લખાણ પર જાઓ

ન્હાના ન્હાના રાસ - ભાગ ૩

વિકિસ્રોતમાંથી
ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
ન્હાનાલાલ કવિ
૧૯૩૭



પ્રેમભક્તિ ગ્રન્થમાળા
ન્હાના ન્હાના રાસ
ભાગ ૩ જો

પ્રેમભક્તિ-ગ્રંથમાળા

ન્હાના ન્હાના રાસ

ભાગ ૩ જો




ન્હાનાલાલ દલપતરામ કવિ







ઈ. સ. ૧૯૩૭
વિ. સં. ૧૯૯૩.


કિંમત સવા રૂપીઓ

સર્વ હક્ક કર્તાને માટે રજીસ્ટર્ડ





પ્રકાશક : ન્હાનાલાલ દલપતરામ કવિ,
એલિસ પૂલ, અમદાવાદ.



પ્રત ૧૨૫૦
આવૃત્તિ ૧ લી



૧૯૨૭ ની સાલ પછી પ્રેમભક્તિ-ગ્રન્થમાળાના પ્રત્યેક ગ્રન્થની પ્રત્યેક પ્રત ઉપર કર્તાની ટૂંકી સહી હોય છે.



મુદ્રક, અને મુદ્રણ સ્થાન :
પટેલ રણછોડભાઈ વાઘજીભાઈ
શ્રી નારાયણ પ્રિન્ટિંગ પ્રેસ, પી. ધનજીભાઈના કારખાના સામે,

ભદ્ર, અમદાવાદ.

જીવનના જળ





ચાલોને મહિયર ! જમનાને કાંઠડે
જીવનના જળ ભરવા રે,
જીવન ભરવા ને આત્મા તરપવા,
ઉરની લહરે લહરવા રે
ચાલોને સહિયર ! જમનાને કાંઠડે



શ્રી કૃષ્ણે ભરિયા,ને રાધિકાએ ભરિયા,
ગેાપિકાએ દિલ ભર્યા ગરવા રે,
જગના રસિક! સહુ આવજો એ આરે,
રાસના વિહારે ત્ય્હા વિહરવા રે;
ચાલોને સહિયર ! જમનાને કાંઠડે

પ્રસ્તાવના


રાસ એટલે કાવ્યલડુ ન્હાનકડું, મઘમઘતું સૌન્દર્ય સુગન્ધાળુ શતદળ કમળ સમુ કોક મ્હોટુ હોય; ઘણા ખરા પારીજાતક સમા મધુર સુકુમાર દેવસુગન્ધાળા હોય. પારીજાતકનો ફૂલછોડ દેવર્ષિ નારદ પૃથ્વીમા લાવ્યા હતા; રાસનો રસછોડ શ્રી કૃષ્ણચન્દ્રે લાવી ગુર્જરભૂમિમાં રોપ્યો છે. રાસ એ શ્રી કૃષ્ણદીધો ગુર્જરવારસો છે.

મ્હારા રાસનો પ્રથમ ભાગ ઈ. સ. ૧૯૧૦ મા છપાયો હતો. ગરબાને માટે રાસ શબ્દ આપણે ત્ય્હાં ત્ય્હારથી નવશિક્ષિતોમાં પ્રચલિત થયો. અને બીજો ભાગ ૧૯ર૮મા છપાયો હતો. એ પછી આજ નવેક વર્ષે આ ત્રીજો ભાગ છપાય છે. ૧૯૧૦ થી ૧૯૩૭ - એ ૨૭ વર્ષોમાં લગભગ પચ્ચાશેક ઉપર રાસસંગ્રહો, સ્વરચેલા ને પરરચેલા રાસોના, ગુજરાતે છપાયા હશે. કોક જ કવિતાગાનાર આજ તો હશે, જે રાસ નહિ લખતા હોય. આપણી એ ખીલી નીકળેલી રાસપ્રવૃત્તિનો અર્થમર્મ શો ?

