લખાણ પર જાઓ

ગાંધીજીનો અક્ષર દેહ - ૧/મિ. ચેમ્બરલેનને અરજી-૧

વિકિસ્રોતમાંથી
← નાતાલ કાઉન્સિલને અરજી-૨ ગાંધીજીનો અક્ષરદેહ
મિ. ચેમ્બરલેનને અરજી-૧
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
લૉર્ડ એલ્જિનને અરજી-૨ →


પપ. મિ. ચેમ્બરલેનને અરજી
[ડરબન,

ઑગસ્ટ ૧૧, ૧૮૯૫]

ધિ રાઈટ ઑનરેબલ જોસફ ચેમ્બરલેન, નામદાર સમ્રાજ્ઞીના સંસ્થાનો માટેના મુખ્ય મંત્રી, લંડન

નાતાલ સંસ્થાનમાં વસતા નીચે સહી કરનારા હિંદીઓની અરજી

નમ્રતાપૂર્વક દર્શાવે છે કે :

નાતાલની નામદાર લૅજિસ્લેટિવ ઍસેમ્બલી તથા લેજિસ્લેટિવ કાઉન્સિલે પસાર કરેલા ઈન્ડિયન ઈમિગ્રેશન લૉ એમેન્ડમેન્ટ બિલ સંબંધમાં નાતાલ સંસ્થાનમાં વસતી હિંદી કોમનું પ્રતિનિધિત્વ ધરાવતા તમારા અરજદારો, જેટલે અંશે એ બિલો ગિરમીટની પ્રથાની હાલની પરિસ્થિતિને અસર કરે છે તથા આ કાનૂન નીચે આવતા અને આ સંસ્થાનમાં સ્વતંત્ર હિંદીઓ તરીકે રહેવા ઇચ્છતા ગિરમીટની શરત નીચેના હિંદીઓએ દર વર્ષે ૩ પાઉન્ડ ભરીને કઢાવવાના ખાસ પરવાનાની જરૂરિયાત ઊભી કરે છે તેટલે અંશે, માનપૂર્વક તમારી સેવામાં હાજર થવાની ધૃષ્ટતા કરે છે.

૨. તમારા અરજદારોએ ઉપરની બાબત સાથે સંબંધ ધરાવતી કલમો કાઢી નાખવામાં આવે એ હેતુથી બંને નામદાર ધારાગૃહોને માનપૂર્વકની અરજીઓ રજૂ કરી, પરંતુ તમારા અરજદારોને કહેતાં દિલગીરી થાય છે કે એમાં એમને સફળતા મળી નથી, એ અરજીઓની [] નકલો આ સાથે જોડવામાં આવી છે અને તેના પર અનુક્રમે क અને ख નિશાન મૂકયાં છે.

૩. આ બાબત સાથે સંબંધ ધરાવતી કલમો નીચે મુજબ છે:

કલમ ૨. આ કાયદો અમલમાં આવે તે તારીખથી અને ત્યાર પછી ૧૮૯૧ના ઈન્ડિયન ઈમિગ્રેશન લૉના વિભાગ ૧૧માં દર્શાવેલાં પરિશિષ્ટ ख અને गમાં જેની જોગવાઈ કરવામાં આવી છે એવા હિંદી વસાહતીઓએ સહી કરવાના ગિરમીટના કરારોમાં હિંદી વસાહતીઓએ કરવાની નીચેના શબ્દોવાળી પ્રતિક્ષાનો સમાવેશ થશે:
ઉપરાંત અમે એ પણ મંજૂર રાખીએ છીએ કે મુદત પૂરી થતાં અથવા બીજી મુદત

નક્કી થતાં અમે કાં તો હિંદ પાછા ફરીશું અથવા વખતોવખત કરવાના કરારો મુજબ નાતાલમાં રહીશું; તે એવી શરતે કે દરેક ગિરમીટ નીચેની નોકરીની અવધિ બે વર્ષ માટેની રહેશે; અને એ ઉપરાંત એવી શરતે કે આ કરારમાં જોગવાઈ કર્યા પછીની દરેક વર્ષની ગિરમીટની નોકરીની મજૂરીનો દર પહેલા વર્ષ માટે દર મહિને ૧૬ શિલિંગ, બીજા વર્ષ માટે દર મહિને ૧૭ શિલિંગ, ત્રીજા વર્ષ માટે દર મહિને ૧૮ શિલિંગ, ચોથા વર્ષ માટે દર મહિને ૧૯ શિલિંગ, અને પાંચમા અને તે પછી આવતા દરેક વર્ષ માટે દર મહિને ૨૦ શિલિંગ રહેશે.

કલમ ૬ નીચે મુજબ છે:
અા કાનૂનની કલમ ૨માં દર્શાવેલી પ્રતિજ્ઞા કરનાર દરેક ગિરમીટ નીચેનો હિંદી, જે હિંદુસ્તાન પાછો ફરવામાં અથવા નાતાલમાં ફરીથી મજૂરીનો કરાર કરવામાં નિષ્ફળ જશે, બેદરકારી બતાવશે અથવા ના પાડશે તેણે પોતાના જિલ્લાના મેજિસ્ટ્રેટે કાઢી આપેલો સંસ્થાનમાં રહેવા માટેનો પાસ અથવા પરવાનો કઢાવવો પડશે. અને એ પાસ અથવા પરવાના માટે ૩ પાઉન્ડની વાર્ષિક રકમ ભરવી પડશે. જે કોઈ પણ “કલાર્ક ઑફ પીસ ' મારફતે અથવા એવી લાઈસન્સ ફી લેવા માટે નિમાયેલા બીજા અધિકારી મારફતે તાકીદની સરકારી કાર્યવાહીથી વસૂલ કરી શકાશે.

ઉપર આપેલી કલમ ૨માં જણાવ્યા મુજબનું પરિશિષ્ટ ख, નોકરીની મુદતને એને સંબંધ છે તેટલા પૂરતું નીચે મુજબ છે:

અમે . . . થી નાતાલ આવેલા નીચે સહી કરનારા વસાહતીઓ નાતાલ માટેના હિંદી વસાહતીઓના સંરક્ષકે જે કોઈ માલિકને ત્યાં નોકરી કરવા અમને અનુક્રમે નોંધ્યા હોય તેને ત્યાં કામ કરવા આથી બંધાઈએ છીએ; તે એવી શરતે કે અહીં નીચે અમારાં નામો સામે દર્શાવેલી રોજી તથા બીજી ખર્ચની રકમ દર મહિને અમને રોકડ નાણાંમાં આપવામાં આવશે.

