ગાંધીજીનો અક્ષર દેહ - ૧/દાદાભાઈ નવરોજીને પત્ર-૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← નાતાલ કાઉન્સિલને અરજી ગાંધીજીનો અક્ષરદેહ
દાદાભાઈ નવરોજીને પત્ર-૧
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
નાતાલ કાઉન્સિલને બીજી અરજી  →૩૦. દાદાભાઈ નવરોજીને પત્ર

[ગાંધીજીએ દાદાભાઈ નવરોજીને લખેલા અનેકમાંનો આ પહેલવહેલો પત્ર હોય એમ લાગે છે. દક્ષિણ આફ્રિકામાં વસવાટ કરીને રહેલા હિંદીઓ પોતાની અરજીઓ બ્રિટિશ સરકારની આગળ રજૂ કરાવવાને છેક ૧૮૯૧ની સાલથી દાદાભાઈની પાસે પહોંચી જઈ તેમની મદદ લેતા આવ્યા હતા. તેથી તેમને તેમના સવાલોનો પરિચય હતો. મૂળ આખો કાગળ મળી શકતો ન હોઈ તેમાંના નીચે આપેલા ઉતારા આર. પી. મસાણીના दादाभाई नवरोही : धि ग्रान्ड ओल्ड मॅन ऑफ इन्डिया (હિંદના દાદા દાદાભાઈ નવરોજી) પુસ્તકનાં પાન ૪૬૮-૯ પરથી લેવામાં આવ્યા છે.]

ડરબન,

જુલાઈ ૫, ૧૮૯૪


જવાબદાર રાજતંત્રના અમલ નીચેની નાતાલની પહેલી પાર્લમેન્ટ મોટે ભાગે હિંદી પાર્લમેન્ટ થઈ તેના કામકાજનો ઘણો મોટો ભાગ હિંદીઓને અને તે પણ બિલકુલ અનુકૂળ નહીં એવી અસર કરનારા કાયદાકાનૂનોને લગતો રહ્યો છે. લેજિસ્લેટિવ કાઉન્સિલ અને એસેમ્બલીની બેઠકનો પ્રારંભ કરતાં નાતાલના ગવર્નરે કહ્યું કે હિંદીઓએ હિંદમાં જેનો ઉપયોગ કદી કર્યો નથી પણ જેનો તેઓ અહીં નાતાલમાં ઉપયોગ કરે છે તે મત આપવાના અધિકારને લગતું કામકાજ મારા પ્રધાનો હાથ પર લેશે, હિંદીઓને મળેલો મતાધિકાર રદ કરવાને માટેનો તળિયાઝાટક કાયદો કરવાનાં કારણો એવાં બતાવવામાં આવ્યાં કે હિંદીઓએ પહેલાં કદી મતાધિકાર ભોગવ્યો નથી અને તેઓ તેને માટે લાયક નથી.

હિંદીઓની અરજી આ વાંધાનો પૂરતો જવાબ આપી દેતી લાગી. એટલે એ લોકોએ પોતાની મૂળ દલીલ ગળી જઈને એ કાયદાના ખરડાની અસલ નેમ ખુલ્લી કરી છે અને તે ચોખ્ખી આ મુજબની છે: “અમારે હવે અહીં હિંદીઓ જોઈતા નથી, અમારે ગિરમીટિયા કુલીઓની જરૂર છે, પણ તે બધા અહીં ગુલામ થઈને રહેશે અને કરારમાંથી છૂટા થશે કે તરત

હિંદ પાછા જશે.” હિંદીઓના આ કામ પર એકચિત્તથી ધ્યાન આપવાની મારી તમને અંતરથી વિનંતી છે, અને તમારી જે લાગવગ હિંદીઓ ગમે ત્યાં રહેતા હોય છતાં તેમને સારુ તમે વાપરતા આવ્યા છો અને આજે પણ વાપરો છો તે વાપરવાની તમને હું અપીલ કરું છું. છોકરાંઓ બાપ તરફથી જે આશા રાખે તેવી હિંદીઓ તમારી પાસેથી રાખે છે. અહીં ખરેખર એવી લાગણી છે.

મારે વિષે બે શબ્દ કહીને પૂરું કરું. હું હજી બિનઅનુભવી અને જુવાન છું અને તેથી ભૂલો કરું એવો પૂરો સંભવ છે. મેં ઉપાડેલી જવાબદારી છેક મારા ગજા બહારની છે. હું એટલું જણાવી લઉં કે આ કામ હું કંઈ પણ વળતર લીધા વગર કરું છું. એટલે તમે જોઈ શકશો કે મારા ગજા બહારનું આ કામ હિંદીઓને ખરચે કમાણી કરવાને સારુ મેં ઉપાડયું નથી. આ કામ હાથ પર લેવાને મળી શકે એવો હું જ અહીં એક છું એટલે તમે મને દોરવણી આપી માર્ગ બતાવવાની અને જરૂરી સૂચનાઓ આપવાની કૃપા કરશો તો મારા પર તમારો મોટો ઉપકાર થશે. બાળક બાપ તરફથી મળેલી સૂચનાઓ સ્વીકારે તેવી રીતે તેમનો હું સ્વીકાર કરીશ.