કુસુમમાળા/નદૃનદીસંગમ
← વિધવાનો વિલાપ | કુસુમમાળા નદૃનદીસંગમ નરસિંહરાવ દિવેટિયા |
કર્તવ્ય અને વિલાસ → |
નદૃનદીસંગમ
[૧] *ગરબી -
એક મહાનદ રવ ગમ્ભીરે ઘૂમતો,
વિકટ અરણ્ય મંહિં વહી જાતો એકલો,
અથડાતો વળી શિલા વિશાળી સંગમાં
તો ઓળંગી આગળ વહેતો ટેકીલો. ૧
સુણતો ઘોર થતો જે નાદ ઘડી ઘડી,
પ્રબળ પવન જ્ય્હાં ઝાડઝુંડશું ઝૂઝતો,
ને એ નાદ હૃદય નિજ ધારી ચાલતો,
જાએ વહેતો જે મારગ મન રુચતો. ૨
વળી નિરખંતો જાએ ઊંચે આભમાં
મેઘતણું દળ ગાજવીજ કરી ઘૂમતું,
તે સહુનું પ્રતિબિમ્બ ઉરે નિજ ધારીને
જાતો આગળ, ઘનજળ હેને ચૂમતું. ૩
એક નદી વળી ન્હાનકડી મીઠે રવે
ગાન કરંતી ઝીણું, નાચે મન્દ જે,
મન્દ હસંતાં મેદાનોમાં મ્હાલતી
જાએ ધીરે ધરી ધીરો આનન્દ એ. ૪
કૉયલટહુકો મધુરો તટતરુકુંજમાં
કો ઠામે સુણીને એ હરખી નાચતી,
ને નિજ મીઠો રવ તે સંગે ભેળતી
ભર આનન્દે વહેતી એ ચાલી જતી. ૫
ત્હેને કદી કદી ભૂરું વ્યોમ નિહાળતું,
કદી ચંદા કરી મન્દ હાસ હેને ચૂમે,
એ સહુકેરી છબી નિજ હઇડે ધારીને
વ્હેતી ચાલે, લહરી ઝીણીએ ઘૂમે. ૬
હું ઊભો એ નદૃનદીસંગમ ઉપરે,
ને દીઠાં જળ બંનેના ભેળાં ભળ્યા,
પેલા નદૃનો ઘોર ઘોષ ધીમો પડ્યો,
ને ત્યહાં નદીની લહરી નાચી જોરમાં. ૭
આગળ નાંખી નજરે નવ દીઠું કંઈં,
ઝાંખાઈ મુજ આંખ્ય અતીશે તેજથી,
પણ પેલી ગમ દૂર ઘણે મ્હેં ઝાંખિયો
ઝળહળતો કંઈં સિન્ધુ વિશાળ પડ્યો અતિ. ૮
ત્યહાં એ નદૃનદીસંગમ ભળિયો મ્હેં દીઠો,
ભળિયો પણ વળી વ્હેતો અળગો સિન્ધુમાં;–
વ્હાલી ! મુજતુજ જીવન આ બે એકઠાં
માળિયાં નિરખીને રહું હું આનન્દમાં. ૯
ટીકા
[ફેરફાર કરો]એકલા પુરુષનું કઠણ પ્રસંગોથી ભરેલું જીવન તે આ કાવ્યમાંનો નદ છે: અને તેમ જ સ્ત્રીનું સરળ આનન્દમય જીવન તે નદી છે. એ બનેં જીવન લગ્નમાં મળી નદનદીસંગમ થઈ, પુરુષનું કઠણસંસ્કારયુકત જીવન કાંઈ કોમળ રૂપ પકડે છે અને સ્ત્રીનું મ્રુદુ જીવન કાંઇ સફળ રૂપ પકડે છે. ( કડી ૭ નું ઉત્તરાર્ધ જુવો. ) તે જીવન એકત્ર થઈ , એ સંગમનો પ્રવાહ આગળ કય્હાં ચાલ્યો તે જણાયું નહિં (કડી ૮ પૂર્વાર્ધ ); મતલબ કે ભવિષ્યની સ્થિતિ ન જ જણાઈ તે ન જ જણાઇ, પરંતુ દૂર દૂરની ભાવિસ્થિતિ તો જણાઈ, - ઘણે દુર પડેલો સિન્ધુ-પરકાળમાં અનન્તદશાનો સિન્ધુ-તે જણાયો , અને ત્હેમાં એ નદનદી- સંગમ ભળ્યો, છતાં વ્યક્તસ્વરૂપે જુદે પ્રવાહ વ્હેતો રહ્યો. (પરકાળમાં અનન્તત્વમાં રહી આત્માઓની વ્યકત સ્થિતિ આ રીતે સૂચવાય છે.)
પ્રથમ ત્રણ કડીમાં પુરુષના કઠણ પ્રસંગોને અનુરૂપ નદપ્રવાહનાં અંગ કહ્યાં છે; તેમ પછીની ત્રણ કડીમાં સ્ત્રીના કોમળ જીવનનાં અંગને અનુરૂપ નદીપ્રવાહનાં અંગ કહ્યાં છે.
- ↑ *'આસો માસો શરદપૂનમની રાત્ય જો. ' —એ ચાલ.