ગાંધીજીનો અક્ષર દેહ - ૧/નાતાલ કાઉન્સિલને બીજી અરજી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← દાદાભાઈ નવરોજીને પત્ર-૧ ગાંધીજીનો અક્ષરદેહ
નાતાલ કાઉન્સિલને બીજી અરજી
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
હિંદીઓ અને મતાધિકાર →૩૧. નાતાલ કાઉન્સિલને બીજી અરજી
ડરબન,

જુલાઈ ૬, ૧૮૯૪

માનવંતી લેજિસ્લેટિવ કાઉન્સિલના પ્રમુખ

અને મેમ્બર સાહેબો
નાતાલ કૉલોનીમાં રહેનારા નીચે સહી કરનાર
હિંદુસ્તાનીઓની

નમ્રતાપૂર્વક અરજ એ છે કે

૧. ફ્રૅન્ચાઈઝ લૉ એમેન્ડમેન્ટ બિલના સંબંધમાં આપ નામદારને અરજ કરવા અમને આ કૉલોનીમાં રહેનારી હિંદી કોમે નીમ્યા છે.

૨. ૧૮૯૪ના જુલાઈની ૪થી તારીખે ઑનરેબલ મિ. કૅમ્પબેલની મારફતે જે અરજી અમોએ કરી તે નિયમ મુજબ ન હોવાથી અરજદારો આ બીજી અરજી કરી નામદાર કાઉન્સિલનો અમૂલ્ય વખત રોકે છે તેને સારુ બહુ દિલગીર છે.

૩. જે બિલની ટીકા થાય છે તે બિલથી હિંદી કોમમાં બહુ અસંતોષ ને નિરાશાની લાગણી ઉત્પન્ન થઈ છે, એ વાત તરફ કોમના વિશ્વાસુ ને જવાબદાર સભાસદો તરીકે અરજદારો નામદાર કાઉન્સિલનું ધ્યાન ખેંચે છે. જેમ જેમ બિલની ચર્ચા હિંદી કોમમાં થતી આવે છે તેમ તેમ અરજદારોને કાને નીચેના શબ્દો વધારે આવે છે, “સરકાર માબાપ આપણને મારી નાખશે, હવે આપણે શું કરશું?”

૪. નામદાર કાઉન્સિલને બહુ માનપૂર્વક અમે કહીએ છીએ કે આ કંઈ તુચ્છકારી કાઢવા જેવો અભિપ્રાય નથી, પણ એવો અંત:કરણપૂર્વકનો છે કે નામદાર કાઉન્સિલે તે ઉપર બરાબર ધ્યાન દેવાનું છે. ૫. નામદાર કાઉન્સિલમાં એમ કહેવામાં આવ્યું હતું કે હિંદુસ્તાનીઓ વોટ શું એ નથી સમજતા. પણ અરજદાર નમ્રતાપૂર્વક કહે છે કે એ વાત ખરી નથી. હિંદુસ્તાનીઓ મત આપવાના હકની શી જવાબદારી છે તે, [અને] તેથી શું હક મળે છે તે બરોબર સમજે છે. બિલ જેટલાં પગથિયાં ચડતું જાય છે તેટલાં પગથિયાં કેટલી ચિંતા ને ધ્રુજારાથી હિંદુસ્તાની કોમ જોયા કરે છે તે નામદાર કાઉન્સિલ પોતે જોઈ શકે એટલું જ અમે ઇચ્છીએ છીએ.

૬. અરજદાર એમ નથી કહેવા માગતા કે કોમના દરેકને એવું જ્ઞાન અને એવી લાગણી છે, પણ તેઓ કહેવાની રજા માગે છે કે તે સ્થિતિ સાધારણ છે. વળી, અરજદાર એમ પણ નથી કહેવા માગતા કે એવો એકે હિંદુસ્તાની નથી કે જેને વોટનો હક ન જોઈએ. પણ અરજદાર નમ્રતાપૂર્વક એમ તો કહે છે કે બધા હિંદુસ્તાનીઓને વોટમાંથી જડમૂળ બાતલ કરવાને તે કંઈ કારણ નથી.

