લખાણ પર જાઓ

ગાંધીજીનો અક્ષર દેહ - ૧/દક્ષિણ આફ્રિકાના રાજયબંધારણનું માળખું

વિકિસ્રોતમાંથી
← તારીખવાર વૃત્તાંત ગાંધીજીનો અક્ષરદેહ
દક્ષિણ આફ્રિકાના રાજયબંધારણનું માળખું
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
દક્ષિણ આફ્રિકાનું ટૂંકું વૃત્તાંત → →


દક્ષિણ આફ્રિકાના રાજયબંધારણનું માળખું


(૧૮૯૦–૧૯૧૪)

કેપ સંસ્થાન

૧૮૫૩ના રાજયબંધારણ ઑર્ડિનન્સ (કૉન્સ્ટિટયૂશન ઑર્ડિનન્સ) મુજબ કેપ સંસ્થાનના સરકારી તંત્રમાં કારોબારી અધિકાર ધરાવતા ગવર્નરની વ્યવસ્થા હતી. પણ તે વિધાનમંડળોને જવાબદાર નહોતા. આ વિધાનમંડળ વિધાનસભા અને વિધાનપરિષદ એવાં બે ચૂંટણીથી રચાયેલાં મંડળોનું બનેલું હતું. એમાંથી વિધાનપરિષદની ૧૮૭૨માં એવા ધોરણે પુનર્રચના કરવામાં આવી કે સંસ્થાનના સાત વિભાગ પાડી તે દરેકમાંથી અમુક સભ્યોને પ્રતિનિધિત્વ અપાયું. ધારામંડળો ઘણુંખરું કેનેડા અને ઑસ્ટ્રેલિયામાં છે તેમ સંસ્થાનિક ધોરણે રચાયાં, પણ તેમને સ્થાનિક જરૂરિયાતોને અનુકૂળ બનાવાયાં હતાં.

વિધાન પરિષદ માટેનો મતાધિકાર ઊંચી એવી મિલકતની લાયકાતને આધારે હોઈ સંખ્યામાં નીચો હતો, ૧૮૯૨ના મતાધિકાર અને બૅલટ કાનૂનમાં એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે મતદાર પાસે ૫૦ પાઉંડની વાર્ષિક આવક અથવા ૭૫ પાઉંડની કિંમતની સ્થાવર મિલકત હોવી જોઈએ. એમાં લેખિત કસોટીની પણ જોગવાઈ કરવામાં આવી હતી. જોકે આ નિયમ સૌને સમાન રીતે લાગુ પડતો હતો છતાં, વ્યવહારમાં બિનગોરા મતદારોની સંખ્યા ઉપર તેનાથી કાપ મુકાતો હતો. ગોરા મતદારોની સંખ્યા એ સંખ્યાથી પ્રમાણમાં ઘણી જ વધી જતી હતી.

આ બંધારણ ઉદારમતવાદી અને સાંસ્થાનિક સ્વરૂપનું હતું. એનાથી બ્રિટિશ હકૂમતની મંજૂરી મેળવવાની શરતે ઘરઆંગણેની નીતિ બાબતમાં અધિકાર રહેતો હતો. ખરું પુછાવો તો એ ૧૯૧૦ સુધી અમલમાં રહ્યું. ત્યાર પછી કેપ સંસ્થાન સંઘ રાજ્યનો એક પ્રાંત બની ગયું.

૧૮૯૪ના ગ્લેન-ગ્રે કાનૂન વડે ગ્રામ અને જિલ્લા પરિષદો મારફતે દેશી લોકો માટે અમુક પ્રમાણમાં સ્થાનિક સ્વરાજ દાખલ કરવામાં આવ્યું. આ દરેક પરિષદ મોટી પરિષદના ચોકઠામાં રહીને અધ્યક્ષ તરીકે એક યુરોપિયન મૅજિસ્ટ્રેટ તેમ જ ચાર ચૂંટાયેલા અને બે નિયુક્ત મળી છ સભ્યોની બનેલી છે. મોટી પરિષદમાં દરેક જિલ્લા પરિષદના ત્રણ આફ્રિકન પ્રતિનિધિઓ હતા તેમાંના એક નિયુક્ત અને બે ચૂંટાયેલા હતા. મોટી પરિષદ જેને સ્વશાસનના ઘણા અધિકારો મળેલા હતા તે મોટે ભાગે પોતાની આવક વેઠ-મુક્તિ કર અને ઝુંપડા વેરામાંથી મેળવતી. જિલ્લા પરિષદોને કર ઉઘરાવવાના કોઈ મૂળ અધિકારો મળેલા નહોતા. ૧૮૯૯-૧૯૦૩ની સાલ દરમિયાન ગ્લેન-ગ્રે કાનૂનને સંસ્થાનના કેન્ટની અને બીજા જિલ્લાઓને લાગુ કરવામાં આવ્યો.

