ગાંધીજીનો અક્ષર દેહ - ૧/શાકાહારી મિશનરીઓની મંડળી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← કમરુદ્દીનને કાગળ ગાંધીજીનો અક્ષરદેહ
શાકાહારી મિશનરીઓની મંડળી
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
લૉર્ડ રિપનને અરજી-૨ →


પ૧. શાકાહારી મિશનરીઓની મંડળી

વિલાયતમાં હતો ત્યારે મિસિસ ઍના કિંગ્ઝફર્ડના धि परफेक्ट वे इन डायेट (આહારનો પૂર્ણ માર્ગ) પુસ્તકમાં મારા વાંચવામાં આવેલું કે દક્ષિણ આફ્રિકામાં ટ્રૅપિસ્ટોની એક વસાહત છે અને તે બધા શાકાહારી છે, ત્યારની એ શાકાહારીઓની મુલાકાત કરવાની મને ઇચ્છા થયેલી. આખરે એ ઇચ્છા પાર પડી છે.

શરૂઆતમાં જણાવી લઉં કે દક્ષિણ આફ્રિકા - અને ખાસ કરીને નાતાલ, શાકાહારીઓને માટે ખાસ માફક આવે તેવા પ્રદેશો છે, હિંદીઓએ નાતાલ સંસ્થાનને દક્ષિણ આફ્રિકાનો બગીચો બનાવ્યો છે, દક્ષિણ આફ્રિકામાં ગમે તે વનસ્પતિ અને તે પણ ભરપૂર પ્રમાણમાં ઉગાડી શકાય છે. ત્યાં કેળાં, અનાનસ અને મોસંબીનો પુરવઠો ખૂટયો ખૂટે નહીં એટલો હોઈ ત્યાંના લોકોને જોઈએ તે કરતાં અનેકગણો વધારે છે. એટલે નાતાલમાં શાકાહારીઓ સારી પેઠે આબાદ થઈ શકે તેમાં કોઈ નવાઈ નથી. ખરેખર એક માત્ર નવાઈ એ છે કે આટલી બધી આવી સગવડો અને ગરમ આબોહવા છતાં ત્યાં શાકાહારી ઝાઝા જોવાના મળતા નથી. પરિણામે જમીનના મોટા મોટા વિસ્તારો હજી સંભાળ અને ખેડયા વગરના પડતર પડયા છે. ખોરાકના બધા મુખ્ય પદાર્થો દક્ષિણ આફ્રિકામાં ઉગાડવાનું પૂરેપૂરું શકય હોવા છતાં તેમની બહારથી : આયાત કરવામાં આવે છે અને તેથી નાતાલ જેવા ઘણા બહોળા પ્રદેશમાં ૪૦,૦૦૦ ગોરાઓની નાનકડી વસ્તીને ઘણી હાલાકી વેઠવી પડે છે. આ બધાનું કારણ એટલું કે તેમને ખેતી અને તેને લગતા વ્યવસાયોમાં પડવું નથી.


