કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/સકુલા

વિકિસ્રોતમાંથી
← નંદુત્તરા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
સકુલા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
સુજાતા થેરી →


६०–सकुला

ગૌતમબુદ્ધના સમયમાં શ્રાવસ્તી નગરીમાં એક બ્રાહ્મણને ઘેર એણે જન્મ ધારણ કર્યો હતો. થેરી ગાથામાં એનું નામ પકુલા પણ લખેલું છે. એની સાંસારિક સ્થિતિ ઘણી સારી હતી. કઈ વાતનું દુઃખ તેને નહોતું. બુદ્ધદેવ અનાથાપિંડદના જેતવનના વિહારનો સ્વીકાર કર્યો, તે સમયે સકુલાને એમનાં પુણ્ય દર્શન થયાં. એના હૃદયમાં બુદ્ધદેવ પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થઈ. બૌદ્ધધર્મમાં પણ શ્રદ્ધાનું ઘણું મહત્ત્વ ગાયું છે. ધર્મના ઉપદેશની તેના અંતઃકરણ ઉપર સારી અસર થઈ. સંસારનાં બધાં સુખ તેને મનથી તુચ્છ લાગવા લાગ્યાં. પારલૌકિક સુખને શોધવા તે નીકળી પડી અને બુદ્ધદેવના ભિક્ષુણીસંઘના સમાગમમાં આવી. ત્યાં એને શાંતિ મળી. સંસાર ત્યજી ભિક્ષુણી બની. ત્યાં રહ્યાથી એના મનમાં ઉલ્લાસ આવ્યો, કર્તવ્યભાવના સતેજ થઈ, ભિક્ષુકોના પરમ નૈતિક જીવનથી અંતરવૃત્તિઓ શુદ્ધ થઈ. એમ કર્યાથી એ થોડા સમયમાં અર્હંત્‌પદને પામી. ત્યાર પછી એની ઈચ્છા દિવ્યદૃષ્ટિ પામવાની થઈ. બૌદ્ધધર્મમાં પણ યોગને માન્યો છે અને એ યોગના બળ વડે મનુષ્યોને જુદા જુદા પ્રકારની ઋદ્ધિ મળે છે, એવું તેઓ માને છે. એ અદ્ધિને ‘અભિજ્ઞા’ કહે છે. અભિજ્ઞા છ પ્રકારની છે. એમાંની એક અભિજ્ઞાનું નામ દિવ્યદૃષ્ટિ અથવા દિવ્ય ચક્ષુપ્રાપ્તિ છે. એ સિદ્ધિ પ્રાપ્ત થયાથી યોગ સંબંધી વિચાર કરવાને માટે મનુષ્યની દૃષ્ટિ ચર્મચક્ષુ કરતાં વધારે સૂક્ષ્મ થઈ જાય છે. એ દૃષ્ટિને લીધે તેને ક્યાંય રોકાવું પડતું નથી. એ શક્તિ વડે મરણ પછી મનુષ્યની કેવી ગતિ થઈ છે તે પણ યોગી જાણી શકે છે. મહાત્મા ગૌતમબુદ્ધે પોતે એ શક્તિનો ઉપયોગ ઘણી વાર કર્યો હતો અને એ અભિજ્ઞા પ્રાપ્ત કરવાનું ભિક્ષુણીઓને પણ શીખવ્યું હતું.

સકુલાએ પણ ખંતથી એ સિદ્ધિ પ્રાપ્ત કરી, એટલું જ નહિ પણ એ સિદ્ધિ ધરાવતી ભિક્ષુણીઓમાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું.

થેરીગાથામાં એની રચના છે. આત્મચરિત વર્ણવતાં એ કહે છે કે, “ગૃહસ્થાશ્રમમાં ગૃહિણી તરીકે રહેતી હતી તે સમયે મેં એક ભિક્ષુ પાસે ધર્મની કથા સાંભળી. અચ્યુત નિર્વાણપદ પ્રાપ્ત કરવાની ઈચ્છા મારા હૃદયમાં ઉત્પન્ન થઈ. ધનધાન્ય, પુત્રપુત્રીનો ત્યાગ કરીને, કેશલુંચન કરીને મેં પ્રવજ્યા લીધી. મેં વિચાર્યું કે આ સંસારમાં હવે મારો વાસ નથી. શિક્ષણદ્વારા મારે ઉચ્ચ માર્ગે ગમન કરવાનું છે. રોગ–દોષને મેં ત્યજ્યા અને સર્વ પ્રકારના આસવનું દમન કર્યું. પૂર્વજન્મનું સ્મરણ થયું. મારાં દિવ્યચક્ષુ ઊઘડ્યાં. એ બધું વિશુદ્ધ વિચાર અને સાધનાનું પરિણામ હતું. મનુષ્યનું સમગ્ર જીવન સંસ્કારોનો સંગ્રહ છે. એ સંસ્કારની પાર જઈને મેં મનુષ્યના કર્મ અને બંધનનો હેતુ ખોળ્યો. હવે સર્વ પ્રકારનાં બંધનોને તોડી નાખીને, પાપનો ત્યાગ કરીને શાંત મને મેં નિર્વાણનો પુલ ઓળંગ્યો છે.”