સહકાર્ય શબ્દના અર્થ પરથી જ સમજી ગયા હશો કે આ સમુહમાં ભેગા મળીને કરવામાં આવતું કાર્ય છે. હવે એવા તો અનેક કામો હોઈ શકે જેમાં સહુ ભેગા મળીને કાર્ય કરે, અને પરિયોજનાનો મૂળ ઉદ્દેશ જ એ છે, પરંતુ આ નામ અમે એ પરિયોજનાને આપ્યું છે જે વિકિસ્રોતના મૂળ ઉદ્દેશને અનુસરે છે. સહકાર્ય પરિયોજના અંતર્ગત વિકિસ્રોતના સભ્યો એકત્ર થઈને કોઈ એક પુસ્તક પર કાર્ય કરે છે. એક સભ્ય પરિયોજનાનું નેતૃત્વ સંભાળે અને અન્ય સભ્યો પોતાની મરજી અને સમય અનુકૂળતા અનુસાર તેમાં જોડાય. પરિયોજનાનું નેતૃત્વ કોઈ પણ સંભાળી શકે છે, તેને માટે જરૂરી લાયકાત છે: (૧) સાહિત્યમાં થોડોઘણો રસ હોવો, (૨) ઝીણવટભરી નજર, (૩) ઇ-મેલ સરનામું, (૪) પુસ્તક, કે જેના પર કામ કરવાનું છે તે, ઉપલબ્ધ હોવું અને તેને સ્કેન કરીને તેની pdf ફાઇલ બનાવવાની સક્ષમતા અને (૫) વિકિસ્રોત પર નિયમિત પણે હાજર રહેવું (પરિયોજનાના સંચાલન કાળ દરમ્યાન). બસ, આટલી જ પ્રાથમીક જરૂરીયાત જો સંતોષાતી હોય તો ગમે તે વ્યક્તિ પરિયોજના સંચાલકની જવાબદારી નિભાવી શકે છે.
સામાન્ય રીતે કોઇ એક સભ્ય પોતાની પસંદગીનું પુસ્તક (કે જે પ્રકાશનાધિકારથી મુક્ત હોય તે) પસંદ કરે છે અને તેના પાના સ્કેન કરીને પોતાની પાસે રાખે છે. અહિં પરિયોજનાની આગવી રૂપરેખા ઘડીને અન્ય સભ્યોને તેની જાણા કરે છે અને સભ્યો કયા સમયે કઇ પરિયોજના પર કામ કરવું તેમ સર્વાનુમતે (અથવા તો બહુમતે) નક્કી કરે છે. જે તે પુસ્તકની પરિયોજનાનું પૃષ્ઠ બનાવી, સંચાલક તેની થોડી ઘણી માહિતિ આપે છે અને સભ્યો કે જેને તે પુસ્તકમાં કે કાર્યમાં રસ હોય તે પાના પર જઇને પોતાની પરિયોજનામાં જોડાવાની ઇચ્છા પ્રદર્શિત કરે છે. આપ પણા કરી શકો છો.
હવે સંચાલકની જવાબદારીઓ ચાલુ થશે. સંચાલક શ્રી, રસધરાવતા સભ્યોને ઇ-મેલ દ્વારા પુસ્તકના અમુક પૃષ્ઠો કે પ્રકરણો મોકલાવે અને કાર્ય વહેંચણીની નોંધ પરિયોજનાના પૃષ્ઠ પર રાખતા રહે. સભ્યોએ ખાસ કશું જ કરવાનું નથી હોતું. ફક્ત પોતાની સમયાનુકૂળતાએ તેમને સંચાલક શ્રી તરફથી ઇ-મેલમાં મળેલા પાનાઓનું ટાઇપીંગ કામ જ કરવાનું હોય છે. આ ટાઇપીંગ દરમ્યાન સભ્યએ જોડણીની, મૂળ પુસ્તકની ભાષાની અને તેમાં વપરાયેલી જોડણીની તકેદારી રાખીને શક્ય એટલી ઓછી ભૂલો કરીને ટાઇપ કરવાની નાનકડી જવાબદારી નિભાવવાની રહે છે (જો કે દરેક પ્રકરણની ભૂલશુદ્ધિ (પ્રુફરીડિંગ) સંચાલક કરવાના જ હોય છે, તેથી સભ્ય તેમાં બહુ સમય વ્યતિત ના કરે તો પણ ચાલે). પોતાને ફાળવાયેલા પાનાં/પ્રકરણો જેમ જેમ પૂર્ણ થતા રહે તેમ તેમ પરિયોજનાનાં નિર્ધારિત પાના પર તેની જાણ કરતા રહેવાની જેથી સંચાલક તેની ભૂલ શુદ્ધિ કરી શકે.
આ પાનાને મથાળે આવેલી રંગીન રેખામાં હાલમાં ચાલુ પરિયોજનાનું નામ આપેલું છે, જો આપ પણ આ સહકાર્યમાં જોડાવા ચાહતા હોવ તો "આપ પણ જોડાવ" એ શબ્દો પર ક્લિક કરી, તે પાના પર આપની ઇચ્છા પ્રદર્શિત કરો. સંચાલક શ્રી. આપનો સંપર્ક કરીને યથાયોગ્ય જાણકારી આપશે.
તો આવો, આપણે સહુ સાથે મળીને વધુ એક પુસ્તકને અહિં ઉપલબ્ધ કરાવીએ....