આવી અકુદરતી જીવનની રીતનું બીજું વિચિત્ર છતાં દુ:ખદ પરિણામ એવું આવ્યું છે કે હિંદી વસ્તી જે પણ ૪૦,૦૦૦ની છે તેની સામે ઘણો ઊંડો પૂર્વગ્રહ કેળવાયો છે. હિંદીઓ શાકાહારી હોવાથી કોઈ પણ જાતની મુશ્કેલી વગર સહેજે ખેતીમાં મંડી પડે છે. કુદરતી રીતે તેથી આખાયે સંસ્થાનમાં નાનાં નાનાં ખેતરો હિંદીઓની માલકીનાં હોઈ તેમની તીવ્ર હરીફાઈને કારણે ગોરી વસ્તીને ભારે અપમાન લાગે છે. આમ કરીને ગોરાઓ ગંજીના કૂતરાની આત્મઘાતક નીતિ લઈ બેઠા છે. દેશમાંનાં ઘણાં બહોળાં ખેતીને લગતાં સાધનોની ખિલવણી હિંદીઓ કરે તેના કરતાં તેમને જેવાં ને તેવાં પડતર રહેવા દેવાનું તેઓ બહેતર ગણે છે. આવી જડતા અને ટૂંકી દૃષ્ટિને લીધે આજના કરતાં બમણી તો શું, ત્રણગણી સંખ્યાના યુરોપિયનો તેમ જ હિંદી રહેવાસીઓને સહેજે નભાવી શકે એવું સંસ્થાન યુરોપિયનો ને હિંદીઓની ૮૦,૦૦૦ની સંખ્યાને જેમ તેમ નભાવે છે. ટ્રાન્સવાલની સરકાર પોતાના આવા પૂર્વગ્રહમાં એવી ઊંડી ઊતરી ગઈ છે કે આખાયે પ્રજાસત્તાક રાજયની જમીન ઘણી રસાળ હોવા છતાં રાજયનો પ્રદેશ ધૂળના રણ જેવો વેરાન રહે છે, અને સોનાની ખાણોનું કામકાજ કોઈક કારણસર અટકી પડે તો હજારો માણસો બેકાર થઈ પડયા વગર અને અક્ષરશ: ભૂખે મરી ગયા વગર રહે નહીં. અહીં એક મોટો ધડો લેવા જેવો નથી કે? માંસાહારના રિવાજો એ ખરેખર અહીંના સમાજની પ્રગતિને પાછી પાડવાનું વલણ દાખવ્યું હોઈ જે બે મહાન કોમો વચ્ચે એકતા હોવી જોઈએ અને જે બન્નેએ સાથે મળીને કાર્ય કરવું જોઈએ તેમની વચ્ચે ભેદ ઊભો કર્યો છે. વળી, આ પણ એક ધ્યાનમાં લેવા જેવી હકીકત છે કે સંસ્થાનમાં હિંદીઓ યુરોપિયનો જેવું સારું આરોગ્ય ભોગવે છે અને મને ખાતરી છે કે યુરોપિયનો અને તેમનાં માંસ રાંધવાનાં વાસણો સાથેની તેમની વૈભવી માંસાહારની આદતો ન હોય તો ઘણા દાક્તરો ભૂખે મરી ગયા હોત અને તે ઉપરાંત પોતાના શાકાહારના રિવાજને લીધે તેમની કરકસરની તેમ જ કેફી પીણાંઓથી મુક્ત રહેવાની ટેવો કેળવાઈ છે તેને પરિણામે હિંદીઓ યુરોપિયનો સાથે સફળપણે હરીફાઈ કરે એવા છે. અલબત્ત, સંસ્થાનમાંના હિંદીઓ કેવળ શાકાહાર કરવાવાળા નથી એટલું ખ્યાલમાં રહેવું જોઈએ. તેમને વહેવારુ દૃષ્ટિથી શાકાહારી ગણી શકાય.

પાઈનટાઉન ગામની પાસે આવેલી મૅરિયાન ટેકરીના ટ્રૅપિસ્ટો ઉપર કહેલી વાતની કાયમની સાબિતી છે તે આપણે તરતમાં જોઈશું.

પાઈનટાઉન એક નાનું ગામડું છે અને રેલવેને રસ્તે ડરબનથી સોળ માઈલના અંતર પર આવેલું છે. તે દરિયાની સપાટીથી ૧,૧૦૦ ફૂટની ઊંચાઈએ હોઈ તેની આબોહવા ઘણી ખુશનુમા છે.

ટ્રૅપિસ્ટોનો મઠ પાઈનટાઉનથી લગભગ ત્રણ માઈલને અંતરે છે. હું અને મારો સોબતી મૅરિયાન ટેકરી સુધી ચાલીને ગયા. જેના પર મઠ આવેલો છે તે ટેકરીનું અથવા કહો કે ટેકરીઓના જૂથનું એ નામ છે હરિયાળીથી છવાયેલી એ બધી ટેકરીઓ વચ્ચેથી ચાલીને જતાં મનને ઘણો આનંદ આવે છે.

વસવાટને સ્થળે પહોંચતાં મોઢામાં ચૂંગીવાળા એક ગૃહસ્થ અમારા જોવામાં આવ્યા અને અમે તરત સમજયા કે એ ભાઈ મઠમાં રહેવાવાળા સાધુઓની મંડળીમાંના નથી. છતાં તે ભાઈ અમને મુલાકાતીઓ માટે રાખવામાં આવેલા ખંડમાં લઈ ગયા. એ ખંડમાં મુલાકાતીઓએ જે જણાવવું હોય તે લખવાને માટે એક ચોપડો રાખવામાં આવેલો હતો, તે ચોપડો જોતાં જણાયું કે તેની શરૂઆત ૧૮૯૪ની સાલથી કરવામાં આવી હતી અને તેમાં માંડ વીસ પાનાં લખાણથી ભરેલાં હતાં. ખરેખર, આ મિશન સંસ્થા જેટલી જાણીતી થવી જોઈએ તેટલી હજી બિલકુલ થયેલી નથી.

