ગાંધીજીનો અક્ષર દેહ - ૧/પ્રાણપોષક ખોરાકનો અખતરો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← શાકાહારના સિદ્ધાંત માટે કાર્ય ગાંધીજીનો અક્ષરદેહ
પ્રાણપોષક ખોરાકનો અખતરો
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
ઇંગ્લંડમાં રહેતા હિંદીઓને →


૨૧. પ્રાણપોષક ખેારાકનો અખતરો

આને અખતરો કહી શકાય તો તેનું વર્ણન આપતાં પહેલાં મારે જણાવી લેવું જોઈએ કે મેં પ્રાણપોષક આહાર મુંબઈમાં એક અઠવાડિયા સુધી અજમાવી જોયો હતો; તે ગાળામાં મારા ઘણા મિત્રોને ભોજન વગેરે માટે બોલાવવાનું થયેલું તેથી અને બીજાં કેટલાંક સામાજિક કારણોસર મારે તે છોડી દેવો પડેલો; તે વખતે મને પ્રાણપોષક ખોરાક ઘણો માફક આવેલો; અને તે વખતે હું તે ચાલુ રાખી શકયો હોત તો ઘણો સંભવ છે કે મને ફાવી જાત.

પ્રયોગ કરતો હતો તે દરમિયાન રોજે રોજ રાખેલી નોંધ હું આપું છું.

ऑगस्ट २२, १८९३. પ્રાણપોષક આહારના અખતરાની શરૂઆત કરી. પાછલા બે દિવસથી મને શરદી થઈ છે અને તેની થોડી અસર કાન પર પણ વરતાય છે. ભોજનના ટેબલ પર પીરસવાને માટે વપરાતા બે ચમચા ઘઉંના, એક વટાણાનો, એક ચોખાનો, બે સૂકી લાલ દ્રાક્ષના, આશરે વીસ જેટલાં નાનાં કાછલિયાળાં ફળ, બે નારંગી, અને કોકોનો એક પ્યાલો એટલું સવારના નાસ્તામાં લીધું. કઠોળ અને અનાજ આગલી રાતે પલાળી રાખ્યાં હતાં. નાસ્તો ૪૫ મિનિટમાં પૂરો કર્યો. સવારમાં ઘણી સ્કૂર્તિ જણાયેલી, સાંજે સુસ્તી લાગવા માંડેલી, અને સાથે થોડું માથું દુખેલું. ભોજનમાં રોટલી, શાક વગેરે હંમેશની ચીજો હતી.

ऑगस्ट ૨રૂमी. ભૂખ લાગવાથી રાત્રે થોડા વટાણા લીધેલા. તેથી ઊંઘ સારી ન આવી અને સવારે ઊઠયો ત્યારે મોઢું બેસ્વાદ જણાયું. નાસ્તો અને ભોજન ગઈ કાલનાં જેવાં જ હતાં. આખો દિવસ વાદળાં ઘેરાયેલાં હતાં અને થોડો વરસાદ થયો છતાં મને માથાના દુખાવાની કે શરદીની અસર જણાઈ નહીં. બેકર [૧] સાથે ચા લીધી. તે બિલકુલ માફક ન આવી. પેટમાં દુખાવો થયો.

ऑगस्ट २४मी. સવારે ઊઠતાં બેચેની જણાઈ અને પેટ ભારે લાગ્યું. સવારનો નાસ્તો પહેલાંના જેવો જ હતો; માત્ર વટાણા એક ચમચાને બદલે અર્ધો જ ચમચો લીધેલા. ભોજન રોજના જેવું જ સારું ન લાગ્યું. આખો દિવસ અપચો થયો હોય એવી લાગણી થયા કરી.

ऑगस्ट २५मी. સવારે ઊઠયો ત્યારે પેટમાં ભાર લાગતો હતો. દિવસ દરમિયાન પણ સારું ન લાગ્યું. ભોજનને માટે રુચિ નહોતી. છતાં લીધું તો ખરું. ગઈ કાલે ભોજનમાં વટાણા કાચા હતા. પેટમાં ભાર લાગવાનું કારણ કદાચ એ હોય. દિવસ નમતાં માથું દુખ્યું. ભોજન પછી થોડું કિવનાઈન લીધું. સવારનો નાસ્તો ગઈ કાલના જેવો જ.

ऑगस्ट २६मी. સવારે ઊઠયો ત્યારે પેટ ભારે હતું. સવારના નાસ્તામાં અર્ધો ચમચો વટાણા, અર્ધો ચોખા, અર્ધો ઘઉં, અઢી ચમચા સૂકી લાલ દ્રાક્ષ, દસ અખોડ અને એક નારંગી એટલું લીધું. આખો દિવસ મોઢું બેસ્વાદ રહ્યું. સારું પણ ન લાગ્યું. ભોજન હંમેશના જેવું. સાંજે સાત વાગ્યે એક નારંગી અને. કોકોનો એક પ્યાલો લીધો. અત્યારે ભૂખ જેવું લાગે છે (આઠ વાગ્યે સાંજે) અને છતાં ખાવાની ઇચ્છા નથી. પ્રાણપોષક આહાર માફક આવતો લાગતો નથી.


