ગુજરાતની ગઝલો/દિલબરની પાની હો
← ખુદાનો બંદો | ગુજરાતની ગઝલો દિલબરની પાની હો [[સર્જક:|]] ૧૯૪૩ |
ઝખ્મો હસ્યા કરે છે → |
'શયદા'
દયાની દ્રષ્ટિ મારા પર નિરંતર શારદાની હો !
ઊછળતા પૂર જેવી મુજ કવિતામાં રવાની હો !
પ્રથમ તરછોડીને એણે પછીથી વાત માની હો !
અને એ યાદ કરવાને જ મારી ઝિન્દગાની હો !
જિગરનું ખૂન હો મારું અનોખી કોઈ પાની હો !
નવી લાલી ઊઠે ચમકી નવી રંગત હિનાની હો !
અરે તે પાની પર કુરબાન મારી ઝિન્દગાની હો !
ભરેલી બુદ્ધિથી ભરપૂર જે દિલબરની પાની હો !
જુઓ ! હું આપું છું આજે અમૂલાં મોતી અશ્રુનાં, !
તપાસી લ્યો, પરખ કાંઈ અગર મોટા ખરાની હો !
જરા રડવું, જરા હસવું, જરા ગુસ્સો, જરા નરમી,
મઝા ક્યારેક 'હા'ની હો, મઝા કયારેક 'ના' ની હો !
ફક્ત એમાં જ હું મારી હંમેશાં ઈદ સમજું છું,
ખુદાનું નામ હો મુખ પર અને મુઠ્ઠી ચણાની હો.
અમારી ગુર્જરી ભાષા અધૂરી પણ મધુરી છે!
અમો મન લાખની છે જે તમો મન એક આની હો !
જિગરના દાગ ઉપર એમ સમજી અશ્રુ સિંચું છું !
અનોખો બાગ છે એની અનેખી બાગબાની હો !
હૃદયથી દુશ્મનોની પણ ભલાઈ ચાહું છું ' 'શયદા',
જુદાઈ શું ગણું હું જ્યાં બધી ખલકત ખુદાની હો !