લખાણ પર જાઓ

પાંખડીઓ

વિકિસ્રોતમાંથી
પાંખડીઓ
ન્હાનાલાલ કવિ
૧૯૩૦




પ્રેમભક્તિ-ગ્રન્થમાળા

પાંખડીઓ

ન્હાનાલાલ દલપતરામ કવિ




વિ. સં. ૧૯૮૬
ઈ. સ. ૧૯૩૦
 


કીમત સવા બે રૂપીઆ


કર્તાને માટે રજીસ્ટર્ડ

પ્રકાશકઃ ન્હાનાલાલ દલપતરામ કવિ,

ભદ્ર, અમદાવાદ, ન. ૧


આવૃત્તિ ૧ લી
પ્રત ૧૧૦૦
૧૯૩૦

૧૯૨૭ ની સાલ પછી પ્રેમભક્તિ–ગ્રન્થમાળાના પ્રત્યેક ગ્રન્થની પ્રત્યેક પ્રત ઉપર કર્તાની ટૂંકી સહી હોય છે.

મુદ્રકઃ શંકરરાય અમૃતરાય

મુદ્રણસ્થાનઃ જ્ઞાનમન્દિર મુદ્રણાલય

રાયપુર, વાઘેશ્વરની પોળ પાસે–અમદાવાદ



ચોપાટીને આરે કે ચોરવાડને સાગરકાંઠે બેસીને પ્રહરો પર્યન્ત જલલહરીઓ ગણવી અને એમના અર્થસન્દેશ ઝીલવા ત્હને ગમતા.

એ લહરીઓમાં સાગરના શબ્દ નું સાંભળતો.

વાલકેશ્વરના પહાડનો પડદો એક વાર તો ત્હને ડોલતો દેખાયો કે જાણે હમણાં ઉપડશે ને પાછળનાં દર્શન કરાવશે.

ગુજરાતને ત્હારે તેજસ્વી ગુણગરવું સૌન્દર્યશણગાર્યું જોવું હતું. સંસારમાં તું સ્વર્ગ રચતો. લોક ત્હને સ્વર્ગનો ઇજારદાર કહી હસતા.

ત્હારા જેવા મ્હને પણ મનેારથો છે.

પહાડના પડદા ઉપાડી પાછળ દર્શન કરવાના ત્હારે હતા ને મ્હારે યે કોડ છે. વિશ્વભેદોની વાડીઓમાં રમવાના અક્ષરવિહારી કોકને જ અભિલાષ ન હોય. ગુજરાતનો ગુણસોહાગ એ તો ગુજરાતીઓનો ત્રિકાળનો દેશધર્મ છે.

ત્હારા જેવા મ્હને પણ મનોરથ છે ને તે તું જાણતો. ત્હારા અધૂરા રહ્યા: મ્હારા પૂરાશે ? કે જગતના કેટલાક ભેદોની ચાવીઓ જગત્‌કર્તાએ પોતા કને જ રાખી છે?

અગમ્યના ખોજનાર, અનન્તના આ યાત્રાળુ ! સુન્દરના સપૂત અમૃત ! નવયુગના ઓ પ્રતિહાર ! તુજથી અજાણ્યું ક્ય્હાં છે કે સૂર્યકિરણો કેટકેટલે આઘેથી ઉતરી પૃથ્વી ઉપર વરસે છે ? ત્ય્હાંથી વરસજે ત્હારાં કિરણો; અને આ અણુકિરણોમાં અન્ધારાં હોય ત્ય્હાં ત્હારાં તેજિકરણોના પ્રકાશ પૂરજે.

તું ઉદ્દારધર્મીલો હતો. આ પાંખડીઓને યે સ્વીકારજે ને ઉદ્દારજે.

લોક ત્હને ભૂલતું જાય છે; ત્હને ભૂલે છે એ અમૃતને ભૂલે છે. અમારાથી તો ત્હને ભૂલ્યો યે ભૂલાય એવું ક્ય્હાં કાંઈ ઉણું રાખીને તું ગયો છે ?

માથેરાન:
વૈશાખી અમાવાસ્યા, વિ. સં. ૧૯૮૬
 

પ્રસ્તાવના


આ ફૂલહાર નથી, ફૂલહિન્ડોળો નથી, ફૂલમંડળી નથી. ફૂલે નથી, પાંખડીઓ છે: શારદમન્દિરે સેવાપૂજા કરતાં વેરાયેલા આત્માનાં ફૂલની પાંખડીઓ. ફૂલપાંખડીઓમાં સુગન્ધ હોય, રેખાઓમાં આછાપાતળા અક્ષરો હોય. પાંખડીઓમાં સુકુમારત્વ હોય, ભભકાર ન હોય.

આ તેજ નથી, તેજ‌અણુઓ છે. યજ્ઞકુંડની યજ્ઞશિખાઓ ઉછળે છે ત્ય્હારે મંહીથી કોઇ કોઇ સ્ફુલિંગો ઉડે છે: એથી ઝીણેરા આ અણુકિરણો–Electrones છે. કોઈક હોલવાઈ જઈને કોઇક ઉડીને કો ઉરની કર્પુરઆરતીને પ્રગટાવે પણ ખરા.

