ગુજરાતની ગઝલો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ગુજરાતની ગઝલો
[[સર્જક:|]]
૧૯૪૬
ચંદા →"સસ્તું સાહિત્ય” એટલે “ઊંચામાં ઊંચુ સાહિત્ય"
ગુજરાતની ગઝલો


સં પા દ ક :

દી. બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી


ભિક્ષુ અખંદાનંદની પ્રસાદી
સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
ઠે: ભદ્રપાસે અમદાવાદ અને કાલબાદેવી રોડ, મુંબઈ-૨


"સસ્તું સાહિત્ય” એટલે “ઊંચામાં ઊંચુ સાહિત્ય"


ગુજરાતની ગઝલોસંપાદક:
દી. બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી


ભિક્ષુ અખંડાનંદની પ્રસાદી
સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
ઠે: ભદ્રપાસે અમદાવાદ અને કાલબાદેવી રોડ, મુંબઈ-૨


'વિવિધ ગ્રંથમાળા'
સંવત ૧૯૯૯
સળંગ ગ્રંથાંક-૩૭૦-૭૧
વર્ષ ૩૨ મું
 


એક રૂપિયો

આવૃત્તિ ૧ લી
પ્રત : ૪પ૦૦
 

મુદ્રક અને પ્રકાશક:
ત્રિભુવનદાસ ક૦ ઠક્કર
સસ્તું સાહિત્ય મુદ્રણાલય
ઠે. રાયખડ :: અમદાવાદ.
 


નિવેદન


‘વિવિધ ગ્રંથમાળા'માં વિવિધતા આવવી જોઈએ. સ્ત્રીઓ અને બાળકો, નાનાં અને મોટાંઓ બધાંને રસ પડે તેમજ વિનોદ અને જ્ઞાન પ્રાપ્ત થાય એવાં પુસ્તકો આ માળામાં છપાય એવું અમારું ધ્યેય છે.

આ હેતુ પૂરો કરવાને માટે ચાલુ વર્ષમાં અતિ ઉત્તમ મૌલિક ગ્રંથ 'દત્ત અને પરશુરામ' આપવામાં આવ્યો; છત્રપતિ શિવાજીનું વિસ્તૃત ચરિત્ર આપવામાં આવ્યું અને જાણીતા સાક્ષર રા. રા. ડુંગરસી ધરમસી સંપટના હાથની લખેલી 'કચ્છની લોકવાર્તાઓ' એ પુસ્તક આપવામાં આવ્યું. વળી મહાન ચિંતક અને લેખક તરીકે ગુજરાતી સાહિત્ય ઉપર પોતાની અચળ છાપ મૂકી ગયેલા વાડીલાલ મોતીલાલ શાહનું 'સંસારમાં સુખ કયાં છે ?' એ પુસ્તક વાંચકો સમક્ષ અમે રજૂ કર્યું છે. વિક્રમના બે હજારમા વર્ષનું પંચાંગ તે પણ ઘણાં કુટુંબમાં ઉપયોગી થઈ પડે એમ ધારીને આપ્યું છે અને હવે ગુજરાતની ગઝલો.’

વયથી અને કાર્યથી ગુજરાતી સાહિત્યકારોમાં શોભા પામી રહેલા દીવાન બહાદુર કૃષ્ણલાલ મો. ઝવેરીનો 'સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય' તરફનો પક્ષપાત મોટો હોઈને તેમણે અમારા સલાહકારક મંડળનું પ્રમુખસ્થાન સ્વીકાર્યું. અમારા ખાસ આગ્રહને માન આપીને પોતાનાં ઘણાં રોકાણની વચ્ચે તેમણે ગુજરાતની ગઝલોમાંથી જૂના ને નવા લેખકોના સુંદર નમૂનાઓ

મોટું લખાણ અમને ચૂંટી આપ્યા. ઘણાંખરા લેખકોના તો અંગત સમાગમમાં પણ તેઓ આવ્યા છે. 'હાફિઝ અને દયારામ'ના કર્તા ગુજરાતની ગઝલની આ ચૂંટણી કરે અને પોતાના ૭૫ મા વર્ષમાં પણ એ વિશિષ્ટ વ્યક્તિ ગુજરાતી સાહિત્યની સેવાનો ઉમંગ દેખાડે, તે વાત ગુજરાતી વાચકવર્ગને આવકારલાયક થશે, એમ અમે માનીએ છીએ.

