સર્જક:ન્હાનાલાલ કવિ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
જન્મ ૧૬ માર્ચ 1877
અમદાવાદ
મૃત્યુ ૯ જાન્યુઆરી 1946
અમદાવાદ
વ્યવસાય કવિ
ભાષા ગુજરાતી ભાષા
રાષ્ટ્રીયતા બ્રિટીશ ભારત
નોંધનીય કાર્ય ન્હાના ન્હાના રાસ - ભાગ ૧, ન્હાના ન્હાના રાસ - ભાગ ૨, જયા-જયન્ત, પાંખડીઓ, ચિત્રદર્શનો

ગુજરાતીમાં અપદ્યાગદ્ય (અછાંદસ) કે ડોલનશૈલીનાં જનક એવા ન્હાનાલાલ એ એક જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા. તેમનું ઉપનામ ગુજરાતના મહાકવિ હતું. તેમનો જન્મ માર્ચ ૧૬, ૧૮૭૭ના રોજ અમદાવાદ શહેરમાં થયો હતો. તેઓનું અવસાન પણ જાન્યુઆરી ૯, ૧૯૪૬ના દિને અમદાવાદ ખાતે જ થયું હતું. કવિ ન્હાનાલાલના પિતા દલપતરામ ડાહ્યાભાઈ (નર્મદ યુગના મહાન કવિ) હતા અને એમની મૂળ અટક ત્રિવેદી હતી. તેઓ ફારસી પણ બહુ સારી રીતે શીખ્યા હતા. ગાંધીજી પ્રેરિત અસહકારની ચળવળ દરમ્યાન દેશદાઝથી એમણે એ સરકારી નોકરી છોડી દીધેલી.

પ્રદાન[ફેરફાર કરો]

 1. બાળકાવ્યો
 2. ભજનો
 3. પ્રસંગ કાવ્યો
 4. કથા કાવ્યો
 5. મહા કાવ્યો
 6. નાટક
 7. વાર્તા
 8. નવલ કથા
 9. ચરિત્ર
 10. અનુવાદ

મૂખ્ય કૃતિઓ[ફેરફાર કરો]

 • કવિતા - ન્હાના ન્હાના રાસ ભાગ ૧, ભાગ ૨, ભાગ ૩, ચિત્ર દર્શનો, પ્રેમ ભક્તિ ભજનાવલી
 • નાટ્ય કવિતા –જયા-જયન્ત, ઈન્દુકુમાર, વિશ્વગીતા, શાહેનશાહ અકબર, જહાંગીર-નૂરજહાન, મિથ્યાભિમાની
 • ચરિત્ર- કવિશ્વર દલપતરામ
 • ટૂંકી વાર્તાઓ - પાંખડીઓ
 • અન્ય - વસંતોત્સવ, હરિસંહિતા મહાકાવ્ય, સાહિત્યમંથન, કુરુક્ષેત્ર, ચિત્રદર્શનો

સન્માન[ફેરફાર કરો]

 • માર્ચ ૧૬, ૧૯૭૮ના દિવસે ભારતીય ટપાલ ખાતા દ્વારા એમના નામની ટિકિટ બહાર પાડવામાં આવી હતી.


સવિશેષ પરિચય[ફેરફાર કરો]

કવિ ન્હાનાલાલ દલપતરામ, ‘પ્રેમભક્તિ’ (૧૬-૩-૧૮૭૭, ૯-૧-૧૯૪૬): કવિ, નાટ્યલેખક, વાર્તા-નવલકથા-ચરિત્રકાર, અનુવાદક. જન્મ, કવિ દલપતરામ ડાહ્યાભાઈને ત્યાં, અમદાવાદમાં. અટક ત્રિવેદી, પણ શાળાને ચોપડે તેમ ત્યારપછી જીવનભર ભાઈઓની પેઠે ‘કવિ’. અગિયાર વર્ષની ઉંમરે માતાના મૃત્યુ પછી પોતાના અલ્લડવેડાથી વૃદ્ધ પિતાને પોતાનાં ભણતર અને ભાવિ વિશે ચિંતા કરાવનાર તરુણ ન્હાનાલાલ માટે મોરબીમાં હેડમાસ્તર કાશીરામ દવેને ત્યાં એમની દેખરેખ નીચે ગાળવું પડેલું ૧૮૯૩ નું મૅટ્રિકનું વર્ષ ‘જીવનપલટાનો સંવત્સર’ બન્યું. અમદાવાદની ગુજરાત, મુંબઈની ઍલ્ફિન્સ્ટન અને પૂનાની ડેક્કન, એ ત્રણે સરકારી કૉલેજોમાં શિક્ષણનો લાભ મેળવી ૧૮૯૯માં તત્વજ્ઞાનના મુખ્ય વિષય સાથે બી.એ. અને ૧૯૦૧માં ઇતિહાસ વિષય સાથે એમ.એ.થયા. એમનો અભ્યાસ એમના સર્જનને પોષક બન્યો હતો. એમની અભ્યાસક્રમની બીજી ભાષા ફારસી એમને પાછળથી મોગલ નાટકોના લેખનમાં કામ લાગી હતી. ટેનિસને એમની સ્નેહ, લગ્ન અને સ્ત્રી-પુરુષ-સંબંધની પ્રિય ભાવનાને, તો માર્ટિનોના અભ્યાસે એમની ધર્મભાવનાને પોષી હતી. એમના સમગ્ર સર્જનમાંનો કવિતા, ઇતિહાસ ને તત્વજ્ઞાનનો ત્રિવેણીસંગમ એમના ઇતિહાસ તત્વજ્ઞાનના યુનિવર્સિટી-શિક્ષણને આભારી ગણાય. એમની ભક્તિભાવના, ધર્મદ્રષ્ટિ તથા શુભ ભાવના પાછળ ઘરના સ્વામીનારાયણી સંસ્કાર તથા અમદાવાદ-પૂના-મુંબઈના પ્રાર્થના સમાજોના સંપર્ક ઊભેલા હતા. એમ.એ. થયા પછી રાજકુમારો માટેની બે કૉલેજ-નામધારી શાળાઓના અધ્યાપકઃ ૧૯૦૨ થી ૧૯૦૪ સાદરાની સ્કૉટ કૉલેજમાં ને ૧૯૦૪ થી ૧૯૧૮ રાજકોટની રાજકુમાર કોલેજમાં. વચમાં બે-અઢી વર્ષ રાજકોટ રાજ્યના સરન્યાયધીશ અને નાયબ દિવાનની પણ કામગીરી બજાવી. ૧૯૧૮માં કાઠિયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી નિમાયા. ૧૯૧૯ માં ગાંધીજીની પચાસમી જન્મજયન્તીને નિમિત્તે ‘ગુજરાતનો તપસ્વી’ રચનાથી તેમને સુંદર અંજલિ આપનાર કવિએ રોલેટ ઍક્ટ અને જલિયાંવાલા બાગના હત્યાકાંડે જન્માવેલા રાષ્ટ્રપ્રકોપ અને ગાંધીજીપ્રેરિત અસહકારની હવામાં ૧૯૨૦માં લાંબી રજા ઉપર ઊતરી ૧૯૨૧માં એ સરકારી નોકરીનું રાજીનામું મોકલી આપી અમદાવાદને પોતાનું કાયમી નિવાસ્થાન બનાવ્યું. ત્યાં એમની સ્વમાની પ્રકૃતિ તથા બાહ્ય સંજોગોએ એમને સક્રિય રાજકારણથી દૂર રાખી પોતાના સારસ્વતજીવનકાર્યમાં જ રત રાખ્યા. રાજકોટ ખાતેના ઉલ્લાસકાળને મુકાબલે કવિનું અમદાવાદનું અઢી દાયકાનું જીવન તપસ્યાકાળ બનેલું. અમદાવાદમાં અવસાન.


