ગીતાધ્વનિ/અધ્યાય ૧૫
અધ્યાય 15મો.
પુરુષોત્તમ સ્વરૂપ
શ્રી ભગવાન બોલ્યા--
ઊંચે મૂળ, તળે ડાળો, શ્રુતિઓ પાંદડાં કહ્યાં;
એ અવિનાશ અશ્વત્થ જાણે, તે વેદ જાણતો. 1
ઊંચે—તળે ડાળ-પસાર તેનો,
ગુણે વધ્યો, ભોગથી પાલવ્યો જે;
નીચે, વળી, માનવલોક માંહી
મૂળો ગયાં, કર્મ વિષે ગૂંથાયાં. 2
[ડાળો નો પસારો.]
તેનું જગે સત્ય ન રૂપ ભાસે,
ન આદિ—અંતે નહિ કોઈ પાયો;
લૈ તીવ્ર વૈરાગ્ય તણી કુહાડી,
અશ્વત્થ આવો દૃઢમૂળ તોડ. 3
[દૃઢમૂળ = 0વાળો]
શોધી પછી તે પદને પ્રયત્ને
જ્યાં પોં’ચનારા ન પડે ફરીથી--
તે પામવું આદિ પરાત્મ રૂપ,
પ્રવૃત્તિ જ્યાંથી પસરી અનાદિ. 4
નિર્માન, નિર્મોહ, અસંગવૃત્તિ,
અધ્યાત્મનિષ્ઠા, નિત, શાંતકામ;
છૂટેલ દ્વંદ્વ સુખદુ:ખરૂપી,
અમૂઢ તે અવ્યય ધામ પામે. 5
[શાંતકામ= જેની વાસનાઓ શમી ગઈ છે.]
સૂર્ય તેને પ્રકાશે ના, ના ચંદ્ર, અગ્નિયે નહીં.
જ્યાં પોં’ચી ન ફરે પાછા, મારું તે ધામ ઉત્તમ. 6
મારો જ અંશ સંસારે જીવરૂપ સનાતન,
ખેંચે પ્રકૃતિમાંથી તે મન ને પાંચ ઇન્દ્રિયો. 7
જેમ વાયુ ગ્રહે ગંધ, વસ્તુનો નિજ સાથમાં,
તેમ દેહી ગ્રહે આ સૌ ધારતાં—છોડતાં તનુ. 8
આંખ, કાન, ત્વચા, નાક, જીભ ને છઠ્ઠું તો મન.
અધિષ્ઠાતા થઈ સૌનો દેહી વિષય ભોગવે. 9
નીકળે કે રહે દેહે,ભોગવે ગુણ સાથ વા,
મૂઢો ન દેખતા એને, દેખે છે જ્ઞાનચક્ષુના. 10
રહેલો હ્રદયે તેને, દેખે યોગી પ્રયત્નવાન
હૈયાસૂના, અશુદ્ધાત્મા ન દેખે યત્નથીય તે. 11
પ્રકાશતું વિશ્વને આખા તેજ જે સૂર્યમાં દીસે,
ચંદ્રે જે, અગ્નિમાંયે જે, મારું જ તેજ જાણ તે. 12
પેસી પૃથ્વી વિશે ધારું ભૂતોને મુજ શક્તિથી;
પોષું છું ઔષધી સર્વે થઈ સોમ, રસે ભર્યો. 13
હું વૈશ્વાનર રૂપે સૌ પ્રાણીના દેહમાં રહ્યો;
પ્રાણાપાન કરી યુક્ત પચાવું અન્ન ચોવિધ. 14
નિવાસ સૌનાં હ્રદયે કરું હું,
હું—થી સ્મૃતિ, જ્ઞાન તથા વિવેક;
વેદો બધાનું હું જ એક વેદ્ય,
વેદાન્તકર્તા હું જ વેદવેત્તા. 15
[વિવેક—મૂળમાં ‘અપોહન’ છે. કેટલાક તેનો અર્થ વિસ્મરણ પણ કરે છે.]
બે છે આ પુરુષો વિશ્વે ક્ષર-અક્ષર, અર્જુન,
ક્ષર તે સઘળાં ભૂતો, નિત્યને અક્ષર કહ્યો. 16
પોષે ત્રિલોકને વ્યાપી જે અવિનાશ ઈશ્વર,
પરમાત્મા કહ્યો તેને, ત્રીજો પુરુષ ઉત્તમ. 17
કાં જે હું ક્ષરથી પાર, અક્ષરથીય ઉત્તમ,
તેથી હું લોક ને વેદે વર્ણાયો પુરુષોત્તમ. 18
જે અમૂઢ મ’ને આમ જાણતો પુરુષોત્તમ,
તે સર્વ સારનો જ્ઞાની સર્વભાવે મ’ને ભજે. 19
અત્યંત ગૂઢ આ શાસ્ત્ર તને, નિષ્પાપ ! મેં કહ્યું;
તે જાણી બુદ્ધિને પામી, કૃતાર્થ બનવું ઘટે. 20