પૂર પેરે છલકાતી ગુજરાતની રાસપ્રવૃત્તિનો અર્થમર્મ હું એ સ્હમજુ છું કે ગુર્જર સુન્દરીના હૈયાવાસી અબોલ ભાવ બોલતા, બલકે ગુજરાતભરમાં ગાજતા કરવાના સહુ નવકવિઓને કોડ છે.

અને એ કવિકોડ કાંઈ અવળ પગલાંના કાવ્યકોડ નથી. રાસનાં ગીતો એટલે અડધોઅડધ ગુર્જરમહાપ્રજાનાં હૈયાગીતો સમગ્ર છાપામંડળ (Associated Press)ને એક તાર આવે તે છાપાછાપામાં છપાય; રેડિયોનું મધ્યવર્તી વીજચક્ર એક વીજળી છોડે એ વીજળી નાચતીરમતી દૂરઅદૂરના કુળવાસોમાં જઈને પડઘા પાડે, એમ રાસવીજળી પણ ઘરઘરમાં ઝીલાય છે ને હૈયે હૈયે પડઘા પાડે છે. મોરલી બોલે ને મણિધર ડોલે એમ જનતાનાં હૈયાહિન્ડોળ ડોલાવે એ જ સાચી કવિતા. દૂધઘીનાં સોનારૂપાનાં હીરામોતીનાં કે કવિતાનાં જનતા મૂલવે એ જ સાચાં મૂલ.

થોડાંક વર્ષો ઉપર જૂના રાસોનો આપણો એક રાસસંગ્રહ છપાયો હતો. સંગ્રહકારનો શ્રમ ઠીક હતો. એક પ્રત મ્હને મોકલી અભિપ્રાય પૂછાવ્યો. ઉત્તરમાં પૂછ્યું કે અર્વાચીન ગુજરાતની નવશકુન્તલાઓને આ રાસસંગ્રહ સન્તોખશે તો ખરો ને? ચાળીસેક વર્ષોની રાસરચનાના અનુભવ પછી આજે યે મ્હને લાગે છે કે મ્હારા કે પરના, જૂના કે નવા, સ્વરચ્યા કે પરરચ્યા - સૌ રાસસંગ્રહોનું સાચું ને પરમ પરીક્ષાસૂત્ર એ છે કે ગુજરાતની નવશકુન્તલાઓને એ રાસસંગ્રહ સન્તોખશે ખરા?

ન્હાના ન્હાના રાસના પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં કહ્યું હતું કે આપણા રાસમાં સંગીતનાં ત્રણે અંગે છેઃ ગીત વાદ્ય અને નૃત્ય, આપણે ત્ય્હાંનાં પરદેશી છાપાંઓ રાસરમણાને આજ Garba Dance કહે છે. એકદા એક

સમારંભ ઉજવાતો હતો ને રાસ ગાતી શ્યામાઓ ઘૂમતી હતી. સભામંડળમાં હિન્દુ કે ગુજરાતીઓ જ માત્ર ન હતા; પારસી હતા, ઇસ્લામી હતા, મદ્રાસી હતા; ઈંગ્રેજ અમેરિકન જર્મન સન્નારીઓ હતી. વાતવાતમાં અમેરિકન બાનૂને કહ્યું કે આપના Ball નૃત્યમાં ગીતટહુંકો પૂરાશે ત્ય્હારે બોલ નૃત્ય ગુજરાતણના રાસની હારમા આવશે.

રાસધૂમણ એ બ્રહ્માંડધૂમણની પ્રતિછાયા છે. શ્રી કૃષ્ણચન્દ્રે ગોકુળમાં માતાને મુખમાં વિશ્વદર્શન કરાવ્યું હતું; કુરુક્ષેત્રમાં ગાંડીવધન્વાને વિરાટદર્શન કરાવ્યું હતુ; વૃન્દાવનમાં ગોપગોપીઓને બ્રહ્માંડધૂમણની પ્રતિછાયામાં ઘુમાવ્યાં હતાં. ઇતિહાસની ને કવિતાની એ જગલ્હેરખડો કોકકારમી માયામૂર્તિ છે, કૃષ્ણચન્દ્ર ને ભાગવતકારે રાસ જગતવિખ્યાત કીધા.