  1. ૧. વકીલ અને ઉપદેશક, ખ્રિસ્તી ધર્મની ચર્ચા કરનારા અને પ્રિટોરિયામાં ખ્રિસ્તી મિત્રોને પરિચયકરાવી આપનારા ગાંધીજીના મિત્ર એ. ડબલ્યુ. બેકરનો ઉલ્લેખ છે.

ओगस्ट २७मी. સવારમાં કકડીને ભૂખ લાગેલી પણ સારું લાગતું નહોતું. સવારના નાસ્તામાં દોઢ ચમચો ઘઉંનો, બે મોટી સૂકી કાળી દ્રાક્ષ, દસ અખોડ અને એક નારંગી એટલું લીધું. (વટાણા અને ચોખા નથી એ ધ્યાનમાં રાખવા જેવું) દિવસ નમતાં સારું લાગવા માંડેલું. કાલે સુસ્તી લાગવાનું કારણ કદાચ વટાણા ને ચોખા હોય. બપોરના એક વાગ્યે પલાળ્યા વગરના એક ચમચો ઘઉં, એક ચમચો ભરીને કાળી દ્રાક્ષ, અને ચૌદ કાછલિયાળાં નાનાં ફળ એટલું લીધેલું. આમ હંમેશના ભોજનને બદલે પ્રાણપોષક આહાર આવ્યો. મિસ હૅરિસને ત્યાં ચા લીધી (જેમાં રોટી, માખણ, મુરબ્બો અને કોકો એટલું હતું). આ ચા મને બહુ ભાવી અને મને થયું કે જાણે લાંબા ઉપવાસ પછી રોટી ને માખણ ખાઉં છું. ચા લીધા બાદ બહુ ભૂખ લાગી આવી અને નબળાઈ જણાઈ તેથી ઘેર પાછો આવ્યો ત્યારે કોકોનો એક પ્યાલો અને એક નારંગી લીધાં.

ओगस्ट २८मी. સવારમાં મોઢામાં સ્વાદ સારો નહોતો. દોઢ ચમચો ભરીને ઘઉં, બે ચમચા સૂકી કાળી દ્રાક્ષ, વીસ કાછલિયાળાં ફળ, એક નારંગી અને કોકોનો એક પ્યાલો એટલાનો નાસ્તો કર્યો; ભૂખ જેવું અને નબળાઈ જેવું લાગતું હતું તે સિવાય તદ્દન સારું લાગતું હતું. મોઢું પણ સુધર્યું હતું.

ओगस्ट २९मी. સવારમાં ઊઠયો ત્યારે સારું હતું. સવારના નાસ્તામાં દોઢ ચમચો ઘઉંનો, બે લાલ સૂકી દ્રાક્ષના, એક નારંગી, વીસ કાછલિયાળાં નાનાં ફળ, એટલું લીધું. ભોજનમાં ત્રણ ચમચા ભરીને ઘઉં, બે બોર, વીસ કાછલિયાળાં ફળ અને બે નારંગી એટલું લીધું. સાંજે તૈયબને ત્યાં ભાત, સેવ અને બટાટાનું ભોજન લીધું, મોડી સાંજે અશક્તિ જણાયેલી.

ओगस्ट ३०मी. સવારના નાસ્તામાં ઘઉંના બે ચમચા, કાળી દ્રાક્ષના બે ચમચા, વીસ અખોડ અને એક નારંગી એટલું લીધું. ભોજનમાં પણ એ જ, પણ સાથે વધારામાં એક નારંગી, અશક્તિ ખૂબ લાગી. હંમેશની માફક ફરવા જવામાં થાક જણાયા વગર ન રહ્યો.

ओगस्ट ३१मी. સવારે ઊઠયો ત્યારે મોટું ઘણું મીઠું થઈ ગયેલું. અશક્તિ ઘણી લાગતી હતી. સવારના નાસ્તામાં અને ભોજનમાં આહારની વાનીઓનું પ્રમાણ એક જ હતું, સાંજે એક પ્યાલો કોકો અને એક નારંગી લીધાં. આખો દિવસ નબળાઈ ઘણી જ લાગી. ફરવા જવાનું પણ મુશ્કેલીથી થાય છે. દાંત પણ નબળા થતા જતા લાગે છે અને મોઢું વધારે પડતું ગળ્યું થઈ ગયું છે.