૧૯૦૯ના જે દક્ષિણ આફ્રિકા કાનૂન મુજબ દક્ષિણ આફ્રિકા સંઘરાજયનું નિર્માણ થયું તેની મારફતે કેપ સંસ્થાનના “રંગ-નિરપેક્ષ” મતાધિકારને એવો ચોકસ નિયમ બનાવીને સુરક્ષિત કરવામાં આવ્યો હતો કે માત્ર રંગ અથવા જાતિના પાયા ઉપર કેપ સંસ્થાનના લોકો મતના અધિકારને ઘટાડવાના વલણવાળો કોઈ પણ કાનૂન માત્ર તો જ બનાવી શકે જો તેને સંઘરાજ્યની સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં બેતૃતીયાંશ બહુમતીથી સ્વીકારવામાં આવ્યો હોય.

૧૯૦૧ સુધી જે કેપટાઉન બ્રિટિશ હાઈ કમિશનરનું થાણું હતું, અને ૧૯૧૦માં જ્યારે અસરકારક સત્તા દક્ષિણ આફ્રિકાના મંત્રીમંડળના હાથમાં આવી ત્યાં સુધી આ બ્રિટિશ હાઈ કમિશનરની આજુબાજુ જ દક્ષિણ આફ્રિકાનું રાજકારણ કેન્દ્રિત થયેલું હતું, તે કેપટાઉન હવે સંઘરાજ્યની સંસદની બેઠકનું સ્થળ બની ગયું.

નાતાલ

નાતાલે ૧૮૯૩માં જવાબદાર રાજયતંત્રનો અધિકાર મેળવ્યો. વિધાનપરિષદે પસાર કરેલા અને બ્રિટિશ શાહી સરકારે મંજૂર કરેલા વિધેયકમાં જે બે ગૃહોવાળાં વિધાનમંડળની જોગવાઈ કરવામાં આવી હતી તે છે : દસ વર્ષ માટે નિમાયેલા ૧૧ નિયુક્ત સભ્યોવાળી વિધાનપરિષદ અને ૩૭ ચૂંટાયેલા સભ્યોની ચાર વર્ષની મુદત માટેની વિધાનસભા. ગવર્નર અને મંત્રીમંડળ મળીને રાજ્યની કારોબારી બનતી હતી. મતાધિકારના પ્રશ્નન અંગે જોઈએ તો, ૧૮૯૬માં મતાધિકાર હરણ કાનૂન (ડિસએન્ફ્રેંચાઇઝમેન્ટ ઍકટ ) જેની એશિયાઈઓ ઉપર અસર થતી હતી તે અને વસાહતી કાનૂન (ઇમિગ્રેશન ઍકટ) જેનાથી સંસ્થાનમાં સ્વતંત્ર હિંદીઓના પ્રવેશ ઉપર લગભગ પ્રતિબંધ મુકાઈ જતો હતો તે બંને પસાર કરાવવાની જવાબદારી નાતાલના પ્રથમ મુખ્યમંત્રી સર જૉન રૉબિન્સનની હતી. ૧૯૦૬માં કેટલાક દેશી લોકોને ફાંસીએ ચઢાવવાના નાતાલની સરકારના હુકમને જ્યારે બ્રિટિશ સરકારે સ્થગિત કર્યો ત્યારે બંધારણીય કટોકટી ઊભી થઈ. આના વિરોધમાં નાતાલ સરકારે રાજીનામું આપી દીધું. પણ જ્યારે સંસ્થાનોના મંત્રીએ એવી ખાતરી આપી કે સમ્રાજ્ઞીની સરકારનો હેતુ એક જવાબદાર સાંસ્થાનિક શાસનમાં દખલ કરવાનો નથી ત્યારે પાછળથી તેણે કારભાર હાથમાં લીધો.

