કુપાત્રની પાસે વસ્તુ ના વાવીએ

વિકિસ્રોતમાંથી
ગંગાસતીના ભજનો
કુપાત્રની પાસે વસ્તુ ના વાવીએ
ગંગાસતી



કુપાત્રની પાસે વસ્તુ ના વાવીએ

કુપાત્રની પાસે વસ્તુ ના વાવીએ રે,
ને સમજીને રહીએ ચુપ રે,
લાલચ આપે ને દ્રવ્ય કરે ઢગલા રે,
ભલે હોય શ્રીમંત કે ભૂપ રે …. કુપાત્રની પાસે

ભજની જનોએ ભક્તિમાં રે’વું ને,
કરવો સ્મરણ નિરધાર રે….
અજ્ઞાની આગળ નવ ઉચ્ચરવું ને,
બાંધવા સૂરતા કેરા તાર રે … કુપાત્રની પાસે

ઉપદેશ દેવા તો પ્રથમ ભક્તિ દેખાડવી
ને ગાળી દેવો તેનો મોહ રે,
દયા કરીને તેને પાત્ર બનાવો ત્યારે,
રાખવો રે એમાં ઘણો સ્નેહ રે … કુપાત્રની પાસે

સંશય ટળે ને મનડું ગળે ને
રાખે નહીં કોઈના પર દ્વેષ રે,
ગંગા રે સતી એમ બોલિયાં
એવાને દેખાડવો હરિનો દેશ રે … કુપાત્રની પાસે