૪. ઉપર દર્શાવેલી વાત પરથી જણાશે કે ચર્ચા નીચેનું બિલ કાનૂન બને તો એક ગિરમીટ નીચેના હિંદીએ જે તે પોતાની પાંચ વર્ષની ગિરમીટની નોકરી બાદ સંસ્થાનમાં સ્થિર થઈને રહેવા ઇચ્છતો હોય તો કાં તો કાયમી ગિરમીટ નીચે રહેવું જોઈએ અથવા ૩ પાઉન્ડનો વાર્ષિક કર ભરવો જોઈએ. તમારા અરજદારોએ कर શબ્દ જાણીજોઈને વાપર્યો છે કારણ કે મૂળ બિલ કમિટીની કક્ષાએથી પસાર થયું તે પહેલાં તેમાં એ જ શબ્દ વપરાયો હતો, તમારા અરજદારોનું કહેવું એવું છે કે કરને બદલે પરવાનો એવો માત્ર નામનો ફેરફાર કરવાથી એ બિલ ઓછું અળખામણું નથી બનતું, પણ કાનૂનના ઘડવૈયાઓને પક્ષે એ માહિતી હોવાનું ખાસ દેખાઈ આવે છે કે સંસ્થાનમાં એક ખાસ વર્ગના લોકો ઉપર એક ખાસ માથાવેરો હોય એ ન્યાય વિષેની બ્રિટિશોની વિચારસરણીનું પૂરેપૂરું વિરોધી છે.

૫. હવે, તમારા અરજદારો નમ્રપણે પણ ભારપૂર્વક જણાવે છે કે ગિરમીટની મુદત પાંચ વર્ષ ઉપરથી લગભગ અચોક્કસ મુદત પર વધારી જવાની વાત અતિશય અન્યાયભરી છે, ખાસ કરીને એ કારણે કે ગિરમીટિયા હિંદીઓ મારફતે રક્ષાયેલા કે અસર પામતા ઉદ્યોગોને સંબંધ છે ત્યાં સુધી આવું પગલું તદ્દન બિનજરૂરી છે.

૬. આ કલમો ઉપસ્થિત થવાનું, નાતાલ સરકારે ૧૮૯૪ની સાલમાં હિંદ મોકલેલા કમિશનને અને એના સભ્યો મેસર્સ બિન્સ અને મેસને તૈયાર કરેલા હેવાલને આભારી છે. કમિશન આ બે સભ્યોનું જ બનેલું હતું.”આવો કાયદો ઘડવાના એ હેવાલમાં દર્શાવેલાં કારણો વસાહતીઓના સંરક્ષકના ૧૮૯૪ની સાલ માટેના વાર્ષિક હેવાલના પા. ૨૦ અને ૨૧ ઉપર આપેલાં છે. તમારા અરજદારો કમિશનના સભ્યોના હેવાલમાંથી નીચેનો ઉતારો આપવાની ધૃષ્ટતા કરે છે:

જે દેશમાં દેશી લોકોની વસ્તી યુરોપિયનોની વસ્તી કરતાં સંખ્યામાં ઘણી વધારે છે ત્યાં હિંદીઓનો અમર્યાદ વસવાટ ઇચ્છવાજોગ નથી ગણાતો, એટલે એકંદરે વલણ

એવું રહે છે કે જયારે તેઓ પોતાની છેલ્લી ગિરમીટની મુદત પૂરી કરી રહે ત્યારે તેમણે હિંદુસ્તાન પાછા ફરવું જોઈએ. આજ પહેલાં સંસ્થાનમાં સ્થિર થઈને રહેલા એવા આશરે ૨૫,૦૦૦ સ્વતંત્ર હિંદીઓ મોજૂદ છે. એમાંના ઘણા લોકોએ વળતી મુસાફરીના ભાડાનો તેમનો હક જતો કર્યો છે. વળી આમાં વણિકોની ઘણી મોટી વેપારી વસ્તીનો સમાવેશ થતો નથી.

૭. આ રીતે જોતાં આ ખાસ પ્રકારની વ્યવસ્થા માટેનાં કારણો માત્ર રાજદ્રારી જ છે. સાચી રીતે કહીએ તો વસ્તી ગીચ થઈ જવાનો તો બિલકુલ પ્રશ્ન જ નથી. એક નવા ખૂલેલા દેશમાં જયાં હજી જમીનના વિશાળ પ્રદેશો તદ્દન વસ્તી વિનાના અને ખેડયા વિનાના પડેલા છે ત્યાં આ પ્રશ્નનને સ્થાન જ ન હોઈ શકે.

૮. એ જ હેવાલમાં સભ્યોએ ફરીથી નીચે મુજબ કહ્યું છે:

આરબો કે જેઓ બધા વેપારીઓ જ છે અને કામદારો નથી, તેમની બાબતમાં

વેપારીઓમાં અને દુકાનદારોમાં એક જાતની તીવ્ર લાગણી પ્રવર્તે છે; પણ મોટે ભાગે તેઓ બ્રિટિશ રૈયત છે અને કોઈ પણ જાતના કરાર કરીને સંસ્થાનમાં આવ્યા નથી એટલે તેમની સાથે કોઈ જાતની દખલ થઈ ન શકે એ વાત સ્વીકારવામાં આવી છે.

* * *
કુલી કે મજૂર, યુરોપિયનની સાથે ખાસ ગણનાપાત્ર પ્રમાણમાં હરીફાઈમાં આવતો

નથી. સમુદ્રના કિનારા ઉપર, જ્યાં બધા જ બગીચા આવેલા છે ત્યાં યુરોપિયનો માટે ખેતીકામ કરવાનું અશકય છે અને ત્યાં હિંદી મજૂરો અને દેશી લોકો ઉપરાંતની મજૂરોની સંખ્યા હંમેશાં બહુ નાની રહી છે.

* * *

જોકે નિશ્ચિતપણે અમે એ મતના છીએ કે અત્યાર સુધીમાં જે મજૂર હિંદીઓ अहीं स्थिर थईने रह्या छे (નાગરી અરજદારોએ કર્યું છે) તેઓ સંસ્થાન માટે ઘણા લાભકારક નીવડયા છે. છતાં ભવિષ્યનો વિચાર કરતાં, અને દક્ષિણ આફ્રિકામાં દેશી લોકોનો જે એક મહાન પ્રશ્નન વણઉકેલ્યો પડયો છે તે નજરમાં રાખતાં, હાલમાં જે ચિંતા સેવાઈ રહી છે તેમાં સહભાગી બનવાનું અમે ટાળી શકતા નથી. જો મોટા ભાગના મજૂરોએ એમને માટે જોગવાઈ કરવામાં આવેલાં પાછા ફરવાનાં ભાડાંનો ફાયદો ઉઠાવ્યો હોત તો ભયને માટે ઓછું જ કારણ રહ્યું હોત.