સાહિત્યસર્જક તરીકે કવિનું પ્રધાન અને ઉત્તમ પ્રદાન ઉર્મિકાવ્યો છે. એવી એમની કવિતામાં ‘કેટલાંક કાવ્યો’-ભા. ૧-૨-૩ (૧૯૦૩, ૧૯૦૮, ૧૯૩૫), ‘ન્હાના ન્હાના રાસ’-ભા.૧-૨-૩ (૧૯૧૦, ૧૯૨૮, ૧૯૩૭), ‘ગીતમંજરી’-૧-૨ (૧૯૨૮, ૧૯૫૬), ‘રાજસૂત્રોની કાવ્યત્રિપુટી’ (૧૯૦૩, ૧૯૦૫, ૧૯૧૧), ‘ચિત્રદર્શનો’ (૧૯૨૧), ‘પ્રેમભક્તિ ભજનાવલિ’ (૧૯૨૪), ‘દાંપત્યસ્તોત્રો’ (૧૯૩૧), ‘બાળકાવ્યો’ (૧૯૩૧), ‘મહેરામણનાં મોતી’ (૧૯૩૯), ‘સોહાગણ’ (૧૯૪૦), ‘પાનેતર’ (૧૯૪૧) તેમ જ ‘પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞાબિંદુઓ’ (૧૯૪૩) નો સમાવેશ થાય છે. બાળકાવ્યો, હાલરડાં, લગ્નગીતો, રાસ-ગરબા, ભજનો, અર્ધ્ય-અંજલિ-કાવ્યો, ગોપકાવ્ય, કરુણપ્રશસ્તિ, પ્રાસંગિક કાવ્યો, કથાગીતો-એમ પ્રકારદૃષ્ટિએ સારું વૈવિધ્ય એમાં છે. આરંભકાળમાં આત્મલક્ષી બનતી પણ થોડા જ સમયમાં પરલક્ષિતા તરફ ગતિ કરતી આ કવિની કવિતાના મુખ્ય કવનવિષય પ્રકૃતિસૌંદર્ય, પ્રણય અને પ્રભુ છે. અક્ષરમેળ-માત્રામેળ છંદો, પરંપરાપ્રાપ્ત લયમેળ રચનાના ઢાળો અને ગઝલ-કવ્વાલીના યથેચ્છ વિનિયોગ સાથે પદ્યમુક્ત ડોલનશૈલી પણ એનું વાહન બનેલ છે. છંદને નહિ પણ ભાવના અને તેને અનુવર્તતા વાણીના ડોલન એટલે લયને કવિતાને માટે આવશ્યક માનતી કવિની સમજે એ શૈલી પ્રથમ ‘ઇન્દુકુમાર’ નાટક માટે પણ પછી કવિતા માટે પણ પ્રયોજી છે. કેટલાંક ચિત્રકાવ્યો, ‘વસંતોત્સવ’ (૧૯૯૮, ૧૯૦૫), ‘ઓજ અને અગર’ (૧૯૧૩) અને ‘દ્વારિકાપ્રલય’ (૧૯૪૪) જેવાં કથાકાવ્યો તેમ જ ‘કુરુક્ષેત્ર’ (૧૯૨૬-૪૦) જેવું મહાકાવ્ય ડોલનશૈલીમાં લખાયાં છે. જોકે એવી દીર્ધકથાત્મક રચનાઓમાં પણ ગીતો કવિએ મૂકયાં છે. એ મૂક્યા વગર આ ઊર્મિકાવ્યના કવિથી રહી શકાય એમ હતું નહિ. કથાત્મક કવિતામાં ‘વસંતોત્સવ’ અને ‘ઓજ અને અગર’ કવિના ‘પ્રેમ-ભક્તિ’ ઉપનામના પ્રેમ-પાસાનું સર્જન છે, તો ‘હરિદર્શન’ અને ‘વેણુવિહાર’ (૧૯૪૨) એ પ્રસંગવર્ણનની આત્મલક્ષી કાવ્યરચનાઓ ભક્તિ-પાસાની નીપજ છે. ‘દ્વારિકાપ્રલય’ અને બારકાંડનું ‘કુરુક્ષેત્ર’ એ પૌરાણિક વસ્તુ પરની દીર્ઘ રચનાઓ મહાકાવ્ય લખવાની મહત્વાકાંક્ષાથી પ્રેરાયેલી કૃતિઓ છે. જેમાંના મહાકાવ્યોચિત ઉપમાચિત્રો અને કવિનું વર્ણનકૌશલ ધ્યાન ખેંચે છે. તેમનું મરણોત્તર પુરાણકલ્પ પ્રકાશન બનેલ ‘હરિસંહિતા (ત્રણ ભાગમાં, ૧૯૫૯-૬૦) એમની સૌથી વિપુલકાય કૃતિ હોવા છતાં નિર્ધારેલાં બાર મંડળમાંથી આઠ જેટલાં જ હોઈ અપૂર્ણ રહી છે. શ્રીકૃષ્ણે પોતાના શતાબ્દી મહોત્સવ પછી અર્જુન-સુભદ્રા અને યાદવપરિવાર સાથે મોટો સંઘ કાઢી સોળ વર્ષ ચાલેલી ભારતયાત્રા સદ્ધર્મ-સંસ્થાપનાર્થે કરી, એવું એનું વસ્તુ કલ્પિત છે. મંડળોના અધ્યાયોના આરંભે ને અંતે મૂકેલા અન્યવૃત્ત શ્લોકો સિવાય સમસ્ત કૃતિ કવિએ અનુષ્ટુપ વૃત્તમાં લખી છે. એમાં ગીતો પણ આવે છે.


