ગાંધીજીનો અક્ષર દેહ - ૧/નાતાલ ઍસેમ્બલીને અરજી

વિકિસ્રોતમાંથી
← ધર્મ વિષે સવાલો ગાંધીજીનો અક્ષરદેહ
નાતાલ ઍસેમ્બલીને અરજી
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
નાતાલના વડા પ્રધાનને મળેલું પ્રતિનિધિમંડળ →


૨૫. નાતાલ ઍસેમ્બલીને અરજી[૧] [૨]
ડરબન,


જૂન ૨૮, ૧૮૯૪

નાતાલ સંસ્થાનની ઍસેમ્બલીના માનનીય સ્પીકર

[પ્રમુખ] અને સભ્યો જોગ
નાતાલ સંસ્થાનમાં વસવાટ કરીને રહેલા હિંદીઓની અરજી

નમ્રપણે દર્શાવે છે કે

૧. તમારા અરજદારો બ્રિટિશ પ્રજાજનો હોઈ હિંદુસ્તાનમાંથી આવી તેમણે સંસ્થાનમાં વસવાટ કર્યો છે.

૨. તમારી માનનીય કાઉન્સિલ [ઉપલી ધારાસભા] અને ઍસેમ્બલી [નીચલી ધારાસભા] માટેના સભ્યોની ચૂંટણીમાં મત આપવાની ઘટતી લાયકાતવાળા મતદારો તરીકે તમારા અરજદારોમાંના ઘણા મતદાર યાદીમાં નોંધાયેલા છે.

૩. મતાધિકારના કાયદાના સુધારાના ખરડાના બીજા વાચન પર થયેલી ચર્ચાના અખબારોમાં પ્રગટ થયેલા હેવાલો વાંચી તમારા અરજદારોને ખરેખર દિલગીરીની અને ભયની લાગણી થઈ છે.

૪. તમારી માનનીય સભા તરફ પૂરેપૂરી અદબ રાખી તમારા અરજદારો જુદા જુદા વક્તાઓએ દર્શાવેલા વિચારોથી તદ્દન જુદા પડવાની પરવાનગી ચાહે છે અને અરજદારોને કહેવાની ફરજ પડે છે કે એ કમનસીબ સુધારાનો ખરડો મંજૂર રાખવાના સમર્થનમાં આપવામાં આવેલાં કારણોને સાચી હકીકતોનો આધાર નથી.

૫. અખબારોના હેવાલો પરથી ખરડાના સમર્થનમાં રજૂ કરવામાં આવેલાં કારણો તમારા અરજદારો આ પ્રમાણે સમજયા છે:

(ક) હિંદીઓ જે મુલકમાંથી આવે છે ત્યાં તેમણે કદી મતાધિકારનો ઉપયોગ

કર્યો નથી.

(ખ) તેઓ મતાધિકારનો ઉપયોગ કરવાને લાયક નથી.

૬. તમારા અરજદારો માનનીય સભ્યોના ખાસ ધ્યાન પર લાવવા રજા માગે છે કે બધી હકીકતો અને ઇતિહાસ એથી ઊલટું દર્શાવે છે.

૭. પ્રતિનિધિત્વના સિદ્ધાંતોનો ઍંગ્લોસૅકસન વંશના લોકોને પરિચય થયો તે કરતાં કેટલાયે સમય પહેલાંથી હિંદી પ્રજાને ચૂંટણીના અધિકારનો પરિચય થયો હોઈ તેણે તેનો વહેવારમાં અમલ કર્યો છે.


  1. ૧. પહેલાં આ અરજી કાઉન્સિલ અને ઍસેમ્બલી બંનેને ઉદ્દેશીને ઘડવામાં આવેલી, પછી તેમાંસુધારે કરી તે એકલી ઍસેમ્બલીને ઉદ્દેશીને કરવામાં આવી અને કાઉન્સિલને જુદી બીજી મેકલવામાંઆવેલી; આગળ પા, ૭૮ જેવું.
  2. નાતાલના ધારામંડળમાં બે સભાએા હતી. એક, ઍસેમ્બલી અથવા નીચલી ધારાસભા અને બીજી, કાઉન્સિલ અથવા ઉપલી ધારાસભા, એ ગાળામાં નાતાલમાં અમલમાં હતી તે બંધારણી રચનાનીવિગત માટે પાછળ જેડવામાં આવેલું - “દક્ષિણ આફ્રિકામાં બંધારણ રચના” પ્રકરણ જેવું.