૯. તમારા અરજદારો ખૂબ જ માનપૂર્વક જણાવે છે કે ઉપરના ઉતારા, જે સંસ્થાનમાં गिरमीटमुक्त हिंदीओना વસવાટ ઉપર નિયંત્રણ મૂકનારાં પગલાં માટે અપાયેલાં કારણોના અંગરૂપ છે તે તદ્દન ઊલટી જ વાત પુરવાર કરે છે. કારણ કે મોટા ભાગના તમારા અરજદારો જે વર્ગમાંથી આવ્યા છે તે હિંદી વેપારીઓ જેઓ “કોઈ પણ જાતના કરાર નીચે સંસ્થાનમાં ગયા નથી.” તેમને જે કોઈ પણ જાતની દખલ ન દઈ શકાય તો પછી ગિરમીટ નીચેના હિંદીઓ જેઓ આમના જેટલા જ બ્રિટિશ પ્રજાજન છે, અને જેમને એમ કહી શકાય કે સંસ્થાનમાં જવાને આમંત્રણ અપાયું હતું અને જેમનો वसवाट (સભ્યોના પોતાના જ શબ્દોમાં) “સંસ્થાન- ના ભારે લાભમાં રહ્યો છે.” અને, તેથી જેમનો સાંસ્થાનિકોની ભલમનસાઈ અને કાળજી ઉપર ખાસ હક રહેલો છે તેમને તો તેનાથી પણ घणी ओछी દખલ દઈ શકાય. ૧૦. અને, જો હિંદી 'કુલી' "યુરોપિયનો સાથે કોઈ પણ ગણનાપાત્ર પ્રમાણમાં હરીફાઈમાં આવતો નથી.” તો પછી તમારા અરજદારો નમ્રપણે પૂછે છે કે ગિરમીટ નીચેના હિંદીઓ માટે શાંતિમાં અને સ્વતંત્રપણે પ્રામાણિક રોટી કમાવાનું મુશ્કેલ બનાવે એવો કાનૂન બનાવવાનું ઔચિંત્ય કયાં રહ્યું? એ ઔચિંત્ય ખરેખર ગિરમીટ નીચેના હિંદીઓના ખાસ હોય એવા કોઈ ગુણોમાં રહેલું નથી જે તેમને સમાજના ભયંકર સભ્યો બનાવી મૂકતા હોય. હિંદી પ્રજાની શાંતિપ્રિયતાની ખાસિયત અને તેનો નમ્રતાનો ગુણ જાણીતો છે. તેમના માથેના અધિકારીઓ પ્રત્યેનું તેમનું આજ્ઞાપાલન તેમના ચારિત્ર્યનું નાનુંસૂનું લક્ષણ નથી, અને એથી ઊલટું કહેવાનું કમિશનના સભ્યો માટે બની શકશે નહીં; કારણ કે જે સભ્યોમાંના એક હતા એવા સંરક્ષક તેમના હેવાલના એ જ પુસ્તકમાં પા. ૧૫ ઉપર કહે છે :

હું જાણું છું કે અનેક માણસો હિંદીઓની એક જાતિ તરીકે નિંદા કરે છે. છતાં આ લોકો જો તેઓ પોતાની આજુબાજુ નજર કરશે તો આ હિંદીઓમાંના સેંકડોને તેમના જુદા જુદા ઉપયોગી અને ઇચ્છવાજોગ ધંધાઓ પ્રામાણિકપણે અને શાંતિથી પાર પાડતા જોયા વિના રહેશે નહીં.
* * *
એટલું કહી શકવા બદલ મને આનંદ થાય છે કે સંસ્થાનમાં સામાન્ય રીતે રહેતા હિંદીઓ હજી પણ સમાજનું સમૃદ્ધિવાન, સાહસિક અને કાનૂન પાલક અંગ બની રહે છે.

૧૧. આ બિલના બીજા વાચનની રજૂઆત વખતે નામદાર એટર્ની જનરલે એવું કહ્યાનો હેવાલ છે કે:

કોઈ પણ ઉદ્યોગને નુકસાન થાય એ રીતે મજૂરોને દાખલ કરવામાં દરમિયાનગીરી કરવાનો કોઈ ઈરાદો નહોતો, પરંતુ આ હિંદીઓને અહીં સ્થાનિક ઉદ્યોગોની ખિલવણી માટે મજૂરો પૂરા પાડવાના હેતુથી લાવવામાં આવ્યા હતા, અને નહીં કે જુદાં જુદાં રાજ્યોમાં ઊભા થતા દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રના એક અંગરૂપ બનવાના હેતુ માટે.

૧૨. વિદ્રાન એટર્ની જનરલ પ્રત્યે ભારેમાં ભારે માન સાથે તમારા અરજદારો નમ્રપણે જણાવે છે કે ઉપરની ટીકા ચર્ચા નીચેની કલમોને સંપૂર્ણપણે વખોડી કાઢે છે અને તેઓ એવું માનવાની ધૃષ્ટતા કરે છે કે નામદાર સમ્રાજ્ઞીની સરકાર બિલને મંજૂરી આપીને આવી ટીકાનું સમર્થન કરશે નહીં.

૧૩. તમારા અરજદારો એવું માનવાની ધૃષ્ટતા કરે છે કે જે કાનૂનો માણસોને કાયમની ગુલામી નીચે રાખવાના વલણવાળા હોય તેમને ચલાવી લેવાનું બ્રિટિશ બંધારણની ભાવનાની વિરુદ્ધનું છે. અમારું કહેવું એવું છે કે જો બિલ કાનૂન બનશે તો એ સ્પષ્ટ જ છે કે તે એવું જ પરિણામ લાવશે.

૧૪. ૧૮૯૫ની સાલના મેની ૧૧મી તારીખનું સરકારી મુખપત્ર धि नाताल मर्क्युरी આ પ્રમાણે આ બિલનું સમર્થન કરે છે:

આમ છતાં, સરકાર આટલી વાત મંજૂર રાખી શકતી નથી કે જે માણસો વાજબી મજૂરીના દર સાંસ્થાનિકોને મદદ કરવાના કરાર કરે છે તેમને એ કરારનો ભંગ કરવા દેવામાં આવે અને જેમની સેવા કરવાને તેઓ આવ્યા હતા અને બીજા કોઈ પણ હેતુ માટે કે બીજી કોઈ પણ શરતે નહોતા આવ્યા તે સાંસ્થાનિકો સામે હરીફ તરીકે રહેવા દેવામાં આવે.
એનાથી વિરુદ્ધ કરવું એ સાચા અને ખોટા વચ્ચેનો ભેદ ભૂંસી નાખવા બરાબર અને કાનૂન અને ઔચિત્યના અસ્તિત્વનો હેતુપૂર્વકનો ઈન્કાર કરવા બરાબર થશે. આમાં કોઈ જાતની સખતાઈ નથી, કે સખતાઈની ઇચ્છા પણ નથી તેમ જ એમાં એવું કાંઈ પણ નથી જેનો નિષ્પક્ષ મંતવ્ય ધરાવનાર વિરોધ કરી શકે.

૧૫. તમારા અરજદારોએ ઉપરના ઉતારા એટલું બતાવવાને આપ્યા છે કે હિંદીઓ સામે જવાબદાર લોકોમાં પણ કેવી લાગણી રહેલી છે. અને તે લાગણી માત્ર એટલા ખાતર કે केटलाक बहू ज थोडा માણસો તેમની ગિરમીટ નીચે અને તેની મુદત દરમિયાન જ નહીં પરંતુ એ મુદત પૂરી થયા પછી પણ લાંબા સમય સુધી મજૂરો તરીકે કામ કર્યા પછી સંસ્થાનમાં વેપાર કરવાની હિંમત કરે છે.

