કુસુમમાળા/વિપદમાં ધારણ કરનાર બળ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← કર્તવ્ય અને વિલાસ કુસુમમાળા
વિપદમાં ધારણ કરનાર બળ
નરસિંહરાવ દિવેટિયા
મિશ્ર થયેલી બે છાયા →


 [સીતાના મહિનાની ચાલ]

કળી પદ્મ કરી મૃદુ હાસ અનિલસંગ ખેલતી,
નીચે જળમાં નિરખંતી નિજ મુખ ઘડી ઘડી લ્હેરતી,
તે શું દેખે પ્હેણે પેલો દૂર રહ્યો હેનો વેરી જે,
ક્રૂર શિશિર, જે દેશે પીડ દુઃખે હેને ઘેરીને ? ૧

વર્ષાભીની વળી વનભૂમિ હસંતી રસાળ જે,
જય્હારે નિરખે હેને રવિરાજ છેદી મેઘમાળને,
તે શું જાણે પ્હણે પેલી પાસ બીજે ક્ષણ આવતી
ઘનઘોર ઘટા દેતી દુઃખ હેને અકળાવતી ? ૨

વ્હાલી ! અહિં તું રમે રસભેર આનન્દ-ઉછંગમાં,
નવ જાણ્યો હજી કદી શોક, રહી સુખરંગમાં;-
કદી આંસુ ઢળ્યાં બે ચાર સહજ સુખભંગથી,
તોએ ત્હેમાં વહે આનન્દ ઝીણાશા તરંગથી. ૩

પણ વ્હાલી ! ત્હને મહાદુઃખ કદી લેશે ઘેરીને ?
કુમળું તુજ આ હઈડું તે વેળ લેશે કૉણ ધારીને ?
મુજ સબળ પ્રેમ કદી રાખે હઈડાને એ ભીડીને,
પણ તે પ્રેમનો આધાર ગયો કદી ઊડીને ? ૪

પદ્મકળીને શિશિરમાં જેહ રાખે ધારીને,
ભૂમિ મેઘે કરી નિસ્તેજ લેશે જે સંભાળીને,
તે જ એક મ્હારો આધાર પ્રબળ દુઃખસિન્ધુમાં;-
એમ જાણીને હું આ વાર રમું આનન્દમાં. ૫
-૦-

ટીકા

સૃષ્ટિની અચેતન અને નિરાધાર જણાતી વસ્તુઓનો સંકટમાં આધાર કૉણ છે? ઇશ્વર. તો તે દૃષ્ટાન્ત લઇ મનુષ્યે વિપત્તિમાં પોતાને નિરાધાર ન માનતાં શાન્ત આનન્દયુક્ત રહેવું, આ તાત્પર્ય આ કાવ્યનું છે.

-૦-