ગાંધીજીનો અક્ષર દેહ - ૧/મિ. લેલીને પત્ર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← લંડન ડાયરીમાંથી ગાંધીજીનો અક્ષરદેહ
મિ. લેલીને પત્ર
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
કર્નલ જે. ડબલ્યુ. વૉટસનને પત્ર →


૫. મિ. લેલીને પત્ર
[૧]
લંડન,

ડિસેમ્બર, ૧૮૮૮

વહાલા સાહેબ,

આપને મારે મળવાનું થયેલું ત્યારે આપે મને કહેલું કે ચિઠ્ઠી હું સાચવી રાખીશ. તે ચિઠ્ઠી જોશો એટલે આપ મને ઓળખી શકશો.

તે વખતે મારાથી ઇંગ્લંડ જવાનું બની શકે તેના સાધન તરીકે થોડી નાણાંની મદદ આપવાની મેં આપને વિનંતી કરેલી; પણ કમભાગ્યે આપ બહાર જવાની ઉતાવળમાં હતા; તેથી મારે આપને જે કહેવું હતું તે કહેવા જેટલો વખત મને મળ્યો નહોતો. તે વખતે વિલાયત જવાને નીકળવાને હું અધીરો થઈ ગયો હતો. તેથી ૧૮૮૮ની સાલના સપ્ટેમ્બર માસની ૪થી તારીખે તે વખતે મારી પાસે જે થોડી રકમ હતી તે લઈ મેં હિંદ છોડયું. મારા પિતા આમ ત્રણ ભાઈઓ માટે જે મૂકી ગયા હતા તે ખરેખર બહુ થોડું હતું. તેમ છતાં મહામુસીબતે મારા ભાઈ મારે માટે જે ફાજલ પાડી શકયા તે આશરે પાઉન્ડ ૬૬૬ની આખીયે રકમ લંડનના મારા ત્રણ વરસના વસવાટને માટે પૂરતી થઈ રહેશે એ ભરોસે ઇંગ્લંડમાં કાયદાનું શિક્ષણ લેવાને હું હિંદુસ્તાનથી નીકળી આવ્યો. હિંદમાં હતો ત્યારનો હું જાણતો હતો કે વિલાયતમાં રહેવાનું અને ભણવાનું બંને ઘણાં ખરચાળ છે. પણ હવે લંડનના બે મહિનાના અનુભવ પછી હું જોઉં છું કે હિંદમાં રહ્યે રહ્યે લાગતાં હતાં તેના કરતાં પણ તે બંને વધારે ખરચાળ છે.

અહીં સગવડથી રહેવાને અને સારું શિક્ષણ મેળવવાને મને બીજા પાઉન્ડ ૪૦૦ની જરૂર રહેશે. હું પોરબંદરનો વતની હોઈ આવી મદદને સારુ તે સ્થળેથી જ અપેક્ષા રાખી શકું.

હિઝ હાઈનેસ રાણાસાહેબના ભૂતકાળના અમલ દરમિયાન કેળવણીને બહુ ઓછું પ્રોત્સાહન આપવામાં આવતું હતું. પણ અંગ્રેજી વહીવટમાં કેળવણીને પ્રોત્સાહન મળવું જોઈએ એવી અપેક્ષા કુદરતી રીતે અમને રહે છે. એવા પ્રોત્સાહનનો લાભ લઈ શકનારો હું એક છું.

તેથી મને આશા છે કે મને થોડી નાણાંની મદદ કરવાની આપ મહેરબાની કરશો અને તે રીતે મારા પર અત્યંત જરૂરી એવો મોટો ઉપકાર કરશો.

મારા ભાઈ લક્ષ્મીદાસ ગાંધીને [તે] મદદ સ્વીકારવાને મેં જણાવ્યું છે અને હું તેમને જરૂર જણાય તો આપને જાતે મળી જવાને કાગળ લખું છું.

મારી વિનંતી સ્વીકારવાને આપનું મન અનુકૂળ થશે એવા વિશ્વાસથી

પૂરા આદર સાથે,

છું આપનો,

મો. ક. ગાંધી


[મૂળ અંગ્રેજી]

આ પ્રમાણે મેં ત્રણ અઠવાડિયાં થયાં લખી રાખ્યું છે અને વિચાર કરું છું. પણ વિચાર કરતાં આ પત્રનો જવાબ નહીં મળશે એમ ધારી આ મુસદ્દો આપને મોકલ્યો છે. એમાં મેં બધી મદદની માગણી નથી કરી કેમ કે તે ગેરવાજબી ગણાય. તેમ જ તે પણ ધારે કે જો તેની આશા ઉપર ગયા હોત તો તો મદદ મળ્યા વિના જાત નહીં. પણ અહીં આવ્યા બાદ વધારે પૈસા જોશે એમ ધારી બાકીના પૈસાની મદદ માગી છે. બંધાવા વ.ની વાત લખી જ નથી કેમ કે તેમ લખવાની કંઈ જરૂર નહોતી. થોડી મદદને વાસ્તે બંધાવું તે ઠીક નહીં. તેમ જ જો . . . [૨]

[અધૂરું]

[મૂળ ગુજરાતી]

महात्मा પુ. ૧; મૂળ લખાણની છબી પરથી.

  1. ગાંધીજીએ પાતાના વડીલ ભાઈ લક્ષ્મીદાસ ગાંધીને મિ. લેલી પર લખવાના પત્રનો મંજૂરીમાટે મેકલાવેલો મુસદ્દો.
  2. ઉપરના મુસદ્દાની સાથેના આ કાગળનું મૂળ લખાણ ગુજરાતીમાં છે ને તેની સાથે લક્ષ્મીદાસગાંધીને મોકલવામાં આવ્યેા હતેા.