ગાંધીજીનો અક્ષર દેહ - ૧/નાતાલ એસેમ્બલીને અરજી

વિકિસ્રોતમાંથી
← હિંદી મતાધિકાર (धि नाताल विटनेसને પત્ર) ગાંધીજીનો અક્ષરદેહ
નાતાલ એસેમ્બલીને અરજી
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
દાદાભાઈ નવરોજીને તાર →


૭૮. નાતાલ ઍસેમ્બલીને અરજી

ડરબન,

એપ્રિલ ૨૭, ૧૮૯૬

લોકસભાના કામે ભેગી મળેલી નાતાલની માનનીય ધારાસભાના માનનીય અધ્યક્ષ અને સભ્યો જોગ, પિટરમેરિત્સબર્ગ.

સંસ્થાનમાં વસતા નીચે સહી કરનારા હિંદીઓની અરજી

નમ્રપણે દર્શાવીએ છીએ કે :

નાતાલમાં વસતી હિંદી કોમના પ્રતિનિધિ તરીકે અને તેના તરફથી અાપના અરજદારો આ માનનીય સભાગૃહને એની આગળ વિચારણા માટે રજૂ થયેલા મતાધિકાર કાનૂન સુધાર વિધેયક બાબતમાં નિવેદન કરે છે.

આપના અરજદારો એવું અનુમાન કરે છે કે આ વિધેયકનો હેતુ પૂરેપૂરો નહીં તો મોટે ભાગે, જેટલે અંશે તે સંસ્થાનમાંના હિંદીઓનો મતાધિકાર લઈ લેવાના હેતુવાળા ૧૮૯૪ના ૨૫ મા કાનૂનને નાબૂદ કરે છે અને તેની જગ્યા લે છે તેટલે અંશે હિંદી કોમ ઉપર અસર પાડવાનો છે.

જયારે ૧૮૯૪નો ૨૫ મો કાનૂન વિચારણા નીચે હતો એ વખતે આ જ વિષય ઉપર હિંદી કોમ તરફથી આ માનનીય સભાગૃહ સમક્ષ રજૂ કરેલી અરજીમાં[૧] એવો દાવો કરવામાં આવ્યો હતો કે હિંદમાં હિંદીઓ ચૂંટણીમૂલક પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ ધરાવતા હતા.

આ વિધેયક એવા લોકોને મતાધિકારથી વંચિત કરે છે જેઓ મૂળમાં યુરોપિયન વંશના નથી અને પોતાના વતનના દેશમાં જેમની પાસે ચૂંટણીમૂલક પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ નથી.

એટલે આ વિધેયકનો વિરોધ કરવામાં આપના અરજદારોની સ્થિતિ દુ:ખદ રીતે કઢંગી બની ગઈ છે.

છતાં, આ વિધેયક મોઘમ રીતે હિંદી મતાધિકારના પ્રશ્નની છણાવટ કરવાનો હેતુ ધરાવે છે તે જોતાં આપના અરજદારો એને વિષે પોતાના વિચારો માનપૂર્વક રજૂ કરવાની ફરજ સમજે છે અને વધારામાં એ પણ બતાવવાની ફરજ સમજે છે કે કયા કારણસર તેઓ માને છે કે હિંદમાં હિંદીઓ ચૂંટણીમૂલક પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ ધરાવે છે.

૧૮૯૨ના માર્ચની ૨૮મી તારીખે બ્રિટિશ લોકસભામાં હિંદી વિધાનપરિષદ કાનૂન (૧૮૬૧) સુધાર વિધેયકને બીજા વાચન માટે રજૂ કરતી વખતે તે વખતના ઉપ-ભારતમંત્રીએ કહ્યું હતું :

વિધેયકના ઉદ્દેશની સભાગૃહ આગળ ઝીણવટથી છણાવટ કરવાની હું મારી ફરજ સમજું છું. તે ઉદ્દેશ એ છે કે હિંદી સરકારના પાયાને મજબૂત બનાવવામાં આવે તથા તેનાં કાર્યોને વિસ્તૃત કરવામાં આવે, જેથી હિંદી સમાજમાંનાં બિનસરકારી અને દેશી તત્વોને સરકારી કામોમાં ભાગ લેવાની હાલ છે એના કરતાં વધુ તકો આપવામાં આવે, અને એ