ધિ ઑરેન્જ રીવર સંસ્થાન

સન ૧૮૯૦ સધી ઑરેન્જ રીવર સંસ્થાને પોતાનો રાજ્યકારભાર રસ્ટેનબર્ગ ગ્રોન્ડવેટ અથવા ૧૮૫૮–'૬૦ના બંધારણના પાયા ઉપર કર્યો. એમાં એક ચૂંટાયેલા પ્રમુખ અને એક કારોબારી કાઉન્સિલની જોગવાઈ કરવામાં આવી હતી. આ કારોબારી કાઉન્સિલના થોડા સભ્યો પ્રમુખે અને થોડા પુખ્ત ઉંમરના નાગરિકોના મતથી ચૂંટાયેલી લોકસભાએ નિયુક્ત કરેલા હોય છે. લશ્કરનો સરસેનાપતિ કાઉન્સિલનો મહત્ત્વનો સભ્ય હતો. લોકોની સાર્વભૌમ સત્તાને પ્રસ્થાપિત કરનારા બંધારણમાં એવી ઘોષણા કરવામાં આવી હતી કે તેઓ ધર્મ અંગે કે રાજ્ય કારોબાર અંગે બિનગોરા અને ગોરા લોકો વચ્ચે સમાનતા રહે એવું ઇચ્છતા નહોતા. બ્લૂમફોન્ટીનની સંધિએ ૧૮૯૭માં અને તે પછીનાં બે વર્ષ દરમિયાન ટ્રાન્સવાલ અને ઑરેન્જ રીવર સંસ્થાન વચ્ચે વધારે નિકટના સંબંધો ઊભા કર્યા, બંને દેશોના પ્રતિનિધિઓની બનેલી સંયુક્ત કાઉન્સિલ બ્લૂમફોન્ટીન અને પ્રિટોરિયામાં મળતી, અને સંઘરાજ્યનો આદર્શ નજર સમક્ષ રહે એ રીતે એમાં કેળવણી, ન્યાયતંત્ર, દેશી વસ્તીની વ્યવસ્થા વગેરે બાબતોમાં વધારે એકરૂપતા લાવવાની જોગવાઈ કરવામાં આવી.

બોઅરયુદ્ધ ખતમ થતાં, જ્યારે સંસ્થાન બ્રિટિશ હકૂમત નીચે આવ્યું ત્યારે તેનો કબજો લશ્કરી શાસને લીધો પણ વીરીનીઝીંગની સંધિથી એનો અંત આવ્યો. આ સંધિથી ૧૯૦૨માં લેફ્ટનન્ટ ગવર્નર અને મુખ્ય અમલદારોની એક કારોબારી કાઉન્સિલ રચવામાં આવી, ૧૯૦૩માં સ્થાનિક હિતોનું પ્રતિનિધિત્વ ધરાવતા નિયુક્ત થયેલા બિનસરકારી સભ્યોની લઘુમતીવાળી વિધાન પરિષદની રચના કરવામાં આવી, પાછળથી એક આંતર-સાંસ્થાનિક કાઉન્સિલની રચના કરવામાં આવી, જેનો ઉદ્દેશ બંને પ્રજાસત્તાક રાજ્યોનાં સામાન્ય હિતોની બાબતોનો વહીવટ કરવાનો હતો. એના ઉપર ૧૪ સરકારી અને ૪ નિયુક્ત થયેલા બિનસરકારી સભ્યો રાખવામાં આવ્યા હતા. છેક ૧૯૦૭માં આ સંસ્થાનને સ્વરાજ ભોગવતા સંસ્થાનનો દરજજો પ્રાપ્ત થયો. એના બંધારણમાં અને જૂના પ્રજાસત્તાકનું ખાસ લક્ષણ એવા સખત રંગભેદ સામે ગોરા પુરુષોના મતાધિકારનો સ્વીકાર કરવામાં આવ્યો. બીજુ એ પણ ઠરાવવામાં આવ્યું કે બીજું ધારાગૃહ એટલે વિધાનપરિષદ નિયુક્ત કરેલી હોય અને તેના ઉપરની નિમણૂકો શરૂમાં ગવર્નર કરે અને પાછળથી કાઉન્સિલ સમેત ગવર્નર કરે.

ટ્રાન્સવાલ

ટ્રાન્સવાલે એક નિયુક્ત કરેલી કારોબારી કાઉન્સિલ અને એક વિધાનસભાવાળું જે તાજ નીચેના સંસ્થાનનું બંધારણ ૧૮૭૯માં મેળવ્યું હતું તેને પ્રિટોરિયાના કરાર વડે સુધારવામાં આવ્યું, એ કરાર નીચે બ્રિટિશ સાર્વભૌમ સત્તા માન્ય રાખવાની શરતે સંપૂર્ણ સ્વરાજના દરજજાની બાંયધરી આપવામાં આવી હતી. લંડન કરારમાં પહેલાંના આ કરારનો પ્રાસ્તાવિક ભાગ દૂર કરવામાં આવતાં આ સુધારો નકામો બની ગયો. ૧૮૯૭માં ટ્રાન્સવાલ ઑરેન્જ રોવર સંસ્થાન સાથે સમાન હિતોની બાબતમાં સલાહ આપવા માટેની એક કાયમી કાઉન્સિલની સ્થાપના કરવામાં જોડાયું.

