પાંખડીઓ/પ્રસ્તાવના

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← અર્પણ પાંખડીઓ
પ્રસ્તાવના
ન્હાનાલાલ કવિ
બોરસળીનો પંખો →


આ ફૂલહાર નથી, ફૂલહિન્ડોળો નથી, ફૂલમંડળી નથી. ફૂલે નથી, પાંખડીઓ છે: શારદમન્દિરે સેવાપૂજા કરતાં વેરાયેલા આત્માનાં ફૂલની પાંખડીઓ. ફૂલપાંખડીઓમાં સુગન્ધ હોય, રેખાઓમાં આછાપાતળા અક્ષરો હોય. પાંખડીઓમાં સુકુમારત્વ હોય, ભભકાર ન હોય.

આ તેજ નથી, તેજ‌અણુઓ છે. યજ્ઞકુંડની યજ્ઞશિખાઓ ઉછળે છે ત્ય્હારે મંહીથી કોઇ કોઇ સ્ફુલિંગો ઉડે છે: એથી ઝીણેરા આ અણુકિરણો-Electrones છે. કોઈક હોલવાઈ જઈને કોઇક ઉડીને કો ઉરની કર્પુરઆરતીને પ્રગટાવે પણ ખરા.

હીરાના હાર રચતાં કરચો પડે છે. એ કરચો એકઠી કરી જડિયાસોની હારધણીને આપી જાય છે. આ ન્હાનકડો સંગ્રહ હું આ ભાવથી ગુર્જરજનતાને અર્પું છું. આ હીરા નથી, હીરાની કરચો છે.

આમાંની દશેક વાર્તાઓ-આ પ્રસંગો છે. આમને વાર્તાઓ કહેવી યે યોગ્ય નતી.-લખાયે પાંચેક વર્ષો થયાં. સતીનાં ચિતા લગ્ન અને સર્વમેઘ યજ્ઞ કવિતારંગે રંગેલી ૨૦ મી સદ્દીના ગુજરાતની બનેલી કથાઓ છે. બે વાર્તાઓ, વ્રતવિહારિણી ને વીણાના તાર. બત્રીશ વર્ષ પૂર્વે-૧૮૯૮-૯૯ માં મૂળ લખાયેલી છે. આ આટલાં વર્ષો આ વાર્તાઓને ગુજરાતની દૃષ્ટિથી છૂપાવી એ કદાચ ગુજરાતને અન્યાય કર્યો કોઈક કહેશે. પણ સાહિત્યસેવા એ મ્હારી જૂની ટેવ છે. આંબેથી તોડીને તરત હું કેરી જનતાને આપતો નથી: પાકકાળે કેરી પાકે ત્ય્હારે આપું છું.

અને આ વેળાના વિલંબનું તો એક બીજું પણ કારણ છે. ઇ. સ. ૧૯૨૫ ના જૂન માસના છેલ્લા દિવસો અને જૂલાઈ માસના પ્રથમ દિવસોના પખવાડિયામાં આઠદશેક વાર્તાઓ ઉભરાઈ ને મ્હારી છબી શારદછાબમાં ઠલવાઇ. મ્હારે એ દિશા નવી હતી એટલે કસોટી કહાડી જોવાની ઇચ્છાથી બે‌એક વાર્તાઓની બીજાના હસ્તાક્ષરે નકલો કરાવીને નવાં જ ઉપનામોથી માસિકને મોકલાવી. એ વાર્તાઓ આ સંગ્રહમાં છપાઈ છે, પણ એ માસિકોમાં છપાય ત્ય્હારે ખરી. આમાંની એક બીજી વાર્તા મ્હારા નામથી એક માસિકમાં મોકલી. તે તરત છપાઈ; ડો. ટાગોરના શાન્તિનિકેતનમાંના એક ગુજરાતી વિદ્યાર્થીએ આન્ધ્ર દેશની ભાષામાં એનું ભાષાન્તર કીધું; ને એક ઉગતા આન્ધ્ર લેખકે મ્હારા બીજા ગ્રન્થોના ભાષાન્તરની પછી પરવાનગી પણ માગી ! સુરૈયાના નામથી નહિ, કસ્તુરીનાં ગુણગૌરવથી કસ્તૂરીનાં મૂલ મૂલવવાનું હજી યે આપણા સાહિત્યરસિકોને કહેવાનું રહે છે ?

સંસારશાસ્ત્રના પ્રશ્નો ગહન ને વિકટ છે. એક સન્નારીએ આમાંની બે‌એક વાર્તા વાંચી હતી, મંહી આપણા સંસારપ્રશ્નોના ઉકેલ દીઠા હતા. હા; કોઈકમાં ઉકેલ હશે, કોઈકમાં વણઉત્તર પ્રશ્ન જ પાથર્યો હશે, કોઈકમાં સંસારપ્રશ્નનું માત્ર સૂચન જ હશે. ન્યાયશાસ્ત્રનાં સમીકરણોની આમાં કોઈ આશા રાખશે તો તે નિરાશ થશે. નવલકથાનાં આ પ્રકરણો નથી, કે આ નવલિકાઓ યે નથી. આ તો નવલનાં Lyrics છે.

વાંચનાર ! મુંબ‌ઇમાં ચોપાટીના દરિયાકાંઠે ગયાં હશો: તો તે સંભારી જોશો ? સાગર તો ત્ય્હાંથી આઘે છે; પણ જરી જરી જેવડી જલલહરીઓ આવે છે ને પૃથ્વીપાળને પ્હલાળી જાય છે. છબછબિયાં પાણીની એ ઝીણકી જલલહરીઓમાં પાય ભીંજવ્યા હશે. છલબલતી આ લગરીક શી લહરીઓમાં યે આવો ને પાય ભીંજવો. કોઈક તપ્યાંને જરીકે ટાઢક વળશે, કોઈકનાં સહેજે ચરણ ધોવાશે, ત્હો યે કૃતાર્થ થયો માનીશ.

વૈશાખી પૂર્ણિમા,

વિ. સં. ૧૯૮૬

ન્હાનાલાલ દલપતરામ કવિ

માથેરાન

-૦-