કવિના સર્જનાત્મક સાહિત્યમાં કવિતા પછી આવે એમનાં ડોલનશૈલીમાં લખાયેલાં ચૌદ નાટકો. પાંખું વસ્તુ, મંથરગતિ કાર્ય અને ક્રિયાશીલ નહિ તેટલાં ઉદગારશીલ પાત્રો આ ભાવપ્રધાન અને કવિતાઈ નાટકોનાં મુખ્ય લક્ષણો છે. એ નાટકોમાં વસ્તુદૃષ્ટિએ ‘ઇન્દુકુમાર’-૧-૨-૩ (૧૯૦૯, ૧૯૨૭, ૧૯૩૨), ‘પ્રેમકુંજ’ (૧૯૨૨), ‘ગોપિકા’ (૧૯૩૫), ‘પુણ્યકંથા’ (૧૯૩૭), ‘જગત્પ્રેરણા’ (૧૯૪૩), ‘અજિત અને અજિતા’ (૧૯૫૨), ‘અમરવેલ’ (૧૯૫૪) સામાજિક નાટકો છે; ‘જયા-જયન્ત’ (૧૯૧૪) કલિદ્વાપરની સંધ્યાનું કાલ્પનિક નાટક છે; ‘વિશ્વગીતા’ (૧૯૨૭) પૌરાણિક-પ્રાચીન-મધ્યકાલીન ભારતીય અને કાલ્પનિક વસ્તુવાળું નાટક છે; અને ‘રાજર્ષિ ભરત’ (૧૯૨૨), ‘જહાંગીર-નૂરજહાંન’ (૧૯૨૮), ‘શાહનશાહ અકબરશાહ’ (૧૯૩૦), ‘સંઘમિત્રા’ (૧૯૩૧) ‘શ્રીહર્ષદેવ’ (૧૯૫૨) ઐતિહાસિક નાટકો છે. ‘સંઘમિત્રા’ અને ‘શ્રીહર્ષદેવ’ સંસ્કૃત નાટ્યશૈલીમાં પ્રવેશ વિનાના સાત સાત અંકોનાં, વચમાં વૃત્તબદ્ધ શ્લોકોવાળાં નાટકો છે. ‘ગોપિકા’ માં પણ પ્રવેશો વિના પાંચ સળંગ અંકો છે. ન્હાનાલાલનો ભાવલોક કે કાવ્યલોક કહેવાય એવી આ નાટકોની સૃષ્ટિ સ્નેહ,લગ્ન,સેવા, સંયમ અને સમન્વયની પ્રિય ભાવનાઓના ઉદઘોષથી ગાજતી રહે છે. ‘વિશ્વગીતા’માં સ્થળ અને કાળની તો ઠીક પણ કાર્યની પણ એકતા છાંડી એકાંકીઓના સંગ્રહ જેવા બની બેઠેલા નાટકને ‘અદૃશ્ય ભાવએકાગ્રતા’નું નાટક બનાવવાનું અને ‘અમરવેલ’માં સિનેમા, નાટક અને સંગીતનો સમન્વય સાધ્યાનું કવિએ પ્રયોગસાહસ દેખાડયું છે. આમ, કવિતાની માફક નાટ્યલેખનમાં પણ આ કવિ પોતાની ચાલે જ ચાલ્યા છે, જેમ એમણે ‘ઉષા’ (૧૯૧૮) અને ‘સારથી’ (૧૯૩૯) એ ગદ્યકથાઓમાં પણ કર્યું છે. સામાજિક વાસ્તવની પૃષ્ઠભૂ સાથે સ્નેહ, સંવનન અને લગ્નની પ્રણયકથા બનેલી એ બેમાંની આગલી કૃતિને ગુજરાતીની પહેલી લઘુનવલ કહેવાય. એમાંની ગદ્યસૌરભે એને ગુજરાતની ‘કાદંબરી’ પણ કહેવડાવી છે. એનાથી બમણાકદની ‘સારથી’ છે. ‘આવડે તો બ્રિટન જગત્ ઇતિહાસનો મહારથી થાય અને ભારતખંડ જગત્-સારથી થાય’ એવા પોતાના રાજકીય દર્શનના સારની કવિએ સરજેલી આ નવલકથા પણ કવિનું એક વિશિષ્ટ સાહસ ગણાશે. જેને પોતે જ વાર્તાઓ નહિ પણ પ્રસંગો અને ‘તેજઅણુઓ’, ‘અણુકિરણો’ અને ‘હીરાની કરચો’ કહી ઓળખાવી છે એવી વાર્તાદેહી ગદ્યરચનાઓનો સંગ્રહ ‘પાંખડીઓ’ (૧૯૩૦) પણ એમનું એવું જ બીજું સાહસ . પોતાની સર્જકતાની ‘વીજળીખાલી લેડન જાર’ને ‘પૂર્વાચાર્યોના મેઘાડંબરો’ની વીજળીથી પાછી પૂરવા અનુવાદનો આશરો લેતા કવિએ કરેલા બે પ્રેમવિષયક કાલિદાસ-કૃતિઓ ‘મેઘદૂત’ (૧૯૧૭) અને ‘શકુન્તલાનું સંભારણું’ (૧૯૨૬)ના અને ‘ભગવદગીતા’ (૧૯૧૦), ‘વૈષ્ણવી ષોડશ ગ્રંથો’ (૧૯૨૫), ‘શિક્ષાપત્રી’ (૧૯૩૧) અને ‘ઉપનિષત્ પંચક’ (૧૯૩૧) એ ચાર ધાર્મિક કૃતિઓના અનુવાદો એમના ‘પ્રેમભક્તિ’ કવિનામને પરોક્ષ રીતે સાર્થ ઠરાવે છે.


કવિના સર્જનેતર ગદ્યસાહિત્યમાં આત્મપરિચયાત્મક ‘અર્ધશતાબ્દીના અનુભવબોલ’ (૧૯૨૭) અને તેમાં મળતી એમના કવિઘડતરની કથાની પૂર્વકથા જેવી થોડીક નાના ‘ન્હાના’ની કથા જેમાં આવી જાય છે તે ચાર પુસ્તકો (૧૯૩૩, ૧૯૩૪, ૧૯૪૦, ૧૯૪૧)માં પ્રગટ થયેલ એમનું પિતૃચરિત્ર ‘કવિશ્વર દલપતરામ’ પ્રથમ ધ્યાન ખેંચે. દલપતરામનાં જીવન-કવન વિશેની યથોપલબ્ધ બધી વીગતભરપૂર પ્રમાણભૂત માહિતીની સાથે 19 માં શતકના ગુજરાતનો જે સાંસ્કૃતિક ઇતિહાસ એમાં પૃષ્ઠભૂ તરીકે વિસ્તારથી આલેખાયો છે તે કવિના આ પિતૃચરિત્રનું દસ્તાવેજી ઇતિહાસમૂલ્ય વધારી આપે છે. ચરિત્રકાર ન્હાનાલાલ સાહિત્યવિવેચક પણ છે. એમનાં ‘સાહિત્યમંથન’ (૧૯૨૪), તેના નવા અવતારરૂપ ‘આપણાં સાક્ષરરત્નો-ભા. ૧-૨’ (૧૯૩૪, ૧૯૩૫) ‘જગતકાદંબરીઓમાં સરસ્વતીચંદ્રનું સ્થાન’ (૧૯૩૩) એ પુસ્તકો તથા કેટલાંક પોતાનાં ને બીજાનાં પુસ્તકોનાં એમનાં પૃથક્કરણ, સમગ્રદર્શન અને રસ-રહસ્યોદઘાટનથી મૂલવવાની સ્ટોફર્ડ બ્રૂક અને ડાઉડન જેવાની પદ્ધતિને ઈષ્ટ માનનાર આ કવિનું, પાંડિત્ય કરતાં રસિકતાના ત્રાજવે સાહિત્યકૃતિને તોળનારું, સંસ્કારગ્રાહી સાહિત્યવિવેચન વસ્તુતઃ એમના લેખન-મનનની ઉપસિદ્ધિ કહેવાય. કવિતા ને કવિધર્મ વિશેના એમના નિશ્ચિત અભિપ્રાયો અને ભાવનાઓનો તથા ‘કલાસિકલ’ અને ‘રોમેન્ટિક’ કલાશૈલીઓ પરત્વે એમના વલણનો પરિચય એમાંથી મળી રહે છે. ગુજરાતનાં ઘણાં અને મુંબઈ-કરાંચી જેવાં બહારનાં શહેરોમાં કવિએ આપેલાં વ્યાખ્યાનોમાંનાં ઘણાં ‘અર્ધશતાબ્દીના અનુભવબોલ’ (૧૯૨૭), ‘ઉદબોધન’ (૧૯૨૭), ‘સંસારમંથન’ (૧૯૨૭), ‘સંબોધન’ (૧૯૩૦) ‘ગુરુદક્ષિણા’ (૧૯૩૫), ‘મણિમહોત્સવના સાહિત્યબોલ ૧-૨’ (૧૯૩૭) અને ‘મુંબઈમાંનો મહોત્સવ’ (૧૯૩૯)માં સંગ્રહિત થયાં છે. એમાં એમનાં ઇતિહાસ-રસ, ગુણદર્શી સમન્વયદૃષ્ટિ, સતેજ ધાર્મિકતા, લોકહિતચિન્તા, ભારતીય સંસ્કૃતિ અને ધર્મે પુરસ્કાયેલાં ચિરંતન જીવનમૂલ્યો પરની આસ્થા, અભ્યાસશીલતા અને ભાવનાશીલતા છે. એમાંનું સાંભળવે મીઠું લાગતું ગદ્ય પણ એની એક વિશિષ્ટતા. અભ્યાસપૂર્ણ લેખોરૂપે પ્રથમ તૈયાર કરાઈ વંચાયેલાં આ વ્યાખ્યાનો ગૃહજીવન, શિક્ષણ, સમાજપ્રશ્નો, સાહિત્ય, ધર્મ, કલા-એમ જીવનનાં બધાં મુખ્ય ક્ષેત્રોને સ્પર્શી વળતાં હોઈ કવિને એક સ્વસ્થ અભ્યાસી વિચારક તરીકે રજૂ કરે છે. વ્યવહારુ ગુજરાતી તથા અંગ્રેજી વ્યાકરણો, ‘સાદી કસરતના દસ દાવ’ અને ‘ગુજરાતની ભૂગોળ’ જેવાં નાનાં શિક્ષણોપયોગી પુસ્તકો પણ એક શિક્ષકની દૃષ્ટિ-વૃત્તિથી એમણે લખ્યાં હતાં, જેમાંનું છેલ્લું વિશિષ્ટ કહેવાય. (- અનંતરાય રાવળ)