સન ૧૯૦૦માં બ્રિટિશોએ ટ્રાન્સવાલની સત્તા પોતાના હાથ પર લેતાં મિલનરને ત્યાંના વહીવટદાર (એડમિનિસ્ટ્રેટર) તરીકે નીમ્યા. જૂની કાનૂનપોથીમાં પાયાના ફેરફારો કરવામાં આવ્યા અને સૉલોમન કમિશનની ભલામણથી કેપ સંસ્થાનમાંના કાનૂનોની ઢબે રાજ તરફથી ઢંઢેરા મારફતે સંખ્યાબંધ કાનૂનો બનાવવામાં આવ્યા. ૧૯૦૧માં જોહાનિસબર્ગને મ્યુનિસિપલ શાસન આપવામાં આવ્યું અને બીજે વર્ષે પ્રિટોરિયાને પણ આપવામાં આવ્યું. વીરીનીઝીંગની સંધિમાં તાજ નીચેના સંસ્થાનનો દરજજો આપવાની અને ધીમે ધીમે એ દરજ્જાને જવાબદાર શાસન સુધી પહોંચાડવાની જોગવાઈ કરવામાં આવી હતી. ૧૯૦૨માં ટ્રાન્સવાલને કારોબારી કાઉન્સિલ અને વિધાનપરિષદ મળી. આ બંને નિયુક્ત થયેલા સભ્યોની છે, અને, એક લેફ્‌ટનન્ટ ગવર્નર સાથે ખાતાંઓના કાર્યપાલક ઉપરીઓની બનેલી છે. ૧૯૦૩માં વિધાનપરિષદ અને એ જ વર્ષમાં થોડા સમય બાદ આંતર-સાંસ્થાનિક કાઉન્સિલ રચવામાં આવી. ૧૯૦૫માં લિટલટન-બંધારણનો અમલ કરવામાં આવ્યો, જેમાં ગવર્નરને જવાબદાર એવા અમલદારોના હાથમાં અધિકાર રહે એવી ચૂંટાયેલી વિધાનસભાની જોગવાઈ કરવામાં આવી છે. આ વિધાનસભા ૪૪ સભ્યોની બની હતી. એમાં બ્રિટિશ સરકારે નીમેલા કાર્યપાલક અમલદારો સિવાયના બધા સભ્યો ચૂંટાયેલા હતા.

૧૯૦૬માં શાહી ફરમાનથી લિટલટન બંધારણ રદ કરવામાં આવ્યું અને સંસ્થાનને સ્વ-શાસનનો અધિકાર મળ્યો. ટ્રાન્સવાલે જૂના પ્રજાસત્તાકની ઢબનો ગોરાઓ માટેનો પુખ્ત ઉંમરના પુરુષોનો મતાધિકાર દાખલ કર્યો પણ બિનગોરાઓને કાનૂન મુજબના અધિકારો આપ્યા, પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ સ્થાપવામાં આવી અને તેની મારફતે જ્યાં સુધી ગોરાઓની મોટી બહુમતીના શાસનની પાકી ખાતરી ન થઈ ત્યાં સુધી દેશી લોકોને મતાધિકાર આપવાનું મુલતવી રાખવામાં આવ્યું. બીજું ધારાગૃહ અથવા વિધાનપરિષદને ઑરેન્જ રોવર સંસ્થાનમાં છે તે મુજબની નિયુક્ત સંસ્થા બનાવવામાં આવી. ૧૯૦૮ની સામાન્ય ચૂંટણી બાદ સરકારે સંખ્યાબંધ પ્રતિબંધ મૂકનારા કાનૂનો બનાવ્યા.

સંઘરાજય

૧૯૧૦માં દક્ષિણ આફ્રિકાનાં ચારે રાજ્યોને દક્ષિણ આફ્રિકાના સંધરાજ્યમાં ફેરવી નાખવામાં આવ્યાં. સંઘરાજ્યના તંત્રમાં કાઉન્સિલ સમેત ગવર્નર જનરલ અને એની મદદ માટે અમુક સંખ્યામાં કારોબારી કાઉન્સિલના સભ્યો અને રાજયનાં ખાતાંઓના મંત્રીઓ હતા, જેમની સંખ્યા દસથી વધવી ન જોઈએ.