  1. ૧. જૂન ૨૮ ૧૮૯૪ની અરજી, પા. ૧૯
રીતે જયારથી ૧૮૫૮ની સાલમાં બ્રિટિશ સરકારે હિંદની સરકારનો કારભાર હાથમાં લીધો

છે ત્યારથી હિંદી સમાજના ઉપલા વર્ગોમાં, રાજદ્વારી પ્રવૃત્તિ અને રાજદ્વારી કાર્યશક્તિ બંનેમાં જે ગણનાપાત્ર વિકાસ જોવામાં આવ્યો છે તેને સત્તારાહે માન્યતા આપવામાં આવે. ૧૮૬૧ના હિંદી વિધાનપરિષદ કાનૂનમાં સુધારો કરવાને માટે આ વિધેયક રજૂ કરવામાં આવ્યું છે. હિંદમાં ઘણા લાંબા સમયથી એક અથવા બીજા પ્રકારના કાનૂન ઘડવાના અધિકાર અસ્તિત્વમાં છે, પણ એ અધિકારો કાંઈક અસ્પષ્ટ સ્વરૂપના હતા અને તેનું કાયદેસરપણું ઊલટાસૂલટી હતું. ટયુડર અને સ્ટુઅર્ટ રાજાઓએ આપેલા અધિકારપત્રોની તારીખથી શરૂ થઈને જૂની ઈસ્ટ ઇંડિયા કંપનીના રાજયકાળ સાથે સાથે તે અસ્તિત્વમાં હતા. પરંતુ આધુનિક વિધાનસભાની પદ્ધતિનો આરંભ તો એ સમયે થયો હતો જયારે લૉર્ડ કૅનિંગ વાઈસરૉય હતા અને સર સી. વૂડ, જેમને પાછળથી લૉર્ડની પદવી અપાઈ હતી, તેઓ ભારતમંત્રી હતા. સર સી. વૂડે ૧૮૬૧માં એ સાલનો હિંદી વિધાનપરિષદ કાનૂન પાર્લામેન્ટમાં પસાર કરાવ્યો. . . . ૧૮૬૧ના કાનૂને હિંદમાં ત્રણ વિધાનપરિષદોની રચના કરી. વાઈસરૉયની સર્વોચ્ચ વિધાનપરિષદ અને મદ્રાસ અને મુંબઈની પ્રાંતીય પરિષદો વાઈસરૉયની સર્વોચ્ચ વિધાનપરિષદ માત્ર ગવર્નર જનરલ અને તેની કારોબારી કાઉન્સિલની બનેલી હોય છે તથા એમાં ઓછામાં ઓછા છ અને વધારેમાં વધારે બાર વધારાના સભ્યો લેવામાં આવે છે. એ સભ્યો ગવર્નર જનરલે નિયુક્ત કરેલા હોય છે અને એમાંના અડધોઅડધ સભ્યો બિનસરકારી હોય છે તેઓ કાં તો યુરોપિયન અથવા દેશી ગમે તે લોકોમાંથી લેવાય છે. મદ્રાસ અને મુંબઈની વિધાનપરિષદોમાં પણ ઓછામાં ઓછા ચાર અને વધારેમાં વધારે આઠ વધારાના સભ્યો હોય છે અને તેમની નિયુક્તિ પ્રાંતીય ગવર્નર કરે છે. એમાંના ઓછામાં ઓછા અડધા સભ્યો બિનસરકારી હોવા જોઈએ. એ કાનૂન પસાર થયા બાદ બંગાળ અને સરહદ પ્રાંતમાં પણ વિધાનપરિષદો રચાઈ છે. બંગાળની વિધાનપરિષદમાં લેફ્‌ટનન્ટ ગવર્નર તથા ૧૨ નિયુક્ત સભ્યો અને સરહદ પ્રાંતની પરિષદમાં લેફ્‌ટનન્ટ ગવર્નર તથા ૯ નિયુક્ત સભ્યો હોય છે. જેમાંના બંને ઠેકાણે એકતૃતીયાંશ સભ્યો બિનસરકારી હોવા જ જોઈએ. . . . અનેક પ્રતિભાવાન, શક્તિશાળી અને લોકસેવાની ભાવનાવાળા હિંદી સજજનોને આગળ આવીને સરકારના કામકાજમાં તેમની સેવા આપવાને સમજાવવામાં આવ્યા છે અને આ વિધાનપરિષદોની ગુણવત્તાનું ધોરણ બેશક ઊંચું રહ્યું છે.