ગઝલો એટલે ઇશ્કની કવિતા એવી સામાન્ય માન્યતા કેટલી ભૂલભરેલી છે તે દેખાડવાને માટે અમે રા. રા. સાગર (જગન્નાથ દામોદર ત્રિપાઠી)નો એક અપ્રતિમ અને ગુજરાતી સાહિત્યમાં હંમેશને માટે જળવાઈ રહેવા યોગ્ય નિબંધ આ પુસ્તકને છેડે પરિશિષ્ટમાં મૂકેલો છે. ગઝલનાં સંશોધન અને સંગ્રહ ગુજરાતમાં ર. રા. સાગરને હાથે થયાં છે. તે પોતે કવિ જ નહિ પણ યોગી હતા. આ વાતની યાદગીરી ગુજરાતમાં હંમેશ માટે રહેવી જોઈએ એમ અમારું માનવું છે. તેમના પુત્ર રા. રા. યોગેન્દ્ર જ0 ત્રિપાઠીએ અમને આ નિબંધ છાપવાની તેમજ તેમનાં બીજાં પુસ્તકો છાપવાની રજા આપી છે, તે માટે અમે તેમને ધન્યવાદ આપીએ છીએ.

પોતાના સુંદર કાર્યનો નમૂનો ગુજરાતી વાચકોમાં આ સંગ્રહદ્વારા પહોંચે તે માટે ગઝલોના લેખકોએ અનુમતિ દર્શાવી. છે. તે સારુ અમે તેમનો પણ આભાર માનીએ છીએ.

મુંબઈ
તા. ૯-૭–૪૩
સસ્તુ સાહિત્ય મુદ્રણાલયના ટ્રસ્ટીઓ વતી
મનું સુબેદાર
પ્રમુખ
 


પ્રસ્તાવના

ગુજરાતી સાહિત્યના વિકાસના એક અંગ તરીકે અત્યાર પહેલાં 'ગઝલ' સંબંધે પ્રમાણમાં જે થોડું ઘણું લખાયું છે, તે જોતાં તેમાં વિશેષ ઉમેરો કરવાને કાંઈ અવકાશ ભાગ્યે જ રહ્યો હોય.

સ્વ. બાલાશંકર કંથારિયાએ મૂળ ફારસી સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. જાતે કવિ હતા, એટલે ફારસી ભાષામાં 'ગઝલ' શેને કહેતા, 'ગઝલ’નું વસ્તુ શું, તે પોતે બરાબર સમજી ગયા હતા, અને તેથી 'ગઝલ’ સારી રીતે અને વિના ભૂલે લખી શકતા હતા. સ્વ. ઠક્કર નારાયણ વિસનજીનો ફારસી સાહિત્યનો અભ્યાસ ગાઢ અને વિસ્તૃત હતો, તેથી તેઓ પણ 'ગઝલ' એટલે શું તે બરાબર સમજતા હતા. ગુજરાતી ભાષામાં લખાતી 'ગઝલો' કેવા લેભાગુ પ્રકારની હતી તે તેઓ સમજી શકતા હતા અને તેવા લેભાગુ લેખકોને ચાબખા મારતા હતા.

આ પ્રસ્તાવનાના લેખકે પણ વારંવાર ગુજરાતીમાં લખાતી ગઝલોમાં તેની મૂળ વસ્તુની જોડેની અસંબદ્ધતા વિશે જ્યારે જ્યારે તક મળી ત્યારે ત્યારે ધ્યાન ખેંચ્યું છે.

કેટલાએક ખાસ અપવાદો સિવાય ગુજરાતી સાહિત્યમાં ગઝલનું સાહિત્ય ખોડખાંપણ અને ઊણપથી ભરેલું છે; તેનાં કારણ છે. 'ગઝલ' રાજકીય કારણે મૂળ અરબ્બી ભાષામાં લખાતી, ત્યાંથી તે ફારસી યા ઈરાની ભાષામાં આવી અને ત્યાંથી આવી તે જ કારણે હિંદુસ્તાનની ઉર્દૂ ભાષામાં. ઉર્દૂ ભાષામાં ફારસી શબ્દોનો ભારેભાર ઉપયોગ થતો હોવાને લીધે તેમજ ઉર્દૂ ભાષાના લેખકોને મૂળ ફારસી સાહિત્યનો અભ્યાસ હોવાને લીધે તેઓ 'ગઝલ'ની રચના, તેના વસ્તુ, તેની ભાવના વગેરેને પૂર્ણ પણે સાચવી શક્યા. ગુજરાતી ભાષામાં તેનો અભાવ હોવાથી, તેમાંનું કશું જ સાચવી શકાયું નહિ અને ગુજરાતી

ભાષાની ' ગઝલો ' મોટે ભાગે નામની જ ગઝલો રહી છે.*[૧] તેનો લેખક અને 'ગઝલ' નાં મૂળ અને જરૂરી અંશોને ન જાણનાર વાચક જ, તેને ગઝલરૂપે ઓળખે છે.

