ગામડાંની વહારે/૧. ગ્રામકેળવણી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← આર્ષવાણી ગામડાંની વહારે
૧. ગ્રામકેળવણી
મોહનદાસ કરમચંદ ગાંધી
૨. ગામડું એટલે ઉકરડો? →૧.
ગ્રામકેળવણી


આ પૂર્તિની મારફત કાકાસહેબ અનેક અર્થ સારવા માગે છે. તેમાંનો એક એ છે કે ભણતરની જે વય સામાન્ય રીતે માનવામાં આવે છે તે વટાવી ગયેલાં, ગૃહસ્થાશ્રમમાં રહેતાં, કામધંધે વળગેલાં મહાગુજરાતનાં દસેક હજાર ગામડાંનાં સ્ત્રીપુરુષોને પણ જે કંઇ શક્ય હોય તે કેળવણી મળે. આવી કેળવણીનો અર્થ ઉદાર કરવો જોઇએ. એ અક્ષરજ્ઞાનથી પર છે. ગ્રામવાસીઓને આજની દૃષ્ટિએ વ્યવહારુ જ્ઞાન ઘણી દિશામાં હોતું નથી; અને ઘણી વાર તેને બદલે અજ્ઞાનમય વહેમો તેમના પર સામ્રાજ્ય ભોગવતા હોય છે. તેમના વહેમો દૂર થાય અને તેમને ઉપયોગી જ્ઞાન મળે એ હેતુ કંઈક અંશે આ પૂર્તિ દ્વારા કાકાસાહેબ સારવા ઇચ્છે છે. આરોગ્યની દષ્ટિએ ગામડાંની સ્થિતિ ઘણી દયાજનક છે. આરોગ્યના આવશ્યક અને સહેલાઈથી મળી શકે એવા જ્ઞાનનો અભાવ એ આપણી કંગાલિયતનું એક સબળ કારણ છે. જો ગામડાંઓનું આરોગ્ય સુધારી શકાય તો સહેજે લાખો રૂપિયા બચી શકે ને તેટલે અંશે લોકોની સ્થિતિ સુધરે. આરોગ્યવાન ખેડૂત જેટલું કામ કરી શકશે તેટલું રોગીકદી નહિ કરી શકે. આપણું મરણનું પ્રમાણ સામાન્ય કરતાં વધારે છે એથી થોડું નુકસાન નથી થતું.

એમ કહેવાય છે કે આરોગ્ય વિષેની આપણી સ્થિતિ દયાજનક છે તેનું કારણ આપણી આર્થિક દીનતા છે, અને જો એ દૂર થાય તો આરોગ્ય એની મેળે સુધરે. સરકારને ગાળો દેવા ખાતર અથવા બધા દોષો તેની ઉપર ઢોળાવાને સારુ આમ ભલે કહેવાઓ, પણ ઉપરના વચનમાં અર્ધથી પણ ઓછું સત્ય છે. મારો અનુભવસિધ્ધ અભિપ્રાય છે કે આપણા આરોગ્યમાં આપણી કંગાલ સ્થિતિ ઓછો ભાગ ભજવે છે. કેટલો અને ક્યાં ભજવે છે એ હું જાણું છું. એમાં હું અહીં ઊતરવા નથી ઇચ્છતો.

આ લેખમાળાનો ઉદ્દેશ એ છે કે આપણા દોષોથી થયેલા અને સહેજે યત્કિંચિત્ ખર્ચે કે ખર્ચ વિના દૂર થઇ શકે એવા રોગોનું નિવારણ કરવાનાં સાધનો અને માર્ગો બતાવવાં.

આ દૃષ્ટિએ આપણે આપણાં ગામડાંની સ્થિતિ તપાસીએ. આપણાં ઘણાં ગામ ઉકરડા જેવાં જોવામાં આવે છે. તેમાં જ્યાંત્યાં લોકો મળત્યાગ કરે છે. ઘરનાં આંગણાંને પણ છોડતાં નથી. જ્યાં મળત્યાગ થાય છે ત્યાં તેને ઢાંકવાની કોઈ કાળજી રાખતું નથી. ગામડાંમાં ક્યાંયે રસ્તા સારા રાખવામાં નથી આવતા, ને ધૂળના ઢગલા જ્યાંત્યાં જોવામાં આવે છે. આમાં આપણા બળદોને અને આપણને ચાલવાનું પણ મુશ્કેલ થઇ પડે છે. પાણીનાં તળાવ હોય છે તો તેમાં વાસણ સાફ થાય છે; તેમાં ઢોર પીએ છે, નહાય છે, અને પડી રહે છે; તેમાં બાળકો અને મોટેરાં પણ મળ સાફ કરે છે; તેની નજીકની જમીન ઉપર તો તેઓ મળત્યાગ કરે છે. આ જ પાણી પીવા રાંધવા સારુ વાપરવામાં આવે છે.

મકાનો બાંધવામાં કોઇ પણ જાતનો નિયમ જાળવવામાં આવતો નથી. મકાનો બાંધવામાં નથી પડોશીની સગવડનો વિચાર કરવામાં આવતો, નથી રહેનારને હવાઅજવાળું મળશે કે નહિ તેનો ખ્યાલ કરવામાં આવતો. ગ્રામવાસીઓ વચ્ચે સહકારનો અભાવ હોવાથી પોતાના આરોગ્યને સારુ આવશ્યક વસ્તુઓ પણ તેઓ ઉગાડતા નથી. ગ્રામવાસીઓ પોતાની પાસે ફાજલ રહેતા સમયનો સદુપયોગ કરતા નથી, અથવા તેમને કરતાં આવડતો નથી. તેથી તેમની શારીરિક અને માનસિક શક્તિ ક્ષીણ થાય છે.

આરોગ્યના સામાન્ય જ્ઞાનને અભાવે રોગ આવે ત્યારે ગ્રામવાસીઓ સાદા ઘરગથુ ઉપાયો યોજવાને બદલે ઘણી વેળા ભૂવા વગેરેને ઘુણાવે છે, અથવા, મંતરજંતરની જાળમાં ફસાઇ ખુવાર થાય છે; પૈસા ખર્ચે છે ને બદલામાં રોગની વૃધ્ધિ કરે છે.

આ બધાં કારણો અને તેને અંગે શું થી શકે તે આપણે આ લેખંમાળામાં તપાસીશું.