કૈવલ્યગીતા
કૈવલ્યગીતા અખો |
કૈવલ્યગીતા.
રાગ આશાવરી.
આ તું પૂરણ પુરુષોત્તમ પરબ્રહ્મ,દેખું છું હાજરા હજુર રે;
પરાપારથો બોલે પ્રાણપતિ,કેમ કહું નેણથી દૂર રે. તું પૂ ૦ (૧)
આ ઉપમા દીજે તે આરોપણ,દૃષ્ટાંત દીજે તે દ્વૈત રે;
આપે આપમાં આડ્યજ(પડદો) શેની,દ્વૈતસહિત અદ્વૈતરે. તું પૂ ૦ (૨)
આ શ્વાસ ઉસાસ સરે ત્યાં તું છે,કળ ભારે તુજમાંય રે;
હું તું કરૂં પણ છે પ્રાયે તું,તું જોતાં હું ક્યાંય રે. તું પૂ ૦ (૩)
આ નખશિખ જોતાં તુંજ નર્યો(એકલો)હરિ,અન્ય તે કોણ ને ક્યાંથું રે;
ઇચ્છાબીજ વાવ્યું તુંજ માંહે,ઉગી આવ્યું તુંજ માંથું. તું પૂ ૦(૪)
આ મૂળ સ્કંધ શાખા પ્રતિશાખા,પલ્લવ પત્ર ફળ ફુલ રે;
સ્વાદ રંગ ગુણ નામ રૂપ બહુ,બીજ જોતાં નહીં ભૂલ રે. તું પૂ ૦(૫)
આ નિરંજન નિરાકાર નિરામય,એવું સરખું છે આપ રે;
અંજન આકાર ક્યાંથી આવ્યા,આપમાંહેથી સર્વ વ્યાપ રે. તું પૂ ૦(૬)
આ વસ્તુ નિરંતર કહું હું ધ્યાતા,ધ્યાતાવિના ધ્યેય ક્યાંય રે;
હું તું તું હું વસ્તુ વિચારે,અંકુર બીજજ પ્રાય રે. તું પૂ ૦(૭)
આ પરાપારમાં પેશીને જોયું,હુંપણું ન મળે રંચ રે;
પોષણ ત્યાં તું તેમનો તેમ છે,સર્વે તારો સંચ રે. તું પૂ ૦(૮)
આ તું ચેતન તુજ માંહે જામ્યો,જોયો ત્યાં તું જીવ રે;
શ્થૂળ નામ ધર્યા જીવેશ્વરનાં,તેમનું તેમ સદૈવ રે. તું પૂ ૦(૯)
આ હું નહીં તું નહીં તે નહીં તેહજ,ફાલ્યું ફળ્યું ઝાતકાર રે;
અવ્યક્તમાંહી વ્યક્ત સર્વ દીસો,આપ તે જાણણહાર રે. તું પૂ ૦(૧૦)
આ ઉપના કેરી આધ કહે કોય,અંત નહીં કોય કાળ રે;
મધ્યમાંહેથી નામજ નીસરે,એવું ધામ વિશાળ રે. તું પૂ ૦(૧૧)
આ ગાઉ છું હું ને ગાતો જા તું,અંતર ઉતરીને જોતે રે;
હું નો હું અને તું નો તું અજ,એમ પોતાનો પોતે રે. તું પૂ ૦(૧૨)
આ પિંડ જોતાં બ્રહ્માંડ જોવાયું,થાવર જંગમ દેહ રે;
સ્વર્ગ મૃત્યુ પાતાળ દશે દિશ,આપ તું સ્વામી એહ રે. તું પૂ ૦(૧૩)
આ કાયા ચલણવલણ કરે નરની,ગમનધાવન બહુ ભાવે રે;
પુરુષવિના પ્રતિબિંબ ન હોયે,ચેતન સહેજ સ્વભાવે રે. તું પૂ ૦(૧૪)
આ સ્વેં ચેતન જડ સરખું ભાસે,આપે તે ભૂત આકાર રે;
નૃત્ય નિધાન કરતાં કૈવલ્ય,ભાસે ચૈતન્ય સાર રે. તું પૂ ૦(૧૫)
આ તું તારી ઇચ્છાએ પ્રાણપતિ,અક્ષર તણી લે ઓટ રે;
દર્શનમત નાનાવિધિ ચાલે,ભેખ ટેક કોટે કોટ રે. તું પૂ ૦(૧૬)
આ દેશ દેશ ભાષા ભિન્ન ભિન્ન બોલે,ચાલ ચરિત્ર આચર્ણ રે;
રૂપ રમણ આકાર અનેરાં,પવન તેજ નિર ધર્ણ રે. તું પૂ ૦(૧૭)
આ જળચર થળચર ખેચર તું હરિ,ક્યાંક મિશ્રિત તું હોય રે;
ક્યાંક પંડિત મૂરખ સાધારણ,આપથી ન અળગો કોઇ રે. તું પૂ ૦(૧૮)
આ જીવ ઇશ્વર તું તુજને ઠરાવે,અળગો કલ્પે આકાર રે;
કલ્પિતમાં પરમેશ્વર નાવે,અકળિત આપ અપાર રે. તું પૂ ૦(૧૯)
આ દીસે તેવો તું ત્યાં ન હોયે,છે તે સર્વે ઇશ રે;
તું તુજને જાણે નવ જાણે,દેવ દૈત્ય જગદીશ રે. તું પૂ ૦(૨૦)
આ બોલતાં બીજું થૈને ભાસે,કહેતાં કવતાં ને ગાતે રે;
પોતાનાં પરાક્રમ હોતામાં દીસે,તેટલે નહીં શ્થૂલ જોતે રે . તું પૂ ૦(૨૧)
આ વણસતું દીસે પણ નહિ વણસે,રેય દીસે ન રેવાય રે;
અટપટું દીસે સત્ય સર્વથા,કેતું દીસે ન કેવાય રે. તું પૂ ૦(૨૨)
આ નિત્ય અનિત્ય મિત અમિત ન થાય,શબ્દાતીત ચૈતન્ય રે;
અન્ય અભ્યાસે ખાંતે ગાયો,વન્યગતે નહિ અન્ય રે. તું પૂ ૦(૨૩)
આ 'કૈવલ્યગીતા' નામ સંજ્ઞાએ,આપે તે નિજ આનંદ રે;
સમજતાં શ્રીપતિ સ્વેં થાયે,અખા એ કૈવલ્યકંદ રે. તું પૂ ૦(૨૪)