સુધારક કાનૂન દરેક વિધાનપરિષદમાં નિયુક્ત થયેલા સભ્યોની સંખ્યા વધારવાની સત્તા ઉપરાંત દર વર્ષે નાણાકીય નિવેદન પર ચર્ચા કરવાની તેમ જ "પ્રશ્નો પૂછવાની" સત્તા પણ આપે છે. ए चूंटणीना सिध्धांतने मूर्तिमंत बनावे छे. વિધાનપરિષદોનું સ્વરૂપ પહેલેથી જ પ્રતિનિધિત્વવાળું રહ્યું છે. બીજું વાચન રજૂ કરનાર માનનીય સભ્ય નિયુક્ત કરવામાં આવતા સભ્યો વધારવા બાબતમાં કહ્યું :

આ વધારો કરવાનો હેતુ ઘણી સરળતાથી જણાવાયો છે અને હું માનું છું કે સભાગૃહ એને ઘણી સરળતાથી સમજી લેશે. એની મારફતે માત્ર પસંદગીના વિસ્તારમાં વધારો કરીને જ તમે વિધાનપરિષદોના પ્રતિનિધિત્વના તત્વની શક્તિમાં વધારો કરો છો.

પરંતુ તમારા અરજદારો જણાવે છે કે હવે જ આ વિધાનપરિષદો "મતાધિકાર ઉપર નિર્ભર" એવું પ્રતિનિધિત્વનું સ્વરૂપ ભોગવે છે. બ્રિટિશ પાર્લમેન્ટના સભ્ય મિ. શ્વાને વિધેયકમાં એવી મતલબનો જે સુધારો મૂકયો કે "વિધાનપરિષદોના જે સુધારામાં ચૂંટણીના સિદ્ધાંતનો સમાવેશ ન થતો હોય તે સંતોષકારક થશે નહીં" તેના ઉપર બોલતાં મિ. કર્ઝને કહ્યું:

હું એમનું ધ્યાન એ વાત તરફ દોરવા માગું છું કે અમારા વિધેયકમાંથી કોઈ આવશ્યક એવાં પસંદગી, ચૂંટણી અથવા નિયુક્તિની પદ્ધતિના તત્વનો છેદ ઊડી જતો નથી. સભાગૃહની રજાથી હું ખંડ ૧ની પેટા કલમના શબ્દો વાંચી સંભળાવીશ. આ શબ્દો

નીચે મુજબ છે: "ભારતમંત્રીની સંમતિથી કાઉન્સિલ સાથે રહીને ગવર્નર જનરલ વખતોવખત એવાં નિયમનો ઘડે કે ગવર્નર જનરલ, ગવર્નર અથવા લેફ્‌ટનન્ટ ગવર્નરે અનુક્રમે કઈ શરતો મુજબ આવી નિયુક્તિઓ–અથવા કોઈ એક નિયુક્તિ કરવાની રહેશે. અને એ વાતનો નિર્દેશ પણ કરે કે આવાં નિયમનો કઈ પદ્ધતિથી અમલમાં લાવવામાં આવશે. . . ."

આ ખંડ વિષે લૉર્ડ કિમ્બર્લીએ [૧] પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
આ ચૂંટણીના સિદ્ધાંત બાબતમાં હું મારી સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યા સિવાય રહી શકતો નથી.
લૉર્ડ કિમ્બર્લીએ આ કાનૂન નીચે વ્યક્ત કરેલા વિચારો સાથે ભારતમંત્રી સંમત છે:
વાઈસરૉયના અધિકારની એ વાત રહેશે કે તે વિધાનપરિષદોમાં ચૂંટણી-કાનૂનો મુજબ નિયુક્ત થવા માટે, હિંદમાંની જુદી જદી પ્રાતિનિધિક સંસ્થાઓને તેમના જુદા જુદા વિચારના પ્રતિનિધિઓને ચૂંટવા, પસંદ કરવા કે નિયુક્ત કરવા આમંત્રણ આપે.