૧૬. જેઓ સંસ્થાનના હિત માટે અનિવાર્ય હોવાનું સ્વીકારાયું છે તેમણે કાયમના બંધન નીચે રહેવું અથવા તા. ૯–૫–'૯૫ના धि नाताल एडवर्टाइझरे મૂકયું છે તેમ ૩ પાઉન્ડનો વાર્ષિક કર ભરીને “સ્વતંત્રતા ખરીદવી,” જે “નથી સખતાઈભર્યું કે નથી અયોગ્ય”, આ કથન તમારા અરજદારોને ખાતરીપૂર્વક લાગે છે કે સમ્રાજ્ઞીની સરકારને સ્વીકાર્ય થશે નહીં.

૧૭. કલમોમાં રહેલો અન્યાય એટલો બધો સ્પષ્ટ અને ભારે દેખાય છે કે જે છાપું હિંદીઓની બિલકુલ તરફદારી કરનારું નથી એવા धि नाताल एडावर्टाइझर ને પણ એનો ખ્યાલ આવ્યો છે અને તે તેણે ૧૮૯૫ના મેની ૧૬મી તારીખે નીચેના શબ્દોમાં વ્યક્ત કર્યો છે :

મૂળમાં બિલની દંડાત્મક કલમ એવા ઉદ્દેશવાળી હતી કે જે હિંદી, હિંદુસ્તાન પાછો નહીં ફરે તેણે સરકારને એક વાર્ષિક કર ભરવો, મંગળવારે એટર્ની જનરલે એવો ઠરાવ મૂકયો કે આને આ પ્રમાણે બદલવામાં આવે : 'સંસ્થાનમાં રહી જવા માટે એક પાસ કે પરવાનો કઢાવવો જોઈએ જેને માટે ૩ પાઉન્ડ ભરવાના રહેશે. નિશ્ચિતપણે આ એક વધારે સારો ફેરફાર છે, અને ઓછો અણગમો થાય એવા શબ્દોમાં એનાથી એનો એ હેતુ સરે છે. પરંતુ આ કુલી રહેવાસીઓ ઉપર એક ખાસ કર નાખવાની દરખાસ્તથી એક વ્યાપક પ્રશ્ન ખડો થાય છે, જો સામ્રાજયના બીજા ભાગોમાંથી આવનારા કુલીઓ ઉપર આ જાતની ગેરલાયકાત મુકાવાની હોય તો પછી એનો અમલ, જેમનો બ્રિટિશ સામ્રાજ્ય સાથે સંબંધ નથી એવા ચીનાઓ, આરબો, બહારનાં રાજયોમાંના કાફરો, અને એવા બીજા વસાહતીઓનો પણ સમાવેશ થાય એ રીતે વિસ્તૃત કરવો જોઈએ. આ રીતે કુલીઓને ખાસ પસંદ કરીને તેમને લક્ષ્યબિંદુ બનાવવા અને બીજા બધા પરદેશીઓને કોઈ પણ ગેરલાયકાત વિના છૂટથી વસવાટ કરવા દેવો એ ન્યાયસંગત વ્યવસ્થા નથી. જો પરદેશીઓ ઉપર કર નાખવાનો રિવાજ શરૂ કરવો જ હોય તો ખરેખર તે એવી જાતિઓથી કરવો જોઈએ કે જે પોતાની જન્મભૂમિમાં બ્રિટિશ ધ્વજ નીચે નથી, અને નહીં કે એવી જાતિઓથી જે, આપણે પસંદ કરીએ કે નહીં કરીએ, આપણી માફક એક જ સામ્રાજ્યની પ્રજા છે. આપણે જો તેમના ઉપર અસાધારણ ગેરલાયકાતો નાખવા માગતા હોઈએ તો એને માટે તેઓ પહેલા નહીં પરંતુ છેલ્લા રહેવા જોઈએ.

૧૮. તમારા અરજદારો જણાવે છે કે આ વ્યવસ્થા કોઈ પણ ન્યાયપ્રિય માણસોને ગમી નથી. નાતાલ કમિશનના સભ્યોએ હિંદી સરકારને, ગમે એટલી આનાકાનીથી હોય તો પણ ગિરમીટની મુદત અચોક્કસ રીતે વધારવાની અથવા ફરજિયાત પાછા ફરવાની વાતને સંમતિ આપવાનું વચન આપવાને કેવી રીતે સમજાવી એ તમારા અરજદારો જાણવાનો દાવો કરતા નથી. પણ તમારા અરજદારો એવી આશા રાખે છે કે ગિરમીટિયા હિંદીઓને પક્ષે અહીં રજૂ કરેલા મામલા તરફ નામદાર સમ્રાજ્ઞીની સરકાર તથા હિંદી સરકાર તરફથી પૂરું ધ્યાન અપાશે અને એકપક્ષી કમિશનની રજૂઆતને આપવામાં આવેલી કોઈ પણ સંમતિને ગિરમીટિયા હિંદીઓના મામલા તરફ પૂર્વગ્રહ ઊભો કરવા દેવામાં આવશે નહીં.

૧૯. ઝટ ધ્યાન જઈ શકે એટલા ખાતર તમારા અરજદારો, નેક નામદાર વાઈસરૉયના નેક નામદાર નાતાલના ગવર્નરને મોકલેલા ૧૮૯૪ની સાલના સપ્ટેમ્બરની ૧૭મી તારીખના ખરીતામાંથી નીચેના ઉતારા રજૂ કરે છે :

મેં પોતે તો હાલમાં ચાલુ છે એ પદ્ધતિ જ ચાલુ રહે એ પસંદ કર્યું હોત, જેની નીચે ગિરમીટની મુદત પૂરી થતાં કોઈ પણ વસાહતીને માટે સંસ્થાનમાં પોતાને હિસાબે અને જોખમે વસવાટ કરવાની છૂટ છે. અને મને એવા વિચારો જોડે નહીં જેવી જ સહાનુભૂતિ છે કે જે તાજ નીચેની કોઈ પણ પ્રજાને બ્રિટિશ ધ્વજ નીચેના કોઈ પણ સંસ્થાનમાં વસવાટ કરતાં અટકાવે છે. પણ નાતાલ સંસ્થાનમાં હિંદી રહેવાસીઓ પ્રત્યે હાલમાં જે ભાવના દર્શાવાઈ રહી છે તે ધ્યાનમાં લેતાં કમિશનના સભ્યોએ પોતાના ૧૮૯૪ની સાલના જાન્યુઆરીની ૨૦મી તારીખના પ્રાર્થનાપત્રમાં રજૂ કરેલી આગલા પૅરેગ્રાફમાં નિર્દેશેલી (क થી च) દરખાસ્તોને, નીચે આપેલી જોગવાઈઓને આધીન રહીને સ્વીકારવાને હું તૈયાર છું, તે એવી કે:
(क) જયારે કોઈ કુલી કે મજૂર પ્રથમ ભરતી થાય છે ત્યારે તેણે તેના કરારની શરતો મુજબ તેની ગિરમીટની મુદત દરમિયાન કે તે પૂરી થાય કે તરત જ હિંદુસ્તાન પાછા ફરવું પડશે, સિવાય કે તે એ જ, શરતોએ ફરીથી ગિરમીટનો બીજો કરાર કરવાનું પસંદ કરતો હોય.
(ख) જે મજૂરો પાછા જવાની ના પાડે તેમને કોઈ પણ સંજોગોમાં ફોજદારી કાનૂનની સજાઓને આધીન કરવામાં નહીં આવવા જોઈએ, અને
(ग) બધા જ નવા કરારો બે વર્ષની મુદતના રહેશે, અને તેના કરારની પહેલી મુદતને છેડે તથા પાછળની દરેક નવી મુદતને છેડે વસાહતીને પાછા ફરવાના ભાડાની મફત સગવડ કરી આપવી જોઈએ.
નામદાર સમ્રાજ્ઞીની સરકારની સંમતિથી હાલની પદ્ધતિમાં હું જે કાંઈ ફેરફારો મંજૂર રાખવાને તૈયાર છું તેનો ટૂંકો સાર નીચે મુજબ આપી શકાય.[]