सप्टेम्बर १ली. સવારે ઊઠયો ત્યારે થાકીને લોથ થઈ ગયેલો. નાસ્તો ગઈ કાલના જેવો જ લીધો. ભોજન પણ તેવું જ અશક્તિ ઘણી લાગે છે; દાંત દુખે છે; આ અખતરો છોડી દેવો પડશે. બેકરની વરસગાંઠ હતી એટલે તેની સાથે ચા લીધી. ચા પછી સારું લાગ્યું.

सप्टेम्बर २जी. સવારમાં તાજો થઈને ઊઠયો. (ગઈ કાલ સાંજની ચાની અસર). પહેલાંનો ખોરાક લીધો (જવની ઘેંશ, રોટી, માખણ, મુરબ્બો). ઘણું જ સારું લાગ્યું.

આમ પ્રાણપોષક આહારનો અખતરો પૂરો થયો.

વધારે અનુકૂળ સંજોગોમાં પ્રયોગ નિષ્ફળ ન નીવડત. જ્યાં આપણો બધી વાત પર કાબૂ ન હોય અને વારંવાર ખોરાકમાં ફેરફાર કરવાનું ન બને એવી વીશી સફળતાથી ખોરાકના પ્રયોગ કરવાની જગ્યા ભાગ્યે જ લેખી શકાય. વળી તાજું લીલું ફળ જે મળી શકતું હતું તે એકલું સંતરું હતું એ બીના પણ ધ્યાનમાં આવશે. ટ્રાન્સવાલમાં એ વખતે બીજાં ફળ મળતાં નહોતાં. ટ્રાન્સવાલની જમીન ઘણી ફળદ્રપ હોવા છતાં ફળની ખેતી તરફ કોઈનુંયે બિલકુલ ધ્યાન નથી એ ઘણું દિલગીર થવા જેવું છે. વળી મને દૂધ પણ મળતું નહોતું. તે અહીં ઘણું મોધું મળે છે. દક્ષિણ આફ્રિકામાં સાધારણ રીતે ડબ્બાના દૂધનો [કન્ડેન્સડ મિલ્કનો] વપરાશ છે. તેથી પ્રાણપોષક આહારનું મૂલ્ય સાબિત કરવાની દૃષ્ટિથી આ પ્રયોગ તદ્દન નકામો છે એ વાત સ્વીકારવી જોઈએ. માત્ર અગિયાર દિવસ અને તે પણ પ્રતિકૂળ સંજોગોમાં ચલાવેલા અખતરા પરથી પ્રાણપોષક ખોરાક પર કોઈ પણ પ્રકારનો અભિપ્રાય આપવા નીકળી પડવું એ કેવળ ધૃષ્ટતા કહેવાય. વીસ વરસથીયે વધારે વખત સુધી રાંધેલા ખોરાકથી ટેવાયેલી હોજરી પાસે એકાએક એકે સપાટે કાચો ખોરાક પચાવવાની અપેક્ષા રાખવી અત્યંત વધારે પડતી ગણાય અને છતાં મને લાગે છે કે એ અખતરાની પણ કંઈક કિંમત છે. આવા અખતરા કરવા નીકળનારા બીજા જે લોકો તેમના તરફ તેમાં રહેલા ગુણોથી આકર્ષાયા હોય પણ જેમની પાસે તેમને સફળ અંત સુધી લઈ જવાની શક્તિ, અથવા સાધન, અથવા સંજોગો, અથવા ધીરજ, અથવા જ્ઞાન ન હોય તેમને માટે તે માર્ગદર્શક થાય. મારે કબૂલ કરવું જોઈએ કે મારામાં ઉપરની એક પણ લાયકાત નહોતી. પરિણામો પર આસ્તે આસ્તે ધ્યાન રાખવા જેટલી ધીરજ મારામાં નહોતી તેથી મેં મારા ખોરાકમાં એકાએક ઝટપટ ફેરફાર કર્યા. શરૂઆતથી જ સવારના નાસ્તામાં પ્રાણપોષક આહારની વાનીઓ હતી અને ચાર કે પાંચ દિવસ માંડ -ગયા હશે કે ભોજનમાં પણ તે જ આહાર લેવા માંડયો. પ્રાણપોષક આહારના સિદ્ધાંત સાથેનો મારો પરિચય પણ ખરેખર ઘણો ઉપરછલ્લો ગણાય. મિ. હિલ્સનું લખેલું એક નાનકડું ચોપાનિયું અને તેમની કલમે લખાયેલા 'धि वेजिटेरियनમાં તાજેતરમાં આવેલા એક કે બે લેખ એટલી જ તે વિષયના મારા જ્ઞાનની સામગ્રી હતી. તેથી જે કોઈની પાસે જરૂરી લાયકાત ન હોય તે હું માનું છું નિષ્ફળતા વહોરી લે એટલું જ નહીં, જે કાર્યનો અભ્યાસ કરવાને અને આગળ વધારવાને કોશિશ કરે છે તેને અને પોતાની જાતને પણ નુકસાન કર્યા વગર ન રહે.