મંડળીના એક ભાઈએ આવી પહોંચી અમને ઘણા નીચા નમી નમસ્કાર કર્યા. પછી અમને આમલીનું પાણી અને અનનસ આપવામાં આવ્યાં. તે લઈ તાજા થઈ આ ભોમિયાની સાથે અમને જે જે જુદી જુદી જગ્યાએ તે લઈ ગયો ત્યાં બધે અમે ગયા. જે જુદાં જુદાં મકાનો અમારા જોવામાં અાવ્યાં તે બધાં સારાં સંગીન હોઈ લાલ ઈંટનાં બાંધેલાં હતાં. બધે શાન્તિ હતી, તેમાં મઠનાં કારખાનાંઓમાંનાં ઓજારોના ખડખડાટથી અને આદિવાસી બાળકોના અવાજથી માત્ર થોડી ખલેલ થતી હતી.

વસાહત શાંત નાનું આદર્શ ગામ છે અને તેની માલકી સાચામાં સાચા પ્રજાસત્તાક રાજ્યના સિદ્ધાન્ત પર મંડાયેલી છે. સ્વતંત્રતા, સમતા અને બંધુતાના સિદ્ધાન્તનો સંપૂર્ણ અમલ થાય છે. વસાહતમાંનો હરેક પુરુષ ભાઈ છે અને હરેક સ્ત્રી બહેન છે. વસાહતમાં રહેતા સાધુઓની સંખ્યા આશરે ૧૨૦ની છે અને સાધ્વીઓ અથવા જેમને બહેનો કહીને ઓળખાવવામાં આવે છે તેમની સંખ્યા આશરે ૬૦ની છે. બહેનોનું એકાન્ત રહેઠાણ ભાઈઓના રહેઠાણથી આશરે અર્ધાએક માઈલના અંતર પર છે ! ભાઈઓ અને બહેનો બન્ને મૌન અને બ્રહ્મચર્યનું કડકપણે પાલન કરે છે. ઍબટ (મઠના વડા) જે નાતાલમાંનાં બધાં ટ્રૅપિસ્ટ સાધુ- સાધ્વીઓના વડા છે તેમણે બોલવાની પરવાનગી આપી હોય તે સિવાયનાં કોઈ ભાઈ કે બહેન મૌન છોડતાં નથી; અને જેમને ખરીદીને સારુ અથવા મુલાકાતીઓની સરભરાને માટે ગામમાં જવાનું થાય છે તેમને માત્ર બોલવાની છૂટ મળે છે.

પોશાકમાં ભાઈઓ લાંબા ઝભભા પહેરે છે અને ઝભભાની આગળની તેમ જ પાછળની બાજુએ કાળા કાપડનો કકડો હોય છે. બહેનો સાદામાં સાદી ઢબનો લાલ પોશાક પહેરે છે. કોઈએ મોજાં પહેરતાં જણાયાં નહીં.