૨૦. તમારા અરજદારો રાહતની લાગણી સાથે એ વાતની નોંધ લે છે કે સમ્રાજ્ઞીની સરકારે હજી સુધી કમિશનના સભ્યોનાં સૂચનોને મંજૂર કર્યા નથી.

૨૧. ફરજિયાત પાછા ફરવાનો અથવા ફરી કરાર કરવાનો વિચાર જયારથી પ્રથમ શરૂ થયો ત્યારથી તેને અપનાવવામાં તે કેટલો ભારે અન્યાયભર્યો હતો એ વાત હજી વધારે સ્પષ્ટ કરવાને તમારા અરજદારો, ૧૮૮પની સાલમાં નાતાલમાં બેઠેલા વસાહતી કમિશનના હેવાલમાંથી અને તેની આગળ લેવાયેલી જુબાનીમાંથી ઉતારા આપવાની પરવાનગી ઇચ્છે છે.


  1. ૧. જુઓ પા, ૧૩૩-૫; અને પા. ૧૬૩-૪.
  2. મૂળ લખાણ સાથે આ સાર આપેલ નથી.
૨૨. કમિશનના સભ્યોમાંના એક મિ. જે. આર. સૉન્ડર્સ પોતાના વધારાના હેવાલમાં

પોતાના વિચારો ભારપૂર્વક નીચેના શબ્દોમાં રજૂ કરે છે :

જોકે કમિશને એવો કાયદો પસાર કરવાની ભલામણ નથી કરી કે જે કાયદો હિંદીઓને પોતાની નોકરીની મુદત પૂરી થતાં ગિરમીટનો કરાર ફરી નહીં કરી આપ્યો હોય તો હિંદુસ્તાન પાછા ફરવાને ફરજ પાડે, તોપણ હું એવા કોઈ પણ વિચારને સખત રીતે વખોડી કાઢવા ઇચ્છું છું અને ખાતરીપૂર્વક મને એવું દેખાય છે કે જે અનેક લોકો આ યોજનાની તરફેણ કરી રહ્યા છે તેઓ એનો શો અર્થ થાય એ સમજશે ત્યારે મારા જેટલા જ જોરથી એને નામંજૂર કરશે, હિંદીઓના પ્રવેશને બંધ કરી દો અને તેનાં પરિણામોનો સામનો કરો, પણ જેને હું એક ભારે અન્યાય હોવાનું બતાવી આપી શકું એમ છું તે કરવાનો પ્રયાસ નહીં કરો.
આ વાત એ સિવાય બીજું શું છે કે (સારા તેમ જ ખરાબ બંને જાતના) નોકરો પાસેથી સારામાં સારો લાભ ઉઠાવવો, અને પછી તેમને તેમના કામનો બદલો માણવાની ના પાડવી ! જયારે એમના જીવનનો ઉત્તમ કાળ આપણા ફાયદા માટે ઉપયોગમાં લેવાઈ ગયો હોય ત્યારે તેમને બળજબરીથી (આપણાથી બની શકે તો, પણ આપણે તેમ કરી શકતા નથી) પાછા કાઢી મૂકવા, અને તે કયાં? ફરીથી તે ભૂખમરાની સંભાવનાનો સામનો કરવાને જેમાંથી તેમણે તેઓ જુવાન હતા ત્યારે છટકવાનો પ્રયાસ કર્યો હતો. શેકસપિયરના નાટકના શાઇલૉકની માફક આપણે જો શેર માંસ લેવા ચાહીશું તો તેની માફક જ તેને મળેલો બદલો ભોગવવા પણ આપણે તૈયાર રહેવું પડશે.
તમે ઇચ્છો તો હિંદીઓના પ્રવેશને રોકી દો; આજે જ ખાલી ઘરો પૂરતાં નહીં હોય તો આરબો અને હિંદીઓને કાઢીને વધારે ખાલી કરો; આ લોકો તેમાં રહે છે અને અર્ધાથી પણ ઓછા વસવાટવાળા દેશની ઉત્પાદનની અને વાપરવાની શક્તિમાં ઉમેરો કરે છે. પણ આપણે તપાસની આ એક બાબતનાં પરિણામોને, બીજી બાબતોના ઉદાહરણ તરીકે ગણીને જરા તપાસીએ. આપણે એ તપાસીએ કે કેવી રીતે ખાલી પડેલાં ઘરો મિલકત અને સરકારી લોનોના ભાવો ઘટાડી દે છે, આમાંથી કેવી રીતે બાંધકામના ધંધામાં અને એવા બીજા ધંધાઓ તથા તેના પર આધાર રાખતા પુરવઠા માટેની દુકાનોમાં મંદી લાવે છે. એ જુઓ કે કેવી રીતે આને પરિણામે ગોરા યાંત્રિકો માટેની માગણી ઘટવા પામે છે. અને આટલા બધા લોકોની ખર્ચ કરવાની શક્તિમાં મંદી આવવાથી પછી કેવી રીતે સરકારી આવકમાં તૂટ પડવાનો સંભવ ઊભો થાય છે અને તેમાંથી નોકરોની સંખ્યામાં કાપકૂપ કરવાની અથવા કર વધારો કરવાની અથવા બંનેની જરૂર ઊભી થાય છે. આ પરિણામનો અને વિગતે ગણતરી ન થઈ શકે એવાં બીજાં અસંખ્ય પરિણામોનો મુકાબલો કરો, અને જો આંધળા જાતિવિષયક લાગણીવેડા અગર જાતિદ્વેષનો જ વિજય થવાનો હોય તો તેમ થવા દો. સંસ્થાન હિંદીઓના પ્રવેશને રોકી શકે છે, અને તે કદાચ થોડા લોકપ્રિયતા પાછળ પડેલા લોકો ઇચ્છતા હોય તેનાથી પણ વધારે સહેલાઈથી અને કાયમી સ્વરૂપે રોકી શકે, પણ માણસોને તેમની નોકરીના છેવટના ભાગમાં બળજબરીથી ધકેલી કાઢવાનું કામ સંસ્થાન કરી નહીં શકે. અને હું એને એવો પ્રયાસ કરીને એક સારા નામને બટ્ટો નહીં લગાડવાનો આગ્રહ કરું છું.