૮. ઉપરની વાતના સમર્થનમાં તમારા અરજદારો માનનીય ઍસેમ્બલીનું સર હેનરી સમન૨ મેઈનના विलेज कॉम्युनितीझ [ગ્રામસમાજો] ગ્રંથ તરફ ધ્યાન ખેંચવાની રજા માગે છે. તેમાં તેમણે અત્યંત સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે હિંદની જુદી જુદી જાતિઓને પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓનો કેટલાયે પ્રાચીન કાળથી પરિચય છે એ નામાંકિત વકીલ અને લેખકે દર્શાવી આપ્યું છે કે ટયુટોનિક માર્કને [૧] જ્યાં સુધી ચોક્કસ કાયદેસરનું રોમન સ્વરૂપ આપવામાં આવ્યું નહોતું, ત્યાં સુધી તે હિંદી ગ્રામસમાજની પંચાયત સંસ્થા જેટલો સંગઠિત કે અસલમાં પ્રતિનિધિત્વવાળો નહોતો.

૯. લંડનમાં ઈસ્ટ ઇન્ડિયન ઍસોસિયેશન આગળ કરેલા ભાષણમાં મિ. શિઝોમ ઍન્સ્ટીએ કહ્યું હતું :

સુધરાઈના વહીવટમાં અને પાર્લમેન્ટની ઢબના વહીવટમાં કેળવણી અને એવી જ બીજી ચીજોથી પૂર્વમાં લોકોને તૈયાર કરવાની વાતો કરતી વખતે આપણે આ દેશમાં ભૂલી જઈએ એવો ઘણો સંભવ છે કે પૂર્વ તો સુધરાઈના વહીવટની જનેતા છે. વ્યાપકમાં વ્યાપક અર્થમાં સ્થાનિક સ્વરાજ એ પદ ખુદ પૂર્વના જેટલું જ પ્રાચીન છે. આપણે જેને પૂર્વ કહીને ઓળખીએ છીએ તેમાં વસતા લોકો ગમે તે ધર્મના હશે પણ પૂર્વથી પશ્ચિમ સુધી અને ઉત્તરથી દક્ષિણ સુધી દેશનો એક પણ એવો ભાગ જેવાનો નહીં મળે જેમાં સંખ્યાબંધ સુધરાઈઓ ઊભરાતી ન હોય; એટલું જ નથી, આપણી જૂના જમાનાની સુધરાઈઓની માફક તે બધી મળીને એક એવી જાતની જાળ ફેલાઈ ગયેલી છે કે પ્રતિનિધિત્વના સિદ્ધાંત પર રચાયેલી વહીવટની મહાન પદ્ધતિને સારુ તમારી પાસે આગળથી ઘડાયેલું ચોકઠું તૈયાર છે.

હરેક ગામમાં અગર કસબામાં હરેક ન્યાતનાં ધારાધોરણો હોય છે, તે બધી પોતપોતાના પ્રતિનિધિઓની ચૂંટણી કરે છે અને આજની પાર્લમેન્ટની ઢબની સંસ્થાઓ જેમાંથી નીપજી છે તે સૅકસન જમાનાની વિટન [૨] સંસ્થાઓનો આબાદ નમૂનો પૂરો પાડે છે.

૧૦. पंचायत હિંદુસ્તાનના આખાયે મુલકમાં ઘરગથ્થુ વપરાશનો શબ્દ છે. અને માનનીય સભ્યો સારી રીતે જાણતા હશે તે પ્રમાણે તેનો અર્થ જેના તે પાંચ સભ્યો હોય છે તે વર્ગના સમૂહે જે તે ન્યાતના સામાજિક વહેવારની વ્યવસ્થા અને તેનું નિયંત્રણ કરવાને ચૂંટી કાઢેલા પાંચ જણનું મંડળ એવો થાય છે.

૧૧. બરાબર બ્રિટનની પાર્લમેન્ટના નમૂના પ્રમાણે રચાયેલી પ્રજાના પ્રતિનિધિઓની બનેલી મૈસૂર ઍસેમ્બલી નામથી ઓળખાતી સભા આજે મૈસૂર રાજ્યમાં મોજૂદ છે.

