કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/સુજાતા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← કિસાગોતમી કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
સુજાતા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
સુપ્રિયા →


७–सुजाता

ગ્રંથમાં અન્યત્ર જે સુજાતાનાં ચરિત્ર આપવામાં આવ્યાં છે, તેનાથી ભિન્ન આ સુજાતા છે. ગૌતમ બુદ્ધદેવના સમયમાં જ એ પણ થઈ ગઈ છે. ફલ્ગુ નદીને તીરે એનો નિવાસ હતો. સેનાની વંશના એક ધનવાન પુરુષ સાથે એનું લગ્ન થયું હતું. એ સમયમાં ગાયો મનુષ્યની સમૃદ્ધિનું મુખ્ય અંગ ગણાતું. ગૌ એ ધન હતું. સુજાતાના પતિને ઘેર પુષ્કળ ગાયો હતી. ધનવાન હોવા સાથે એ ઘણો પરોપકારી પણ હતો. સુયોગ્ય પત્નીની સાથે તેનો સમય સંસારસુખમાં વ્યતીત થતો હતો. સુજાતામાં સૌંદર્ય અને સદ્‌ગુણનો અપૂર્વ મણિકાંચનયોગ થયો હતો. કવિશ્રી નરસિંહરાવભાઈના શબ્દોમાં કહીએ તો—

નામ સુજાતા હેનું સુંદર, ચંપક કાયા રંગ,
નીલ કમલસમ લોચન શીળાં, અનુપમ છે લાવણ્ય,
એહ ભૂમિમાં સુંદર હેવી, કો નારી નવ અન્ય,
વિનયવડે એ સતની શોભતી હેત ભરીને દીન.
વેણ મધુર સહુ સંગે વદતી, દીપે વદન કુલીન;
હસતું મુખ ધરતીજ સદા એ લલના મંડલ રત્ન.
ગૃહસંસાર તણા સુખમાં નિર્ગમતી જીવન શાંત.

આ પ્રમાણે સુજાતાનો સંસાર ઘણો સુખી હતો; પણ એમાં એકજ વાતની ખોટ હતી. પતિપત્નીના સ્નેહને પવિત્ર સાંકળથી વધારે દૃઢ કરનાર પુત્રનું મુખ હજુ સુધી એણે જોયું નહોતું.

શાંત ગૃહે વસતીજ સતી એ નિજ સ્વામીની સંગ,
પ્રેમપૂર્ણ જીવન પણ ખારૂં પુત્ર વિના સુખ ભંગ.

પુત્ર વગર જીવનમાં એ દંપતિને કશું પણ સુખ જણાતું નહિ. પુત્રપ્રાપ્તિની આશામાં સુજાતાએ અનેક વ્રત, જપ, પૂજાપાઠ કર્યાં.

ભક્તિભાવથી દેવ દેવિયો પ્રીતથી સદા પૂજી કેવીઓ !
લક્ષ્મી દેવીને પુણ્યમંદિરે, પ્રાર્થતી સદા પુત્ર અવતરે;
કરી પ્રદક્ષિણ કોટિવાર એ, પ્રાર્થતી મહાદેવ બાણને,
કાંઈ ધરાવતી નવેદ નવનવાં, પુત્રરતનની આશમાં હવાં.

એ સમયમાં બુદ્ધદેવ પાસેના વનમાં પરબ્રહ્મ પરમાત્માનું ધ્યાન ધરી રહ્યા હતા. સંસારનાં અનેકવિધ દુઃખમાંથી મુક્તિ પામવાના ઉપાયો શોધી રહ્યા હતા. તેમની કીર્તિ સુજાતાને કાને પણ પહોંચી હતી. બધાં દેવદેવીઓ તરફથી નિરાશ થયેલી સુજાતાએ બાધા રાખી કે:—

“પુત્ર રત્ન જો સાંપડે ભેટ ધરૂં સપ્રેમ,
વનમાં વસિયો સાધુ જે દેવાંશી રે દેવ !
હેને ભોજન ભાવથી અર્પું હું તત્ખેવ;
દેવો જે આરોગવા તલસે, હેવું પાન,
કનક પાત્ર ભરી અર્પું હું;
જ્યાં આ તરુતળ ધરતો ધ્યાન.”

