ગાંધીજીનો અક્ષર દેહ - ૧/નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← દાદાભાઈ નવરોજીને પત્ર-૩ ગાંધીજીનો અક્ષરદેહ - ૧
નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસ
મોહનદાસ કરમચંદ ગાંધી
'રામીસામી' →


૩૭. નાતાલ ઈન્ડિયન કોંગ્રેસ
સને ૧૮૯૪ના ઑગસ્ટની ૨૨મી તા[રીખે] ખૂલી
ઑગસ્ટ ૧૮૯૪

પ્રેસિડન્ટ

મિ. અબદુલ્લા હાજી આદમ

વાઈસ પ્રેસિડન્ટો

મિ. હાજી મહમદ હાજી દાદા, મિ. અબદુલ કાદર, મિ. હાજી દાદા હાજી હબીબ, મિ. મુસા હાજી આદમ, મિ. પી. દાવજી મહમદ, મિ. પીરન મહમદ, મિ. મુટ્ટુ ગેસા પીલે, મિ. રામસામી નાઈડુ, મિ. હુસન મિરન, મિ. આદમજી મિયાંખાન, મિ. કે. આર. નાયના, મિ. આમદ ભાયાત • (પી. એમ. બર્ગ), મિ. મુસા હાજી કાસમ, મિ. મહમદ કાસમ જીવા, મિ. પારસી રુસ્તમજી, મિ. દાઉદ મહમદ, મિ. હુસેન કાસમ, મિ. અામદ ટીલી, મિ. દોરીસામી પીલે, મિ. ઉમર હાજી અબા, મિ. ઓસમાનખાં રહેમતખાં, મિ. રંગસ્વામી પદાયચી, મિ. હાજી મહમદ (પી. એમ. બર્ગ), મિ, કમરૂદીન (પી. એમ. બર્ગ).

ઓનરરી સેક્રેટરી
મિ. એમ. કે. ગાંધી
કૉન્ગ્રેસ કમિટી
ચૅરમેન
મિ. અબદુલ્લા હાજી આદમ
ઑનરરી સેક્રેટરી
મિ. એમ. કે. ગાંધી
કમિટીના મેમ્બરો
બધા વાઈસ પ્રેસિડન્ટ
અને

મિ. એમ. ડી. જોશી, મિ. નરસોરામ, મિ. માણેકજી, મિ. દાવજી મામુજી મુતાલવી, મિ. અહમદ એચ. સરન, મિ. મુટુ ક્રીસન, મિ. એલ. ગેબ્રિયલ, મિ. જેમ્સ ક્રિસ્ટોફર, મિ. સુબુ નાઈડુ, મિ. જૉન ગેબ્રિયલ, મિ. સુલેમાન વોરાજી, મિ. કાસમજી આમુજી, મિ. આર. કુંદાસામી નાઈડુ, મિ. એમ. ઈ. કથરાડા, મિ. ઇબ્રાહીમ એમ. ખત્રી, મિ. શેખ ફરીદ, મિ. વરીનદ ઇસ્માઈલ, મિ. ૨નજિત, મિ. પેરુમલ નાઈડુ, મિ. પારસી ધનજીશાં, મિ. બીસેસર, મિ. ગુલામ હુસેન રાંદેરી, મિ. શમશુદ્દીન, મિ. જી. એ. બાસા, મિ. મહમદ એ. બાસા, મિ. સરબજિત, મિ. રાયપન, મિ. જુસબ અબદુલ કરીમ, મિ. અર્જુનસિંગ, મિ. ઇસ્માઈલ કાદર, મિ. ઈસપ કડવા, મિ. મહમદ ઇસાક, મિ. મહમદ હાફેસજી, મિ. એમ. પારેખ, મિ. સુલેમાન દાવજી,

મિ. વી. નારાયણ પાથેર, મિ. લછમન પાંડે, મિ. ઓસમાન અહમદ, મિ. મહમદ તૈયબ. ૧૮૯૦ની સાલમાં લંડન વેજિટેરિયન સોસાયટીના બીજા સભ્યો સાથે ગાંધીજી ૧૮૯૦ની સાલમાં લંડન વેજિટેરિયન સોસાયટીના બીજા સભ્યો સાથે ગાંધીજી નાતાલ ઇન્ડિયન કોંગ્રેસના બંધારણનું પહેલું પાનું
મેમ્બર થવાની શરત

