લખાણ પર જાઓ


ગુજરાતની ગઝલો/ઈલ્મમકાનો હાજી

વિકિસ્રોતમાંથી
← જીવનઘાટના ઘા ગુજરાતની ગઝલો
ઈલ્મમકાનો હાજી
[[સર્જક:|]]
૧૯૪૩
પ્રાર્થના →


૫૪ : ઇલ્મમક્કાનો હાજી


ખૂબ કરી જો ઇલ્મની સોદાગરી હાજી ગયો;
બેકદર ગુજરાતની કરી ચાકરી હાજી ગયો !

જ્યાં ભર્યાં'તાં આસમાને ઘોર કાળાં વાદળાં,
રંગ ત્યાં બેમૂલ કૈં કૈં ચીતરી હાજી ગયો !

જ્યાં જમીને ગૂંચવાતાં ધૂળઢગ ને ઝાંખરાં,
બાદશાહી બાગ ફૂલનો ત્યાં કરી હાજી ગયો !

ગુર્જરીનું ઇલ્મમક્કા પાક કીધું હજ કરી,
એક હજરતની ફકીરી દિલ ધરી હાજી ગયો !

ઓ મહોબ્બત ! નાઉમેદી ! ઓ જુવાની ગુલભરી !
તમ ફકીરીની અમીરી આ હરી હાજી ગયો !

એ અમીરીના સખુન પર ત્યાં ફિરસ્તા છે ફિદા;
અહીં ન જાણ્યું મોતી શાં શાં વીખરી હાજી ગયો !

રો હવે ગુજરાત !, રો, રો ! ના પિછાન્યો જીવતાં,
આંસુના દરિયાવ એવા કૈં તરી હાજી ગયો !

ના અદલ ઈનામ જગનું એક કુરબાની દિલે;
કૈં અમીરી, કે ફકીરી, સંઘરી હાજી ગયો !