કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/સુંદરી નંદા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સીહા (સિંહા) કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
સુંદરી નંદા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
મિત્તકાલી (મિત્રકાલી) →


५७–सुंदरी नंदा

સુંદર યુવતીનો જન્મ મહાપ્રજાપતિ ગૌતમીના ગર્ભમાં થયો હતો, એટલે એ બુદ્ધ ભગવાનનાં બહેન થાય. રાજકુટુંબમાં જન્મ અને મહાપ્રજાપતિના હાથનો ઉછેર, એટલે નંદાને કેવું શિક્ષણ માળ્યું હશે તેનું અનુમાન તો વાચકો કરી જ શકશે. એને લોકો ‘જનપદ કલ્યાણી’ નામથી ઓળખતા.

બુદ્ધદેવના ઉપદેશથી પોતાના ભાઈ નંદ અને ભત્રીજા રાહુલે પ્રવજ્યા લીધી, ત્યાર પછી થોડા દિવસમાં પિતા શુદ્ધોદનનું મૃત્યુ થયું. માતા, મહાપ્રજાપતિ અને ભાભી યશોધરાએ પણ ભિક્ષુણીવ્રતને અંગીકાર કર્યું. એ વખતે સુંદરી નંદાના મનમાં પણ વિચાર આવવા લાગ્યો કે, “આજ દિવસ સુધી મેં સંસાર અને સાંસારિક સુખ સિવાય બીજા કશાનો વિચાર કર્યો નથી. આ સંસાર તો ક્ષણભંગુર છે. સંસારનું સુખ તો આજ છે ને કાલ નથી. મારા મોટાભાઈ રાજપાટનો ત્યાગ કરીને બુદ્ધ થયા છે, તેમના પુત્ર રાહુલે પણ સંસારનો ત્યાગ કર્યો છે. મારા ભાઈ નંદ, માતા મહાપ્રજાપતિ તથા રાહુલ માતાએ – બધાંએ સંસારથી વિરક્ત થઈને તેનો ત્યાગ કર્યો છે, તો હું એકલી આ રાજમહેલમાં રહીને શું કરીશ ? મારે પણ સંસારનો ત્યાગ કરીને દેહનું સાર્થક કરવું જોઈએ.” એ પ્રમાણે અંતરના તીવ્ર વૈરાગ્યને લીધે નહિ, પણ સગાંસંબંધીઓ પ્રત્યેના પ્રેમને લીધે તેણે ભિક્ષુણીવ્રત લીધું. ભિક્ષુણી બન્યા છતાં પણ તેને પોતાના સૌંદર્ય માટે ઘણું અભિમાન હતું. રૂપવતી સ્ત્રીઓ માટે બુદ્ધદેવને અણગમો છે, એ વાતની એને ખબર હતી. એથી એ કદી બુદ્ધદેવ પાસે જતી નહિ. જ્યારે જ્યારે એમની કથા કે ધર્મોપદેશ સાંભળવાનો વારો આવે ત્યારે એ કાંઈ ને કોઈ બહાનું કાઢીને મઠમાં રહી જતી અને પોતાને બદલે બીજી કોઈ ભિક્ષુણીને મોકલતી. એને ભય હતો કે ગુરુદેવ એના રૂપને વખોડશે, રૂપના ગર્વ માટે એને ધમકાવશે. બુદ્ધદેવ ભિક્ષુણીસંઘના કામમાં ખાસ કાળજી રાખતા હતા. પોતાના સંઘમાંની દરેક સન્નારી આધ્યાત્મિક માર્ગમાં કેટલી ઉન્નતિ કરે છે તેની પોતે ખબર રાખતા. એમને ખબર હતી કે, નંદાને રૂપલાવણ્યનું અભિમાન છે, સુખ અને વૈભવમાં ઉછરેલી છે, એ અભિમાન એનામાંથી એકદમ લો૫ થઈ જાય એ પણ અસંભવિત છે; એટલા માટે એક દિવસ તેમણે આજ્ઞા આપી કે, “આજના ઉપદેશમાં તો નંદાએ જાતેજ આવવું પડશે. બીજી કોઇ ભિક્ષુણીને મોકલ્યે નહિ ચાલે.” હવે તો નંદાને જવુંજ પડ્યું. બુદ્ધદેવ એવી રૂપગર્વવતી સ્ત્રીઓને ઠેકાણે આણવા માટે માયા રચતા. નંદાએ જે સમયે બુદ્ધદેવને સાષ્ટાંગ દંડવત્ કર્યા, તે સમયે તેણે જોયું કે એક અલૌકિક લાવણ્યવતી સ્ત્રી હાથમાં પંખો લઈને શાસ્તાને વાયુસંચાર કરી રહી છે. એ જોઈને નંદાને વિચાર આવ્યો: “ હું મારા રૂપના અભિમાનમાં અહીં આવતી નહોતી, પણ આ રમણી મારા કરતાં કેટલી વધારે ખૂબસૂરત છે. એ તો એકાગ્રચિત્તે બુદ્ધદેવની સેવા કરી રહી છે.” બુદ્ધદેવ તેના મનના વિચારપરિવર્તનને પારખી ગયા અને તેને ખરૂં જ્ઞાન આપવાનો ઠીક સમય આવી લાગ્યો છે એવું જણાતાં ઉપદેશ આપ્યો કે, “આ શરીર તો માંસ અને રક્તથી લિપ્ત હાડકાંનો કિલ્લો છે. જરા અને મૃત્યુ એમાં રાજ્ય કરે છે.” ત્યાર પછી આ શરીરની ક્ષણભંગુરતા વિસ્તારથી સમજાવી અને ખરો વિજય દેહાસક્તિ છોડીને નિર્વાણપદ પ્રાપ્ત કરવામાં છે એ વાત એના ચિત્તમાં ઠસાવી.