મંડળીમાં દાખલ થવાની ઈચ્છાવાળા ઉમેદવારને બે વરસની મુદત સુધી વ્રત લઈ પાળવું પડે છે અને તે દરમિયાન તેને નોવિસ (ઉમેદવાર) કહેવામાં આવે છે. બે વરસ બાદ તે જોઈએ તો મઠ છોડી જાય અગર જિંદગી સુધીનું વ્રત લઈને રહે. આદર્શ ટ્રૅપિસ્ટ સાધુ મળસકે બે વાગ્યે ઊઠે છે અને ત્યાર બાદ ચાર કલાક પ્રાર્થના અને ધ્યાન કરવામાં ગાળે છે. છ વાગ્યે તેને નાસ્તો મળે છે. તેમાં તેને રોટી અને કાફી અથવા એવો બીજો સાદો ખોરાક અપાય છે. ભોજન બપોરના બાર વાગ્યે થાય છે અને તેમાં તેને રોટી, સૂપ અને ફળ આપવામાં આવે છે. સાંજે છ વાગ્યે તે વાળુ કરે છે અને સાત અથવા આઠ વાગ્યે સૂઈ જાય છે. ભાઈઓ મચ્છી અને જાનવરનું અગર પક્ષીઓનું માંસ ખાતા નથી. ઈંડાં સુધ્ધાં તેમને વજર્ય છે. તે લોકો દૂધ લે છે ખરા પણ અમને કહેવામાં આવ્યું કે નાતાલમાં તેમને દૂધ સસ્તુ મળતું નથી. બહેનોને અઠવાડિયામાં ચાર દિવસ માંસની છૂટ છે. નિયમની સાથે આવું વિસંગતપણું ! કેમ ચલાવી લેવામાં આવે છે એવા અમારા સવાલના જવાબમાં ભોમિયાએ ખુલાસામાં વિવેકથી જણાવ્યું કે “બહેનો ભાઈઓ કરતાં વધારે નાજુક હોય છે તેથી.” મારા સોબતી જે લગભગ શાકાહારી છે તે અગર હું આ દલીલનું તથ્ય અગર જોમ જોઈ ન શકયા. અલબત્ત, આ ખબર સાંભળીને અમને બન્નેને ઊંડું દુ:ખ થયું કેમ કે તે અમારે માટે નવાઈ જેવી હતી અને ભાઈઓ તેમ જ બહેનો બન્ને શાકાહારી હશે એવી અમે અપેક્ષા રાખી હતી. દાક્તરે સલાહ આપી હોય તે સિવાય એ લોકો દારૂ જેવાં કેફી પીણાં પીતા નથી, તેમનામાંથી કોઈ પોતાના અંગત ઉપયોગને સારુ પૈસા રાખી શકતો નથી. બધા સરખા ગરીબ અથવા સરખા તવંગર છે. આખી જગ્યાનો તસુએ તસુ અમને જોવા દેવામાં આવ્યો તોપણ કયાંયે કપડાં રાખવાને માટેનાં કબાટો, ખાનાંવાળાં કબાટો અથવા મોટી પેટીઓ અમારા જોવામાં ન આવ્યાં. કામકાજને માટે પરવાનગી મળી હોય તે સિવાય તેમનામાંનું કોઈ વસાહતની હદ બહાર જઈ શકતું નથી. તે લોકો અખબારો અગર ધાર્મિક ન હોય તેવાં પુસ્તકો વાંચતા નથી. ધાર્મિક પુસ્તકો પણ તેમને પરવાનગી આપવામાં આવે તે જ તેઓ વાંચે છે. મોંમાં ચૂંગી સાથે પહેલો જે મિત્ર અમને મળેલો તેને અમે પોતે ટ્રૅપિસ્ટ છે કે શું એવો સવાલ કર્યો તેના જવાબમાં આવા કઠોર દમનવાળા જીવનને કારણે તેણે જણાવ્યું કે “વાત છોડો, હું ટ્રૅપિસ્ટ સિવાય બીજું જે કંઈ કહો તે છું.” છતાં એ ભલાં ભાઈઓ તેમ જ બહેનોમાંથી કોઈને એવું લાગતું જણાતું નહોતું કે પોતાનું જીવન કયાંક ભારે અગવડમાં ગાળવું પડે છે.

પ્રૉટેસ્ટંટ પંથના એક પાદરીએ પોતાના શ્રોતાઓને એક વાર કહેલું કે રોમન કૅથલિકો નબળા, માંદલા અને સોગિયા હોય છે. હવે, ટ્રેપિસ્ટો કેથલિકો કેવા હોય તેનું માપ હોય તો ઊલટું તેઓ તંદુરસ્ત અને ખુશમિજાજ હોય છે. અમે જયાં જયાં ગયા ત્યાં ત્યાં અમને ભાઈ કે બહેન મળ્યાં હશે તેણે ઊજળા સ્મિત વડે અને નીચા વળીને નમસ્કાર કરી અમને આવકાર્યા હતા. પોતે જેને મૂલ્યવાન માનતો હતો તે જીવનપદ્ધતિ વિષે અમારી સાથેનો ભોમિયો લંબાણથી વાતો કરતો હતો તેને સ્વેચ્છાથી સ્વીકારેલાં વ્રતો, નિયમો વગેરે સહન ન થઈ શકે એટલાં કઠોર લાગતાં હોય એવું દેખાતું નહોતું. અમર શ્રદ્ધાનો અને પૂરેપૂરા, નામનીયે શંકા ઉઠાવ્યા વગરના આજ્ઞાંકિતપણાનો વધારે સારો દાખલો બીજે કયાંયે શોધતાં માંડ મળે.