સુજાતાની શ્રદ્ધા ફળી. દશ મહિનામાં એક સુંદર પુત્ર એને પેટે જન્મ્યો. સુજાતાના હર્ષનો પાર રહ્યો નહિ. પુત્ર ત્રણ માસનો થયો એટલે બુદ્ધદેવને પગે લગાડવા, પોતાની માનતા પૂરી કરવા એમને સારૂ તૈયાર કરેલા સ્વાદિષ્ટ દૂધપાકના નૈવેદ્ય સાથે સુજાતા વનભૂમિ ભણી જવા નીકળી.

“ઉર આભાર ભરી ડગ ભરતી, બાલ હૃદયા સરસો ધરતી;
રાતી સાડીમાં શિશુને લપેટ્યો, નાનકડા ભુજ ઉર ધરી ભેટ્યો;
નિજ ઉરનું એ આનંદ રત્ન, દાબે ઉરશું કરે કરી જત્ન;
અન્ય કર કરી ઊંચો સુરેખ, શિર સ્થિર ટેકંતી ભાર એક;
પાત્ર યુગલતણો એ ભાર, માંહિ દેવ કાજ આહાર,

દાસીએ વૃક્ષની નીચે બેસી, પદ્માસન વાળી તપસ્યા કરતા દિવ્ય તેજવાળા શાંત અને નમ્ર બુદ્ધદેવને દેખાડ્યા. એટલે સુજાતાએ ત્યાં જઈને માથું નમાવી મૃદુભાવે વિનતી કરી:–

અહો !કુંજવાસી સંત ! અતિ પવિત્ર,બેલી દીનનો અનાથનો તું મિત્ર,
શ્રેયદાતા ! હું યાચું દાસી દીન, દયા દાન ધન્ય દર્શનજ નવીન.
શુભ્ર દહિં બનાવી લાવી આજ તાજું, અને દૂધ, હસ્તિ દંતશું નવાજું;

રંક કેરી ભેટ આટલી સ્વીકારો, અને સફળ થાવ જન્મ આ હમારો.

આ પ્રમાણે વિનતિ કરીને સુજાતાએ કનક પાત્રમાં દૂધ અને દહીં જુદાં જુદાં પીરસ્યાં. ત્યાર પછી સ્ફટિક–પાત્રમાં સુગંધી દ્રવ્યો મૂકીને બુદ્ધદેવને તેનું મર્દન કર્યું.

બુદ્ધદેવે મૌનપૂર્વક અતિ પ્રસન્નતા સહિત એ ભોજન કર્યું. ઉપવાસ અને ઉજાગરાથી જે શ્રમ પહોંચ્યો હતો તે આ પુષ્ટિકારક ભોજન આરોગતાં વાર જતો રહ્યો. એ ભોજનથી બુદ્ધદેવનો એ પ્રસન્ન આત્મા—

દિવ્ય સત્યની ભૂમિ ભણી ઊડવા થયો સમર્થ ઘણો.

ભગવાન બુદ્ધદેવના વદન ઉપર પહેલાં કરતાં વધારે દિવ્યતા અને ગૌરતા નીરખીને સુજાતાની તેમના પ્રત્યે ભક્તિ વધી અને તે હર્ષપૂર્વક પૂછવા લાગી:—

“સાચે શું છો આપ દેવ અવનિમાં ઊતર્યા ?
મુજ આનંદ અમાપ પ્રસન્ન જો મુજ ભેટથી.”

બુદ્ધદેવે પૂછ્યું: “દેવિ ! હું તારા આ ભોજનથી ઘણો પ્રસન્ન થયો છું. એનાથી અનેક દિવસનો મારો થાક ઊતરી ગયો છે. ધ્યાન ધરવાને મારામાં નવી સ્ફૂર્તિ આવી છે. આજે મારામાં કાંઈ નવીનજ જીવન આવ્યું હોય એમ લાગે છે. તું એવું સ્વાદિષ્ટ ભોજન ક્યાંથી લાવી ?”