સંઘરાજય ઉપર સાર્વભૌમ સત્તા ધરાવતી સંઘસંસદ, સમ્રાટ અને સંઘરાજ્યનાં ધારાગૃહો એટલે સેનેટ અને લોકસભાની બનેલી છે. નાણાકીય બાબતો બાદ કરતાં બંને ગૃહોને કાનૂન બનાવવાના સરખા હકો છે. બધાં જ વિધેયકો બંને ગૃહોમાંથી પસાર કરવાનાં હોય છે અને કોઈ પણ ઝઘડાનો ઉકેલ સંયુક્ત બેઠકે કરવાનો હોય છે. સંસદને પોતાનું બંધારણ (દક્ષિણ આફ્રિકા કાનૂન) બદલવાનો અધિકાર છે. એમાં અપવાદ ત્રણ અલગ રખાયેલી કલમોનો છે જેને બંને ગૃહોની સંયુક્ત બેઠકની બેતૃતીયાંશ બહુમતી જ માત્ર ફેરવી શકે. આ કલમોના વિષયો છે (૧) અંગ્રેજી અને ડચને સત્તાવાર ભાષાઓ તરીકે માન્યતા આપવી. (૨) મતાધિકારમાં કોઈ પણ એવો ફેરફાર જે જાતિ અને રંગને કારણે કેપ પ્રાંતના લોકોના મતના અધિકારોમાં ઘટાડો કરે. અને (૩) બંને ગૃહોની સાધારણ કાર્યવાહીથી બંધારણ સુધારવાની સંસદને સત્તા આપવાની બાબત, એમાં બીજી બે કલમો અને ખુદ આ કલમની બાબતોને અપવાદ તરીકે ગણવી.

લોકસભા જે સીધા જનતાના મતથી પાંચ વર્ષ માટે ચૂંટાય છે તેમાં ૧૫૯ બેઠકો હતી. અને તે બધી યુરોપિયનો માટે હતી. એમાંના ૧૫૦ લોકોને ચારે પ્રાંતોમાંના મતદારો, ૬ને દક્ષિણ પશ્ચિમ આફ્રિકાના યુરોપિયન મતદારો અને ૩ને કેપ સંસ્થાનમાંના આફ્રિકન મતદારો ચૂંટતા હતા. મતદાતાઓમાં (૧) ૨૧ વર્ષ ઉપરની ઉંમરના યુરોપિયનો હતા. વસાહતીઓ છ વર્ષના વસવાટ બાદ અને બ્રિટિશ પ્રજાજનો પાંચ વર્ષના વસવાટ બાદ નાગરિક હક માટે અરજી કરી શકતા હતા. આ વાત ગૃહમંત્રીના પોતાના ખાસ અધિકારની હતી. કેપ અને નાતાલ સંસ્થાનોમાંના અક્ષરજ્ઞાન ધરાવતા બિનગોરા પુરુષો અને જેઓ વર્ષે ૭૫ પાઉંડ કમાતા હોય અથવા ૫૦ પાઉંડની સ્થાવર મિલકત ધરાવતા હોય તેમને મત આપવાનો અધિકાર હતો; અને માત્ર કેપ સંસ્થાનમાં અક્ષરજ્ઞાન ધરાવતા આફ્રિકન પુરુષો જેઓ કાં તો વર્ષે ૭૫ પાઉંડ કમાતા હોય અથવા ૫૦ પાઉંડની સ્થાવર મિલકત ધરાવતા હોય તેમને ત્રણ સભ્યો ચૂંટવા માટે જુદી મતયાદી ઉપર નેાંધાવાનો હક હતો, મતદારમંડળોમાં મતદારોની સંખ્યા એકસરખી રખાઈ હતી. વધઘટ માટે નક્કી સંખ્યાના ૧૫ ટકા ઓછા અથવા વધારેનો ગાળો રાખવામાં આવ્યો હતો.