૧૨. ડરબનમાં વસતી હિંદી વેપારી કોમની પોતાની પાંચ સભ્યોની સભા અથવા પંચાયત ચાલે છે અને મહત્ત્વની દૃષ્ટિથી તાકીદની ગણાય એવી બાબતોમાં તેની ચર્ચાવિચારણા પર આખીયે કોમના સમુદાયનો કાબૂ હોય છે, અને તે સભાના બંધારણ મુજબ જરૂરી વધુમતીથી સમુદાય તેના નિર્ણયો ફેરવી અથવા રદ કરી શકે છે. તમારા અરજદારો નમ્રપણે કહેવા માગે


  1. ૧. ઘણા પ્રાચીન જમાનામાં જર્મનીમાં ગામની જમીનને માલિક ગામનો આખોયે સમાજ હતો. તેનીવ્યવસ્થા પણ આખું ગામ મળીને કરતું. સુધારેલા સ્વરૂપની આ પદ્ધતિ મધ્યયુગ સુધી ચાલુ હતી. ગામ આખાના આવા જમીનના સમૂહને 'ટયુટૉનિક માર્ક' નામથી એાળખાવવામાં આવતો હતા. એમાં કોઈક પ્રકારનું સાદું પ્રતિનિધિત્વનું તત્ત્વ રહેતું હતું એ બીના ઉધાડી છે,
  2. ૨, પંચાયતની ઢબની સંસ્થા.
છે કે એમાંથી પ્રતિનિધિત્વવાળી સંસ્થા મારફતે કામ કરવાની આવડત અને શક્તિની સાબિતી

મળે છે.

૧૩. અને સાચે જ, પ્રતિનિધિ સંસ્થા મારફતે ચાલતા વહીવટના હિંદીઓના અનુભવ તેમ જ જ્ઞાનનો ખુદ નામદાર શહેનશાહબાનુની સરકારે એટલી હદ સુધી સ્વીકાર કર્યો છે કે તદ્દન અસલ અર્થમાં હિંદુસ્તાનને સુધરાઈઓના વહીવટમાં સ્થાનિક સ્વરાજના અધિકાર અાપવામાં આવ્યા છે.

૧૪. ૧૮૯૧ની સાલમાં હિંદુસ્તાનમાં ૭૫૫ સુધરાઈ અને ગ્રામવિસ્તારોમાં કાર્ય કરનારી ૮૯૨ સ્થાનિક બોર્ડ [લોકલ બોર્ડ] હતી અને તેમાં ૨૦,૦૦૦ હિંદીઓ સભ્યો હતા. અા અાંકડા પરથી સુધરાઈઓ અને તેમનાં મતદારમંડળોના કદનો તેમ જ મહત્ત્વનો કંઈક ખ્યાલ આવે તેવો છે.

૧૫. આ વિષયમાં હજી વધારે સાબિતીની જરૂર લાગતી હોય તો તમારા અરજદારો માનનીય સભ્યોનું તાજેતરમાં મંજૂર થયેલા ઇન્ડિયન કાઉન્સિલ બિલ [ખરડા] તરફ ધ્યાન ખેંચે છે એ ખરડાથી પ્રતિનિધિત્વની પદ્ધતિ હિંદના જુદા જુદા ઇલાકાઓમાં ધારા ઘડનારી કાઉન્સિલોમાં સુધ્ધાં દાખલ કરવામાં આવી છે.

૧૬. તમારા અરજદારોને તેથી વિશ્વાસ છે કે તમારી માનનીય ઍસેમ્બલી [ધારાસભા] જોઈ શકશે કે મતાધિકારનો એ લોકો ઉપયોગ કરે તે વાતથી જેનો તેમને પહેલાં કદી પરિચય નહોતો અથવા જે તેમણે કદી ભોગવ્યો નહોતો તેવા અધિકારનો વિસ્તાર થતો નથી પણ ઊલટું તેનો ઉપયોગ કરવાની ગેરલાયકાત એક એવું અન્યાયી નિયંત્રણ હશે કે જે એવી જ જાતના સંજોગોમાં તેમના વતનમાં તેમના પર કદી મૂકવામાં ન આવે.