સ્વ. અમૃત કેશવ નાયકને ઉર્દૂનું જ્ઞાન હતું, તેથી તેની 'ગઝલો'ને 'ગઝલ'નું નામ આપી શકાય. આપણા ગુજરાતી સાહિત્યમાં 'ગઝલ' લખનાર કેટલાક મુસ્લિમ લેખકોની 'ગઝલ' તે નામે ઓળખી શકાય, કારણ તેમણે પણ ઉચ્ચ ઉર્દૂ શાએરોની ગઝલોનો અભ્યાસ કરેલ હોવાથી તેઓ પણ 'ગઝલ'ના રૂપરંગ પકડી શકેલા. આગળના પારસીઓ માટે તેમ કહી શકાય, કારણ તેઓને ફારસીનો અભ્યાસ કરવો જરૂરનો હતો. પરંતુ હિંદુ લેખકોની કૃતિઓમાં તો મોટે ભાગે બલકે પૂરેપૂરી ઊણપ રહી જ ગઈ છે.

'ગઝલ' એ છંદનું નામ નથી. 'ગઝલ' એ કાવ્યનો એક પ્રકાર છે. એ મૂળ અરબ્બી શબ્દ છે અને એનો અર્થ પ્રેમયુક્ત ભાષામાં અથવા કાવ્યરૂપે બોલવું એમ થાય છે. તે શબ્દના ક્રિયા–વાચક નામ તરીકે 'મુગાઝેલત' એ રૂપમાં એનો અર્થ સ્ત્રીઓ જોડે પ્યાર કરવા અથવા તો તેમની જોડે જુવાનીમાં ભોગવાતી મઝાઓ સંબંધી વાતચીત કરવી. વધારામાં એવું પણ કહેવામાં આવે છે કે 'ગઝલ' નામનો એક માણસ હતો. તેણે પેતાની આખી જિંદગી સ્ત્રીઓ જોડે મોજ મઝા માણવામાં ગુજારેલી, તે ઉપરથી એવા મઝા વર્ણવનારા કાવ્યને 'ગઝલ' નામ અપાયેલું.

‘ગઝલ'ની ફારસીમાં કાવ્યરચના કેવા પ્રકારની હોય છે, તે વિસ્તારથી અત્રે જણાવવાની જરૂર નથી; કારણ ગુજરાતી ભાષામાં લખાતી ગઝલો તે રચનાને વળગી રહી શકે તેમ નથી અને લેખકો તેને વળગી રહ્યા પણ નથી. એ કાવ્યની પાંચ, સત્તર યા ઓગણીસ બેતની સંખ્યા રાખવામાં આવે છે, અને દરેક બેતને બે મિસરા યા ચરણ હોય છે. આ ગઝલોના પ્રાસના અંત્યાક્ષર તરીકે ફારસી મૂળાક્ષરના જેટલા અક્ષર છે–જેવા કે


  1. *'ગુજરાતી સાહિત્યના વધુ માર્ગસૂચક સ્તંભો,',” પૃષ્ઠ ૯૧, ૯૨, ૯૪, ૯૮.

અલેફ, બે, પે માં આવે છે. પરંતુ આ પ્રકારની રચના ફારસી ને ઉર્દૂ ભાષાના મૂળાક્ષરને લગતી ખાસ છે, એટલે તે સંબંધે વિવેચનને ગુજરાતી ભાષામાં સ્થાન નથી. 'ગઝલ' લખનાર ઘણું ખરું પોતે કવિ તરીકે પસંદ કરેલું નામ (તખ્ખ્લુસ) કાવ્યને છેડે આપે છે, પોતાનું ખરું નામ જણાવતો નથી.

આવી રીતે એક જ કવિને હાથે લખાયેલી ગઝલોના સમૂહને 'દીવાન' કહે છે.