માનનીય મિ. ગ્લૅડસ્ટને, વિધેયકનું બીજું વાચન તથા તેનો સુધારો રજૂ કરનાર માનનીય ઉપમંત્રીનાં ભાષણો વિષે સ્પષ્ટતા કર્યા બાદ, આ જ વિષય ઉપર બોલતાં જણાવ્યું :

મારું ધારવું છે કે હું એટલી વાત પ્રામાણિકપણે કહી શકું કે ઉપમંત્રીનું ભાષણ ચૂંટણીના તત્વને જે અર્થમાં આપણે અપેક્ષા રાખવી જોઈએ માત્ર તે જ અર્થમાં મૂર્તિમંત કરનું મને દેખાય છે. . . . એ વાત સ્પષ્ટ છે કે આ ગૃહ આગળનો મહાન પ્રશ્ન હિંદની સરકારમાં ચૂંટણીનાં તત્ત્વોને દાખલ કરવાનો છે. અને એ એક ભારે અને ઊંડા રસનો પ્રશ્ન છે. હું એવું ઇચ્છું છું કે એનાં શરૂનાં પગલાં સચ્ચાઈભરેલાં હોવાં જોઈએ અને ચૂંટણીના તત્ત્વને તે જેટલો પણ અવકાશ આપે તે વાસ્તવિક હોવો જોઈએ. આમાં સિદ્ધાંતનો કોઈ મતભેદ નથી. હું માનું છું કે માનનીય સજજને (મિ. કર્ઝને) ચૂંટણીના તત્ત્વનો જે સ્વીકાર કર્યો છે તે જોકે સાવચેતીપૂર્વકનો છે છતાં ખુલ્લા દિલના સ્વીકારથી ભિન્ન નથી.

ઉપરના કાનૂન મુજબ ઘડેલાં અને પ્રગટ થયેલાં નિયમનો ઉપર નજર ફેરવતાં આપના અરજદારો જણાવે છે કે તે આ પહેલાં જણાવેલા વિચારોનું સંપૂર્ણ રીતે સમર્થન કરે છે. મુંબઈની વિધાનપરિષદનો દાખલો લઈએ તો નિયુક્ત કરેલા અઢાર સભ્યોમાંથી, આઠને પ્રતિનિધિત્વ ધરાવતી જુદી જુદી સંસ્થાઓ વડે ચૂંટવામાં આવ્યા છે અથવા નિયમનોમાં કહેવાયું છે તેમ "ભલામણ ઉપરથી નિયુક્ત કરવામાં આવ્યા છે." આ સંસ્થાઓને વિધાનપરિષદને ખાતર મતાધિકાર આપવામાં આવ્યો છે. મુંબઈનું કૉર્પોરેશન, (એ ખુદ ચૂંટણીથી રચાયેલી સંસ્થા


  1. ૧. વિદેશમંત્રી ૧૮૯૪–૫.
છે) કાઉન્સિલ સમેત ગવર્નરે નક્કી કરેલાં મુંબઈ પ્રાંતમાં આવેલાં મુંબઈ સિવાયનાં બીજાં મ્યુનિસિપલ કૉર્પોરેશનો; ઉપર મુજબ નક્કી કરેલાં લોકલ બોર્ડો, દક્ષિણના સરદારો અથવા ઉપર મુજબ નક્કી થયેલો બીજો મોટા જમીનદારોનો વર્ગ, ઉપર મુજબ નક્કી થયેલા વેપારીઓ, દુકાનદારો વગેરેનાં મંડળો, અને મુંબઈ યુનિવર્સિટીની સેનેટ બહુમતી મતથી આ આઠ સભ્યોની ભલામણ કરે છે કે ચૂંટી કાઢે છે. અથવા જે મંડળો કાયદાથી નહીં સ્થપાયાં હોય તેમની બાબતમાં એવાં મંડળો આગળ આવતાં કામકાજના પ્રશ્નનો વિષે ઠરાવો પસાર કરવા તથા નિર્ણયો કરવા માટેના તેમના નિયમોમાં ઠરાવેલી પદ્ધતિથી ભલામણ કરે છે કે ચૂંટી કાઢે છે.

આ સન્માનનીય ગૃહ જોશે કે દક્ષિણના સરદારોમાં તો પરિષદના સભ્યોની ચૂંટણી માટેના સીધા મતદારો પણ છે.

બીજી કાઉન્સિલો માટેનાં નિયમનો મોટે ભાગે એનાં એ જ છે.