હરકોઈ માણસ જે કૉંગ્રેસનું કામ પસંદ કરતો હોય તે સબસ્ક્રિપ્શન આપીને મેમ્બરના ફારમમાં સહી કરીને મેમ્બર થઈ શકે. મહિનાનું ઓછામાં ઓછું સબસ્ક્રિપ્શન પ/પાંચ શિલિંગ છે ને વરસની ઓછામાં ઓછી ફી પા. ૩/ત્રણ પાઉન્ડ છે.

ના. ઈ. કૉં.ના હેતુ

૧. કૉલોનીમાં રહેનારા યુરોપિયન અને ઇન્ડિયન વચ્ચે સલૂકાઈ કરવી અને સલાહસંપ વધારવો.

૨. છાપામાં લખી, ચોપાનિયાં બહાર પાડી અને ભાષણો કરીને હિંદુસ્તાન અને ત્યાંના લોકોની ખબર ફેલાવવી.

૩. હિંદુસ્તાનીઓ અને તેમાં મુખ્યત્વે કરીને કૉલોનીમાં જન્મેલાઓને હિંદુસ્તાનનો ઇતિહાસ શીખવવો અને હિંદુસ્તાનની બાબતોનો અભ્યાસ કરવાને તેઓને લલચાવવા.

૪. હિંદુસ્તાનીઓ પર શું દુઃખો છે તેની તપાસ કરવી અને તે દૂર કરવાને બધા ઘટતા ઇલાજો લેવા.

૫. ગિરમીટમાં આવેલા ઇન્ડિયનોની સ્થિતિની તપાસ કરવી અને તેઓને થતી ખાસ ઈજાઓ દૂર કરવામાં તેઓને મદદ કરવી.

૬. બધી ઘટતી રીતે ગરીબ અને લાચારને મદદ કરવી.

૭. અને સાધારણ રીતે હિંદુસ્તાનીઓની નીતિ, સંસારી સ્થિતિ, બુદ્ધિ અને રાજપ્રકરણની સ્થિતિમાં સુધારો થાય એવાં બધાં કામો કરવાં.

કમિટીએ સુધારેલા કે રદ કરેલા ને કૉંગ્રેસે પસાર કરેલા ધારા

૧. મીટિંગો ભરવાને સારુ વધારેમાં વધારે મહિનાના ૧૦ પા[ઉન્ડ]ના ભાડાથી એક હૉલ ભાડે લેવાની સત્તા છે.

૨. કમિટી ઓછામાં ઓછી એક વાર મહિનામાં મળે.

૩. કૉંગ્રેસની જનરલ મીટિંગ વરસમાં એક વાર ઓછામાં ઓછી મળે તે ખસૂસ ડરબનમાં જ નહીં.

૪. કૉલોનીના બીજા ભાગમાંથી ઑનરરી સેક્રેટરી મેમ્બરોને નોતરે.

૫. કામકાજને વાસ્તે ધારા ઘડવા ને પસાર કરવાની કમિટીને સત્તા છે અને કમિટીને બધી સાધારણ સત્તા છે.

૬. કમિટી વાજબી પગારે એક પગારદાર સેક્રેટરી નીમે.

૭. ઓનરરી સેક્રેટરી પોતાની મરજી મુજબ કૉંગ્રેસને ટેકો આપે એવા યુરોપિયનને વાઈસ પ્રેસિડન્ટ બનવા નોતરે.

૮. કૉંગ્રેસના ફંડમાંથી ઑનરરી સેક્રેટરી પોતાની મરજી મુજબ છાપાં ને ચોપડીઓ કૉંગ્રેસ લાઇબ્રેરીને સારુ મંગાવે.

૯. ઑનરરી સેક્રેટરી ચેકમાં પોતે જ સહી કરેલી છે કે પોતાની સહીની સામે બીજી સહી પણ છે એ ચોપડામાં બતાવે.

