ગામડાંની વહારે/૩. છાણાં કે ખાતર ?

વિકિસ્રોતમાંથી
← ૨. ગામડું એટલે ઉકરડો? ગામડાંની વહારે
૩. છાણાં કે ખાતર ?
મોહનદાસ કરમચંદ ગાંધી
૪. ગામના રોગ →



૩.
છાણાં કે ખાતર ?

ગયા પ્રકરણમાં આપણે મનુષ્યના મળમૂત્રનો વિચાર કરી ગયા. ગાયાભેંસ વગેરે જાનવરોના મૂતરનો ઉપયોગ તો આપણે કંઈ કરતાં નથી તેથી તે ગંદવાડ વધારવાનું જ કામ કરે છે. છાણનો ઉપયોગ ઘણેભાગે છાણાં બનાવવામાં કરવામાં આવે છે. છાણનો આ દુરુપયોગ નહિ તો ઓછામાં ઓછો ઉપયોગ છે, એને વિષે મુદ્દલ શંકા કરવાનું કારણ નથી. વાધરીને સારું ભેંસા મારવા જેવો આ ધંધો છે. છાણાંનો અંગાર ઠંડો ગણાય છે. હુક્કા અને ચલમ પીવાવાળા તેનો ઉપયોગ કરે છે. પંજાબ તરફ છાણાંના અગ્નિથી ઘી સારું બને છે એવી માન્યતા છે. એમાં કંઈ તથ્ય હોવાનો પણ સંભવ છે. પણ આ બધી દલીલો છાણનો ઉપયોગ છાણાં બનાવવામાં આપણે કરીએ છીએ તેથી જ વપરાય છે. જો છાણ નો પૂરેપૂરો ઉપયોગ આપણે લેતા હોઈએ તો હળવો દેવતા કરવાનાં બીજાં અનેક સાધનો શોધી શકાય. જો એક છાણા ની કિંમત એક પાઈ થતી હોય તો છાણ નો પૂરો ઉપયોગ કરવાથી એક છાણા જેટલા છાણની કિંમત ઓછામાં ઓછી દસગણી છે. અને જો આપણે આડકતરી નુકસાનીનો હિસાબ પણ કરીએ તો એ નુકસાનીની કિંમત આંકી ન શકાય એટલી બધી છે.

છાણનો પૂરો સદુપયોગ તેનું ખાતર કરવામાં જ છે. ખેતીશાસ્ત્રના જાણકારોનો અભિપ્રાય છે કે છાણને બાળી નાખવાથી આપણા ખેતરોનો કસ ઓછો થયો છે. ખાતર વિનાનું ખેતર એ ઘી વિનાના લાડુ જેવું લૂખું સમજવું. છાણને બાળીને રસાયણનું ખાતર વેચાતું લેનાર મૂર્ખ ખેડૂતો તો હિંદુસ્તાનમાં નહિ જ હોય એમ હું માની લઉં છું. અને રસાયણના ખાતરની કિંમત છાણના ખાતરની સાથે સરખાવતાં ઘણી ઓછી છે એમ પણ ખેડૂતોની માન્યતા છે. રસાયણી ખાતારોનો જેમ લાભ છે તેમ ગેરલાભ પણ છે. જોકે શાસ્ત્રજ્ઞોના પ્રયોગો હજુ પૂરા નથી થયા, તોપણ તેઓમાં ઘણા એમ માને છે કે રસાયણી ખાતર વાપરીને જથો ઘણી વાર વધારાય છે, ઘણી વાર શોભા વધારાય છે, પણ ગુણની તો હાનિ થાય છે. કેટલાક વૈજ્ઞાનિકોની એવી માન્યતા છે કે રસાયણી ખાતરથી ધારેલા માપના ખેતરમાં ઘઉં વધારે પેદા થશે, દાણો રૂપાળો અને મોટો થશે. પણ કુદરતી ખાતરવાળા ખેતરમાં જે ઘઉં પાકશે તે જથામાં ભલે ઓછાં હોય છતાં મીઠાશમાં અને પૌષ્ટિકતામાં પેલાના કરતાં બહુ વધી જશે. અને સંભવ એવો છે કે પૂરતી શોધ થયા પછી રસાયણી ખાતરની કિંમત આજે જેટલી આંકવામાં આવે છે તેમાં ઘણો ઘટાડો થાય.

આમ હો કે ન હો, છાણનો ઉપયોગ ખાતરને જ સારુ કરવો જોઇએ એ વિષે બે મત સાંભળ્યાં નથી. તેથી ઢોરના છાણ અને મૂતરનો ખાતરને સારુ ઉપયોગ કરવાનો સંપૂર્ણ જ્ઞાન આપવાનું કામ પણ ગ્રામ સેવકનું જ હોઈ શકે. છાણાં વિષે લોકોનો ભ્રમ દૂર કરવો, તેને બદલે તેના જેવું બીજું ઇંધન શોધી કાઢવું, છાણ અને ગોમૂતરની ખાતર તરીકેની કિંમત અનેક પ્રકારે સમજાવવી, અને તે સમજાવવા પૂરતું જ્ઞાન મેળવી લેવું એ સ્વયંસેવકોનું કર્તવ્ય છે. આ આખો વિષય જેટલો રસિક છે તેટલો જ લાભદાયક છે, અને ઉદ્યમી સંશોધકોને સારું તેમાં જ્ઞાનનો ભંડાર રહેલો છે. વાંચનાર જોશે કે જેમ મનુષ્યના મળમૂત્રને વિષે તેમ જ આને વિષે પૈસાની કે ભારે વિદ્વતાની આવશ્યકતા નથી, પણ જે પ્રેમનો ઉલ્લેખ મેં ગયા પ્રકરણમાં કર્યો તે પ્રેમની આવશ્યકતા છે.