૧૭. તેથી વળી તમારા અરજદારો નમ્રપણે જણાવે છે કે તેમને મતાધિકારના હકનો ઉપયોગ કરવા દેવામાં આવશે તો તે બધા “જે મહાન દેશમાંથી આવે છે તેમાં ચળવળોના પ્રચારકો અને રાજદ્રોહ ફેલાવનારાં સાધનો બની જશે” એવો ડર ઓછામાં ઓછું કહીએ તો પાયા વગરનો છે.

૧૮. તમારા અરજદારો ગૌણ મુદ્દા ઉપર અને ખરડાના બીજા વાચન પરની ચર્ચા દરમિયાન નાહક કરવામાં આવેલી કઠોર ટીકા પર વિવેચન કરવાનું બિનજરૂરી લેખે છે પરંતુ જેની વિચારણા ચાલે છે તે વિષય પર કેટલાક ઉતારા ટાંકવાની પરવાનગીની યાચના કરે છે. તમારા અરજદારોએ પોતાની જાતિ વિષે બીજા લોકોએ શું માન્યું છે તેના ઉતારા ટાંકી પોતાની વાતનું સમર્થન શોધવાને બદલે પોતાનાં કામોથી પોતાની તુલના કરાવવાનું બહેતર માન્યું હોત, પણ અત્યારના સંજોગોમાં તેમને માટે બીજો કોઈ રસ્તો મોકળો રહ્યો નથી કેમ કે પરસ્પર મુક્ત વહેવારને અભાવે તેમની શક્તિ અને આવડત વિષે ઘણી ગેરસમજ ફેલાયેલી જેવામાં આવે છે.

૧૯. કૅનિંગ્ટનના ઍસેમ્બલી રૂમ્સ[સભાખંડ]માં થયેલી સભામાં ભાષણ કરતાં મિ. ઍફ. પિકટે કહ્યું હતું :

હિંદુસ્તાનના લોકોના અજ્ઞાન અને પ્રતિનિધિઓ મારફતે ચાલતા સરકારી વહીવટના મોટા લાભ સમજવાની બિનલાયકાત વિષે આ દેશમાં આપણે ઘણું સાંભળેલું છે. એ બધી વાતો ખરેખર ઘણી બેવકૂફીભરેલી છે કેમ કે પ્રતિનિધિઓ મારફતે ચાલતા રાજ્યવહીવટને ભણતરની સાથે કશી લેવાદેવા નથી. તેને ઘણી વધારે લેવાદેવા સામાન્ય સમજ
સાથે છે, અને આપણા જેટલી જ સાદી સમજની બક્ષિસ હિંદના લોકોને પણ મળેલી છે; અને વળી આપણને કોઈ પણ પ્રકારનું ભણતર મળતું થયું તેની પહેલાં સેંકડો વરસ આગળથી આપણે ચૂંટણીનો અધિકાર ભોગવતા અને પ્રતિનિધિઓની બનેલી સંસ્થાઓ મારફતે જાહેર વહીવટ કરતા આવ્યા છીએ. તેથી ભણતરની કસોટીની વાતનો કશો અર્થ નથી. આપણા દેશનો ઈતિહાસ જાણનારાને બરાબર માહિતી છે કે બસો વરસ પહેલાં અાપણે ત્યાં હડહડતાં વહેમ અને અજ્ઞાન ફેલાયેલાં હતાં અને છતાં આપણી પાસે આપણી પ્રતિનિધિઓની બનેલી સંસ્થાઓ હતી.

૨૦. હિંદના લોકોના સામાન્ય ચારિત્ર્ય વિષે લખતાં સર જ્યૉર્જ બર્ડવુડ નીચે પ્રમાણે સમારોપ કરે છે :

હિંદના લોકો અસલ અર્થમાં કોઈ પણ રીતે આપણાથી ઊતરતા નથી, જયારે કેટલાંક ખોટાં ધોરણોથી, આપણા પૂરતાં ખોટાં ધોરણોથી, મપાતી જે વાતો માનવાનો આપણે દેખાવ માત્ર કરીએ છીએ તેમની બાબતોમાં તેઓ આપણાથી ચડિયાતા છે.

