લખાણ પર જાઓ

ગાંધીજીનો અક્ષર દેહ - ૧/શાકાહાર અને બાળકો

વિકિસ્રોતમાંથી
← ઇંગ્લંડમાં રહેતા હિંદીઓને ગાંધીજીનો અક્ષરદેહ
શાકાહાર અને બાળકો
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
ધર્મ વિષે સવાલો →


૨૩. શાકાહાર અને બાળકો

મિ. એમ. કે. ગાંધી એક અંગત પત્રમાં લખે છે :

“તાજેતરમાં રેવરન્ડ એન્ડ્રયુ મરેના પ્રમુખપદે કેસ્વિક ખ્રિસ્તીઓનો એક ભવ્ય સમારંભ વેલિંગ્ટનમાં થયો હતો. કેટલાંક પ્રિય ખ્રિસ્તી મિત્રોની સંગાથે હું પણ તેમાં હાજર રહ્યો હતો; તેમનો એક છ સાત વર્ષનો બાળક છે. તે અરસામાં તે મારી સાથે એક દિવસ બહાર ફરવા નીકળ્યો. હું માત્ર તેની સાથે પ્રાણીઓ પર દયા રાખવા વિષે વાત કરતો હતો, તે વાતમાં અમે શાકાહારના સિદ્ધાંતની ચર્ચાએ ચડી ગયા. મને જણાવવામાં આવ્યું છે કે ત્યારથી તે બાળકે માંસ ખાધું નથી. ઉપર જણાવેલી વાતચીત અમારે થઈ તે પહેલાં ભોજનના ટેબલ પર કેવળ નિરામિષ વાનીઓ મને લેતો તે જોયા કરતો અને હું માંસ કેમ નથી ખાતો તે મને પૂછતો. તેનાં માબાપ જાતે, શાકાહારી નથી છતાં શાકાહારના ગુણ સમજે છે અને તેમના બાળક સાથે તેની વાત હું કરું તેમાં વાંધો લેતાં નહોતાં.

“શાકાહારના મહાન સત્યની પ્રતીતિ બાળકોને કેટલી સહેલાઈથી કરાવી શકાય છે અને તેમનાં માબાપને ફેરફાર કરવાની સામે વાંધો ન હોય તો તેમને માંસ છોડી દેવાને કેટલી સહેલાઈથી સમજાવી શકાય છે તે બતાવવાને હું આ લખું છું. એ બાળક અને હું હવે ઘાડા મિત્રો બન્યા છીએ. હું તેને ઘણો ગમી ગયો હોઉં એવું લાગે છે.

“પંદરેક વરસની ઉંમરનો બીજો છોકરો જેની સાથે મારે વાત થઈ તેણે મને કહ્યું કે હું કદી પક્ષીને મારતો નથી અથવા તેને હલાલ થતું જોઈ શકતો નથી પણ તે ખાવામાં મને વાંધો લાગતો નથી.”

[મૂળ અંગ્રેજી] धि वेजिटेरियन, ૫–૫–૧૮૯૪