લખાણ પર જાઓ

કુસુમમાળા/સંસ્કારોદ્બોધન

વિકિસ્રોતમાંથી
← મિશ્ર થયેલી બે છાયા કુસુમમાળા
સંસ્કારોદ્બોધન
નરસિંહરાવ દિવેટિયા
લગ્ન સમયે એક કુસુમપાત્રની ભેટ મોકલતાં →


સંસ્કારોદ્‌બોધન.

વસન્તતિલકા

આ તે જ સ્થાન, અહિં આપણ બે ઊભેલાં,
લેઈ વિદાય ગઈ દૂર તું જેહ વેળા;
જોતાં જ તે સમયની સ્મૃતિને જો શી જાગે!
તે શાન્ત મધ્યરજની ફરી ઊભી આગે! ૧


શીળીશી ચાંદની વિશે શું કરંતી સ્નાન
તે રાત્રિ કે'વી દીસતી હતી દીપ્તિમાન!
ને શ્યામવર્ણ લઘુ ખણ્ડ જ મેઘ કેરો
ભૂલા પડ્યા કહિંથી આવી નભે ઠરેલા; ૨

દેદીપ્યમાન રજનીમહિં તે જણાય
જે'વાં જ બાળભૂતડાં ભૂલી જાતિ ન્યાય
આવ્યાં નિષિદ્ધ સ્થળમાં તજી અન્ધકાર,
ને વિસ્મયે ઠરી રહ્યાં સ્થિર તેહ ઠામ.- ૩

પેલી ઘટા તરુતણી જહિં તે જ રાતે
બે આપણે વિચરિયાં લઈ હાથ હાથે;
વૃત્તાન્ત પૂર્વ તણી મૂર્તિ વિરાજી પાછી,
વીત્યા દિનો અધિક તો ય ન થાય આછી. ૪

જો બાર કુમ્ભ દિન તે થકી માંડી આજે
ખાલી કર્યા ફરી ભર્યા અહિં ચન્દ્રરાજે.
હા! એટલી અવધિમાં સુખદુઃખરંગ
શા આપણે અનુભવ્યા હશી રોઈ સંગ! ૫

છૂટાં પડ્યાં, ફરી મળ્યાં, ફરી જો વિખૂટાં,
ભેટ્યાં હશ્યાં, ફરી રડી રડી આંસુ ખૂટ્યાં!
તે શોકવાદળ મહિં મળી એક ચંદા
સીંચતી શીળી હઈડે સુખલ્હેર મન્દા. ૬


જે આપણે મન વશી; પ્રિય! કૉણ, કહે તે?
મીઠી સખી તુજ, અને મુજ બ્હેની છે તે;
હા! તેથી ને તુજથી આ ક્ષણ દૂર હું છું!
શું આપણે ત્રણ ફરી મળીશું, હું પૂછું? ૭

થાશે સખી દિવસ અલ્પ વિશે પરાઈ,
પામી રૂડો વર અને સુખ સર્વ લાહી,
જાશે ભૂલી પછી ત્હને મુજને સખી તે,
કે રાખશે સ્મરણ આપણું કાંઈ ચિત્તે? ૮

ના, ના, ભૂલે શું? અપરાધી બનું હું કે'વો
પ્રેમી સખી તુજ વિશે કરી તર્ક હેવો?
તો એ ફરી મળવું દુર્લભ હેનું માનું,
ને ખેદ પામું તદ્યપિ સુખ થાય છાનું;- ૯

છૂટાં અહિં પ્રિયજનો રહીશું વશેલાં,
ને દોહલા ફરી સમાગમ તો રસીલા;
તેથી જ નિશ્ચય કર્યો દૃઢ ચિત્તે આ મ્હેં -
વ્હાલાં ફરી સહુ મળીશું અનન્ત ધામે! ૧૦

ત્ય્હાં તો ફરી નવ કદી જ વિયોગ સ્હેવા,
નિત્યે નવાં સુખતણા સહુ સ્વાદ લેવા;
આનન્દકેરી નદી ત્ય્હાં ન કદી વિરામે,
વ્હાલાં તહિં કરીશું સ્નાન અનન્ત ધામે! ૧૧




પૂર્વ કાળમાં થયેલા અનુભવની મન ઉપર પડેલી છાપ (=સંસ્કાર)-ત્હેનું ઉદ્બોધન- જાગૃત થવું ; - કોઇ તે અનુભવની સાથે જોડાયેલી વસ્તુનું ફરી પ્રત્યક્ષ થવાથી પૂર્વ વાતનું સ્મરણ થવું તે.

કડી ૨, ચરણ ૧. કરંતી સ્નાન -' રાત્રિ' નું વિશેષણ છે.

કડી ૩, જાતિન્યાય- પોતાની ( ભૂતડાંની ) જાતિનો ન્યાય (ધારો,રિવાજ); અન્ધકારની બહાર ન જવું તે રિવાજ.

નિષિદ્ધ સ્થળ-જાતિન્યાયે નિષેધ (મના) કરેલા સ્થળમાં- પ્રકાશવાળા (ચાંદનીવાળા) સ્થળમાં.

કડી ૫, પ્રત્યેક મહિને ચંદ્ર પોતનું બિમ્બ ક્ષયવૃધિથી પ્રકાશથી ખાલી કરે છે, ને ભરે છે, તેથી બિમ્બ તે ચંદ્રનો કુમ્ભ ગણી કલ્પના કરી છે. તાત્પર્ય કે બાર માસ વીત્યા છે.

કડી ૮, લાહી-પામી.

કડી ૯, ચરણ ૪. છાનું સુખ થવાનું કારણ નીચે કડી ૧૦ તથા ૧૧ માં બતાવ્યું છે.

-૦-