અને આખરે એકંદરે સાધારણ શાકાહારીને સારુ, જે શાકાહારી તંદુરસ્ત છે અને જેને પોતાના આહારથી સમાધાન છે તેને સારુ આવી પ્રવૃત્તિઓમાં ધ્યાન રોકવું લાભ કરનારું ખરું? જે નિષ્ણાતો આવા પ્રકારનાં સંશોધનોમાં પોતાનું જીવન સમર્પણ કરે છે તેમને સારુ તે છોડી દેવી વધારે સારી નહીં? જે શાકાહારી પોતાના આચારનો ધર્મ ભૂતદયાના મહાન ના આધાર પર રચે છે, જે શાકાહારી પોતાના આહારને માટે પ્રાણીઓની કતલ કરવી એ ખોટું છે, અરે, પાપ છે એમ માને છે તેમને ખાસ કરીને આ વાત લાગુ પડે છે. સામાન્ય શાકાહારનો સિદ્ધાંત અમલમાં મૂકી શકાય એવો છે, તે આરોગ્યને પોષક છે એ વાત રસ્તે ચાલતા માણસને પણ દેખાય એવી છે. તો પછી આપણને જોઈએ છે શું? પ્રાણપોષક આહારની ભવ્ય શકયતાઓ ઘણી હશે; પણ તેના સેવનથી આપણાં નાશવંત શરીર અમર થોડાં જ થઈ જવાનાં છે? માણસોનો ઘણો મોટો ભાગ રાંધવાનું કદીયે સમૂળગું છોડી દે એ વાત બને એવી લાગતી નથી. પ્રાણપોષક ખોરાક એકલો પોતાની મેળે આત્માની ભૂખને સંતોષે નહીં, સંતોષી શકે નહીં. અને આ જીવનનો ઊંચામાં ઊંચો ઉદ્દેશ, અરે તેનો એકમાત્ર આશય આત્માને ઓળખવાનો હોય તો મારું નમ્રપણે કહેવું છે કે આત્માને ઓળખવાને માટે આપણને મળેલા અવસરમાં ઘટાડો કરે તેવી બધી વાતોથી, અને તેથી પ્રાણપોષક આહારના અને એવા બીજા અખતરાઓની રમત કરવાથી પણ જીવનનો એકમાત્ર ઇષ્ટ ઉદ્દેશ પાર પાડવાને મળેલી સંધિ તેટલા પૂરતી એળે જાય છે. જેનાં આપણે સૌ છીએ તેના યશને માટે જીવવાને આપણે આહાર લેવાનો હોય તો તેની કુદરતને જેની સૂગ છે અને જે મેળવવામાં નાહક લોહી રેડાય છે તેવો કોઈ પણ આહાર મેમાં ન મૂકીએ એટલું પૂરતું નથી શું? પણ એ દિશામાંના મારા અભ્યાસની હું માત્ર શરૂ અાત કરું છું ત્યારે આવી વાતો આટલેથી જ પૂરી કરું. અત્યારે તો એ અખતરો હું ચલાવતો હતો ત્યારે મારા મનમાં જે વિચારો રમતા હતા તે બીજાં કોઈ સમાન હેતુને કારણે સ્વજન જેવાં ભાઈ અગર બહેનને આમાં પોતાના વિચારનો પડઘો ઊઠતો સંભળાય તેટલા ખાતર પ્રગટ કરું છું. પ્રાણપોષક આહારનો અખતરો કરવાને હું તેની અત્યંત સરળતા જોઈને પ્રેરાયો હતો. રાંધવાની કડાકૂટમાંથી હું છૂટીશ, મારે જયાં જવાનું થાય ત્યાં મારો ખોરાક સાથે લઈને ફરવાનું બની શકશે, વીશીની માલિક બાઈ અને મને ખોરાક પૂરો પાડનાર સૌની અસ્વચ્છ આદતો મારે ચલાવી લેવાની રહેશે નહીં, દક્ષિણ આફ્રિકા જેવા મુલકમાં મુસાફરી કરતી વખતે પ્રાણપોષક ખોરાક બધી રીતે આદર્શ આહાર છે, એવાં તેનાં આકર્ષણો એટલાં બધાં હતાં કે હું તેમને વશ થઈ ગયો. પણ જે એક સ્વાર્થી હેતુ છે અને જે સર્વથી ચડિયાતા હેતુની સરખામણીમાં કેટલોયે અધૂરો છે તેને પાર પાડવામાં વખતની અને મહેનતની કેવી બરબાદી! આવી બધી વાતોને સારુ જિંદગી બહુ ટૂંકી છે.

[મૂળ અંગ્રેજી]

धि वेजिटेरियन, ૨૪-૩-૧૮૯૪