સુજાતાએ ઉલ્લાસપૂર્વક ઉત્તર આપ્યો:—

(કટાવ)

“નાથ સુણોજી, ગોયુથો મુજ પતિના ઘરનાં, તેમાં થકી સો ગાયો શેાધી, નવપ્રસૂતા, દૂધ એનાં પાઈપોષી; પચાસ બીજી, સુંદર ધેનું, દૂધ એહનું, પચીસ બીજી ગૌને પાયું; પચીસ કેરૂં બીજી બારને પ્રેમે પાયું; એહ બારનું યૂથ, મહિંની ઉત્તમ ખટ ધેનુને અર્પ્યું; એ ધેનુનું દૂધ ઉકાળ્યું રૂપા કેરા લોટા મધ્યે; અને પછી મેં શુદ્ધ બીજને વીણી વીણી, મોતી કેરા દાણ સરખાં તાંદુલ લઈને, નવ ખેડેલી ભૂમિ મધ્યે, પ્રથમ થકી ઊગાડી લણેલા ચોખા ઓરી, પાયસ રાંધી અત્ર ધરાવ્યો; ધન્ય ધન્ય મુજ જીવન, પ્રભુને આજે ભાવ્યો.”

ત્યાર પછી પોતે વંધ્યાવસ્થામાં કેવું ચિંતામય જીવન ગાળતી હતી અને પોતાને પુત્ર અવતરવા સારૂ બુદ્ધદેવની કેવી માનતા માની હતી એ બધી વાત વિસ્તારીને કહી અને બાળકને ભગવાનની આગળ ધર્યો. ભગવાને બાળકના ઉપરથી લાલ પાલવ ખસેડીને પ્રેમપૂર્વક નિહાળ્યો તથા એના નાનકડા શિર ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્યો:—

“લાંબુ સુખ ભોગવજે !
જીવન દુઃખના ભારને વહી નાંખને સ્હેજે
સુંદર બાળક તારો !
આશ્રય મુજને અન્નનો આપ્યો બહેન ! તેં આજે.
હું નથી દેવ કો સ્વર્ગનો હું તુજ બાંધવ સાચે,
સુંદર બાળ નિહાળું હું”

“હું પોતે પૂર્વાશ્રમમાં રાજકુમાર હતો, મોટા સુખવૈભવ ભોગવતાં હતો અને હાલ છ વર્ષથી સંસારનાં દુઃખ અને અંધકારનો નાશ કરે એવા દિવ્ય જ્ઞાનની શોધમાં જંગલે જંગલ ભટકું છું. આજ કેટલાયે દિવસનો હું ભૂખ્યો હતો તેને—

“સુંદર ભગિની જીવાડિયો આપી ભોજન મીઠું;
તે પૂર્વે કાયા નિર્બલી લથડી ગઈ ત્યાં મેં દીઠું.
દર્શન એ દિવ્ય જ્યોતિનુ ! સુંદર આ બાળક સમું.”

આ પ્રમાણે પોતાનો અનુભવ કહી ભગવાન બુદ્ધ ખરા સાધુને છાજે એમ પૂછવા લાગ્યા:—

“બહેન ! કહે, પણ આજ જીવન સુખમય તું ગણે ?
જીવન જીવી એમ સુખ માધુર્ય તું ભોગવે ?
જીવનને વળી પ્રેમ એ બે તું બસ માનતી ?

(વલણ)


“પ્રેમ અને જીવન તને પૂરાં લાગે માત્ર ?”

કેવો સરલ પણ ગંભીર પ્રશ્ન છે ! બુદ્ધદેવનો એ પ્રશ્ન પ્રત્યેક વાચક બન્ધુ તથા બહેને પણ હાલને સમયે પોતાને પૂછવો ઘટે છે. પાર્થિવ સુખ તથા વૈભવ પ્રત્યેનો મોહ સુજાતાના કાળ કરતાંયે હજારોગણો હાલમાં વધી પડ્યો છે. સુજાતાએ દીન ભાવે ઉત્તર આપ્યો:—

