કુસુમમાળા/રાત્રિયે કૉયલ
← મધ્યરાત્રિએ કૉયલ | કુસુમમાળા રાત્રિયે કૉયલ નરસિંહરાવ દિવેટિયા |
વસન્તમાં એક સ્હવારનો સમય → |
રાત્રિયે કૉયલ
[[૧]*ગરબી]
વ્હાલી, સાંભળ્ય પેલી કોયલડી તરુવૃન્દમાં રે
ગાતી છન્દમાં રે, વ્હાલીο
શાન્ત રજનિમાં ચમકી ચાંદની,
જો આછી પથરાઈ વાદળી,
આવે ટહુકો અનિલલ્હેર કંઈં મન્દમાં રે,
ગાતીο વ્હાલીο ૧
વ્હાલી! એ તુજને બોલાવે,
મીઠી મીઠીને મન ભાવે,
દે ની પાછો ટહુકો કોમળ કણ્ઠમાં રે,
ગાઈο વ્હાલીο ૨
ટુહૂ ટુહૂ કરી જો ફરી આવ્યો,
મીઠો રવ અમીરસ જો લાવ્યો,
કૉયલડી રહી છૂપી ઝાડના ઝુંડમાં રે,
ગાતીο વ્હાલીο ૩
'ચાલો પ્રિય! સુણિયે એ મીઠી,
મ્હેં મધુરી ગાનનદી દીઠી,
ચળકંતી ચાલે જે પેલા ચંદમાં રે,
ગાતી છન્દમાં રે;'
વ્હાલી, સાંભળ્ય પેલી કૉયલડી તરૂવૃન્દમાં રે. ૪
ટીકા
[ફેરફાર કરો]કડી ૩, ચરણ ૨. લાવ્યો-નો કર્તા'રવ,' કર્મ 'અમીરસ.'
કડી ૪. ચન્દ્રમાં માનનદી વ્હેતી,-એમ ચન્દ્રનું લાવણ્ય અને ગાનનું માધુર્ય એ બંને સુંદરતાદ્વારાએ સજાતીય જ ગણીને કલ્પનાબળે માનેલું છે.
આ કાવ્ય પણ તરત પાછળ ગયેલા 'મધ્યરાત્રિએ કૉયલ' એ કાવ્યમાંના બનાવ ઉપરથી જ રચાયલું છે.
- ↑ *કામણ દીસે છે અલબેલા ત્હારી આંખ્યમાં રે.' - એ ચાલ