હીરાના હાર રચતાં કરચો પડે છે. એ કરચો એકઠી કરી જડિયાસોની હારધણીને આપી જાય છે. આ ન્હાનકડો સંગ્રહ હું આ ભાવથી ગુર્જરજનતાને અર્પું છું. આ હીરા નથી, હીરાની કરચો છે.

આમાંની દશેક વાર્તાઓ—આ પ્રસંગો છે. આમને વાર્તાઓ કહેવી યે યોગ્ય નતી.-લખાયે પાંચેક વર્ષો થયાં. સતીનાં ચિતા લગ્ન અને સર્વમેઘ યજ્ઞ કવિતારંગે રંગેલી ૨૦ મી સદ્દીના ગુજરાતની બનેલી કથાઓ છે. બે વાર્તાઓ, વ્રતવિહારિણી ને વીણાના તાર. બત્રીશ વર્ષ પૂર્વે-૧૮૯૮-૯૯ માં મૂળ લખાયેલી છે. આ આટલાં વર્ષો આ વાર્તાઓને ગુજરાતની દૃષ્ટિથી છૂપાવી એ કદાચ ગુજરાતને અન્યાય કર્યો કોઈક કહેશે. પણ સાહિત્યસેવા એ મ્હારી જૂની ટેવ છે. આંબેથી તોડીને તરત હું કેરી જનતાને આપતો નથી: પાકકાળે કેરી પાકે ત્ય્હારે આપું છું.

અને આ વેળાના વિલંબનું તો એક બીજું પણ કારણ છે. ઇ. સ. ૧૯૨૫ ના જૂન માસના છેલ્લા દિવસો અને જૂલાઈ માસના પ્રથમ દિવસોના પખવાડિયામાં આઠદશેક વાર્તાઓ ઉભરાઈ ને મ્હારી છબી શારદછાબમાં ઠલવાઇ. મ્હારે એ દિશા નવી હતી એટલે

કસોટી કહાડી જોવાની ઇચ્છાથી બે‌એક વાર્તાઓની બીજાના હસ્તાક્ષરે નકલો કરાવીને નવાં જ ઉપનામોથી માસિકને મોકલાવી. એ વાર્તાઓ આ સંગ્રહમાં છપાઈ છે, પણ એ માસિકોમાં છપાય ત્ય્હારે ખરી. આમાંની એક બીજી વાર્તા મ્હારા નામથી એક માસિકમાં મોકલી. તે તરત છપાઈ; ડો. ટાગોરના શાન્તિનિકેતનમાંના એક ગુજરાતી વિદ્યાર્થીએ આન્ધ્ર દેશની ભાષામાં એનું ભાષાન્તર કીધું; ને એક ઉગતા આન્ધ્ર લેખકે મ્હારા બીજા ગ્રન્થોના ભાષાન્તરની પછી પરવાનગી પણ માગી ! સુરૈયાના નામથી નહિ, કસ્તુરીનાં ગુણગૌરવથી કસ્તૂરીનાં મૂલ મૂલવવાનું હજી યે આપણા સાહિત્યરસિકોને કહેવાનું રહે છે ?

સંસારશાસ્ત્રના પ્રશ્નો ગહન ને વિકટ છે. એક સન્નારીએ આમાંની બે‌એક વાર્તા વાંચી હતી, મંહી આપણા સંસારપ્રશ્નોના ઉકેલ દીઠા હતા. હા; કોઈકમાં ઉકેલ હશે, કોઈકમાં વણઉત્તર પ્રશ્ન જ પાથર્યો હશે, કોઈકમાં સંસારપ્રશ્નનું માત્ર સૂચન જ હશે. ન્યાયશાસ્ત્રનાં સમીકરણોની આમાં કોઈ આશા રાખશે તો તે નિરાશ થશે. નવલકથાનાં આ પ્રકરણો નથી, કે આ નવલિકાઓ યે નથી. આ તો નવલનાં Lyrics છે.

વાંચનાર ! મુંબ‌ઇમાં ચોપાટીના દરિયાકાંઠે ગયાં હશો: તો તે સંભારી જોશો ? સાગર તો ત્ય્હાંથી આઘે છે; પણ જરી જરી જેવડી જલલહરીઓ આવે છે ને પૃથ્વીપાળને પ્હલાળી જાય છે. છબછબિયાં પાણીની એ ઝીણકી જલલહરીઓમાં પાય ભીંજવ્યા હશે. છલબલતી આ લગરીક શી લહરીઓમાં યે આવો ને પાય ભીંજવો. કોઈક તપ્યાંને જરીકે ટાઢક વળશે, કોઈકનાં સહેજે ચરણ ધોવાશે, ત્હો યે કૃતાર્થ થયો માનીશ.

વૈશાખી પૂર્ણિમા,
વિ. સં. ૧૯૮૬
માથેરાન



ન્હાનાલાલ દલપતરામ કવિ















Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.