“પૂજ્ય ઓ ભગવાન !
ઉર મારૂં આ નાનકડું, તે ગ્રહે શું ભાર મહાન !
વિશાળ ખેતર ભીંજવે નવ વર્ષા બિંદુ થોડાં,
તેહ બિંદુ ભરી દેતાં કુમુદ પટનાં મોઢાં;
મુજનાથ કેરી કૃપામાં,ને આ શિશુના સ્મિતમાંહિ;
જીવન રવિનું તેજ મુજને પૂરતું લાગે આંહિ.
ઘરસંસાર તણા વ્યવહારે આનંદમાં સુખ ગાળું,
સૂર્ય ઉગમતાં વ્હેલી ઊઠી દેવ સ્તવન ઉચ્ચારૂં.
ભિક્ષાદાન દઉં, ને તુલસી ક્યારો સીચું જળથી;
નિત્યકર્મ દાસીજન મધ્યે સોંપું પછી હું કળથી.
મધ્યાહને મુજ નાથ પોઢતા શિર ધરી મુજ ઉચ્છંગે;
વાયુ ઢાળું વીંજણાએ ગીતો ગાઈ ઉમંગે.
શાંત સંધ્યાકાળ થાતાં ભોજન પીરસું પ્રીતે,
સમીપ ઊભી જમતાં નિરખું નાથને એ રીતે.
દેવ દર્શન જઈ કરૂં, સખીયો શું ગોષ્ઠી ભાવે,
ત્યાં તારકગણના દીપ રૂપરી પ્રગટે નિદ્રા લાવે.
આમ નિરંતર સુખસરિતામાં કેમ ન જાઉં તણાતી;
ને મુજ નાથને સ્વર્ગ અપાવે પુત્ર ધર્યો એ છાતી.
શાસ્ત્ર વદે છે પથિક કાજ જે છાયા વૃક્ષો રોપે,
વાપી કૂપ ખણાવે તૃષિત કાજ તો દૈવ ન કોપે.
પુત્ર રત્ન પામે જે નર તે મરણ પછી શુભ પામે,
શાસ્ત્ર વેદ તે હું શ્રદ્ધાથી માનું છું નમ્ર ભાવે.
વૃદ્ધ મોટા વદે તે થકી વધુ થાઉં નવ શાણી;
દેવો સંગે વાર્તા કરતા વેદ મંત્રના જ્ઞાની.
પુણ્ય અને મોક્ષ તણા પંથો જેને પ્રત્યક્ષ વાત,
હેવા વૃદ્ધો આગળ હું તે નાથ ! કહો કોણ માત્ર ?”

પતિવ્રતા સુજાતાએ સરળતાથી પોતાની દિનચર્ચા, પોતાની ધર્મશ્રદ્ધા જણાવી ધર્મનું ખરૂં રહસ્ય પોતે શું સમજી છે તે જણાવ્યું:

“નાથ ! જાણું વળી એક સત્ય–ફળે શુભ થકી શુભ નિત્ય,
અને ભૂંડાનું ફળ છે ભૂંડું, એહ નીતિ બીજ છે રૂડું,
સર્વ જનને એ ન્યાય છાજે, સર્વ કાળે સર્વ સ્થળ સાચે;
મીઠાં મૂળનાં ફળ છે મીઠાં, વિષ મૂળનાં વિષ ફળ દીઠાં.

દ્વેષ ભાવથકી દ્વેષ પ્રગટે, સ્નેહભાવે મળે મિત્ર જગતે;
ધૈર્ય સહન કર્યું શાંતિ ફળશે, આમ આ જીવનમાં મળશે;
તો શું મળતાં નિર્મિત કાળે અહીં જેવું ન શુભ ફળ ત્યારે ?
અરે ત્હારે અધિક ફળ રૂડું મળે, માનું એ સત્યજ ઊંડું;
એક કણ તાંદુલનો વાવ્યે, શત કણ પર ઊંબી આવે.”