'ગઝલ’ના મૂળ એટલે ફારસી સાહિત્યમાં ગઝલના વસ્તુ સંબંધે નીચે મુજબ નિર્દેશ કરેલો છે.

પ્યાર, સૌંદર્ય, મનની વેદના, ઉન્મત્તતા વર્ણવતા શબ્દ, વિયોગને અંગે પડતાં દુઃખોની વિગત, પ્રેમનું રુદન, માશૂક જોડે એક થઈ જવા માટેની ફિકર, ગાલ પરના તલ તથા રૂંવાટાનાં વખાણ, માશુક જોડે મુલાકાતની તીવ્ર ઈચ્છા, તેમજ સુખ-ચેનનો અભાવ, બેચેની, ઉજાગરો, અંતઃકરણ બાળી નાંખે એવા નિ:શ્વાસ, દુ:ખાર્તનાદ, રુદન, અશક્તિ અને શરીરના સુકાઈ જવાનું વર્ણન–એ સિવાય બીજું કાંઈ તેમાં હોવું જોઈએ નહિ. આ રીતે આશક–માશૂકના વિયોગની યાતના, માશુકની પોતાના આશક તરફ બેપરવાઈ, આશકની માશૂક પ્રત્યે મિલન માટે આજીજી અને વિજ્ઞપ્તિ, કાલાવાલા-કે જેને સેંકડે એક પણ વખતે સ્વીકાર થતો નથી, તે તેમાંથી નિર્દિષ્ટ થવું જોઈએ. આ ઉપરાંત મધ-દારૂના ઉપાસકોનો–પીનારાઓનો–આનંદ, વસંતઋતુનું સૃષ્ટિસૌંદર્ય, ગુલાબ અને બીજાં ફૂલોથી ભરેલા બાગ અને તેમાં ગાયન કરતાં બુલબુલ વગેરેની શોભાનાં વર્ણન પણ તેનું સાધન ગણાય છે. છેવટ ડોળઘાલુ સંતો અને કહેવાતા સૂફી દરવેશોનાં કારસ્તાન તથા ડોળ, તેમનાં પાખંડ ને દંભ, તેમનું બનાવટી અને કૃત્રિમ સાધુપણું—એને ઉઘાડા પાડવા તેમ જ તેવા ઇસમોને ચાબખા મારવા માટે પણ ગઝલને ઉપયોગ થાય છે.

'ગઝલ'ની ખાસિયત એ છે કે દરેક બેતમાં ભિન્નભિન્ન ભાવના કે લાગણી દર્શાવાય છે. કોઈ એક અમુક વિચાર, ભાવ યા લાગણી એક જ બેતમાં સમાઈ જાય છે, તેની પછીની બેતમાં તેને ખેંચવામાં આવતી નથી, મતલબ કે આખી ગઝલ એક જ ભાવનું દર્શન કરાવતી નથી, પરંતુ તેમાં જુદી જુદી ભાવનાઓ એકત્ર થયેલી જોવામાં આવે છે. કોઈક જ વખત આ નિયમનું ઉલ્લંઘન થાય છે.

દયારામની ગરબીઓ ખુલ્લા શૃંગારથી ભરેલી હોવા છતાં તેમાં ભક્તિરસરૂપી ગૂઢ અર્થ સમાયેલો છે એવી દલીલ કરવામાં આવે છે. તે જ ધોરણે 'ગઝલો'ના ખુલ્લા વસ્તુને, દારૂના પીઠાને, દારૂની પ્યાલી ભરી આપનાર સાકીને, માશૂક જોડેના મિલન–વસ્લને, ખુદ માશૂકને–સૂફીવાદના ગૂઢ તત્ત્વજ્ઞાનનું માર્મિક ધોરણ—એ વાદના સિદ્ધાંતો–ધ્યાનમાં રાખી, તે ધોરણ–તે સિદ્ધાંત વડે–તેની કદર કરી તેના ઉઘાડા - કેટલીક વખતે તો અશ્લીલસ્વરૂપને ઢાંકવું અને તેનો માત્ર ગૂઢ અર્થ જ કરવો એવું પ્રમાણ લાંબા કાળથી પેશ કરવામાં આવ્યું છે, ને તે માન્ય પણ રહ્યું છે, એમ કહેવું ખોટું નથી.