કેટલાંક કાવ્યો- ભા.૧, ૨, ૩, (૧૯૦૩, ૧૯૦૮, ૧૯૩૫): કવિ ન્હાનાલાલના કાવ્યસંગ્રહો. ભાગ ૧ ન્હાનાલાલને કાવ્યપ્રતિષ્ઠા અપાવનાર એમનો ટૂંકાં ઊર્મિકાવ્યોનો પ્રથમ કાવ્યસંગ્રહ છે. નરસિંહરાવ, કાન્ત, બળવંતરાય જેવા પુરોગામીઓની ઓછીવત્તી અસર, પાંચેક અંગ્રેજી રચનાઓનાં ભાષાન્તરો અને વધુ પડતો અર્થાડંબર છતાં ન્હાનાલાલની પોતીકી અભિવ્યક્તિ અને ઉત્પાદન પરત્વેની સર્જક તરીકેની સગજતા નોંધપાત્ર છે. અહીં છંદોના ગુણાકાર-ભાગાકાર અને સરવાળા-બાદબાકી દ્વારા પદ્યવૈવિધ્ય છે, અલંકારપ્રચુર અને વિશિષ્ટ લયયુક્ત આગવું ડોલનશૈલીનું મહાત્મ્ય છે, જૂના લોકઢાળોનાં નવાં રૂપાંતરો છે અને સીધા ગદ્યનો ઉપયોગ પણ છે. સ્વાનુભવ કેન્દ્રી આ સંસ્થાઓ અંગતજીવન, પ્રેમ, પ્રકૃતિ, પ્રભુભક્તિ અને ચિંતનને સ્પર્શે છે. ‘મણિમયસેંથી’ અને ‘શ્રાવણી મધ્યાહ્નન’ રચનાઓ છે. બીજા ભાગમાં ન્હાનાલાલની પ્રતિભાના મહત્વના ઉન્મેષો સંઘરાયેલા છે. આત્મલક્ષી કાવ્યોની સંખ્યા અહીં ઘટી છે અને બૃહદ્ માનવસંવેદનોને સ્પર્શતી રચનાઓ શ્રુતિરમ્ય વ્યંજન-સંકલના દ્વારા નાદમાધુર્યનો અનુભવ કરાવે છે. ગુજરાત, હિન્દ અને દુનિયામાં અંકુરતી નવચેતનાને કવિતામાં ઉતારવાની અને પાંડિત્યશૈલીને નરમ પાડવાની કવિની નેમ છે. ‘નયણાંની ધાર’, ‘ઝીણા ઝીણા મેહ’, ‘હરિનાં દર્શન’ જેવાં ઉત્તમ ગીતો, ‘યૌવના’ અને ‘સૌભાગ્યવતી’ જેવા ડોલનશૈલીના વિશિષ્ટ પ્રયોગો, ‘ગિરનારને ચરણે’ જેવું રમ્ય વસંતતિલકાનો આવિષ્કાર કરતું છંદોબદ્ધ કાવ્ય વગેરે અહીં આકર્ષણો છે. ત્રીજા ભાગમાં નહિ લાંબી નહિ ટૂંકી એવી ચાર કાવ્યરચનાઓ સમાવિષ્ટ છે: ‘મ્હારો મોર’, ‘બ્રહ્મજન્મ’, ‘પારેવડાં’, ‘સંસ્કૃતિનું પુષ્પ’. ન્હાનાલાલની વિલક્ષણતા સિવાયનો બીજો કોઈ વિશેષ ભાગ્યે જ આ રચનાઓમાં જોઈ શકાય છે.


ન્હાના ન્હાના રાસ-ભાગ.૧, ભાગ ૨, ૩ (૧૯૧૦, ૧૯૨૮, ૧૯૩૭) : ન્હાનાલાલના રાસસંગ્રહો, સંગીતરસિક સન્નારીઓને સગવડ થાય એ વિચારથી પૂર્વે લખાયેલા કે અન્ય કોઈ લાંબા કાવ્યના અંગભૂત થયેલા રાસ અહીં સમાવવામાં આવ્યાં છે. ગરબી, ગરબા અને રાસડા એમ સંગીતનાં ત્રણે અંગની ગૂંથણી એમાં વર્તાય છે. લોકગીતોને કવિએ કેટલેક અંશે શિષ્ટ સાહિત્યનું સ્વરૂપ આપેલું છે. લય, અલંકાર, શબ્દચયન અને ભાવનિરૂપણની દૃષ્ટિએ ગુજરાતી ભાષાની વાણીસમૃદ્ધિ આ રાસસંગ્રહોમાં ઊતરી આવેલી છે. ‘વિદાય’, ‘ફૂલડાં કટોરી’, ‘પૂછશો મા’, ‘પારકાં કેમ કીધાં’, ‘મહિડાં’ વગેરે એનાં દ્યોતક ઉદાહરણો છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા)


ઇન્દુકુમાર (૧૯૦૯, ૧૯૨૭, ૧૯૩૨): ન્હાનાલાલનું ત્રણ અંકમાં પ્રકાશિત આ ભાવનાપ્રધાન સામાજિક નાટકકાવ્ય પાંત્રીસેક વર્ષના લાંબા ગાળા દરમિયાન લખાયેલું છે. નાટકકારની કેફિયત એવી છે કે આ નાટક દૃશ્ય નહીં પણ શ્રાવ્ય છે; ગ્રીસની પ્રશિષ્ટ પદ્ધતિનું નહીં પણ રોમેન્ટિક પદ્ધતિનું છે; શેક્સપિયરની નહીં પણ શેલીની શૈલીનું છે. પ્રેમ અને દેશસેવાનો આદર્શ રજૂ કરતું તેમ જ લગ્નસ્નેહનો મહિમા કરતું આ નાટક ડોલનશૈલીમાં રચાયેલું છે. વચ્ચે વચ્ચે ગીતો મુકાયાં છે. નાટકમાં ક્રિયાશીલતાનો અભાવ છે. આકર્ષક સૂત્રોને સહારે પાત્રો એક પરિમાણમાં ફર્યા કરતાં હોય એવું લાગે છે. નાટકનો બંધ એકંદરે શિથિલ છે અને રોમેન્ટિક માનસનું આરોપણ પાત્રો, પ્રસંગો અને ભાષા પર થયા કરતું અનુભવાય છે. આમ છતાં નાટક નિઃશંકપણે ન્હાનાલાલની પ્રતિભાની વિલક્ષણતાનું પરિણામ છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા)


