કુસુમમાળા/એક નદી ઉપર અજવાળી મધ્યરાત્રિ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← હ્રદયપ્રતિબિમ્બ કુસુમમાળા
એક નદી ઉપર અજવાળી મધ્યરાત્રિ
નરસિંહરાવ દિવેટિયા
ટેકરિયોમાં એક સાંઝનો સમય →


[ગરબી - ઈતિહાસની આરશીસાહી, મ્હેં જોયું માહિ,
વિર થાવર દીઠું ન કાઈ ફરતી છે છી. -- એ ચાલ.]

સૂતી સુંવાળી સરિત ચંદશું હાસ કરે,
નાચતું તેહ-ઉછંગ વ્હેળિયું કૂદી પડે. ૧

આ મધ્યરજની રમણીય વિશે નદી નદીતટને
આ રજતકૂર્ચ લઇ ચંદ રંગતો શુભ વરણે. ૨

આ ભવ્ય બુરજ ગઢતણા નદીતટ ચોકી કરે,
કઈ બિહામણાં અદ્ભૂત ભૂતનું રૂપ ધરે. ૩

અહિં શાન્તિદેવીના મન્ત્ર વડે મૂર્છિત બનિયાં
સરિતાતટતરુના ઝુંડ, અર્ધનિદ્રિત પડિયાં. ૪

જો ! સરિતાનો ઘુઘવાટ શિલામાં અથડાતો,
ને મધુર વ્હેળીયાતણો નાદ ગદ્ગદ થાતો. ૫

એ નાદવડે નિ:શબ્દ શાન્તિના રાજ્ય વિશે
નવ ભંગ થતો કંઈં લેશ, શાન્તિ અદકી જ દીસે. ૬

એ નાદ અલૌકિકરૂપ સુણતાં શ્રવણ ધરી
તરુવૃન્દ તટો પર નમ્યાં ધ્યાન એકાગ્ર કરી; ૭

સુણતા વળી યુગનાદને બુરજપાળા ગઢના,
સુણતો મૃદુ પ્રેમે ચન્દ્ર એહ રૂડી રવઘટના. ૮

આ વેળ અનુપ આ સ્થાન વિશે અદભૂત પસર્યું
કઇ ગૂઢ અલૌકિક સત્વ જેહ નવ જાય કળ્યું. ૯

પસરિયું એ સરિતાવે, પસરિયું તરુકુંજે,
પસર્યું ગઢબુરજો પરે, પસરિયું જળપુંજે. ૧૦

એ ગૂઢસત્વપ્રતિબિમ્બ પડ્યું મુજ હ્રદય પરે,
હા ! શબ્દમૂર્તિ શી રીત્ય એ પ્રતિબિમ્બ ધરે ? ૧૧

ઓ સરિતા ! ને ઓ ચંદ ! રજનીઓ દિવ્ય જ જો !
ઓ તરુરાજતણા વૃન્દ ! - સત્વ એ દાખવજો. ૧૨

-૦-

ટીકા

કડી ૧, ચરણ ૧. ચંદશું - ચંદ સાથે. ચરણ ૨. તેહ-ઉછંગ- સરિતને ઉછંગે. એક ન્હાનો વ્હેળો નદીને મળતો તે આ ઠેકાણે વર્ણવ્યો છે.

કડી ૨. રજતકૂર્ચ - રૂપાનો કૂચડો.

કડી ૬. 'મધ્યરાત્ર્યે કૉયલ' (પૃ. ૭૧)ની કડી ૩, ચરણ ૪ પરની ટીકા (પૃ. ૧૨૭) જુઓ.

કડી ૮, ચરણ ૧. યુગનાદ -સરિતા નથી વ્હેળિયાના (બેના) નાદ, ચરણ ૨. રવઘટના - એ બે રવ (નાદ) નું મિશ્રણ.

કડી ૯. ચરણ ૨. સત્ત્વ - તે સ્થાનનો જીવાતુભૂત આત્મા,Spirit (of the scene).

કડી ૧૧, ચરણ ૨. - એટલે - એ પ્રતિબિમ્બનું શબ્દમાં શી રીતે વર્ણન થાય?

-૦-