૨૩. પહેલાંની લેજિસ્લેટિવ કાઉન્સિલના માજી સભ્ય અને હાલના ઍટર્ની જનરલે (માનનીય મિ. એસ્કોમ્બ), કમિશન આગળ પોતાની જુબાની આપતાં કહ્યું (પા. ૧૭૭) :

મુદત પૂરી થઈ હોય એવા હિંદીઓ બાબતમાં, હું નથી માનતો કે કોઈ પણ માણસને માટે દુનિયાના કોઈ પણ ભાગમાં જવાનું ફરજિયાત હોવું જોઈએ, સિવાય કે તેણે દેશનિકાલની સજા થાય એવો કોઈ ગુનો કર્યો હોય; આ પ્રશ્ન વિષે હું ઘણું ઘણું સાંભળું છું, વારંવાર મને આનાથી જુદો અભિપ્રાય બાંધવા માટે કહેવામાં આવ્યું છે, પણ હું તે કરી શકયો નથી.એક માણસને सिद्धांतनी रीते जोतां पोतानी संमतिथी, व्यवहारमां घणी वार पोतानी विना (નાગરી તમારા અરજદારોનું છે) અહીં લાવવામાં આવે છે. તે પોતાના જીવનનાં પાંચ ઉત્તમ વર્ષ આપે છે, તે નવા સંબંધો કેળવે છે અને જૂનાને ભૂલી જાય છે, કદાચ અહીં પોતાનું ઘર પણ માંડે છે. એટલે ખરાખોટાની મારી સમજ મુજબ તેને પાછો મોકલી દઈ શકાય નહીં. તેમની પાસેથી શકય એટલું કામ કઢાવી લઈ તેમને કાઢી મૂકવાનો હુકમ કાઢવા કરતાં એ બહેતર છે કે વધારે હિંદીઓને દાખલ કરવાનું બિલકુલ અટકાવી દેવામાં આવે. એવું દેખાય છે કે સંસ્થાનને અથવા સંસ્થાનના એક વિભાગને હિંદીઓની જરૂર છે. પરંતુ સાથે સાથે તે હિંદીઓનાં દાખલ થવાનાં પરિણામો ટાળવા ઇચ્છે છે. હું જાણું છું ત્યાં સુધી હિંદી લોકો કશું નુકસાન કરતા નથી. કેટલીક બાબતોમાં તેઓ ભારે ફાયદો કરતા હોય છે. જે માણસે પાંચ વર્ષ સુધી સારું વર્તન રાખ્યું હોય તેને દેશની બહાર કાઢવાની વાતને યોગ્ય ઠરાવવા માટેનું એક પણ કારણ મારા સાંભળવામાં કદી આવ્યું નથી. હું નથી માનતો કે કોઈ હિંદીને, તેની પાંચ વર્ષની નોકરી પૂરી થતાં પોલીસની દેખરેખ નીચે મૂકવો જોઈએ, સિવાય કે તે ગુનાહિત કામો કરનારો હોય. યુરોપિયનો કરતાં આરબોને શા માટે વિશેષરૂપે પોલીસની દેખરેખ નીચે મૂકવા જોઈએ એ હું નથી જાણતો. કેટલાક આરબોના દાખલાઓમાં તો આ વસ્તુ તદ્દન હાસ્યાસ્પદ છે. તેઓ ભારે માલમિલકત ધરાવે છે, તેઓ ભારે લાગવગ ધરાવે છે અને જો તેમની સાથે બીજાઓ કરતાં વધારે નફાથી વેપાર થઈ શકે તો તેમનો હમેશાં વેપારમાં ઉપયોગ થાય છે.

૨૪. તમારા અરજદારો એક બાજુથી ઉપરની વાતો તરફ તમારું ધ્યાન ખેંચવાની સાથે સાથે પોતાની એ રીતની દિલગીરી દર્શાવ્યા સિવાય રહી શકતા નથી કે જે ગૃહસ્થ દશ વર્ષ પહેલાં ઉપરના વિચારો દર્શાવ્યા હતા, તે જ આજે પ્રસ્તુત બિલને રજૂ કરનાર ધારાસભ્ય છે.

૨૫. મિ. એચ. બિન્સ કે જેઓ મિ. મેસન સાથે એક સભ્ય તરીકે હિંદી મજૂરોની ફરજિયાત રવાનગી અથવા ફરી કરાર કરી આપવાની વાતને મંજૂર કરવા હિંદી સરકારને સમજાવવા ગયા હતા તેમણે કમિશન આગળ પોતાની જુબાની આપતાં નીચેનો અભિપ્રાય દર્શાવ્યો હતો :

હું માનું છું કે, એવો જે એક વિચાર રજૂ થયો છે કે પોતાની ગિરમીટની મુદત પૂરી થતાં બધા જ હિંદીઓને હિંદ પાછા ફરવાની ફરજ પાડવી જોઈએ, તે હિંદી વસ્તી માટે ભારે અન્યાયભર્યો છે, અને તેને હિંદી સરકારની મંજૂરી કદી મળશે નહીં. મારા અભિપ્રાય પ્રમાણે સ્વતંત્ર હિંદી વસ્તી, કોમ કે સમાજનો સૌથી ઉપયોગી વર્ગ છે. આ હિંદીઓનો એક મોટો સમૂહ, સામાન્ય રીતે ધારી લેવામાં આવે છે તેના કરતાં ખૂબ જ

મોટો સમૂહ, સંસ્થાનમાં નોકરીઓ કરે છે. ખાસ કરીને તે ગામડાંઓમાં અને શહેરોમાં ઘરોના નોકરો તરીકે રોકાયેલો છે. સ્વતંત્ર હિંદીઓની વસ્તી હસ્તીમાં આવી તે પહેલાં પિટર મૅરિત્સબર્ગ અને ડરબન શહેરોમાં ફળ, શાકભાજી અને મચ્છી બજારમાં આવતી નહોતી. હાલમાં આ બધી ચીજો જોઈએ એટલી મળે છે. યુરોપથી આવનારા વસાહતીઓમાં જેમણે શાકભાજી ઉગાડનારા કે મચ્છીમારો બનવાની થોડી પણ વૃત્તિ બતાવી હોય એવા કોઈ માણસો આપણેને કદી મળ્યા નથી. અને મારો એવો અભિપ્રાય છે કે સ્વતંત્ર હિંદી વસ્તીની હસ્તિ જ નહીં હોત તો પિટરમૅરિત્સબર્ગ અને ડરબનના બજારો દસ વર્ષ પહેલાં હતાં તેવાં જ આજે પણ પુરવાની તંગી વાળાં જ રહ્યાં હોત. ( પા. ૧૪૪-૧૫૬)