શુદ્ધ ચિત્તથી બુદ્ધદેવ આગળ ધર્મનાં બીજરૂપ આ સત્ય સનાતન તત્ત્વો જણાવીને સુજાતાએ આગળ કહેવા માંડ્યું:—

(ગરબી)

“નાથ ! તદપિ હું જાણું જીવનમાં ભર્યા,
હૃદય ચીરતા વિધ વિધ દુઃખ પ્રસંગ જો;
સહન કરતા ધીરજ તૂટી ત્યાં પડે,
કોમળ હઈડાં સહજ પામતાં ભંગ જો. નાથ૦
બાલુડો મુજ પહેલાં જ ચાલ્યો જશે,
હઈડું મારૂં સદ્ય જશે ફાટી અરે !
પ્રાણ તજી મુજ બાળક ઉરશું ધારીને,
સ્વર્ગે વાટડી પતિની જોઈશ હું ખરે. નાથ૦
પતિની પૂર્વે સ્વર્ગે વાસ સતી કરે,
કેશે કેશે ગણવા વર્ષ કરોડ જો;
દેવલોકમાં વાસ પતિનો એટલો,
વેદ વદે ને સ્મૃતિએ વચન અમોલ જો. નાથ૦
તો નવ ભીતિ ઉર ધારૂં હું જો જરી,
જીવન સુખમાં સરકાવું રસભેર જો;
ને દુઃખીજન દીન દુષ્ટ કે પાપીનાં,
જીવન નવ અવગણતી હું કો પેર જો. નાથ૦
હું તો પુણ્ય જણાતો પંથજ આદરૂં,
દીન ભાવથી સેવું ધર્મ સદાય જો;
શ્રદ્ધા રાખું અટળ હૃદેમાં આટલી,
અવશ્ય ભાવિ સુખકર અંતે થાય જો. નાથ૦

બુદ્ધદેવ સરળ હૃદય સન્નારી સુજાતાના ઊંડા જ્ઞાનથી ઘણા પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા:—

“બોધ દિયે તું અમે બોધકને,
જ્ઞાની જનથી અદકું સરલ જ્ઞાન તુજ ખરે સમર્થ બને.

જ્ઞાન વિના તૃપ્ત થજે, આમ પુણ્યને સુધર્મ પથ ભણી,
કોમળ કુસુમ !તું વધજે શાંત છાયામાં સદાય સુખ માની.
મધ્યાહ્‌ન સમય કેરું સત્ય સૂર્યનું જ તેજ ઝળહળતું,
કોમળ અંકુર કાજે તવ ઘડિયું એ ભલે રહે બળતું.
મુજ ચરણો પૂજતી તું તુજ ચરણો હું પૂજતો આજે,
શુદ્ધ હૃદય તું સરતા, અજાણતાં જ્ઞાન કૂપ તું સાચે.
પ્રેમ તણાજ પ્રભાવે સરળ કપોતી પળેજ નિજ માળે,
તેમ તું ભક્તિબળથી લક્ષ્ય સ્થાને જઈશ ઓ બાલે !
સુખ શાંતિમાં જીવન વીતો તુજ નિર્મળું સદા ક્ષેમે,
તુજ સિદ્ધિ સમી સિદ્ધિ મુજને મળજો– હું ઈચ્છું એ પ્રેમે.
જેને ઇશ્વર ધાર્યા તેં તે તુજનેજ વીનવે આજે,
આશિષ દે મુજને તું ‘સિદ્ધિ મળો’ સદ્ય વિશ્વ સુખ કાજે.”

આ પ્રમાણે ધર્મનો વિકાસ થવા અને સિદ્ધિ મળવાનો આશીર્વાદ બુદ્ધ ભગવાને પવિત્ર મનની સુજાતા પાસે માગ્યો. સુજાતાએ તથાસ્તુ કહી આશીર્વાદ આપ્યો.

બુદ્ધદેવ પણ બાળકને આશિષ આપી તથા સુજાતાને ભક્તિપૂર્વક પ્રણામ કરી ત્યાંથી વિદાય થયા.

એક સમયે દુનિયાના મોટા ભાગમાં જ્ઞાનરશ્મિ ફેલાવનાર ભગવાન બુદ્ધદેવના મન ઉપર પણ આવી ઊંડી અસર કરનાર દેવી સુજાતાને ધન્ય છે.[૧]

  1. * આ આખું ચરિત્ર મુખ્યત્વે સાક્ષર શ્રી. નરસિંહરાવ ભોળાનાથના ‘ગુજરાતી’ના ૧૯૭૮ ના દિવાળી અંકમાં પ્રગટ થયેલા લેખમાંથી તેમની રજાથી ઉપકારપૂર્વક લેવામાં આવ્યું છે.