૭. બિલનાં કેટલાંક અઘટતાં પરિણામો તરફ નામદાર કાઉન્સિલુનું ધ્યાન ખેંચવા અરજદારે રજા માગી [છે] તે છે:

અ. જેઓ હાલ વોટરના લિસ્ટ ઉપર છે તેને સ્વતંત્ર રીતે ત્યાં બિલ રાખે છે અને જેણે આજ સુધી વોટરના લિસ્ટ પર આવવાની ઈચ્છા નથી કરી તેની સામે હમેશને વાસ્તે બારણું બંધ કરે છે.
બ. અગર જો કેટલાક છોકરા પોતાના બાપથી ચડી જાય તોપણ તેઓને વોટનો હક નહીં, જોકે બાપને હોય તોપણ.
ક. બંધાઈને આવેલ તથા સ્વતંત્ર બંને જાતના હિંદુસ્તાનીઓને બિલ એક જ કાટલે તોળે છે.
ડ. બિલનું કારણ રાજનીતિ હવે જે આપવામાં આવ્યું છે તે ઘડીભર કાઢી લઈએ તો બિલનો અર્થ એમ થાય છે કે હિંદુસ્તાનમાં રહેનારો એકે હિંદુસ્તાની હાલ નથી કે જે વોટ આપવાને લાયક હોય અને યુરોપિયન તથા ઇન્ડિયન વચ્ચે એટલો બધો તફાવત છે કે હિંદુસ્તાની યુરોપિયનની સાથે લાંબા સહવાસમાં આવે તોપણ વોટ આપવાને લાયક થતો નથી.

૮. અરજદાર નમ્રતાપૂર્વક સવાલ પૂછે છે, “એક બાપ વોટર છે. પોતાનો દીકરો પબ્લિક માણસ થાય તેવો કરવાને તેની કેળવણી ઉપર લાખો રૂપિયા ખરચે છે છતાં જે સુધરેલા દેશમાં લૌકિક , સ્વરાજ ચાલે છે ત્યાં ખરા, કેળવાયેલ દરેક માણસનો ચોખ્ખો હક છે તે હક પોતાના છોકરાને ન મળે એ જોવું પડે તે વાજબી છે?”

૯. એથી આવા માણસોને વોટ આપવા દેવાથી અંતે દેશીઓનું રાજય હિંદુસ્તાનીના હાથમાં જશે એવી જે ધાસ્તી ચાલી રહી છે , તે ઉપર ટીકા કરવાની અરજદારની બહુ મરજી છે. પણ અરજદારને ધાસ્તી છે કે તે સવાલ ઉપર પોતાના વિચાર નમનતાઈથી નામદાર કાઉન્સિલ આગળ મૂકવાનો આ વખતે નથી. અમે એટલું કહીને સંતોષ માની લેશું કે અમારા મત પ્રમાણે તેવો બનાવ કદી બનનાર જ નથી ને ધારો કે ભવિષ્યમાં બહુ કાળે કદી બને એમ હોય તોપણ તેને સારુ ઉપાયો લેવાનો વખત હજુ પાક્યો નથી.

૧૦. અમે નમ્રતાપૂર્વક અરજી કરીએ છીએ કે બ્રિટિશ રૈયતના એક વર્ગ ને બીજા વર્ગ વચ્ચે અઘટિત તફાવત બિલથી થાય છે. પણ એમ કહેવાયું છે કે જે યુરોપીય બ્રિટિશ રૈયતની રીતે ઈન્ડિયન બ્રિટિશ રૈયત તરફ વર્તાય તો તેવી જ રીતે બીજી બ્રિટિશ રૈયત જેવા કે દેશીઓ સાથે પણ વર્તવું જોઈએ. દ્વેષ ઉપજાવે એવા મુકાબલા કર્યા વિના ૧૮૫૭ના રાણીના ઢંઢેરામાંથી ફકરા ટાંકવાની અરજદાર રજા માગી લે છે. તે ફકરા બતાવશે કે હિંદુસ્તાની બ્રિટિશ રૈયત તરફ કેવી જાતની વર્તણૂક ચાલી છે ને ચાલવી જોઈએ :

જે ફરજ અમારી બીજી રૈયત તરફ છે તેમ ફરજથી અમે અમારા હિંદુસ્તાની મુલકના દેશીઓ તરફ વર્તવાને બંધાઈએ છીએ અને તે ફરજ અમે ઈશ્વરકૃપાથી બરાબર ને અંત:કરણપૂર્વક અદા કરવાનાં છીએ.
વળી, અમારી એવી ઇચ્છા છે કે અમારી ગમે તે નાતજાતની રૈયત પોતાની અક્કલ-

હોશિયારીથી ને વફાદારીથી જેવી નોકરીની ફરજ બજાવવાને લાયક હોય તેવી નોકરીમાં તેને નિષ્પક્ષપાતપણે છૂટથી દાખલ કરી શકાય. તેઓની આબાદીમાં અમારું જોર છે, તેઓના સંતોષથી અમારી સહીસલામતી છે અને તેઓનો આભાર એ અમને બદલો છે.