૨૬. હાલના વડા ન્યાયાધીશ અને ભૂતપૂર્વ ઍટર્ની જનરલે નીચેનો અભિપ્રાય દર્શાવ્યો:

હિંદીઓને જે કાનૂનો નીચે સંસ્થાનમાં દાખલ કરવામાં આવે છે તેની શરતોના કોઈ પણ ફેરફારો સામે હું વાંધો લઉં છું. મારા અભિપ્રાય મુજબ, જેમને દાખલ કરવામાં આવ્યા છે એવા સંખ્યાબંધ હિંદીઓએ સમુદ્ર કિનારાના પ્રદેશોમાં મોટે અંશે ગોરા વસાહતીઓની નિષ્ફળતાની ખોટ પૂરી કાઢી છે. તેમણે બીજી રીતેવણખેડાયેલી રહે એવી જમીનને ખેતીના ઉપયોગમાં આણી છે. અને તેમાં સંસ્થાનવાસીઓને ખરેખરો ફાયદો થાય એવા પાકો પકવ્યા છે, જે અનેક લોકોએ હિંદ પાછા ફરવાના ભાડાનો લાભ નથી ઉઠાવ્યો તેઓ વિશ્વાસપાત્ર અને ઉપયોગી ઘરકામ કરનારા નોકરો સાબિત થયા છે. (પા. ૩૨૭)

૨૭. આ જ વિસ્તૃત હેવાલમાંથી અને જુબાનીમાંથી હજી પણ અનેક ઉતારા આપીને એ બતાવી શકાય કે આ વ્યવસ્થા વિષે સંસ્થાનમાંના સૌથી નામાંકિત માણસો કેવા વિચારો ધરાવતા હતા.

૨૮. અરજદારો વધારામાં મેસર્સ બિન્સ અને મેસનના હેવાલમાંથી નીચેની વાત તરફ તમારું ધ્યાન ખેંચવા ઈચ્છે છે:

હજી સુધી, હિંદી સરકાર પાસે વારંવાર પરવાનગી માગવા છતાં જે કોઈ દેશમાં મજૂરો ગયા હોય તેમની બાબતમાં ગિરમીટની બીજે મુદ્દતને માટે સંમતિઓ આપવામાં આવી નથી. ગિરમીટની મુદ્દત પૂરી થયે ફરજિયાત પાછા ફરવાની શરત કોઈ પણ દાખલામાં મંજૂર રાખવામાં આવી નથી.

૨૯. આ કાનૂનના બચાવમાં સંસ્થાનમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં બંને પક્ષો સ્વેચ્છાથી અમુક ચીજ કરવાને સંમત થાય ત્યાં અન્યાય થઈ જ શકતો નથી, અને નાતાલ આવતાં પહેલાં હિંદીઓને તેઓ કઈ શરતે નાતાલ જઈ રહ્યા છે તેની ખબર પડ્યા વિના રહેશે નહીં. આ મુદ્દો નામદાર લેજિસ્લેટિવ ઍસેમ્બ્લી અને લેજિસ્લેટિવ કાઉન્સિલને કરવામાંઅ આવેલીઅરજીઓમાં છણવામાં આવ્યો છે અને તમારા રજદારો એ વાત ફરીથી કહેવાની ધૃષ્ટતા કરે છે કે જ્યારે કરારમા ઊતરનારા પક્ષો સમાન કક્ષાએ નથી હોતા ત્યારે આ દલીલ બિલકુલ લાગુ પડતી નથી. જ્યારે એક હિંદી, મિ. સૉન્ડર્સના શબ્દોમાં "ભૂખમરામાંથી બચવાને" માટે ગિરમીટનો કરાર કરવા માગે છે ત્યારે તે ભાગ્યેજ સ્વતંત્ર વ્યકતિ કહેવાય.

૩૦. હમણાં છેક ૧૮૯૪માં ઉપર દર્શાવેલા સંરક્ષકના હેવાલમાં હિંદીઓ કેટલા અનિવાર્ય છે તેના પુરાવા વિષે કહેવામાં આવ્યું છે. પા. ૧૫ ઉપર તે કહે છે:

જો આ સંસ્થાનમાંથી સમયના ટૂંકા ગાળા માટે પણ હિંદીઓની આખી વસ્તીને ખેંચી લેવાનું શકય હોય તો મને ખાતરી છે કે માત્ર બહુ થોડા અપવાદો બાદ કરતાં હાલમાં મેાજૂદ છે એવો દરેક ઉદ્યોગ માત્ર વિશ્વાસુ મજૂરોના અભાવે ભાંગી પડશે. સ્થાનિક રહેતા દેશી લોકો નિયમ તરીકે કામ કરવાના નથી એ હકીકત તરફ દુર્લક્ષ કરી શકાય એમ નથી. એટલે આખા સંસ્થાનમાં બધે એ વાત સ્વીકારાયેલી છે કે એક મજૂર તરીકે હિંદી સિવાય ખેતીવાડીનો કે બીજી રીતનો, કાંઈ પણ મહત્ત્વ ધરાવતો ઉદ્યોગ સફળતાથી ચલાવવાનું સંભવિત નથી, એટલું જ નહીં પણ નાતાલનો લગભગ દરેક ગૃહસ્થ ઘરકામ કરનારા નોકરો વિનાનો થઈ પડશે.

૩૧. જેને નિષ્ણાતોનો કહી શકાય એવા શરૂથી તે આજ સુધીના અભિપ્રાયનો લગભગ આખો પ્રવાહ હિંદીઓની ઉપયોગિતા બતાવી આપતો હોય તો તમારા અરજદારો રજૂ કરે છે કે એટલું કહેવાનું વધારે પડતું નથી કે આવી પ્રજાને કાયમી બંધનમાં રાખવી અથવા તેને તે ભરી શકે કે ન ભરી શકે તોપણ વાર્ષિક ૩ પાઉન્ડનો કર ભરવાની ફરજ પાડવી એ વાત ઓછામાં ઓછું કહીએ તો પણ તદ્દન પક્ષપાતભરી અને સ્વાર્થી છે.