હિંદમાંની વિધાનપરિષદો અને રાજદ્વારી મતાધિકારનું સ્વરૂપ આ પ્રકારનું છે. એટલે આપના અરજદારો માનપૂર્વક એ બતાવવા ઇચ્છે છે કે ફરક સ્વરૂપમાં નથી પણ માત્ર પ્રમાણમાં છે. કારણ એ નથી કે હિંદીઓ પ્રતિનિધિત્વના તત્ત્વને જાણતા નથી કે સમજતા નથી. આ બાબતમાં આપના અરજદારો માટે માનનીય મિ. ગ્લેડસ્ટનના ભાષણમાંથી ફરીથી ઉતારો આપવાનું વધારે ઠીક થઈ પડશે, એમના થોડા વિચારો તો ઉપર ઉતાર્યા પણ છે. એમણે ચૂંટણીના તત્ત્વનું સ્વરૂપ મર્યાદિત રાખવા માટેનાં કારણો નીચે મુજબ સમજાવ્યાં છે:

સમ્રાજ્ઞીની સરકારે એ વાત સમજી લેવી જોઈએ કે સરકારના આ શક્તિશાળી સાધનને (એટલે ચૂંટણીના તત્ત્વને) અમલમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે એવી ખાતરી અપાયા પછી જો અમે આશા રાખીએ છીએ એવું કશું પરિણામ નહીં આવ્યું તો તે બહુ જ ગંભીર નિરાશાની વાત ગણાશે. હું કાંઈ એના પ્રમાણની વાત કરતો નથી, ખાસ કરીને હું એના સ્વરૂપની વાત કરું છું. હિંદ જેવા એશિયાઈ દેશમાં આપણે જે કાંઈ પાર પાડવા માગતા હોઈએ તેનો અમલ કરવામાં મુસીબતો તો રહેવાની જ. કારણ કે એની પાસે એની પ્રાચીન સંસ્કૃતિ છે, એની ભારે વિલક્ષણ સંસ્થાઓ છે, આટલી ભિન્ન ભિન્ન જાતિઓ, આટલા ધર્મો અને વ્યવસાયો છે, જમીનનો આટલો મોટો વિસ્તાર છે, અને જનસંખ્યાનો એટલો મોટો સમૂહ છે જે ચીનને બાદ કરતાં કદાચ કદી પણ એક સરકાર નીચે રહ્યો નહીં હોય. પણ મુસીબત જેટલી મોટી છે તેટલું જ કામ ઉમદા છે, અને એને સફળતાપૂર્વક પાર પાડવા માટે એમાં ભારેમાં ભારે ડહાપણ અને કાળજીની જરૂર રહેશે. આ બધી બાબતો આપણને હિંદના મહાન ભાવિ તરફ આનંદથી મીટ માંડવાને પ્રેરે છે તથા આપણામાં એવી આશા ઊભી કરે છે કે આ વિશાળ અને લગભગ અપરિમિત દેશમાં ચૂંટણીના તત્ત્વને મર્યાદિત માત્રામાં ભલે હોય તો પણ – જો સચ્ચાઈપૂર્વક અમલમાં આણવામાં આવે તો સાચી સફળતા હાંસલ થશે.

હિંદ વિષેની બાબતો ઉપર બોલવાને અધિકારી હોય એવી બધી વ્યક્તિઓ હિંદી વિધાનપરિષદમાં રહેલાં પ્રતિનિધિત્વના તત્ત્વ બાબતમાં એકમત જોવામાં આવે છે.

હિંદ વિષેની બાબતોના જે વિદ્વાનો હયાત છે એમાંના સૌથી વધારે અધિકાર ધરાવતા સર વિલિયમ વિલ્સન હંટર, કહે છે: લૉર્ડ ક્રૉસના ૧૮૯૨ના કાનૂન પ્રમાણે, હાલમાં વિધાનપરિષદોના ચૂંટણી તત્ત્વનો વિસ્તાર સાવચેતીપૂર્વક કરાઈ રહ્યો છે. એ વિસ્તાર કેન્દ્રીય તેમ જ પ્રાંતીય બંને સરકારોની કાઉન્સિલોમાં થઈ રહ્યો છે.

નાતાલમાં હિંદી મતાધિકાર એ વિષયની ચર્ચા કરતાં धि टाइम्स કહે છે :

નાતાલમાંના હિંદીઓ તેઓ હિંદમાં જે ખાસ હકો ધરાવતા હોય તેના કરતાં વધારે ઊંચા હકોની માગણી નહીં કરી શકે, અને તેમને હિંદમાં કોઈ પણ જાતનો મતાધિકાર મળેલો નથી, એ દલીલનો સાચી હકીકતો સાથે મેળ ખાતો નથી. આજે અંગ્રેજો જે મતાધિકાર ભોગવે છે બરાબર તે જ મતાધિકાર હિંદીઓ હિંદમાં ધરાવે છે.