એ સૂફીવાદ-યા પ્રેમના તત્ત્વજ્ઞાનની સાંકળનો પહેલો અંકોડો એ છે કે, ખરા આશક અને માશૂક વચ્ચે કશી ભિન્નતા નથી, તેઓ એક જ છે. માશૂક એટલે પ્રિયા એટલે પ્રભુ. એ પ્રભુમાં લીન થઈ જવું, તેમની જોડે (વસ્લ) એકતા સાધવી એ મુમુક્ષુનો ધર્મ છે. એ એકતા, ભિન્નતાનો અભાવ કેવી રીતે મેળવાય, તે રસ્તો દિલ્લીના પ્રખ્યાત કવિ અમીર ખુસરૂએ નીચેની સાદી ને સરળ બેતોમાં આમ બતાવ્યો છે:

મન્ તો શુદમ, તે મન્ શુદી,
મન્ તન્ શુદમ, તો જાન શુદી,
તા કસ નગૂયદ બાદ અઝ્ ઇન
મન દીગરમ્ તો દીગરી.

હું તું થઈ ગયો, તું હું થઈ ગઈ,
હું શરીર (તન) છું, તું જીવ (જાન) છે,
કે જેથી હવે પછી કાઈ એમ ન કહે,
કે હું તારાથી ભિન્ન છું કે તું મારાથી ભિન્ન છે.

આપણે જેને પ્રેમલક્ષણા ભક્તિ કહીએ છીએ, જેને પ્રેમના તત્ત્વજ્ઞાન તરીકે ઓળખીએ છીએ—એ ભક્તિ અને એ તત્ત્વજ્ઞાન તથા સૂફીવાદની ભક્તિ તથા તેના તત્ત્વજ્ઞાન વચ્ચે સામ્ય છે; તે બન્ને લગભગ એક જ છે, એમ કહેવાને એ વિષયમાં બહુ ઊંડા ઊતરવાની જરૂર નથી. આપણી વેદાંતફિલસૂફી જે અભેદ-સાક્ષાત્કારત્વનો અનુભવ મેળવવા મુમુક્ષુને પ્રેરે છે, તેવી જ જાતની એકતા (વસ્લ) પ્રાપ્ત કરવા સૂફીવાદ અનુયાયી મથે છે.

અને એ વિષય ઘણો અટપટો છે. આમવર્ગને, સાધારણ જનતાને, સસ્તા સાહિત્યની સંસ્થામાંથી પ્રસિદ્ધ થતા ગ્રંથો જેમને માટે પ્રસિદ્ધ થાય છે, તે ગ્રંથ વાંચનારની મોટી સંખ્યાને એ કૂટ વિષયમાં રસ ભાગ્યે જ પડે; એવા સબબને લીધે તે સંબંધે વિસ્તારથી અને ચર્ચામાં ઊતરવું યોગ્ય નથી એમ સમજી વધારે વિવેચન કર્યું નથી. છતાં પણ જેને એ વિષયમાં રસ હોય, તેઓ જે આ સાથે આપેલી પુસ્તકોની યાદીમાંથી ફૂદડીવાળાં પુસ્તક જોશે તો તેમાંથી તેમને ઘણું જાણવાનું મળશે.

અરબ્બી યા ફારસી ગઝલોમાં આવતો માશૂક શબ્દ નારીજાતિમાં નહિ પણ નર જાતિમાં સમજવાનો છે એવો કેટલાકનો મત છે, તેનાં બે કારણ છે. એક તો એ દેશોમાં (અને ઉત્તર હિંદુસ્તાનમાં પણ કેટલેક દરજે) ખૂબસૂરત છોકરાઓ અને જેને મૂછને દોરો–રૂવાટાં ફૂટતાં હોય તેવા યુવકો તરફ તેમનાથી મોટી ઉમરનાઓનું આકર્ષણ વધારે પડતું જોવામાં આવે છે તે, અને બીજું એ કે માશૂક એ શબ્દ સ્ત્રી જાતિવાચક નથી. સ્ત્રી જાતિવાચક શબ્દ માશૂકે અથવા માશૂકા છે. પરંતુ બીજી

તરફે એ હકીકત પણ ધ્યાનબહાર રખાય નહિ કે જ્યાં લયલામજનૂન, શીરીન-ફરહાદ, યૂસુફ-ઝુલેખા, જેવાં યુગલોનાં પ્રેમકાવ્યો લખાયાં છે, ત્યાં પણ પ્રિયા માટે માશૂક શબ્દ જ વપરાયો છે, અને વસ્તુતઃ આશકોને પરદો પાળતી–બુરખો પહેરતી | પ્રિયા (માશુકો)ની ગલીઓમાં જ પ્રવેશ કરવાની તાલાવેલી લાગી રહે છે:. ખુલ્લે છોગે ફરતા છોકરાઓ કે યુવકો સંબંધે એ રૂપક લાગુ પાડી શકાય નહિ.