સેનેટ અથવા રાજસભાની મુદત ૧૦ વર્ષની હતી. અને તે ૪૮ જેટલા બધા જ મિલકત ધરાવતા યુરોપિયન સભ્યોની બનેલી હતી. એમાં દરેક પ્રાંતમાંથી ૮ની ચૂંટણી તે પ્રાંતના સંસદસભ્યો અને પ્રાંતીય પરિષદ તથા ૨ની ચૂંટણી દક્ષિણ પશ્ચિમ આફ્રિકાના સંસદસભ્યો તથા વિધાનસભા કરતી હતી; ૧૦ની નિમણૂક સરકાર કરતી અને ૪ની ચૂંટણી પાંચ વર્ષ માટે સંધરાજ્યના આફ્રિકનો, એમના મુખિયાઓ, દેશીઓની કાઉન્સિલો અને દેશીઓનાં સલાહકાર મંડળો મારફતે આડકતરી ચૂંટણીથી કરતા.

પ્રાંતીય સરકારો

પ્રાંતીય સરકારોમાં (૧) એક શાસનાધિકારી (એડમિનિસ્ટ્રેટર) જેની નિમણૂક પાંચ વર્ષ માટે સંઘરાજ્ય સરકાર કરતી હતી. અને તેને સંસદને જાણ કરીને કાઉન્સિલ સમેત માત્ર ગવર્નર જનરલ જ કાઢી મૂકી શકતા હતા; (૨) ચાર જણની કારોબારી કમિટી જે ત્રણ વર્ષ માટે પ્રાંતીય કાઉન્સિલોના સભ્યો મારફતે પ્રમાણસરના મતદાનથી ચૂંટાતી હતી; અને (૩) પ્રાંતીય પરિષદો જે સંઘ લોકસભાના જેવા જ મતાધિકારથી ચૂંટવામાં આવતી હતી અને એની મુદત ત્રણ વર્ષની હતી.

શાસનાધિકારીને બે જાતની ફરજ બજાવવાની હતી. કારોબારી કમિટીના પ્રમુખ તરીકે તે એની કાર્યવાહીમાં ભાગ લેતા હતા. તે નાણાકીય ફાળવણીની ભલામણ કરી શકતા પરંતુ તેના ઉપર મતદાન નહોતા કરતા, સંઘસરકારના પ્રતિનિધિ તરીકે તેઓ પ્રાંતીય કાઉન્સિલોના કાર્યક્ષેત્રની બહારની બાબતોનો વહીવટ કરતા.

કારોબારી કમિટીઓને બાકી રહી ગયેલા અધિકારો આપવામાં આવ્યા હતા. પ્રાંતીય કાઉન્સિલોમાં વિધાનગૃહોનાં બધાં જ લક્ષણોનો સમાવેશ થતો હતો. એમાં કાઉન્સિલ સમેત ગવર્નર જનરલની મંજૂરીની અપેક્ષાએ, સંસદના કાનૂનોનો વિરોધી નહીં હોય એવો, ચોક્કસ બાબતો અંગે ઑર્ડિનન્સ કાઢવાનો પણ સમાવેશ થતો હતો. એમના અધિકારની બાબતોમાં કેળવણી (ઉચ્ચ સિવાયની) હૉસ્પિટલો, મ્યુનિસિપલ સંસ્થાઓ, અને રેલવે સિવાયનાં સ્થાનિક બાંધકામોનો સમાવેશ થતો હતો. સંસદીય (પાર્લમેન્ટરી) અને મ્યુનિસિપલ સંસ્થાઓનું આ અદ્વિતીય સંયોજન એ સંધસરકારની સત્તાને નબળી પાડયા સિવાય જૂથ રાજ્યની ભાવનાને અપાયેલી છૂટછાટ છે. સંધરાજયની સંસદના હાથમાં ચાહે તે ફેરફાર કરવાની સત્તા હતી.

દક્ષિણ આફ્રિકાની સર્વોચ્ચ અદાલત (સુપ્રિમ કોર્ટ)નો અપીલેટ વિભાગ- બ્લૂમફોન્ટીનમાં હતો અને તેને શાખાઓ તરીકે પ્રાંતીય વિભાગો હતા. સર્વોચ્ચ અદાલતને પ્રાંતીય ઑર્ડિનન્સોનું કાયદેસરપણું નક્કી કરવાની સત્તા હતી.

પ્રાંતીય ખર્ચના ૪૦ ટકા જેટલી આવક પ્રાંતીય કરોમાંથી મેળવી શકાતી હતી. બાકીની રકમ કેન્દ્રીય આવકમાંથી મદદરૂપે અપાતી હતી. પ્રાંતો વચ્ચેના નાણાકીય સંબંધનું નિયમન ૧૯૧૩ના નાણાંકીય સંબંધ કાનૂન (ફાઇનાન્સિયલ રિલેશન્સ ઍકટ) વડે થતું હતું.