ગીતાધ્વનિ/અધ્યાય ૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← અધ્યાય પાંચમો ગીતાધ્વનિ
અધ્યાય છઠ્ઠો : ચિત્તનિરોધ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
અધ્યાય સાતમો →શ્રીભગવાન બોલ્યા--
ફળનો આશરો છોડી કરે કર્તવ્ય કર્મ જે,
તે સંન્યાસી તથા યોગી, ન જે નિર્યજ્ઞ, નિષ્ક્રિય. 1

સંન્યાસ જે કહે લોકે, તેને તું યોગ જાણજે;
વિના સંકલ્પને છોડ્યે યોગી થાય ન કોઈયે. 2

યોગમાં ચઢવા કાજે કારણ કર્મ તો કહ્યું;
યોગે સિદ્ધ થયેલાને કારણ શાંતિ તો કહ્યું. 3
[પહેલી લીટીમાં કારણ એટલે (સમત્વ બુદ્ધિવાળાકર્મયોગનું) શાધન; બીજી લીટીમાં કારણ એટલે હેતુ—પ્રયોજન. એ શાંત થયેલો હોવાથી કર્મનો ત્યાગ કરવાનો એને આગ્રહ રહેતો નથી; તે જ એને કર્મનું કારણ—પ્રયોજન છે. શાંતિ ન હોય ત્યારે કરવા—છોડવાનો આગ્રહ હોય.]
 
જ્યારે વિષયભોગે કે કર્મે આસક્ત થાય ના,
સર્વ સંકલ્પસંન્યાસી, યોગસિદ્ધ થયો ગણો. 4

આપને તારવો આપે, આપને ન ડુબાડવો;
આપ જ આપનો બંધુ, આપ જ શત્રુ આપનો. 5

જીતે જે આપને આપ, તે આત્મા આત્મનો સખા;
જો અજિતેલ આત્મા તો વર્તે આત્મા જ શત્રુ—શો. 6

શાંતચિત્ત જિતાત્માનો પરમાત્મા સમાધિમાં
ટાઢે—તાપે સુખે—દુ:ખે, માનાપમાનમાં રહે. 7
[આગલા બે શ્લોકોમાં ‘આપ’ અને ‘આત્મા’ શબ્દો મન, બુદ્ધિ, ચિત્ત વગેરેના અર્થમાં છે. તે સાથે ગોટાળો ન થાય માટે એ બધાંથી પર શુદ્ધ આત્મા સૂચવવા અહીં પરમાત્મા શબ્દ વાપર્યો છે. સમાધિ—અસંતોષ વિનાની સમાધાનયુક્ત આત્મ—નિષ્ટાની સ્થિર સ્થિતિમાં.]

જ્ઞાનવિજ્ઞાનથી તૃપ્ત, બ્રહ્મનિષ્ઠ, જિતેન્દ્રિય,
યુક્ત તેથી કહ્યો યોગી, સમલોષ્ટાશ્મકાંચન. 8
[યુક્ત—સમત્વ બુદ્ધિવાળો; (3) આ ચરણ ગુજરાતી ધાર્મિક સાહિત્યમાં કહેવતની જેમ પ્રસિદ્ધ છે, માટે તેમ જ રાખ્યું છે તેનો અર્થ ઢેફું, પથ્થર અને સોનામાં સમાન. ]

વા’લા, વેરી, સખા, મધ્ય, ઉદાસી, દ્વેષ્ય ને સગા,
સાધુ-અસાધુમાં જેને સમબુદ્ધિ, વિશેષ તે. 9

આશા—પરિગ્રહો છોડી, મનબુદ્ધિ કરી વશ,
યોગીએ યોજવો આત્મા, એકાંતે, નિત્ય, એકલા. 10

શુદ્ધ સ્થળે ક્રમે નાંખી દર્ભ, ચર્મ અને પટ.
ન બહુ ઊંચું કે નીચું સ્થિર આસન વાળવું. 11

કરીને મન એકાગ્ર, રોકી ચિત્તેંન્દ્રિયક્રિયા
બેસીને આસને યોગ યોજવો આત્મશુદ્ધિનો. 12
[(2)ચિત્ત તથા ઇન્દ્રિયોની ક્રિયાઓ (4) આત્મશુદ્ધિ= ચિત્ત.]

કાયા, મસ્તક ને ડોક સીધાં, નિશ્ચળ ને સ્થિર;
રાખવી દૃષ્ટિ નાસાગ્રે, આસપાસ ન ભાળવું. 13

શાંતવૃત્તિ, ભયે મુક્ત, વ્રતસ્થ, મત્પરાયણ,
મનને સંયમે રાખી મુજમાં ચિત્ત જોડવું. 14

આપને યોજતો યોગી નિત્ય આમ, મનોજયી
પામે છે મોક્ષ દેનારી શાંતિ જે મુજમાં રહી. 15
 
નહીં અત્યંત આહારે, ન તો કેવળ લાંઘણે,
ઊંઘ્યે જાગ્યીય ના ઝાઝે, યોગની સાધના થતી. 16

યોગ્ય વિહાર—આહાર, યોગ્ય પ્રવૃત્તિ કર્મમાં,
યોગ્ય જાગૃતિ ને નિદ્રા તો સીધે યોગ દુ:ખહા. 17

નિયમે પૂર્ણ રાખેલું ચિત્ત આત્મા વિષે ઠરે,
નિ:સ્પૃહ કામનાથી સૌ, ત્યારે તે યુક્ત જાણવો. 18

વાયુહીન સ્થળે જેમ હાલે ના જ્યોત દીપની,
સંયમી આત્મયોગીના ચિત્તની ઉપમા કહી. 19

યોગાભ્યાસે નિરોધેલું જ્યાં લે ચિત્ત વિરામને,
જ્યાં પેખી આત્મથી આત્મા પામે સંતોષ આત્મમાં; 20