મ્યુનિસિપલ મતાધિકારની ચર્ચા કર્યા - બાદ લેખમાં આગળ કહેવામાં આવ્યું છે:

જેને ઉચ્ચ મતદારમંડળ કહી શકાય તેને પણ હિંદમાંની શાસન પદ્ધતિને અનુરૂપ ફેરફાર સાથે આવી જ જાતનો સિદ્ધાંત લાગુ પડે છે. સર્વોચ્ચ અને પ્રાંતીય વિધાનપરિષદોના ચૂંટાયેલા સભ્યોની ચૂંટણી મુખ્યત્વે હિંદીઓની સંસ્થાઓ જ કરે છે. આ વિધાનપરિષદો ૨૨ કરોડ ૧૦ લાખ બ્રિટિશ પ્રજાનો વહીવટ કરે છે. સર્વોચ્ચ અને પ્રાંતીય વિધાનસભાઓમાં સરકારી પ્રતિનિધિઓ ઉપરાંત લગભગ અડધા સભ્યો હિંદીઓ છે. આ સરખામણીને બહુ આગળ લંબાવવાનું ભૂલભરેલું થશે. પણ બ્રિટિશ હિંદી પ્રજાને, તેમની પાસે હિંદમાં મતનો હક નથી એ કારણે બ્રિટિશ સંસ્થાનોમાં મત આપવા વિરુદ્ધની દલીલનો એ જવાબ આપે છે. જેટલે અંશે હિંદમાં મતદાન મારફતે રાજ્યતંત્ર ચલાવાય છે, તેટલે અંશે અંગ્રેજ અને હિંદી સમાન દરજજે ઊભેલા છે, અને મ્યુનિસિપાલિટીમાં, પ્રાંતીય અને સર્વોચ્ચ કાઉન્સિલોમાં ત્રણેમાં હિંદી હિતોનું પ્રતિનિધિત્વ એકસરખું બળવાન છે.

હિંદમાં મ્યુનિસિપાલિટીનો મતાધિકાર ઘણો વ્યાપક છે અને લગભગ આખું બ્રિટિશ હિંદ મ્યુનિસિપલ કૉર્પોરેશનો અને લોકલ બોર્ડોથી પથરાયેલું છે.

નાતાલમાં જે હિંદીઓનો વર્ગ મતદારોની યાદી ઉપર પહેલેથી ચડી ગયો છે તેને વિષે ઉપર ઉલ્લેખેલા धि टाइम्स ના લેખમાં કહ્યું છે :

બરાબર આ જ વર્ગના લોકો હિંદમાં મ્યુનિસિપાલિટીનાં અને બીજાં મતદારમંડળોમાં ખૂબ જ મહત્ત્વભર્યો ભાગ ભજવે છે. હિંદમાંની ૭૫૦ મ્યુનિસિપાલિટીઓમાં એકેએક જગ્યાએ અંગ્રેજ અને હિંદી મતદારોને એકસરખા અધિકાર છે. ૧૮૯૧માં ૯૭૯૦ મ્યુનિસિપલ સભ્યો હિંદીઓ હતા જ્યારે ૮૩૯ માત્ર યુરોપિયનો હતા. હિંદી મ્યુનિસિપલ બોર્ડો ઉપર ૮ હિંદી મતો સામે માત્ર એક યુરોપિયન મત હતો, જયારે નાતાલ મતદારમંડળમાં એક બ્રિટિશ હિંદી મત સામે ૩૭ યુરોપિયન મતો હતા. એ વાતનું સ્મરણ રહેવું જોઈએ કે હિંદની મ્યુનિસિપાલિટીઓ દોઢ કરોડની વસ્તીનો અને ૫ કરોડ રૂપિયાનો વહીવટ કરે છે.

પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓનું સ્વરૂપ અને તેની જવાબદારીઓથી હિંદીઓ કેટલા પરિચિત છે એ બાબતમાં એ જ લેખમાં કહ્યું છે:

ઘણુંખરું દુનિયામાં એવો એકે દેશ નથી જ્યાં પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓનાં મૂળ લોકોના જીવનમાં આટલાં ઊંડાં ગયાં હોય. હિંદમાંની દરેક જાતિ, દરેક ધંધો અને દરેક ગામને જમાનાઓથી એની પાંચ જણની પંચાયત મળેલી હતી જે પોતાના નાના

I

સરખા સમૂહ માટે કાનૂન ઘડતી અને તેનો વહીવટ ચલાવતી. ગયે વર્ષે પેરિશ કાઉન્સિલ એકટ (પરાં કાઉન્સિલ કાનૂન) અમલમાં આવ્યો ત્યાં સુધી ખુદ ઇંગ્લન્ડમાં પણ આવી ગ્રામસ્વરાજની કોઈ પદ્ધતિ અસ્તિત્વમાં નહોતી.

એ જ વિષય ઉપર બ્રિટિશ પાર્લમેન્ટના સભ્ય મિ. શ્વાન કહે છે :

એવું નહીં ધારી લેતા કે હિંદ માટે ચૂંટણીનો પ્રશ્વન નવો પ્રશ્વન છે. . . . ચૂંટણીના પ્રશ્ન કરતાં જેને વિશેષરૂપે હિંદી પ્રશ્ન કહી શકાય એવો બીજો એકે પ્રશ્ન નથી. મોટા ભાગની આપણી સંસ્કૃતિ હિંદમાંથી આવેલી છે. અને એ વાતમાં સહેજ પણ શક નથી કે ખુદ આપણે પોતે ચૂંટણીના સિદ્ધાંતના પૂર્વમાં થયેલા વિકાસનો અમલ કરી રહ્યા છીએ.

આવા સંજોગોમાં જેના ઉપર આ વિધેયકના હેતુની અસર થવાની છે તે હિંદી કોમ એને સમજવામાં ભારે મુશ્કેલી અનુભવે છે.

તમારા અરજદારો જણાવે છે કે આ વિધેયકના અર્થમાં રહેતી અસ્પષ્ટતા અને અનિશ્ચિતપણું ઘણાં જ નાપસંદ કરવા જેવાં છે અને તે યુરોપિયન કે હિંદી કોમ એકેને ન્યાય કરનારાં નથી. એ બંનેને ત્રિશંકુની સ્થિતિમાં મૂકી દે છે અને એ વાત હિંદીઓ માટે દુ:ખદ છે.

તમારા અરજદારો માનનીય વિધાનગૃહનું ધ્યાન સન્માનપૂર્વક એ હકીકત તરફ દોરે છે કે હાલની મતદાર યાદી મુજબ, એક હિંદી સામે યુરોપિયનનું પ્રમાણ ૩૮નું છે, અને હિંદી મતદારો એ કોમના ઘણા જ માનપાત્ર વર્ગમાંથી આવેલા છે, અને તેઓ સંસ્થાનમાં મોટા હિતસંબંધ ધરાવે છે અને લાંબા સમયથી સ્થિર થઈને રહેલા છે.

પરંતુ એવું કહેવામાં આવે છે કે હાલની મતદારોની યાદી ઉપરથી એ વાતનો ખ્યાલ આવી શકે એમ નથી કે ભવિષ્યમાં હિંદી મતો કેવડું મોટું સ્વરૂપ પકડશે પણ હિંદી કોમને મતાધિકાર વિનાની કરવાની ધમકી અપાયાના બે વર્ષના ગાળા દરમિયાન, વધારે હિંદીઓએ પોતાનાં નામો મતદારોની યાદી ઉપર ચડાવ્યાં નથી. આ૫ના અરજદારોના નમ્ર મત પ્રમાણે આ વાત, ઉપરની દલીલનો પૂરેપૂરો રદિયો આપી દે છે. સાચી વાત તો એ છે અને તમારા અરજદારો વ્યક્તિગત અનુભવ ઉપરથી કહેવાની હિંમત કરે છે કે મૂળમાં જ નીચી છે એવી કાયદેસરની મિલકતની લાયકાત ધરાવનારા હિંદીઓની સંખ્યા સંસ્થાનમાં બહુ ઓછી છે.