ગુજરાતી સાહિત્યમાં લખાયેલી ગઝલોનો મોટો ભાગ કેવળ ફારસી શબ્દોનો આડંબર, વગર સમજે તેનો ઉપયોગ, ઉપરછલ્લી માહિતી પરથી એ જાતનું કાવ્ય લખવા માટે આદરેલા સાહસ વગેરે દૂષણોથી પૂર્ણ છે. ફારસી, ઉર્દૂના ગાઢ અભ્યાસ વિના તેનું રહસ્ય પકડવું કઠિન છે. તેથી જે થોડાઘણા કવિઓ તે રહસ્ય પ્રાપ્ત કરી મુસ્લિમ સાહિત્યના આ એક ઘણા કીમતી અંગને આપણા સાહિત્યમાં અપનાવી શક્યા છે તેમને ખરેખર ધન્યવાદ ઘટે છે. અન્ય લેખકો તે પરથી ધડો લે તો તે ધડો લેવાની ઘણ જરૂર છે.

મુંબઈ,
તા. ૧૭ મી જૂન, સને ૧૯૪૩
કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
}


પ્રસ્તાવના સંબંધે જોયેલાં પુસ્તકો'

૧ આયને-ઈ-અકબરી, વૉ. ૧

*૨ દયારામ અને હાફેઝ

૩ પર્શિયન પ્રિઝોડી વિથ ફિગર્સ ઑફ સ્પીચ

૪ ગુજરાતી સાહિત્યના વધુ માર્ગ સૂચક સ્તંભો

*પ શ્રી કલાપીનો કેકારવ

*૬ દીવાને સાગરઃ" દફતર ૧-૨

*૭ ગુજરાતી ગઝલિસ્તાન

*૮ કલાન્ત કવિ (ખાસ 'બાલનંદિની', પૃષ્ઠ ૪૦૮–૪૪૦)

બ્લૉકમૅન (૧૮૭૩)

કૃષ્ણલાલ એમ. ઝવેરી (૧૯૦૧)

કૃષ્ણલાલ એમ. ઝવેરી (૧૯૨૨)

કૃષ્ણલાલ એમ. ઝવેરી, બીજી આવૃત્તિ (૧૯૩૦)

ટીકાકાર શ્રીસાગર (૧૮૯૭)

સાગર (૧૯૧૬-૧૯૩૬)

સાગર (૧૯૧૩)

ઉમાશંકર જોષી (૧૯૪૨)


જાહેર નિવેદન

પુસ્તક પ્રકાશનનું કામ લડાઈને લીધે કેટલું મુશ્કેલ થઈ પડે છે. છે, તેનો ખ્યાલ વાચકવર્ગને આવી શકશે નહિ. નફો રાખીને તો આ સંસ્થા સાધારણ સમયે પણ કામ નહોતી કરતી તો હવે લડાઈના ચોથા વર્ષમાં નુકસાન ખમીને જ આર્ય સંસ્કૃતિનો નિર્મળ જ્ઞાનપ્રવાહ વહેતો રાખવાનો રહ્યો. પૂજ્ય સ્વામી શ્રીઅખંડાનંદની કૃપાથી આ શુભકાર્ય ચાલુ રાખવાનો દરેક પ્રયત્ન ટ્ર્સ્ટીઓ કરશે. પાંત્રીશ વર્ષ માં બસો પચાસ સારાં પુસ્તકો ગુજરાતને બહુ સસ્તી કિંમતે આ સંસ્થાએ આપ્યાં છે. એટલે આ સંસ્થા તરફ વાચકવર્ગની દિલસોજી અને ભલી લાગણી ખેંચાઈ છે. પણ હવે પછી એક ખુલાસો કરવાની જરૂર છે. સૌથી સસ્તું પુસ્તક જોઈતું હોય, તેમણે 'વિવિધ ગ્રંથમાળા'ના ગ્રાહક થઈ જવાની જરૂર છે. પાંચ રૂપિયામાંથી સવા રૂપિયો પોસ્ટનો જતાં ત્રણ રૂપિયા બાર આનામાં જૂનાં છાપાં પણ ન મળે, તેટલા ઓછા ભાવે આ સંસ્થા મજબૂત બાંધણીનાં ઊંચામાં ઊંચાં પુસ્તકો હજી આપે છે. ગુજરાતની પ્રજા તેનો લાભ ભલે મેળવે. જે પુસ્તકો સિલકમાં છે, તે કદી પણ ફરી છાપીને વેચી શકાય નહિ, તેવી સસ્તી કિંમતે અપાય છે. આ જાહેર સંસ્થાદ્વારા લોકોને ભલે ફાયદો થાય એ નજરથી જ્યાં સુધી બની શકશે ત્યાં સુધી તેમ કરવામાં આવશે. હાલ નવાં છપાતાં પુસ્તકોની છૂટક કિંમત અગાઉના ધોરણ કરતાં થોડીક વધુ રાખવી પડે છે, તેનો ય અમને અફસોસ છે. પણ આમાં કોઈ ઉપાય નથી. જેને સસ્તું મેળવવું હોય, તેણે ગ્રંથમાળાના ઘરાક થઈ જવું એ જ સારું છે. કારણ કે તેના લવાજમમાં વધારો કર્યો નથી, તેમજ તેમ કરવાનો ઈરાદો પણ નથી. ‘વિવિધ ગ્રંથમાળા’ના ગ્રાહકોને અને છૂટક લેનાર બન્નેને જેવો લાભ લડાઈ પહેલાં મળતો હતો, તે હવે નવાં પ્રકાશિત થયેલાં પુસ્તકમાં છૂટક લેનારને મળશે નહિ, માટે જ આવી સૂચના કરવામાં આવી છે.