વસંતોત્સવ (૧૮૯૮): ન્હાનાલાલનું ડોલનશૈલીમાં રચાયેલું પ્રથમ પરલક્ષી પ્રસંગકાવ્ય. ખંડકાવ્ય, અને ગોપકાવ્ય-એ સંજ્ઞાઓથી પણ એને ઓળખવામાં આવ્યું છે. વાસંતી પૂર્ણિમાના દિવસે કુંજવાટિકામાં ફૂલ વીણવાની અને ચંદ્રદર્શનની ઘટનાઓ દ્વારા કવિએ રમણ-સુભગા તથા સૌભાગ્ય વિલસુ એ યુવાન પ્રણયી યુગ્મોના પ્રણયોલ્લાસનું એમાં આલેખન કર્યું છે. કાવ્યસ્વરૂપની નિબઁધતા, ભાવની મસ્તી, વસંતમયની ગુજરાતની તળપ્રકૃતિનો પરિવેશ તથા પૂર્વ-પશ્ચિમના સમન્વયમાંથી જન્મેલી કવિની સ્નેહલગ્નની ભાવનાનો પયગંબરી અદાથી થતો ઉદઘોષ -એ સહુમાં કવિની રોમેન્ટિક પ્રકૃતિ પ્રગટ થાય છે. કેટલાંક મનોહરણ ઉપમાચિત્રોથી આસ્વાદ્ય બનવા છતાં અલંકારોના અતિરેક અને ભાષાના આડંબરથી કાવ્યનું કથયિતવ્ય પાંખું પડે છે તેમ જ કથન-વર્ણનનું ઉચિત સંયોજન કરવામાં કવિની મર્યાદા પણ અનુભવાય છે. (- જયંત ગાડીત)


કુરુક્ષેત્ર (૧૯૨૬-૪૦): બાર કાંડ અને ઉપોદધાતરૂપ ‘સમન્તપંચક’ તથા ‘મહાપ્રસ્થાન’ ના ઉપસંહારકાવ્ય સાથે મળીને ચૌદ પુસ્તિકાઓમાં ચૌદ વર્ષના ગાળામાં પ્રગટ થયેલું કવિ ન્હાનાલાલનું ડોલનશૈલીમાં લખાયેલું, મહાભારતના યુદ્ધને વિષય બનાવતું મહાકાવ્ય. કૃષ્ણના હાથમાંથી બંસી છોડાવી બહેન સુભદ્રા પાંચજન્ય શંખ મૂકી તેમને સુંદર મટી ભવ્ય બનવા પ્રેરતી હોય એવી, પ્રથમ કાંડ ‘યુગપલટો’ની કવિકલ્પના મોહક છે. બીજા-ત્રીજા કાંડમાં કૃષ્ણાવિષ્ટિ અને યુદ્ધનિર્ધારના પ્રસંગ પતાવી, ચારથી દશ કાંડોમાં કુરુક્ષેત્રનું યુદ્ધ નિરૂપી, કવિએ અગિયારમો કાંડ ભીષ્મે શરશય્યા પરથી યુધિષ્ઠિરને આપેલા રાજધર્મના ઉપદેશમાં રોકયો છે. બારમો કાંડ ‘મહાસુદર્શન’ પ્રથમ કાંડ જેવી કવિની મૌલિકતાનું હૃદયસંતર્પક દર્શન કરાવે છે. યુદ્ધાન્તે હૃદયમાં ઉભરાયેલા વિષાદ અને પશ્ચાત્તાપમાંથી પાંડવોને બહાર કાઢવા, સંહાર પણ સર્જન જેવી પરમાત્માની કલ્યાણકારી વિશ્વલીલા જ છે-એમ કહી, વ્યાસ એમને પોતાના તપોબળથી વિરાટના મહાસુદર્શનચક્રનું જે દર્શન કરાવી એમને સમાધાનની શાતા અર્પે છે તેમાં કવિની કલ્પનાને એમનું ચિત્રસર્જક કવિત્વ તથા વાકપ્રભુત્વ પૂરો તાલ આપે છે. ‘મહાપ્રસ્થાન’ કૃતિનું સમુચિત સમાપન કરી કાવ્યમાંના વિવિધ રસોની શાન્તરસમાં વિલુપ્તિ સાધી આપે છે. વસ્તુ મહાભારતનું, પણ નિરૂપણ ને કવિતા પોતાનાં-એ સ્વતંત્ર એવો કવિસંકલ્પ બધા કાંડોને સમગ્રપણે અવલોકતાં સફળતાપૂર્વક પળાયો છે, એ અંદરના કેટલાય પ્રસંગોનાં વર્ણનો તથા મહાકાવ્યોચિત હોમરી ઉપમાચિત્રોથી તેમ જ કવિએ પોતાનાં નાટકો તથા કથાકાવ્યોની પેઠે આ કૃતિમાં પણ મૂકેલાં પ્રસંગલક્ષી અને ભાવદ્યોતક ગીતોથી પ્રતીત થાય છે. ‘પાર્થને કહો ચઢાવે બાણ’, ‘હરિ ત્હારે યુગ ઉછળે નયનમાં’, પેલા સુદર્શનચક્રના દાંતે દાંતે બેઠેલી જોગણીઓનું ગીત ‘હરિની રમણાએ અમે નીસર્યાં રે લોલ’ અને એ જ રહસ્ય બીજી ભાષામાં ઉદગારતું કવિનું સમાપ્તિગીત ‘નભકુળ ફુદડી ફરે રે લોલ’ મહાકાવ્યનાં, તેના રચયિતાનાં, તેટલાં અર્વાચીન ગુજરાતી કવિતાનાં પણ પ્રથમ પંક્તિનાં ઊર્મિકાવ્યો છે. સમર્થ કવિની પ્રતિભાનો સંસ્પર્શ અનેક સ્થળે હોવા છતાં અહીં વાગ્મિતાનો અતિરેક, શૈલીદાસ્ય, નિવાર્ય પુનરુકિતઓ, વસ્તુવિધાનમાં ક્યારેય વસ્તાતી અસંગતિ તેમ જ મહાભારતીય પાત્રોના નિરૂપણમાં ક્યારેક પ્રવેશી ગયેલી પ્રાકૃતતા જોવાય છે. (- અનંતરાય રાવળ)