૩૨. તમારા અરજદારો તમારું ધ્યાન માનપૂર્વક એ હકીકત તરફ દોરવા માગે છે કે જો આ બિલે કાનૂનનું સ્વરૂપ લઈ લીધું તો વિદેશમાં વસાહત કરવાના ખુદ હેતુઓ બધા સ્વરૂપમાં માર્યા જશે. આ વસાહત કરવાનો હેતુ જો હિંદીઓને છેવટે તેમની આર્થિક સ્થિતિ સુધારવાને શક્તિમાન બનાવવાનો હોય તો તેમને કાયમી ગિરમીટ નીચે રહેવાની ફરજ પાડીને એ હેતુ ફળીભૂત નહીં થઈ શકે જે એ હેતુ હિંદુસ્તાનની ગીચ વસ્તીવાળા ભાગોમાં રાહત ઊભી કરવાનો હોય તો એ હેતુ પણ નિષ્ફળ જ જશે. કારણ કે બિલનો હેતુ સંસ્થાનમાંના હિંદીઓની સંખ્યાને વધારવા દેવાનો નથી, ઇચ્છા તો એવી છે કે જે લોકો ગિરમીટની ઝૂંસરી લાંબો સમય સહન કરી શકે એમ નથી તેમને નવી ભરતી કરીને બદલી નાખવા અને બળજબરીથી હિંદ પાછા મોકલી દેવા. તમારા અરજદારો નમ્રપણે જણાવે છે કે આમ પહેલી સ્થિતિ કરતાં પાછલી સ્થિતિ ખૂબ જ ખરાબ રહેશે. કારણ કે નિકાસના બારા તરીકે નાતાલને સંબંધ છે ત્યાં સુધી એક બાજુથી ગીચ વસ્તીવાળા જિલ્લાઓમાંની હિંદીઓની સંખ્યા જેની તે રહેશે છતાં જેઓ પોતાની ઇચ્છા વિરુદ્ધ પાછા જશે તેઓ ચિંતા અને તકલીફનું કારણ બન્યા સિવાય રહેશે નહીં. એનું કારણ એવું છે કે તેઓ કામ મેળવવાની કોઈ આશા વિનાના અથવા ભરણપોષણ માટે કોઈ મૂડી વિનાના હોવાથી તેમનો ગુજારો સરકારી ખર્ચે કરવો પડે એવું બનવાજોગ છે. આ વાંધાના જવાબમાં એમ કહી શકાય કે અહીં એવી પરિસ્થિતિ કલ્પી લેવાઈ છે કે જે કદી ઊભી જ થાય એમ નથી; કહેવાની મતલબ એ કે હિંદીઓ ખુશીથી વાર્ષિક કર ભરી દેશે. પરંતુ અમારા અરજદારો એટલું દર્શાવવાની રજા ચાહે છે કે જો આવી દલીલ આગળ કરવામાં આવે તો એનાથી હકીકતમાં એવું સાબિત થશે કે ફરી કરાર કરવાની અને વાર્ષિક કર ભરવાની કલમો ધારેલી અસર પેદા નથી કરતી તેટલે અંશે બિલકુલ નકામી છે. ઉદ્દેશ કાંઈ પણ આવક વધારવાનો છે એવી તો કદી દલીલ કરવામાં આવી નથી.

૩૩. એટલા ખાતર તમારા અરજદારો જણાવે છે કે, જો સંસ્થાન હિંદીઓ સાથે મેળ બેસાડી શકે એમ ન હોય, તો તમારા અરજદારોના નમ્ર અભિપ્રાય પ્રમાણે એકમાત્ર રસ્તો ભવિષ્યમાં નાતાલમાં બધા જ વસાહતીઓનો પ્રવેશ કાંઈ નહીં તો હાલ તુરત માટે બંધ કરવાનો છે. તમારા અરજદારો એવી વ્યવસ્થા સામે માનપૂર્વક છતાં ભારપૂર્વક વાંધો ઉઠાવે છે જે માત્ર એક જ પક્ષને બધો જ લાભ આપતી હોય અને તે પણ જેને એની તદ્દન નહીં જેવી જરૂર છે તેને. તમારા અરજદારોનું કહેવું એવું છે કે વસાહતીઓનો આ રીતે પ્રવેશ અટકાવવાની વાતની હિંદના ગીચ વસ્તીવાળા ભાગો ઉપર ખાસ અસર થશે નહીં.

૩૪. અત્યાર સુધી તમારા અરજદારોએ ગિરમીટના કરારની અને પરવાના અંગેની કલમો એકસાથે ચર્ચી છે પરવાના બાબતમાં, તમારા અરજદારો તમારું ધ્યાન એ હકીકત તરફ ખેંચવાની વિનંતી કરે છે કે જે એક વિદેશી રાજય છે એવા ટ્રાન્સવાલમાં પણ જે હિંદીઓ પોતાની ઇચ્છાથી અને પોતાને ખર્ચે ત્યાં જાય છે તેમના ઉપર સરકારે વાર્ષિક કર નાખવાની હિંમત કરી નથી. એક જ વખત ૩ પાઉન્ડ ૧૦ શિલિંગનો માત્ર એક પરવાનો કઢાવવાનો હોય છે. અને તમારા અરજદારોને માહિતી છે કે બીજી બાબતો ભેગી આ બાબત પણ સમ્રાજ્ઞીની સરકારને મોકલેલા પ્રાર્થનાપત્રનો[]વિષય બનેલી છે, એ ઉપરાંત, આ દાખલામાં પરવાનો એ બહુ જ અનિષ્ટ સ્વરૂપનો વાર્ષિક કર છે. એના કમનસીબ શિકારે પોતાની પાસે કશું પણ સાધન હોય ન હોય છતાં કર ભરી દેવાનો છે. ચર્ચા દરમિયાન એક સભ્ય એવો પ્રશ્ન કર્યો કે જો કોઈ હિંદી એ કર સામે વાંધો લે અથવા એ ન ભરે તો તે વસૂલ કઈ રીતે કરવામાં આવશે? ત્યારે ઍટર્ની જનરલે જવાબ આપ્યો કે સરકારી રાહે જપ્તીથી વસૂલ કરવા માટે આવો ગુનો કરનાર હિંદીના ઘરમાં હમેશાં પૂરતી જાયદાદ મળી આવશે.

છેવટે તમારા અરજદારો જણાવે છે કે લાઇસન્સની કલમના સમાવેશથી ઉપર દર્શાવેલા વાઈસરૉયના ખરીતામાં ઠરાવવામાં આવેલી મર્યાદાનું ઉલ્લંઘન થાય છે.

અંતમાં, તમારા અરજદારો ખૂબ જ આગ્રહપૂર્વક વિનંતી કરે છે અને વિશ્વાસપૂર્વક આશા રાખે છે કે સમ્રાજ્ઞીની સરકાર એવા નિર્ણય ઉપર આવશે કે અહીં ચર્ચેલી કલમો ખુલ્લી રીતે અન્યાયપૂર્ણ છે અને તેથી ઉપર જેનો ઉલ્લેખ થયો છે તે ઈન્ડિયન ઇમિગ્રેશન એમેન્ડમેન્ટ બિલને નામંજૂર કરવાની મહેરબાની કરશે, અથવા જેનાથી ન્યાયનો હેતુ બર આવે એવી બીજી રાહતો અપાવશે.

અને આ ન્યાય અને દયાના કાર્ય માટે તમારા અરજદારો ફરજ સમજીને હંમેશ પ્રાર્થના કરતા રહેશે વગેરે વગેરે.

[ મૂળ અંગ્રેજી ]

છાપેલી નકલની છબી પરથી


  1. ૧. દેખીતી રીતે જ આનો ખરડો ગાંધીજીએ ઘડયો નહોતો. મૂળ પાઠ લક્ષય નથી.