લખાણ પર જાઓ

ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/વસન્તના સોણલા

વિકિસ્રોતમાંથી
← વસન્તના વાયરા ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
વસન્તના સોણલા
ન્હાનાલાલ કવિ
વસન્તની વાંસળી →


૪, વસન્તનાં સોણલાં





૧, સોણલાં આવે આયુષ્યની વસન્તનાં;
આજ મ્હારે આયુષ્યદેવનાં પર્વ, રાજ !
સોણલાં આવે અયુષ્યની વસન્તનાં.

આજ મ્હારે આંગણે ઢોળાય તેજ દેવનાં;
તેજ કેરાં કિરણે કિરણે જયગર્વ, રાજ !
સોણલાં આવે આયુષ્યની, વસન્તનાં.

ર, આજ મ્હારે કરમાણી કુંપળો, પાંગરે;
આજ મ્હારે સૂકાં લીલમલીલાં થાય, રાજ !
સોણલાં આવે આયુષ્યની વસન્તનાં.

આજ મ્હારાં સ્વપ્નનાં ઉતરે સંસારમાં;
આજ જગે નવલા પરિમળો વાય, રાજ !
સોણલાં આવે આયુષ્યની વસન્તનાં.

૩, આજ મ્હારે આંબે આંબે મ્હોર મ્હોરિયા;
આજ મ્હારે ઉરમાં બોલે છે સિતાર, રાજ !
સોણલાં આવે આયુષ્યની વસન્તનાં.

આજ મ્હારે આશાની વેલડ ફોરતી;
આજ મ્હારે ઉડવાં અનન્ત મોઝાર, રાજ !
સોણલાં આવે આયુષ્યની વસન્તનાં.

૪, સોણલાંનાં સાળુડે છંટાણા રંગછાંટણાં;
સોણલાંનાં ધરતીમાં ઉઘડ્યાં ફૂલ, રાજ !
સોણલાં આવે આયુષ્યની વસન્તના.

સોણલા સજીવન છાંટે સંસારને;
સોણલાંનાં મનનાં મોતી સમા મૂલ, રાજ !
સોણલા આવે આયુષ્યની વસન્તનાં,

પ, તેજ કેરી અંગુલિ અનન્તને આલેખતી;
કેવી વીતે આજ ને કેવી જશે કાલ, રાજ !
સોણલાં આવે આયુષ્યની વસન્તનાં.

દિશાઓની દ્‌હેરીએ ચ્‍હડી સૂર્ય થંભીને
કાળમન્ત્ર લખતો વસુંધરાને ભાલ, રાજ !
સોણલાં આવે આયુષ્યની વસન્તનાં.

૬, સોણલાં બાંધે ત્રિકાળને તોરણો,
સોણલાં સરજે નવા સંસાર, રાજ !
સોણલાં આવે આયુષ્યની વસન્તનાં.

આજ મ્હારે આકાશ આંગણે ઉતરે;
આજ મ્હારે ઉગે નવસૃજનના સ્‍હવાર, રાજ !
સોણલાં આવે આયુષ્યની વસન્તનાં.