કમિટીએ પસાર કરેલા ધારા

૧. દરેક મીટિંગમાં ચૅરમેન પ્રમુખ થાય. જો તે હાજર ન હોય તો કમિટીનો પહેલો મેમ્બર; તે બેઉ હાજર ન હોય તો બીજો, એ પ્રમાણે નિયમવાર.

૨. મીટિંગની શરૂઆતમાં ઑનરરી સેક્રેટરી છેલ્લી મીટિંગની બીના વાંચી સંભળાવે ને ત્યાર બાદ તેમાં પ્રમુખ સહી કરે.

૩. જે દરખાસ્તો કે ઠરાવની નોટિસ ઑન[રરી] સેક્રેટરીને અગાઉથી ન આપવામાં આવી હોય તેવી દરખાસ્ત કે ઠરાવ ઉપર ઘણું કરીને કમિટી ધ્યાન ન આપે.

૪. જે પૈસા કમિટી કે કૉંગ્રેસને વાસ્તે મળ્યા હોય કે વપરાયા હોય તેનો વિગતવાર હિસાબ ઑન[રરી] સેક્રેટરી વાંચે.

૫. કમિટી કોઈ દરખાસ્ત ઉપર ધ્યાન આપી શકે તે પહેલાં દરખાસ્ત કમિટીના એક મેમ્બરે કરેલી હોવી જોઈએ અને બીજાએ તેને ટેકો દીધેલો હોવો જોઈએ.

૬. ચૅરમૅન અને ઑન[રરી] સેક્રેટરી પોતાના હોદ્દાથી જ કમિટીના મેમ્બર ગણાય અને વોટ આપી શકે. સરખા વોટ થાય તો ચૅરમૅનને એક વધારાનો વોટ મળે.

૭, દરેક મેમ્બર ઊભો થઈને ચૅરમૅનની સન્મુખ બોલે.

૮. કમિટીની મીટિંગમાં દરેક મેમ્બર બીજા મેમ્બર વિશે બોલતાં તેના નામ આગળ 'મિસ્ટર' શબ્દ બોલે.

૯. કમિટીની મીટિંગનું કામ ગુજરાતી, તામિલ, હિંદુસ્તાની અને અંગ્રેજી એ બધી ભાષામાં કે તેમાંની એકમાં ચાલી શકે.

૧૦. હરકોઈ મેમ્બર જે જાણતો હોય તેવા મેમ્બરને બીજા મેમ્બરનાં ભાષણોનો તરજુમો કરવા જરૂર જણાય ત્યારે ચૅરમેન હુકમ કરી શકે.

૧૧. દરેક દરખાસ્ત કે ઠરાવ ઘણે મતે પસાર થાય.

૧૨. જ્યારે કૉંગ્રેસની પાસે ઓછામાં ઓછા પા[ઉન્ડ] પ૦ થાય ત્યારે ઑન[રરી] સેક્રેટરી પોતાની મરજીમાં આવે તે બૅન્કમાં નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસને નામે રાખે.

૧૩. જયાં સુધી નાણાં બૅન્કમાં ન મુકાય ત્યાં સુધી તે ઑન[રરી] સેક્રેટરી પાસે રહે અને તેનો જોખમદાર ઑન[રિરી] સેક્રેટરી ગણાય.

૧૪. પાંચ પાઉન્ડ કરતાં વધારેનું અનિયમિત ખરચ થતાં પહેલી કમિટીની પરવાનગી જોઈએ. તે પરવાનગી લીધા પહેલાં ચૅરમેન કે ઑન[રરી] સેક્રેટરી ખરચ કરે તો અને તે કમિટી મંજૂર ન રાખે તો તે તેઓની જવાબદારી ઉપર સમજવું. પાંચ પાઉન્ડના ચેક ઉપર એનિ[રિરી] સેક્રેટરી એકલા સહી કરી શકે, તેમ મોટી રકમના ચેક ઉપર ઓન[રરી] સેક્રેટરી સહી કરે અને તેની સામે નીચેનામાંથી એક ગૃહસ્થ સહી કરે :

મિ. અબદુલ્લા હાજી આદમ, મિ. મુસા હાજી કાસમ, મિ. અબદુલ કાદર, મિ. કોલન્દા વેલુ પીલે, મિ. પી. દાવજી મહમદ, મિ. હુસેન કાસમ.