હરિસંહિતા (૧૯૫૯-૧૯૬૦) : પોતાની ‘કાવ્યયાત્રાનું મહાતીર્થ’ તરીકે, ખુદ એના સર્જક કવિ ન્હાનાલાલ વડે ઓળખાયેલી, ‘ભાગવત’ના જેવડી બનાવવા ધારેલી પણ અધૂરી રહેલી, ત્રણ મોટા ગ્રંથો રૂપે કવિના મૃત્યુ પછી પ્રગટ થયેલી એમની ‘કુરુક્ષેત્ર’થી ઘણા મોટા કદની મહત્વાકાંક્ષી કૃતિ. દ્વારકાધીશ શ્રીકૃષ્ણ ‘સુંદરમટી ભવ્ય થયા’ એ સિદ્ધ કરવા, ‘કુરુક્ષેત્ર’ મહાકાવ્ય પછી તેનાથીય ચડિયાતું ‘વિરાટકાવ્ય’ કે પુરાણકાવ્ય ગુજરાતને આપી જવાના કવિના અભિલાષાનું અને તેને મૂર્ત કરવાના એમના સર્જનપુરુષાર્થનું ફળ તે આ કૃતિ. નિર્ધાયેલાં બારમાંથી આઠ મંડળ જ કવિ પૂરાં કરી શકેલા, જે અહીં મુદ્રણ પામ્યાં છે. મહાભારત યુદ્ધ વેળા ચોર્યાશી વર્ષના શ્રીકૃષ્ણ ત્યારબાદ સોળ વર્ષ પછી સો વર્ષના થયા ત્યારે ઉજવાયેલા તેમના શતાબ્દી મહોત્સવ પછી તેમણે અર્જુન-સુભદ્રા તથા યાદવપરિવારને સાથે લઈ મોટો સંઘ કાઢી સદ્ધર્મ-સંસ્થાપનાર્થે સોળ વર્ષે પૂરી થયેલી ભારતયાત્રા કરી એવી કલ્પના ચલાવી, હરિવરની એ ધર્મયાત્રા કવિએ આ કૃતિમાં વિસ્તારથી વર્ણવી છે. દ્વારિકાથી સૌરાષ્ટ્ર વટાવી નર્મદા, વિંધ્યાચળ, ગોદાવરી, મલયપ્રદેશ, કેરળ, કન્યાકુમારી, રામેશ્વર, ઉત્કલ, કામરૂપ, મિથિલા, હિમાલય, કાશી, અયોધ્યા, હસ્તિનાપુર, વ્રજ, આરાવલી અને શ્રીમાળ થઈ ત્યાંથી સૌરાષ્ટ્રના અત્યારના દ્રીપકલ્પની ઉત્તરની સાગરપટ્ટીના જળમાર્ગે પાછા દ્વારિકા-એવો એ યાત્રાનો ક્રમ કવિએ પોતાના ભૂગોળજ્ઞાનની મદદથી એમાં ગોઠવ્યો છે. કૃતિનાં પ્રસંગો અને પાત્રાલેખન કરતાં સાગરઝાડીઓ, નર્મદા, વિંધ્યવન, દંડકારણ્ય, હિમાલય વગેરેનાં વર્ણનો એમાંનાં શબ્દવૈભવ ને કાવ્યત્વને લીધે આકર્ષક અનુભવાય છે. પાત્રોમાં શ્રીકૃષ્ણ, અર્જુન, રુકિમણી, સુભદ્રા, વ્રજબાળા અને નારદજી વિશેષ ધ્યાન ખેંચે છે. બહુધા શ્રીકૃષ્ણને મુખેથી અને ક્યારેક વ્રજબાળા તથા નારદ જેવાં ભક્તો અને તીર્થસ્થળોએ મળતા ઋષિ-તપસ્વીઓને મુખેથી થતી જ્ઞાનભક્તિવર્ધક ધર્મવાર્તાઓ આખા પ્રવાસ દરમિયાન થતી રહે છે. હિમાલયમાં શ્રીકૃષ્ણમુખે નવ ઉષાસ્તોત્રો અને ચંદ્ર-ગાયત્રી ઉચ્ચારાવ્યાં છે. કવિની બધી પ્રિય ભાવનાઓ કૃતિમાં ઠીકઠીક હદે પુનરુચ્ચારણ પામી છે. બધાં મંડળો, અધ્યાયોના આદિ અને અંતમા મૂકેલા અન્ય વૃત્તોના શ્લોકો સિવાય પ્રવાહી અનુષ્ટુપમાં રચાયાં છે. અંદર મુકાયેલાં નવ ઉપનિષદોમાં ઉપનિષદોના જેવું ગદ્ય, તો શ્રીકૃષ્ણનાં ઉષાસ્તોત્રો તથા હિમાલયની શ્રીકૃષ્ણના વિરાટ સ્વરૂપની સ્તુતિમાં આર્ષ જેવી છંદરચના પ્રયોજાયાં છે. બધાં થઈને સો ઉપરાંત ગીતો પણ કૃતિમાં જુદા જુદા સંદર્ભે મુકાયાં છે. સમગ્રપણે ઊપસતી આ સર્જકની છાપ મહાકાવ્યના કવિ કરતાં ભક્તકવિની વિશેષ છે. (- અનંતરાય રાવળ)


જયા-જયંત (૧૯૧૪) : ન્હાનાલાલનું ત્રણ અંક અને વીસ પ્રવેશોમાં પથરાયેલું, એમનાં અન્ય નાટકોની જેમ ડોલનશૈલી અને ગીતોમાં રચાયેલું આ નાટક એમાં નિરૂપાયેલી આત્મલગ્નની ભાવનાને લીધે સાહિત્યિક વર્ગમાં વિશેષ જાણીતું બન્યું છે. વિજાતીય આકષર્ણમાંથી બંધાતા સ્ત્રી-પુરુષ-સંબંધના ત્રણ ઉચ્ચાવચ સોપાન આલેખી કવિએ નાટકની કથાનું સંકલન કર્યું છે. એ સોપાનનું સૌથી ઊંચું પગથિયું જયા અને જયંત વચ્ચેના આત્મલગ્નનું છે. દેહની કોઈ વાસના વગરનો, કવિનો આ આત્મલગ્નનો ખ્યાલ વાસ્તવિક ને મૂર્ત બની શકે એમ કોઈને લાગ્યું નથી. કાશીરાજશેવતીના અર્ધગાન્ધર્વ રાજવી લગ્નસંબંધની તથા નૃત્યદાસીવામાચાર્યના કામવાસનાયુક્ત દેહસંબંધની કથા દ્વારા કવિએ સ્ત્રી-પુરુષ-સંબંધનાં અન્ય બે ઊતરતાં સોપાન બતાવ્યાં છે


દ્રશ્ય નાટકને અનુકૂળ બનાવવાની નેમ છતાં અને કવિનાં અન્ય નાટકોને મુકાબલે વિશેષ સંઘર્ષયુક્ત અને સુગ્રથિત હોવા છતાં વિવિધ પ્રકારની અસંગતિઓથી તેમ જ પરિસ્થિતિને નાટ્યાત્મક અભિવ્યક્તિ ન આપી શકવાની કવિની મર્યાદાને લીધે આ નાટક ઝાઝી રંગભૂમિક્ષમતા ધરાવતું નથી. (- જયંત ગાડીત)


શાહાનશાહ અકબરશાહ (૧૯૩૦) : ન્હાનાલાલનું ડોલનશૈલીનું નાટક. ત્રણ અંક અને એકવીસ પ્રવેશોમાં વહેંચાયેલું આ નાટક શેક્સપિયરની નહિં, ફાઉસ્ટની શૈલીને અનુસરે છે. મોગલ બાદશાહ અકબહશાહના પ્રારબ્ધ અને પુરુષાર્થથી ભરેલા ઇતિહાસને ઐતિહાસિક અભ્યાસસામગ્રીને આધારે નાટ્યરૂપ આપવાનો અહીં સંકલ્પ છે. એમાં ક્રિયાને સ્થાને વર્ણનો પર તથા પાત્રોના વિકાસને સ્થાને પાત્રોની વિચારધારાઓ પર ધ્યાન વધુ કેંન્દ્રિત છે. કોમોનો, સાહિત્યોનો, કલાઓનો, ધર્મોનો અને સંસ્કૃતિઓનો સમન્વય કરવા અંગેનો અકબરનો મનોરથ નાટકના કેન્દ્રમાં છે. ‘એકલવાયો બાદશાહ’- પ્રવેશ અત્યંત પ્રભાવક છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા)