તેમનું ભોજન સાદામાં સાદું છે તો તેમનાં જમવાનાં ટેબલ અને સૂવાના ઓરડા જરાયે ઓછા સાદા નથી.

એ પૈકી જમવાનાં ટેબલ વસાહત પર જ લાકડાનાં બનાવવામાં આવે છે અને તેમના પર વાર્નિશ સરખું લગાડતા નથી. જમવાના ટેબલ પર તેઓ તેમને ઢાંકવાને કપડું પાથરતા નથી. તેમનાં છરી અને કાંટા ડરબનમાં સસ્તામાં સસ્તાં મળે તે લાવે છે. કાચનાં વાસણોને બદલે તેઓ એનેમલનાં વાપરે છે.

સૂવાના ઓરડાને સારુ તેનો એક મોટો ખંડ છે (જે રહેનારાની સંખ્યાના પ્રમાણમાં મોટો ન કહેવાય) અને તેમાં ૮૦ પથારીઓ છે. પથારીઓ માટે મળે તેટલી બધી જગ્યા ઉપયોગમાં લેવાય છે.

સ્થાનિક વતનીઓના રહેઠાણમાં પથારીઓની બાબતમાં તેમણે કમાલ કરી છે. તે લોકોને માટેના સૂવાના ખંડમાં દાખલ થતાંની સાથે ત્યાંની ભીડ અને ગરમ બંધિયાર હવા અમારા ધ્યાનમાં આવી. પથારીઓ બધી એકબીજીની સાથે જોડેલી હોઈ માત્ર એક એક પાટિયાંથી અલગ પાડવામાં આવી છે. માંડ ચાલી શકાય એટલી જગ્યા પણ ફાજલ નહોતી.

એ લોકો વર્ણભેદમાં માનતા નથી. આ સ્થાનિક વતનીઓની સાથે ગોરાઓની સાથે લેવામાં આવે છે તે જ ઢબે કામ લેવામાં આવે છે. એ બધાં મોટે ભાગે બાળકો છે. ભાઈઓને જેવો આપવામાં આવે છે તેવો જ ખોરાક તેમને પણ મળે છે અને તેમનો પહેરવેશ પણ ભાઈઓના જેવો જ હોય છે, સામાન્યપણે કહેવામાં આવે છે અને તે વાતમાં થોડું તથ્ય પણ છે કે કાફરા (આફ્રિકાના અસલ આદિવાસી વતની)ને ઈસુનો સારો અનુયાયી બનાવવાની વાત સફળ થઈ નથી છતાં દરેક જણ અરે, વધારેમાં વધારે બહેકાવીને વાતો કરનાર શંકાખોર સુધ્ધાં કબૂલ કરે છે કે અસલ વતનીઓમાંથી ઈસુના સારા અનુયાયીઓ નિપજાવવાની બાબતમાં ટ્રૅપિસ્ટોના મિશનને સારામાં સારી સફળતા વરી છે. ખ્રિસ્તી ધર્મના બીજા પંથોની નિશાળો ઘણી વાર સ્થાનિક વતનીઓને પશ્ચિમની સંસ્કૃતિના બધા ભયાનક દુર્ગુણો કેળવવામાં કારણભૂત બની છે અને તે બધી તેમના પર ભાગ્યે કશો નૈતિક પ્રભાવ પાડી શકી છે, પણ ટ્રૅપિસ્ટ મિશનમાં કેળવાતા આદિવાસીઓ સાદાઈ, સદ્ગુણ અને નમ્રતામાં નમૂનેદાર નીવડયા છે. સામેથી જનારને તે બધાં નમ્રતાથી છતાં સ્વમાન સાચવીને જે રીતે નમસ્કાર કરતાં તે જોવાનો પણ એક લહાવો હતો.

મિશનની વસાહતમાં આશરે ૧,૨૦૦ આદિવાસીઓ છે અને તેમાં બાળકો તેમ જ પુખ્ત વયનાંનો સમાવેશ થાય છે. અહીં પ્રમાદ, આળસ અને વહેમોવાળા જીવનને બદલે તે સૌએ ઉઘમનું, ઉપયોગીપણાનું અને સર્વોપરી ઈશ્વરની ભક્તિનું જીવન મેળવ્યું છે.