મુંબઈ
તા ૨-૭-૪૩
સસ્તું સાહિત્ય મુદ્રણાલયના ટ્રસ્ટીઓ વતી
મનુ સુબેદાર (પ્રમુખ)
}

અનુક્રમણિકા

ક્રમાંક કર્તા પૃષ્ઠાંક
૧. ચંદા નર્મદાશંકર ૧૭
૨. દીઠી નહીં ! બાલાશંકર ૧૭
૩. ખબર લે " ૧૯
૪. પ્રિયદર્શન " ૨૦
૫. બેકદર દુનિયા " ૨૨
૬. જિગરનો યાર " ૨૩
૭. કટાક્ષ " ૨૪
૮. દરકાર " ૨૫
૯. અગર તે ચાર શિરાઝી ! " ૨૭
૧૦. સલામતી " ૨૮
૧૧. નાદાન બુલબુલ " ૨૯
૧૨. માયાનો પ્રેમરૂપે બ્રહ્મભાવ મણિલાલ દ્વિવેદી ૩૧
૧૩. અમર આશા " ૩૨
૧૪. એ કોણ છે ? " ૩૨
૧૫. નિરાશા એ જ છે આશા " ૩૩
૧૬. કિસ્મત " ૩૪
૧૭. કષાયોર્મિ " ૩૫
૧૮. સ્વરૂપોર્મિ " ૩૬
૧૯. સરસ્વતીચંદ્રનો ત્યાગ ગોવર્ધનરામ ૩૭
૨૦. સરસ્વતીચંદ્રનો સ્નેહ " ૪૦
૨૧. અમારા રાહ કલાપી ૪૩

૨૨. ફરિયાદ શાની છે ? કલાપી ૪૫
૨૩. અમારી ગુનેહગારી " ૪૬
૨૪. ત્યાગ " ૪૮
૨૫. સનમને સવાલ " ૪૯
૨૬. સાકીને ઠપકો " ૪૬
૨૭. સનમની શોધ " ૫૧
૨૮. હું બાવરો " ૫૨
૨૯. આપની યાદી " ૫૩
૩૦. અમારી પિછાન " ૫૪
૩૧. ઈશ્કનો બન્દો " ૫૫
૩૨. પ્રેમથી તું શું ડરે ? " ૫૭
૩૩. આપની રહમ " ૫૯
૩૪. તમારી રાહ " ૬૦
૩૫. શરાબનો ઈનકાર " ૬૧
૩૬. અમારી મસ્ત ફકીરી " ૬૩
૩૭. પ્રેમનિવેદન દેરાસરી ૬૪
૩૮. પ્રેમધર્માગીકાર " ૬૬
૩૯. પ્રેમીને ઠપકો " ૬૮
૪૦. પ્રેમીની તલ્લીનતા " ૬૯
૪૧. ગઈ ક્યાં પ્રેમની પ્યાલી ? " ૬૯
૪૨. પ્રેમની બેપરવાઈ " ૬૯
૪૩. પ્રેમીની પ્રણયઘોષણા " ૭૧
૪૪. સનમની નિગાહ " ૭૨
૪૫. કાફી છે " ૭૨
૪૬. આત્મજ્ઞાન કાન્ત ૭૩