આપણાં સાક્ષરરત્નો-૧-૨ (૧૯૩૪-૩૫): પ્રથમ ૧૯૨૪માં છપાયેલ ગ્રંથ ‘સાહિત્યમંથન’માંથી થોડું કાઢી બીજું ઉમેરી તેનાં કવિ ન્હાનાલાલે બનાવેલાં બે પુસ્તક. “પૂર્વાચાર્યોનાં, સમકાલીનોનાં અને ન્હાનેરાઓનાં ગુણપ્રવચનો આ ગ્રંથોમાં છે. જુવાનોનો બિરદાવ્યા છે, સમોવડિયાને વંદ્યા છે, વૃદ્ધોને પૂજયા છે.”- એ કવિના શબ્દોને બંને પુસ્તકોમાંની સામગ્રી આમ તો એકંદરે સાચા ઠરાવે છે; પણ પૂર્વજો અને અનુગામીઓ પ્રત્યે કવિ જેટલા ઉદાર જણાય છે તેટલા ઉદાર સમકાલીનો પરત્વે દેખાતા નથી એવી છાપ એમણે નરસિંહરાવ, રમણભાઈ અને બળવંતરાય ઠાકોર પરત્વે બે-એક વ્યાખ્યાન-લેખોમાં કાઢેલા ઉદગાર પરથી પડે છે. મધ્યકાલીનોમાં મીરાં, પ્રેમાનંદે તેમ જ દયારામ અને અર્વાચીનોમાં દલપતરામ, નર્મદાશંકર, નવલરામ, ગોવર્ધનરામ, કાન્ત, ત્રિભુવન પ્રેમશંકર તેમ જ લલિત અહીં કવિ પાસેથી એમની લાક્ષણિક વાણીમાં જે કદર-બૂઝ પામ્યા છે તેમાં ન્હાનાલાલની સહૃદયતા અને આવશ્યક અભ્યાસશીલતાનાં દર્શન થાય છે. મિત્રો અમૃતલાલ પઢિયાર અને કાન્ત તેમ જ નૃરસિંહ વિભાકર વિશેનાં વ્યાખ્યાનોમાં તે તે વ્યક્તિઓના વ્યક્તિત્વને પણ દલપતરામ અને નર્મદ પરનાં વ્યાખ્યાનોની જેમ કવિએ સારી અંજલિ આપી છે. ત્રિભુવન કવિના ‘કલાપીનો વિરહ’ની અને ‘લલિત’ના બે કાવ્યસંગ્રહોની કવિએ લખેલી પ્રસ્તાવનાઓ તે બેઉ કવિઓની, વિશિષ્ટતાઓ સાથે તેમની મર્યાદાઓ પણ નિર્દેશી આપતા, સદભાવપૂર્ણ છતાં સ્વસ્થ અને સમતોલ સાહિત્યમૂલ્યાંકનના સારા નમૂના છે. સારો નમૂનો નથી એક ‘ફૂલપાંદડી’ (પૃથુ શુક્લ રચિત)નો પ્રવેશક, જેમાં એક આશાસ્પદ નવીનની પીઠ થાબડવા જતાં સ્વસ્થતા અને સમતુલા ઠીક પ્રમાણમાં ચુકાઈ ગયેલી છે. (- અનંતરાય રાવળ)


અર્ધશતાબ્દીના અનુભવબોલઃ (૧૯૨૭): ૧૯૨૭માં ઉજવાયેલી પોતાની સુવર્ણજયંતી વેળા કવિ ન્હાનાલાલે પાંચ શહેરોમાં પોતે વાળેલા સન્માન-પ્રત્યુત્તરનાં વ્યાખ્યાનોનો સંગ્રહ ‘એક ગુર્જરાત્માની ઘડતરકથા’ નામક મુંબઈનું વ્યાખ્યાન બધાંમાં એ રીતે મહત્વનું ગણાય કે તેમાં કવિએ પોતાને ઘડનારાં પુસ્તકો અને વ્યક્તિઓ વિષે તેમ જ પોતાને વિષે એમના ચરિત્રલેખકને ઉપયોગી નીવડે એવી વાત કરી છે. વડોદરાના ભાષણમાં પ્રેમાનંદ અને દયારામને, નડિયાદનામાં ત્યાંના સાહિત્યકારોને અને સૂરતનામાં નર્મદને અને સાથે પડ।છામાં દલપતરામને સ્મરણાંજલિ આપ્યા વિના કવિ રહ્યા નથી. અમદાવાદ-સૂરતનાં ભાષણોમાં એ બંને શહેરોની બધી ઐતિહાસિક-સાંસ્કૃતિક વિશિષ્ટતાઓની અને નડિયાદના ભાષણમાં ચરોતરની પ્રકૃતિશ્રીની નોંધ એમણે લીધી છે. કવિત્વ, ઇતિહાસ-રસ, ગુજરાત-પ્રેમ અને અભ્યાસીપણાનો પરિચય પાંચે ભાષણો આપી રહે છે. પોતાના સાહિત્યસર્જનને જગતના સાહિત્યના મુકાબલામાં મૂલવવાની અને ભારતીય ઇતિહાસ તથા ભારતીય કવિતા જીવી જાણવાની મુંબઈના ભાષણમાં કવિએ સાહિત્યસર્જકોને આપેલી શીખ અને કવિતાનાં મૂળ ચિત્ત-ક્ષોભમાં નહીં, પણ ચિત્ત-પ્રસન્નતામાં છે એવી પોતાની કાવ્યવિભાવનાની વડોદરાના ભાષણમાં આપેલી સમજ ધ્યાન ખેંચે છે. (- અનંતરાય રાવળ)

આ પરિચયની પ્રમાણભૂત માહિતી ગુજરાતી સાહિત્ય પરિષદ પરથી મેળવી શકાશે.

પ્રેમભક્તિ-ગ્રંથમાળા[ફેરફાર કરો]