તમારા અરજદારો આદર સાથે જણાવે છે કે વિચારણા નીચેના વિધેયક સામે અનેક વાંધાઓ કાઢી શકાય એમ છે એમના નમ્ર અભિપ્રાય મુજબ એ બહુ જ પક્ષપાતભરી રીતે રંગનો ભેદભાવ દાખલ કરે છે. કારણ કે એક બાજુથી બીજા દેશોના જે વતનીઓ પોતાના દેશમાં ચૂંટણીને લગતી પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ ધરાવતા નથી તેઓ મતદારો બની નહીં શકે, જ્યારે યુરોપનાં રાજ્યોના વતનીઓ, જેઓ પોતાના દેશમાં આવી સંસ્થાઓ ધરાવતા નથી તેઓ સંસ્થાનના સામાન્ય મતાધિકાર કાનૂન નીચે મતદારો બની શકે.

એનાથી શંકાસ્પદ આબરૂવાળી બિનયુરોપિયન સ્ત્રીઓના છોકરાઓ, જે તેમનો બાપ યુરોપિયન હોય તો મતદારો તરીકે હકદાર બની શકે, જ્યારે એ ઉચ્ચ કુટુંબની યુરોપિયન સ્ત્રીના છોકરાને, જો તે સ્ત્રી બિનયુરોપિયન જાતિના ઉચ્ચ કુળના માણસને પરણવાનું પસંદ કરે તો સંસ્થાનના સામાન્ય મતાધિકાર કાનૂન નીચે મતદાર થતો રોકે છે.

માની લઈએ કે હિંદીઓ આ વિધેયકના અમલની મર્યાદામાં આવી જાય છે, તો તેઓ જે પદ્ધતિ નીચે મતદારોની યાદી ઉપર નોંધાશે તે પદ્ધતિ હિંદી કોમને માટે હંમેશને માટે સંતાપનું કારણ બનશે. અને એવું બને કે એનાથી લાગવગશાહી જન્મે અને હિંદી કોમના લોકોમાં ગંભીર ઝઘડા પેદા થાય.

એ ઉપરાંત, આ વિધેયક હિંદી કોમને, તેઓ પોતાના હકો સ્થાપિત કરી શકે એટલા ખાતર છેડા વિનાની કોરટબાજીમાં સંડોવે એવી ગણતરી છે. તમારા અરજદારોના માનવા મુજબ આ હકો સંસ્થાનની કાયદાની અદાલતોનો આશરો લીધા સિવાય નિશ્ચિત કરી શકાય એવા છે.

આ બધાંથી વિશેષ તો એ વિધેયક, જેઓ હિંદીઓને મતાધિકાર વિનાના કરવા માગે છે એવા યુરોપિયનોના હાથમાંથી આંદોલનને લઈ લઈને હિંદી કોમના હાથોમાં મૂકી દેશે. અને આપના અરજદારોને ભય છે કે આ આંદોલન કાયમને માટે ચલાવ્યે રાખવું પડશે.

અમે ખૂબ જ નમ્રપણે જણાવીએ છીએ કે આ જાતની સ્થિતિ, આ સંસ્થાનમાં વસતી બધી જ કોમોનું હિત જોતાં ઘણી જ અનિચ્છનીય છે.

એક વર્ષથી વધારે સમયની કાળજીભરી તપાસ બાદ આપના અરજદારો એવા નિર્ણય ઉપર આવ્યા છે કે હિંદી મત યુરોપિયન મતને ગૂંગળાવી નાખશે એ બાબતનો ભય તદ્દન કાલ્પનિક છે, અને તેથી અમે ઉત્કટપણે વિનંતી કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે આ માનનીય સભાગૃહ હિંદીઓના મતાધિકાર ઉપર ખાસ કરીને મર્યાદા મૂકનારા અથવા સીધી રીતે કે આડકતરી રીતે તેમાં રંગનો ભેદભાવ દાખલ કરનારા કોઈ પણ વિધેયકને મંજૂરી આપતા પહેલાં સાચી પરિસ્થિતિની તપાસ કરાવી લેશે જેથી એ વાત ખુલ્લી થશે કે આ સંસ્થાનમાં મિલકતના ધોરણે મતાધિકાર મેળવી શકે એવા હિંદીઓની સંખ્યા કેટલી છે.

અને આ ન્યાય અને દયાના કાર્ય બદલ આપના અરજદારો ફરજ સમજીને હમેશને માટે બંદગી કરતા રહેશે વગેરે વગેરે.

(સહી)અબદુલ કરીમ હાજી આદમ


અને બીજાઓ

  [મૂળ અંગ્રેજી ]

છાપેલી નકલની છબી પરથી.