એક દિવસ જેતવનમાં સંઘનો ઉત્સવ થઈ રહ્યો હતો. ભગવાન બુદ્ધદેવ આસન ઉપર બિરાજેલા હતા, આજે ‘નામસંમતકરણ’નો સંસ્કાર થવાનો હતો. એ સમારંભમાં કોઇ ભિક્ષુ કે ભિક્ષણીનું સન્માન કરીને એને ખાસ ઉપાધિ આપવામાં આવતી. એ દિવસે કોઈ એક ભિક્ષુ ધર્મ સંબંધી વ્યાખ્યાન આપીને પોતાની વિદ્વત્તાનો પરિચય આપતો. આજના સમારંભમાં ભિક્ષુણીસંઘની ઠઠ જામેલી હતી. શાસ્તાએ કેટલીક યોગ્ય ભિક્ષુણીઓને તેમના ગુણાનુસાર પદવી આપી. નંદાનો વારો આવ્યો ત્યારે તેમણે તેને ‘ધ્યાનસંપન્ન’ અને ‘ધ્યાનાભિરત’નું પદ આપ્યું અને એ વર્ગની ભિક્ષુણીઓમાં અગ્રસ્થાન આપી તેની અભિલાષા પૂર્ણ કરી.

થેરી ગાથામાં નંદાએ ગાયેલી ગાથા ઘણી હૃદયસ્પર્શી છે. બુદ્ધદેવના ઉપદેશને અનુસરી, વારંવાર પોતાની જાતને ઉદ્દેશીને એ કહે છે: “નંદા ! રોગ, અશુચિ, સડો અને દુર્ગંધ એ બધાથી યુક્ત આ શરીરનું નિરીક્ષણ કર ! અશુભ ભાવનાની ભાવના કર અને ચિત્તમાં એકાગ્રતા આણ. શરીરની જે હકીકત છે તેજ તારી પણ છે. તારી જે ગતિ તેજ શરીરની ગતિ છે. શાંત, સ્વસ્થ ચિત્તે તું રાતદિવસ એનો વિચાર કર. એમ કર્યાથી સૌંદર્યની ગુલામીમાંથી મુક્ત થઈને, પોતાની પ્રજ્ઞાના બળ વડે તને માર્ગ મળી આવશે અને ચિંતા જતી રહેશે. શાશ્વત સત્યનો વિચાર કર્યાથી તથા પ્રમાદ છોડી દઈને, શરીરની બહાર અને અંદર શું છે, તેનો વિચાર કર્યાથી, આજ ક્ષણે તારી કાયાની માયા જતી રહેશે અને આજ ને આજ પ્રાણ અધ્યાત્મ રાજ્યમાં વિરાજશે. આજ તું અપ્રમત્ત, મુક્ત, શાંત બનશે. એજ ખરૂં નિર્વાણ છે.”