કવિશ્રી ન્હાનાલાલનાં

પ્રે મ ભ ક્તિ ગ્ર થ મા ળા નાં

પુસ્તકોનુ સૂચિપત્ર


પ્રથમાવૃત્તિની સાલ કિંમત
કેટલાંક કાવ્યો, ભાગ ૧ લો (૨ જી આવૃત્તિ) ૧૯૦૩ ૧–૫૦
૨. રાજસૂત્રોની કાવ્યત્રિપુટિ (૩ જી આવૃત્તિ) ૧૦૯૩-૦૫-૧૧ ૧–૦૦
૩. વસન્તોત્સવ ( ૫ મી આવૃત્તિ) ૧૯૦૫ ૧–૫૦
૪. કેટલાંક કાવ્યો, ભાગ ૨ જો (૨ જી આવૃત્તિ) ૧૯૦૮ ૧–૫૦
૫. ઈન્દુકુમાર, અંક ૧ લો ( ૬ ઠ્ઠી આવૃત્તિ) ૧૯૦૯ ૨–૦૦
૬. ન્હાના ન્હાના રાસ, ભાગ ૧ લો (૯ મી આવૃત્તિ ) ૧૯૧૦ ૨–૦૦
૭. ભગવદ્‌ગીતા, સમશ્લોકી ( ૩ જી આવૃત્તિ ) ૨–૫૦
૮. જયા–જયન્ત ( નવમી વાર ) ૧૯૧૪ ૩–૦૦
૯. મેધદૂત, સમશ્લોકી ( ૪ થી આવૃત્તિ ) ૧૯૧૭ ૧–૫૦
૧૦. ઉષા ( ૫ મી આવૃત્તિ ) ૧૯૧૮ ૨–૫૦
૧૧. ચિત્રદર્શનો ( ૩ જી આવૃત્તિ ) ૧૯૨૧ ૨–૫૦
૧૨. રાજર્ષિ ભરત ( ૨ જી આવૃત્તિ ) ૧૯૨૨ ૨–૦૦
૧૩. પ્રેમકુંજ (૨ જી આવૃત્તિ) ૧–૨૫
૧૪. પ્રેમભક્તિ–ભજનાવલી (૨ જી આવૃત્તિ ) ૧૯૨૪ ૨–૦૦
૧૫. સાહિત્યમન્થન ૨–૦૦
૧૬. વૈષ્ણવી ષોડશ ગ્રન્થો, સમશ્લેાકી (ર જી આવૃત્તિ) ૧૯૨૫ ૨–૦૦
૧૭. અમર પન્થનો યાત્રાળુ ( ૨ જી આવૃત્તિ ) ૦–૩૭
૧૮. શકુન્તલાનું સંભારણું (૨જી આવૃત્તિ ) ૧૯૨૬ ૧–૫૦
૧૯. કુરુક્ષેત્ર પ્રથમકાંડ, યુગપલટો ૧–૦૦
૨૦. કુરુક્ષેત્ર, દ્વાદશકાંડ, મહાસુદર્શન (૨ જી આવૃત્તિ) ૧૯૨૭ ૧–૦૦
૨૧. ઉદ્‌બોધન (૨ જી આવૃત્તિ) ૨–૫૦
૨૨. અર્ધશતાબ્દીના અનુભવબોલ (૨ જી આવૃત્તિ ) ૧–૫૦
૨૩. સંસારમન્થન ( ૨ જી આવૃત્તિ ) ૨–૫૦
૨૪. વિશ્વગીતા ( ૩ જી આવૃત્તિ ) ૨–૫૦
પ્રથમાવૃત્તિની સાલ કિંમત
૨૫. ઈન્દુકુમાર, અંક ૨ જો ( ૨ જી આવૃત્તિ ) ૧૯૨૭ ૨–૦૦
૨૬. ન્હાના ન્હાના રાસ, ભાગ ૨ જો ( ૩ જી આવૃત્તિ) ૧૯૨૮ ૧–૫૦
૨૭. ગીતમંજરી ( ૨ જી આવૃત્તિ ) ૧–૫૦
૨૮. જહાંગીર -નૂરજહાન ( ૨ જી આવૃત્તિ ) ૪–૦૦
૨૯. કુક્ષેત્ર, ચતુર્થાં કાંડ, યોધપર્વણી (૨ જી આવૃતિ ) } ૧–૫૦
૩૦. કુરુક્ષેત્ર, પંચમ કાંડ, પ્રતિજ્ઞાદ્વન્દ્વ
૩૧. કુરુક્ષેત્ર, એકાદશ કાંડ, શરશય્યા ૧૯૨૯ ૦–૭૫
૩૨. કુરુક્ષેત્ર, દ્વિતીય કાંડ, હસ્તિનાપુરના નિર્ધોષ ૧૯૩૦ ૧–૦૦
૩૩. શાહાનશાહ અકબરશાહ ૪–૦૦
૩૪. પાંખડીઓ ૨–૨૫
૩૫. કુરુક્ષેત્ર, દશમ કાંડ, કાળનો ડંકો ૦–૭૫
૩૬. સંબોધન ૨–૫૦
૩૭. દામ્પત્યસ્તોત્રો ૧૯૩૧ ૨–૦૦
૩૮. શિક્ષાપત્રી, સમશ્લોકી ૧–૦૦
૩૯. બાળકાવ્યો ૦–૬૨
૪૦. ઉપનિષત્‌પંચક ૨–૦૦
૪૧. સંઘમિત્રા ૨–૦૦
૪૩. પ્રસ્તાવમાળા ૧૯૩૨ ૩–૦૦
૪૩. ઈન્દુકુમાર અંક ૩ જો ૨–૫૦
૪૪. કવીશ્વર દલપતરામ ભાગ ૧ લો ૧૯૩૩ ૩–૦૦
૪૫. ઓજ અને અગર ૧–૫૦
૪૬. જગત્‌કાદમ્બરીમાં સરસ્વતીચન્દ્રનું સ્થાન ૨–૦૦
૪૭. આપણાં સાક્ષરરત્નો ભાગ, ૧ લો ૧૯૩૪ ૨–૦૦
૪૮. કવીશ્વર દલપતરામ, ભાગ ૨ જો, પૂર્વાર્ધ ૪–૨૫
૪૯. આપણાં સાક્ષરરત્ના, ભાગ ૨ જો ૧૯૨૫ ૨–૨૫
૫૦. ગોપિકા ( ૨ જી આવૃત્તિ) ૨–૦૦
પ્રથમાવૃત્તિની સાલ કિંમત
૫૧ કેટલાંક કાવ્યો, ભાગ ૩ જો ૧૯૩૫ ૧–૨૫
પર. ગુરુદક્ષિણા ૨–૦૦
૫૩. પુણ્યકન્થા ૧૯૩૭ ૨–૨૫
૫૪. સ્નાતિકપર્વની શિક્ષાવલ્લી ૦–૨૫
૫૫. ન્હાના ન્હાના રાસ, ભાગ ૩ જો ૧–૫૦
૫૬. મણિમહોત્સવના સાહિત્યબોલ, ભાગ ૧ લો ૨–૨૫
૫૭. મણિમહોત્સવના સાહિત્યબોલ, ભાગ ૨ જો ૧–૫૦
૫૮. સારથી ૧૯૩૮ ૫–૫૦
૫૯. લેાલીંગરાજ ૧૯૩૯ ૦–૨૫
૬૦. મુંબઈમાંનો મહોત્સવ ૧–૫૦
૬૧. કુરુક્ષેત્ર, અષ્ટમ કાંડ, માયાવી સન્ધ્યા ૧–૦૦
૬૨. મહેરામણનાં મોતી ૦–૮૧
૬૩. કુરુક્ષેત્ર, તૃતીય કાંડ, નિર્ધાર ૧૯૪૦ ૧–૦૦
૬૪. કુરુક્ષેત્ર, સપ્તમ કાંડ, ચક્રવ્યૂહ ૦–૭૫
૬૫. કવીશ્વર દલપતરામ, ભાગ ૨ જો, ઉત્તરાર્ધ ૫–૦૫
૬૭. સોહાગણ ૦–૬૨
૬૮. કુરુક્ષેત્ર, છઠ્ઠો કાંડ, આયુષ્યનાં દાન ૧–૦૦
૬૯. કુરુક્ષેત્ર, નવમો કાંડ, સહેાદરનાં બાણ ૧–૦૦
૭૦. કુરુક્ષેત્ર, સમન્તપંચક અને મહાપ્રસ્થાન ૦–૭૫
૭૧. કુરુક્ષેત્ર, અર્પણ અને પ્રસ્તાવના ૧–૫૦
૭૨. કવીશ્વર દલપતરામ, ભાગ ૩ જો ૧૯૪૧ ૫–૦૦
૭૩. પાનેતર ૦–૬૨
૭૪. હરિદર્શન ૧૯૪૨ ૦–૭૫
૭૫. વેણુવિહાર ૧–૦૦
૭૬. પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞાબિન્દુ ૧૯૪૩ ૧–૦૦