૧૫. સભાનું કામકાજ ચલાવવાને ચૅરમૅન તેમ જ સેક્રેટરી ઉપરાંત દસ મેમ્બર હાજર હોવા જોઈએ.

૧૬. મીટિંગ થવાની હોય તે પહેલાં ઑન[રરી] સેક્રેટરી ઓછામાં ઓછી બે દિવસની ખબર આપે. ૧૭. ઑન[રરી] સેક્રેટરી પોસ્ટથી કે માણસથી લેખિતવાર ખબર આપે તો તેણે એ ૧૬મો રૂલ પાળ્યો ગણાશે.

૧૮. કમિટીના જે મેમ્બર વાજબી કારણ સિવાય કમિટીની ઉપરાઉપરી છ મીટિંગમાં હાજર ન રહે તેનું નામ તે મેમ્બરને નામ કાઢી નાખવાના કમિટીના ઇરાદાની નોટિસ આપ્યા બાદ કાઢી નાખવું. અને જે મેમ્બર આગલી મીટિંગમાં હાજર ન થયેલ હોય તે ગેરહાજરીનું કારણ બીજી મીટિંગમાં બતાવે.

૧૯. કૉંગ્રેસના જે મેમ્બરે વાજબી કારણ વિના ત્રણ મહિના સુધી ઉપરાઉપરી સબસ્ક્રિપ્શન ન આપ્યું હોય તે મેમ્બર થતો બંધ રહે.

૨૦. કમિટીમાં કોઈ બીડી પીએ નહીં.

૨૧. જો બે મેમ્બર ભેળા બોલવાને ઊભા થાય તો પહેલો કોણ બોલે તેનો ઠરાવ ચેરમેન આપે.

૨૨. જો પૂરતા મેમ્બરો હાજર થયા હોય તો કમિટીનું કામ નીમેલ વખતે શરૂ થાય.

પણ જો ઠરાવેલ વખતે કે ત્યાર બાદ અરધા કલાક સુધી પૂરતા મેમ્બરો હાજર ન થાય તો મીટિંગ કંઈ પણ ચર્ચા કર્યા વિના બંધ રહે.

૨૩. કમિટી હૉલનો અને લાઈબ્રેરીનો ઉપયોગ નાતાલ ઇન્ડિયન ઍસોસિયેશન મફત કરે. અને બદલામાં કૉંગ્રેસનું લખવા વ.નું વાજબી કામ ઍસોસિયેશન મફત કરે.

૨૪. કૉંગ્રેસની લાઈબ્રેરી કૉંગ્રેસના બધા મેમ્બરો વાપરી શકે.

૨૫. કમિટીના મેમ્બર બંધ કરેલી જગામાં બેસે અને તેની બહારના ભાગમાં જોનારા બેસે. જોનારા મીટિંગમાં બિલકુલ ભાગ નહીં લે અને, જો તેઓ ઊંચેથી બોલે અથવા તોફાન કરે તો તેઓને હૉલની બહાર જવું પડશે.

૨૬. કમિટી આ રૂલમાં સુધારોવધારો ભવિષ્યમાં કરી શકે.

[મૂળ ગુજરાતી]

અસલ લખાણની ટાઈપ કરેલી નકલની છબી પરથી.

આ ઉપરાંત ગાંધીજીના પોતાના હાથની લખેલી બંધારણની અંગ્રેજી નકલ અને બીજી એક ગુજરાતી હાથપ્રતની નકલ છે. ધિ નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસના 'હેતુ'ના અંગ્રેજી હાથપ્રતમાંના શબ્દો પા. ૧૮૮-૯ અને પા. ૨૫૫-૬ પરના 'હેતુ'ના શબ્દોને મળતા આવે છે. આ પછીની તારીખના હોવાથી પા. ૯૭ પરના શબ્દોમાં સુધારાવધારા હોય એવું લાગે છે. ત્રણે નકલોમાંની ભાષામાં અને તેમાંનાં નામોમાં થોડો થોડો ફેર છે. પણ તે નજીવો છે. એ ત્રણે મૂળ લખાણો સાબરમતી સંગ્રહાલયમાં સંઘરાયેલાં છે.