૨૧. મદ્રાસ ઇલાકાના ગવર્નરોમાંનો એક સર ટૉમસ મનરો કહે છે:

હિંદુસ્તાનના લોકોને સુધારવાની વાતો કરનારા લોકો શું કહેવા માગે છે તે હું સમજી શકતો નથી. સારા રાજવહીવટના સિદ્ધાંત અને તેમનો વહેવારમાં અમલ કરવાની બાબતમાં તે લોકો ઓછા ઊતરે એમ બને; પણ ખેતીવાડીની સારી પદ્ધતિ, બેનમૂન માલ પેદા કરવો, વાંચવાનું ને લખવાનું શીખવવાને નિશાળોની સ્થાપના, અજાણ્યા તરફ માયાળુપણાની, અને તેની મહેમાનગીરી કરવાની સામાન્ય વૃત્તિ, એ બધાં સુધરેલા લોકોને બતાવનારાં લક્ષણોમાંનાં થોડાં ગણીએ તો તેઓ યુરોપના લોકો કરતાં સંસ્કાર અને સુધારામાં ઊતરતા નથી.

૨૨. જેને ઘણી ગાળો પડે છે અને જેને વિષે તેથીયે વધારે ગેરસમજ ફેલાયેલી છે તે હિંદીને વિષે પ્રોફેસર મૅકસમૂલરે નીચે મુજબનાં વચનો કહ્યાં છે:

મને પૂછવામાં આવે કે માણસના મને કયા આકાશ નીચે પોતાની ઉત્તમમાં ઉત્તમ બક્ષિસોને સંપૂર્ણપણે કેળવી છે, જીવનના મોટામાં મોટા સવાલો પર ઊંડામાં ઊંડું ચિતન કર્યું છે અને પ્લેટો ને કૅન્ટ જેવા ફિલસૂફોના તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરનારાઓએ પણ ધ્યાનમાં લેવા જેવા તે સવાલો પૈકીના કેટલાકના ઉકેલ શોધી આપ્યા છે – તો હું હિંદુસ્તાન તરફ નિર્દેશ કરું.

૨૩. સંસ્કારી ભાવનાઓને અપીલ કરીને તમારા અરજદારો અદબથી બતાવવાની હિંમત કરે છે કે ફ્રેંચાઈઝ લૉ ઍમેન્ડમેન્ટ બિલ [મતાધિકારના કાનૂનમાં સુધારો કરનારો ખરડો] જો મંજૂર રાખવામાં આવશે તો તેનું વલણ બ્રિટિશ તેમ જ હિંદી રાષ્ટ્રનાં ઉત્તમોત્તમ તત્ત્વો જે એકતા અંતરથી ઝંખે છે તેની પ્રક્રિયાને વેગવાન બનાવવાને બદલે ધીમી પાડી નાખવાનું રહેશે. .

૨૪. તમારા અરજદારોએ પોતાની વતી જાણીબૂજીને અંગ્રેજોનાં પ્રમાણભૂત ગણાય એવાં વચનો ટાંકયાં છે અને તે ઉતારાઓનો વિસ્તાર કરવાને તેમનું વધારે વિવરણ કર્યું નથી. હજી વધારે અનેકગણા આવા ઉતારા ટાંકવાનું બની શકે એવું છે પણ તમારા અરજદારોને ભારોભાર વિશ્વાસ છે કે તેમની અરજીના ન્યાયીપણાની પ્રતીતિ તમારી માનનીય ઍસેમ્બલીને કરાવવાને ઉપરના ઉતારા પૂરતા છે અને તેઓ તમારી માનનીય સભાને એ નિર્ણયને ફરી વિચાર કરવાને, અથવા એ ખરડા પર આગળ વિચાર કરતાં પહેલાં સંસ્થાનમાં વસવાટ કરનારા હિંદીઓ માતાધિકારનો ઉપયોગ કરવાને લાયક છે કે નથી તે સવાલની તપાસ કરવાને એક કમિશન નીમવાને અંતરથી પ્રાર્થના કરે છે.

અને ન્યાય તેમ જ દયાના આ કાર્યને સારુ તમારા અરજદારો ફરજથી બંધાઈને હમેશ પ્રાર્થના કરતા રહેશે વ. વ.

[મૂળ અંગ્રેજી]
સંસ્થાનોની કચેરીના દફતર નં. ૧૭૯, પુ. ૧૮૯, નાતાલની પાર્લમેન્ટના મત અને કાર્યવાહી; ૧૮૯૪.