વસાહતમાં લુહારકામનાં, જસતનાં પતરાંના કામનાં, સુથારીનાં, પગરખાં બનાવવાનાં ચામડાં કેળવવાનાં અને એવાં બીજાં જાતજાતનાં કારખાનાં છે. તેમાં આદિવાસીઓને એ બધા ઉપયોગી ઉદ્યોગો ઉપરાંત અંગ્રેજી અને ઝુલુ ભાષાઓ શીખવવામાં આવે છે. અહીં એક બીના નોંધવી જોઈએ કે આ ઉદાર વસાહતીઓમાંના લગભગ બધા જર્મનો છે. પણ આદિવાસીઓને જર્મન ભાષા શીખવવાની નામનીયે પ્રવૃત્તિ કરતા નથી એ તેમના દિલની ઉદારતા સ્પષ્ટપણે પ્રગટ કરે છે; અા બધા આદિવાસીઓ ગોરાઓ ભેગા તેમની સાથે રહી કામ કરે છે.

બહેનોના મઠમાં કપડાંની ઇસ્ત્રી કરવાનાં, કપડાં સીવવાનાં, ઘાસની હેટ બનાવવાનાં અને ગૂંથણકામનાં ખાતાંઓ છે. અને તે બધાંમાં સ્વચ્છ પોશાકમાં કામમાં એકધ્યાનથી અને ચીવટથી ઉધમ કરતી આદિવાસી કન્યાઓ જોવાની મળે છે.

ઍબી (મઠ)થી બે માઈલ પર તેમનું છાપકામનું ખાતું અને પાણીના ધોધથી ચાલતી અનાજ દળવાની ઘંટી આવેલાં છે, સાથે એક ઘાણીયંત્ર પણ છે અને તે સીંગદાણા પીલી તેનું તેલ કાઢવાના કામમાં લેવામાં આવે છે. ઉપર ગણાવેલાં કારખાનાંઓ તેમ જ ખાતાંઓમાંથી વસાહતીઓને તેમની મોટા ભાગની જરૂરિયાતો પૂરી પડે છે એ જણાવવાની જરૂર ન હોવી જોઈએ. ગરમ આબોહવામાં થતાં ઘણી જાતનાં ફળ તે લોકો પોતાની વાડીમાં ઉગાડે છે અને એ બાબતમાં વસાહત લગભગ સ્વાવલંબી છે.

પોતાની પડોશમાં આજુબાજુમાં રહેતા આદિવાસીઓ માટે તેમને પ્રેમ અને આદર હોઈ તે લોકો પણ સામા તેમના તરફ તેવા ભાવ રાખે છે અને સામાન્યપણે એ લોકોમાંથી જ ખ્રિસ્તી ધર્મ સ્વીકારનારાં મળી આવે છે.

વસાહતનું પ્રમુખમાં પ્રમુખ લક્ષણ એ છે કે તેમાં જયાં જુઓ ત્યાં બધે તમને ધર્મનું દર્શન થાય છે. દરેક ખંડમાં કૂસ રાખવામાં આવ્યો હોઈ દરેકના પ્રવેશની જગ્યા પર પવિત્ર જળનું વાસણ હોય છે અને વસાહતી તે પાણી પોતાની આંખે, કપાળે અને છાતીએ લગાડે છે. અનાજ દળવાની ઘંટી સુધીનો ટૂંકો રસ્તો પણ ક્રૂસનું થોડું સ્મરણ જગાડયા વગર રહેતો નથી. એ એક રળિયામણી પગથી છે. તેની એક બાજુ પર જેની વચ્ચેથી મીઠામાં મીઠું સંગીત સંભળાવતી નાનકડી નદી વહે છે એવી ખીણ આવેલી છે. અને બીજી બાજુ પર ક્લૅવૅરીના [૧]


  1. ૧. જ્યાં ઈસુને ક્રુસ પર વધેરવામાં આવ્યા હતા તે સ્થળ, જે માણસની ખોપરીના આકારનીટેકરી છે.