ગીત વાદ્ય અને નૃત્ય ઉપરાન્ત સૌન્દર્યનું એક ચોથું રસતત્ત્વ રાસકલામાં હમણાં હમણાં અધિકું ખીલતું પેખાય છે અને તે રાસઝીલનારીઓના અંગમરોડનું વિધવિધનું કલાદર્શન, સહુ કલાઓનું એક આન્તરતત્ત્વ છે સંયમ. અને સંયમમાં રહીને એ અંગમરોડનું કલાતત્ત્વ ખીલાવાશે તેટલું તે રાસને અલંકારરૂપ થશે.

આ રાસસંગ્રહમાં પણ એક નવું તત્ત્વ વિકાસ પામેલું પેખન્દાને પેખાશે: અને તે Ballad નું. Ballad એટલે વર્ણનાત્મક કે ઇતિહાસાત્મક, પણ કાંઈક આછો વાર્તાઆત્મક રાસ. મ્હારાં કાવ્યોના પ્રથમ ભાગમાંનું ધણનું ગોપકાવ્ય વર્ણનાત્મક Ballad છે. સરવરિયાં ડોલ્યાં, દૂધમાં સાકર,

અને એવા બીજા આ સંગ્રહમાંના કેટલાએક રાસો Ballads છે. Ballads આપણે ત્ય્હા લખાતાં, ને આપણે એમને રાસડો કહેતા. સૂરજમલનો વીરરંગીલો રાસડો, બા કુંવરબાનો કરૂણછાયાળો રાસડો આપણું પ્રાચીન Ballad છે. બ્હારવટિયાઓના અદ્ભુત ઐતિહાસિક પ્રસંગોના એવા પ્રાચીન રાસડા શોધનારને પ્રાચીન સાહિત્યમાંથી ઘણા જડશે. એમનાં લેખકલેખિકાઓ, પેલા આંગ્લકવિઓએ ગાયેલા છે. એવાં, અજ્ઞાત, અને સદાકાળ અજ્ઞાત રહેવાને સરજાયેલાં, વનમા ખીલી વનમા પમરી, વનમાં કરમાતાં વનફૂલડા સમા કાવ્યફૂલડાં હોય છે.

ગુજરાતણ 'ત્હારી સાડી રસિક સલજજ મર્યાદાશીલ, અને તેથી અજોડ, નારીપરિધાન છે અને એવા ત્હારા રામ છે. ત્હારે ટહુકે ત્હારો જુગ જાગે છે ને ત્હારૂં જગત જાગે છે.

જુગજુગની વાતો રે ક્‌હાનડ ! ત્હારી બંસી મંહી.

પેલા ક્‌હાનડની બંસીની પેઠે ત્હારી રાસબંસીમાં યે જુગજુગની વાત છે. એ સહુને એવા જ રસિક સલજ્જ મર્યાદાશીલ, અને એથી અજોડ, સદા રાખજે. સાગરને કાંઠે કાંઠે વેલ ઉગે છે, માગરવાસીએ એને મર્યાદાવેલ કહે છે. મર્યાદાવેલની પાછળ જોગીવેશધારી રાવણરાયથી યે સીતાજી અનભેવાસી હતાં. માઝા ન મૂકે એ સાગર; રસની માઝા ન મૂકે એ સૌન્દર્યરાણી સુન્દરી.

ચૈત્રી પડવો, વિ. સં: ૧૯૯૩


ન્હાનાલાલ દલપતરામ કવિ


ન્હાના ન્હાના રાસ;


ભાગ ૩ જો

પ્રેમભક્તિ-ગ્રંથમાળા

ન્હાના ન્હાના રાસ

ભાગ ૩ જો




ન્હાનાલાલ દલપતરામ કવિ







ઈ. સ. ૧૯૩૭
વિ. સં. ૧૯૯૩.


કિંમત સવા રૂપીઓ


Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૬ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1966 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.