જ્યાં રહ્યુંસુખ અત્યંત, બુદ્ધિગ્રાહ્ય, અતીંદ્રિય,
તે જાણે, તે રહી તેમાં તત્ત્વથી તે ચળે નહીં; 21

જે મળ્યે અન્ય કો લાભ ન માને તે થકી વધુ;
જેમાં રહી ચળે ના તે મોટાંતે દુ:ખથી કદી. 22

દુ:ખના યોગથી મુક્ત એવો તે યોગ જાણવો;
પ્રસન્ન ચિત્તથી એવો યોગ નિશ્ચય યોજવો. 23

સંકલ્પે ઊઠતા કામો સંપૂર્ણ સઘળા ત્યજી,
મનથી ઇન્દ્રિયોને સૌ બધેથી નિયમે કરી, 24

ધીરે ધીરે થવું શાંત ધૃતિને વશ બુદ્ધિથી,
આત્મામાં મનને રાખી, ચિંતવવું ન કાંઈયે. 25

જ્યાંથી જ્યાંથી ચળી જાય મન ચંચળ, અસ્થિર,
ત્યાં ત્યાંથી નિયમે લાવી આત્મામાં કરવું વશ. 26

પ્રશાંત—મન, નિષ્પાપ, બ્રહ્મરૂપ થયેલ આ
શાંત—વિકાર યોગીને મળે છે સુખ ઉત્તમ. 27

આમ નિષ્પાપ તે યોગી આત્માને યોજવો સદા,
સુખેથી બ્રહ્મ સંબંધી અત્યંત સુખ ભોગવે. 28

યોગે થયેલ યુક્તાત્મા સર્વત્ર સમદૃષ્ટિનો
દેખે સૌ ભૂતમાં આત્મા ને સૌ ભૂતોય આત્મમાં. 29

જે સર્વત્ર મ’ને દેખે, સર્વને મુજમાં વળી,
તેને વિયોગ ના મારો, મ’ને તેનોય ના થતો. 30

જે ભજે એકનિષ્ઠાથી સર્વ ભૂતે રહ્યા મ’ને,
વર્તતાં સર્વ રીતેયે તે યોગી મુજમાં રહ્યો. 31

આત્મસમાન સર્વત્ર જે દેખે સમબુદ્ધિથી,
જે આવે સુખ કે દુ:ખ, તે યોગી શ્રેષ્ઠ માનવો. 32

અર્જુન બોલ્યા—
સમત્વબુદ્ધિનો યોગ તમે જે આ કહ્યો મ’ને,
તેની ન સ્થિરતા દેખું, કાં જે ચંચળ તો મન. 33

મન ચંચળ, મસ્તાની, અતિશે બળવાન તે,
તેનો નિગ્રહ તે માનું વાયુ શો કપરો ઘણો. 34
 
શ્રીભગવાન બોલ્યા--
મન ચંચળ તો, સાચે, રોકવું કપરુ6 અતિ,
તોયે અભ્યાસ—વૈરાગ્યે તેને ઝાલવું શક્ય છે. 35

આત્મસંયમ ના હોય, તો માનું યોગ દુર્લભ;
પ્રયત્નથી જિતાત્માને ઉપાયે શક્ય પામવો. 36
 
અર્જુન બોલ્યા--
અયતિ પણ શ્રદ્ધાળુ, યોગથી ભ્રષ્ટ ચિત્તનો,
યોગ સિદ્ધિ ન પામેલો તેવાની ગતિ શી થતી? 37

પામે નાશ નિરાધાર છૂટી કો વાદળી સમો,
બંનેથી તે થઈ ભ્રષ્ટ, ભૂલેલો બ્રહ્મમાર્ગને? 38

મારો સંશય આ, કૃષ્ણ, સંપૂર્ણ ભાંગવો ઘટે,
નથી આપ વિના કોઈ જે આ સંશયને હણે. 39
 
શ્રીભગવાન બોલ્યા--
અહીં કે પરલોકેયે તેનો નાશ નથી કદી;
બાપુ, કલ્યાણ માર્ગે કો દુર્ગતિ પામતો નથી. 40

પામી તે પુણ્ય લોકોને, વસીને દીર્ઘકાળ ત્યાં,
શુચિ શ્રીમાનને ઘેર જન્મ લે યોગભ્રષ્ટ તે. 41

વા બુદ્ધિમાન યોગીને કુળે જ જન્મ તે ધરે;
ઘણો દુર્લભ તો આવો પામવો જન્મ આ જગે. 42

ત્યાં તે જ બુદ્ધિનો યોગ મેળવે પૂર્વજન્મનો;
તે ફરી સિદ્ધિને માટે કરે આગળ યત્ન તે. 43

પૂર્વના તે જ અભ્યાસે ખેંચાય અવશેય તે;
યોગ જિજ્ઞાસુયે તેથી શબ્દની પાર જાય તે. 44
[શબ્દ: કર્મકાંડ.]

ખંતથી કરતો યત્ન દોષોથી મુક્ત તે થઈ,
ઘણા જન્મે થઈ સિદ્ધ યોગી પામે પરંગતિ. 45

તપસ્વીથી ચડે યોગી, જ્ઞાનીઓથીય તે ચડે,
કર્મીઓથી ચડે યોગી, તેથી યોગી તું, પાર્થ, થા. 46

યોગીઓમાંય સર્વેમાં જે શ્રદ્ધાળુ મ’ને ભજે,
મારામાં ચિત્તને પ્રોઈ, તે યોગી શ્રેષ્ઠ મેં ગણ્યો. 47