હવે મેં જોયું છે. સઘળાં દુઃખનું મૂળ કારણ જે તૃષ્ણા તે હવે મારામાંથી સુકાઈ ગઈ છે; કેમકે તમે આપેલા જ્ઞાન વડે મેં ધર્મનાં શ્રેષ્ઠ આઠ અંગોને પ્રાપ્ત કર્યાં છે. પૂર્વ જન્મમાં માતા, પુત્ર, પિતા અને ભાઈરૂપે ઘેરે ઘેર ભટકી છું, પણ હવે મેં ભગવાનને ખોળી કાઢ્યા છે. આ મારો છેલ્લો જન્મ છે. મારી સંસારની ગાંઠ છૂટી ગઈ છે. આ ભિક્ષુણીને હવે ફરીથી જન્મવાનું ને મરવાનું રહ્યું નથી. જુઓ ! દૃઢ પરાક્રમપૂર્વક બધા સાધુમાર્ગમાં વિચરણ કરી રહ્યા છે. જીવનમાં સાધુતા પ્રાપ્ત કરવી, એજ બુદ્ધિની સૌથી સારી વંદના છે.

“હે ગૌતમ ! મારી માયા બહેને લોક હિતને ખાતરજ તમને જન્મ આપ્યો હતો. તમે દુઃખ, વૃદ્ધાવસ્થા, વ્યાધિ, મૃત્યુ અને શોકનાં રુદનને હરી લીધાં છે.”