૧૧. ઉપરના ફકરા અને ૧૮૩૩ના ચાર્ટરના ધોરણ ઉપર હિંદુસ્તાનમાં બહુ જવાબદારીની જેવી કે ચીફ જજની જગ્યાએ ઇન્ડિયનને નીમવામાં આવે છે તેમ છતાં અહીં બ્રિટિશ કૉલોનીમાં એક સાધારણ શહેરીનો સાધારણ હક તે આપના અરજદાર કે તેના ભાઈ કે તેનાં છોકરાં આગળથી છીનવી લેવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

૧૨ હવે એમ કહેવાયું છે કે હિંદુસ્તાનીઓ મ્યુનિસિપલ સેલ્ફ ગવર્નમેન્ટ સમજે છે પણ પૉલિટિક્સ નથી સમજતા. અરજદાર અરજ કરે છે કે એ પણ હવે તો સાવ સાચું નથી. પણ ધારીએ કે એ બરાબર સાચું છે તોપણ જયાં પાર્લમેન્ટરી ગવર્નમેન્ટ ચાલતાં હોય તેવા દેશમાં ઈન્ડિયનને પૉલિટિકલ ફ્રેન્ચાઈઝનું બારણું બંધ કરી દેવાનું તે કંઈ કારણ છે? અરજદાર કહેવાને રજા માગે છે કે ખરી કસોટી તો એ જ છે કે અરજદાર અને જેની વતી તેઓ અરજી કરે છે તે લાયક છે કે નહીં, જ્યાં રાજા રાજ કરતો હોય (દાખલા તરીકે રશિયા) તેવા દેશમાંથી આવનાર પુરુષ કદી લૌકિક રાજયના ધોરણ ને ફાયદા સમજવાની પોતાની શક્તિ ન દેખાડી શકયો હોય અને તોપણ અમે માનવાની હિંમત ધરીએ છીએ કે નામદાર કાઉન્સિલ એવા માણસ જે બીજી વાતે લાયક હોય તો તેને નાલાયક ઠરાવી બાતલ નહીં કરે.

૧૩. પૂરું કરતાં પહેલાં અરજદાર લોર્ડ મૅકોલેના યાદ રાખવા લાયક નીચેના શબ્દો તરફ નામદાર કાઉન્સિલનું ધ્યાન ખેંચે છે:

આપણે સ્વતંત્ર ને સુધરેલા છીએ તોપણ જે મનુષ્યજાતના હરકોઈ ભાગને આપણે

તેટલાં જ સ્વતંત્રતા ને સુધારો આપતાં અચકાઈએ તો એ સુધારો ને સ્વતંત્રતા કંઈ કામનાં નહીં.

૧૪. અરજદાર આશા રાખે છે કે ઉપરની વાતો ને દલીલો બીજું કંઈ સાબિત ન કરે તો એટલું તો સાબિત કરશે કે હિંદુસ્તાનીની વોટ આપવા વિશેની લાયકીનાલાયકી વિષે અને તેઓને વોટ આપવા દેવાથી યુરોપિયન વોટ દબાઈ જઈ દેશીનું રાજય ઇન્ડિયનના હાથમાં જવા વિષે જે ધાસ્તી છે તેને સારુ કંઈ આધાર છે કે નહીં તે વિષે તથા એવી બીજી અગત્યની બાબતો વિષે તપાસ કરવાનું કમિશન નીમવાની ખરેખરી જરૂર છે. ૧૫. અરજદાર એટલા સારુ વિનંતી કરે છે કે નામદાર કાઉન્સિલ નામદાર લેજિસ્લેટિવ ઍસેમ્બલીને ફરી વિચાર સારુ વાજબી લાગે તેવી ભલામણ સહિત બિલ પાછું મોકલશે અને આ ન્યાય ને દયાના કામ સારુ અરજદાર ફરજ સમજી હમેશાંને સારુ બંદગી કરશે વ. વ. વ.

[મૂળ ગુજરાતી]

હાજી મહમદ હાજી દાદા અને સાત બીજા હિંદુસ્તાનીઓ વતી ૧૮૯૪ની સાલના જુલાઈ માસની ૬ઠ્ઠી તારીખે ઑનરેબલ મિ. કૅમ્પબેલે નાતાલ પાર્લમેન્ટરી કાઉન્સિલમાં રજૂ કરેલી અરજી.

સંસ્થાનોની કચેરીનું દફતર નં. ૧૮૧, પુ. ૩૮.

ખુદ ગાંધીજીનો કરેલો મૂળ ગુજરાતી તરજુમો મળ્યો હોવાથી તે આપ્યો છે.