દેખાવોનું સ્મરણ કરાવનારાં જુદાં જુદાં વચનો જેમના પર કોતરેલાં છે એવા નાના નાના ખડકો આવેલા છે. ખીણ આખી હરિયાળી વનસ્પતિના ગાલીચાથી ઢંકાયેલી હોઈ તેની વચ્ચે વચ્ચે રળિયામણાં વૃક્ષો ઊભાં છે. આથી વધારે રળિયામણી પગથી અથવા વધારે મનોહર દેખાવ કલ્પવો પણ મુશ્કેલ છે. આવા સ્થળમાં કોતરેલાં વચનો મન પર ઊંડી ભવ્ય અસર કર્યા વગર રહે નહીં, એ વચનો સરખે સરખે અંતરે એવી ખૂબીથી કોતરેલાં છે કે, પગથી પર ચાલનાર એક વાંચી તે પરથી આવતા વિચાર પૂરા કરે ત્યાં બીજું તેની નજરે પડે છે.

એ પગથી પરથી ચાલતાં મન બીજા કોઈ પણ વિચાર અને બહારની ધાંધલ કે ઘોંઘાટની દખલ વગરના શાંત ચિતનનો અનુભવ કરે છે. ખડકો પર કોતરેલાં વચનો પૈકી થોડાં : “ઈસુ પહેલી વાર પડી જાય છે”, “ઈસુ બીજી વાર લથડિયું ખાય છે"; “સાઇમન ક્રૂસ ઊંચકી લે છે”, “ઈસુને ક્રૂસ પર ખીલાથી જડવામાં આવે છે”, “ઈસુને તેની માના ખોળામાં પોઢાડવામાં આવે છે', વગેરે વગેરે.

અલબત્ત, આદિવાસીઓ પણ મોટે ભાગે શાકાહારી છે. તેમને માંસ ખાવાની બંધી નથી છતાં વસાહત પર તે તેમને પૂરું પાડવામાં આવતું નથી.

દક્ષિણ આફ્રિકામાં આવી અાશરે બાર વસાહતો હોઈ તેમાંની મોટા ભાગની નાતાલ સંસ્થાનમાં છે. બધાં મળીને એ બધીમાં લગભગ ૩૦૦ સાધુઓ અને ૧૨૦ સાધ્વીઓ છે.

આવા છે નાતાલમાં આપણા શાકાહારીઓ. એમણે શાકાહારને ધર્મ તરીકે સ્વીકાર્યો નથી, ખોરાક તરીકે શાકાહાર દેહનું દમન કરવામાં પોતાને મદદરૂપ થાય છે એટલું કારણમાત્ર તેમના શાકાહારનો સ્વીકારનો પાયો છે. સંભવ છે કે શાકાહારનો પ્રચાર કરવાવાળી શાકાહારી મંડળીઓની હસ્તીની તેમને જાણ સરખી નહીં હોય અને શાકાહાર વિષેનું સાહિત્ય વાંચવાની તેમને પરવા સુધ્ધાં ન હોય છતાં એવો કયો શાકાહારી હશે જે, જેની સાથેના પ્રાસંગિક મેળાપ માત્રથી પણ માણસનું દિલ પ્રેમ, સહિષ્ણુતા અને આત્મત્યાગના ભાવોથી ઊભરાઈ જાય છે અને જે આધ્યાત્મિક દૃષ્ટિથી શાકાહારના સિદ્ધાંતની પ્રત્યક્ષ જીવતી ફતેહ છે તેવી ઉમદા કાર્ય કરનારી આ મંડળીને માટે ગૌરવ નહીં અનુભવે? જાતઅનુભવથી હું જાણું છું કે વસાહતની એક મુલાકાતને સારુ લંડનથી નાતાલ સુધીનો ફેરો પણ સાર્થક છે. તેનાથી મન પર કાયમની પવિત્રતાની છાપ પડયા વગર રહે નહીં. કોઈ પ્રૉટેસ્ટંટ હો, અગર ખ્રિસ્તી હો, અગર બૌદ્ધ હો, અથવા બીજું ગમે તે હો પણ આ વસાહતની એક વાર મુલાકાત લીધા પછી “આ જ રોમન કૅથલિક સંપ્રદાય હોય તો તેની સામે જે કંઈ કહેવામાં આવતું હોય તે બધું જૂઠું છે” એવા અહોભાવના સ્વાભાવિક ઉદ્ગાર કાઢયા વગર રહી શકશે નહીં. મારી સમજ પ્રમાણે આ બીના બિનતકરાર સાબિત કરે છે કે કોઈ પણ ધર્મ તેના અનુયાયીઓ તેને દેખાડવા ચાહે તે મુજબ દિવ્ય અગર સેતાની દેખાય છે.

[મૂળ અંગ્રેજી]

धि वेजिटेरियन, ૧૮–૫–૧૮૯૫