૪૭. ચન્દાને સંબોધન કાન્ત ૭૪
૪૮. મારી કિસ્તી " ૭૪
૪૯. મનોહર મૂર્તિ " ૭૫
૫૦. આપણી રાત " ૭૬
૫૧. મજા કયાં છે ? લલિત ૭૭
૫૨. રસહેલ ખબરદાર ૭૯
૫૩. જીવનઘાટના ઘા " ૮૦
૫૪. ઈલ્મમકાનો હાજી " ૮૨
૫૫. પ્રાર્થના " ૮૨
૫૬. હાલ અબતર છે અમૃત કે નાયક ૮૪
૫૭. કરું કે ન કરું ? " ૮૫
૫૮. બળે છે ! " ૮૬
૫૯. એકરારનામું મસ્તાન ૮૬
૬૦. સખે ! ભૂલો પડ્યો હું તો ! " ૮૮
૬૧. સુંદિર મુખડું આપનું " ૯૦
૬૨. નસીબ આજરાત " ૯૦
૬૩. અદાવતમાં મહોબ્બત દીવાનો ૯૧
૬૪. એકના વિના " ૯૨
૬૫. પ્રેમની ઘેલાઈ " ૯૨
૬૬. પ્રેમ અને સત્કાર દા. ખુ. બોટાદકર ૯૩
૬૭. તરુણું તરલાનું પ્રેમગાન નારાયણ વિસનજી ઠક્કુર ૯૫
૬૮. સનમને સવાલ સાગર ૯૫
૬૯. દરગાહ બસ મુજ કત્લગાહ " ૯૯
૭૦. જોગીની ગઝલ " ૯૯
૭૧. મારી સનમ " ૧૦૨

૭૨. નિજાનંદ રંગ અવધૂત ૧૦૭
૭૩. જુદો છે! ફકીર ૧૦૮
૭૪. ગઝલરૂપ ! " ૧૦૯
૭૫. પ્રકાશ દેજે " ૧૦૯
૭૬. તું સુખી મારા વાસમાં? 'બદરી' કાચવાળા ૧૧૦
૭૭. રુબાઈ ખ્વાજા ભક્ત સત્તારશાહ નિઝામી ૧૧૧
૭૮. દિલરુબાના હાથમાં 'મુહિબ' ૧૧૨
૭૯. ખપના દિલાસા શા ? પતીલ ૧૧૩
૮૦. છેલ્લો આશરો " ૧૧૪
૮૧. ખુદાનો બંદો " ૧૧૪
૮૨. દિલબરની પાની હો શયદા ૧૧૬
૮૩. ઝખ્મો હસ્યા કરે છે " ૧૧૭
૮૪. આંખડી ભરી જોયું ! નસીમ ૧૧૮
૮૫. બનાવી જા 'આસિમ' રાંદેરી ૧૧૯
૮૬. સનાતન 'થી' " ૧૨૦
૮૭. વાત શું જાણે? " ૧૨૧
૮૮. મલકાય છે સાબિર ૧૨૨
૮૯. સર્વદા લેજે " ૧૨૨
પરિશિષ્ટ સાગર ૧૨૫શુદ્ધિ પત્ર

પૃષ્ઠ

૧૯
૪૨
૪૮
૬૩
૭૮
૭૮
૮૭
૯૮
૯૦
૯૯
૧૨૫
૧૩૫
૧૭૧
૧૭૬

પંક્તિ

૧૭

૨૦

૨૦

૧૮

૧૧

૧૫

૧૯

અશુધ્ધ

જીગરખ્વારની

હ્રદય ફળમાં જ

દીવાલો

શૈય્યા

પ્રસૂતિ વેદના

દીલડું

તૂં

હૂં

હૂં

દરગાર

વિપય

તરી કે

ગુલઝર

એ,'

શુધ્ધ

જિગરખ્વાબની

હ્રદયફળ ! માં જ

દિવાલો

શય્યા

પ્રસૂતિવેદના

દિલડું

તું

હું

હું

દરગાહ

વિષય

તરીકે

ગુલઝાર

એ.'

Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૨ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1962 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.
Flag of India.svg