પાંખડીઓ/હું તો નિરાશ થઇ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← અંજનશલાકા: અથવા સતી કે સુન્દરી? પાંખડીઓ
હું તો નિરાશ થઇ
ન્હાનાલાલ કવિ
બ્રહ્મચારી →


હું તો તે દિવસે નિરાશ થઈને આવી.

કોર્ટમાં જેમ ચોર ને ડાકુને ગુનેહગારો આવે છે એમ દવાખાને તાવલા પરૂવાળા કુદરતના ગુનેહગારો આવે છે. કોર્ટમાં સાચો કોક ફરકે, એમ દવાખાને સાજો કોક ફરકે. મ્હારૂં દવાખાનું પણ અપવાદરૂપ ન હતું, એટલે મ્હારે ત્ય્હાં યે નિરન્તર કુદરતના ગુનેહગારો દેખાતા.

તેથી કુદરતના કોડીલા નિરખવાના મ્હને કોડ હતા.

ઉકરડા ઉખેળનાર કો દેવમન્દિરે દર્શન કરવા જાય એ ભાવથી હું ભાષણ સાંભળવા ગઈ હતી.

ભાષણકારની ખ્યાતિ રસદેવની હતી. લોક એને રસનો ફૂવારો કહેતા. માસિકોમાં એની છબિલી છબિઓ છપાતી; વાર્ષિકોમાં એની લયલામજનૂનની વાર્તાઓ આવતી; મેનકા લાલારૂખ મસ્તાની લેડી હેમિલ્ટનને નાયકા સ્થાપી એણે કાદંબરીઓ લખી હતી.

નરનારના કુદરત રચ્યા આકર્ષણશાસ્ત્રનો એ આચાર્ય મનાતો. Sex relationsના Scienceને એ આવતી સદ્દીનું Science કહેતો.

એના ભક્‍તો કહેતા'કે વીસમી સદ્દીમાં જાણે બાવીસમી સદ્દીનો એ મહાપુરુષ અવતર્યો હતો.

એ કહેતો કે સ્ત્રીઓ સૌન્દર્યમૂર્તિઓ છે; ને લોકોત્તર રમણીયતાને સુન્દરીઓ ઝીલે છે એટલું પૌરુષમુદ્રાળા પુરુષો ઝીલતા નથી. તેથી સ્ત્રીમંડળોમાં વ્યાખ્યાનો કરવાનો એને પક્ષપાત હતો.

એ રસિકવરને જોવાને ને સાંભળવાને હું તો સ્ત્રીમંડળમાં ગઈ હતી.

વિષય ખરેખર! રસિક હતો : એક દેહની બે પાંખો ને ભાષણકર્તા રસિકવર હતા : ઇતિહાસઘડતા પ્રેમનાં નાટકવાર્તાઓના કર્તા, એ રસિકતા મ્હને આકર્ષી ગઈ હતી.

પણ હું નિરાશ થઈને પાછી આવી.

લોક હોય તેથી ડાહ્યા દેખાવા કેમ મથતા હશે ?

સભાગૃહ જવાહીરોથી ઝળહળતું હતું. કાનબુટ્ટીના હીરાઓની જાણે નયનબુટ્ટીના હીરાઓ સ્પર્ધા કરતા. સાડીઓના રંગો તો જાણે સન્ધાકાળનાં સોનેરી વાદળાં. ચોળીમાંનું ઈન્દ્રધનુષ ત્ય્હાં એક જ ન હતું. મોરની ખોલેલી કલામાં માંડેલાં હોય છે એટએટલાં ઈન્દ્રધ્નુષ્યો ચોળીઓમાં રમતાં લીલીની લાંબી પાંદડીઓ ઢળતી હોય એવી કરપાંદડીઓ ઢળેલી હતી.

અને ફૂલડાં વચ્ચે માળી જેવો એ રસમાળી સ્ત્રીમંડળમાં શોભતો.

દાયકાઓ પૂર્વે એક વેળા પ્રિન્સ રણજિતને ક્રિકેટ ખેલતા જોવા હું ગઈ હતી. બંગલેથી જાણે પ્રિન્સ રણજિત દૃઢ નિશ્ચય કરીને જ આવ્યા હોય કે વીસ હજારની માનવમેદનીને આજ નિરાશ કરવી છે એમ બન્ને ય દાવમાં એમણે બ્રહ્માંડ ચીતર્યું. તે દહાડે થઇ હતી એવી આજે હું નિરાશ થઈને પાછી આવી.

આજ જાણે એમને નવી કિર્તી કમાવી હોય એમ લાગ્યું.

પ્રૌઢતાને પગલે એ પધાર્યા, પણ ગાંભીર્ય એમને શોભતું ન્હોતું. થનગનતો ઘોડો હાથીની ચાલે આજ ચાલતો હતો.

નિત્યના ઉજળા એ આજ કાળા ભાસતા. નિત્યના હાસ્યરેખાળા એમની આજ રૂદ્રમુદ્રા હતી.

એ અકસ્માત ન હતો, નિર્ણયની દૃઢતા હતી.

રસિકવર આજ ડાહ્યાડમરા દીસતા.

એ ઉઠ્યા. પ્રમુખના ટેબલ ઉપર જાને અક્ષર કોરેલા હોય ને એ વાંચી વાંચીને વ્યાખ્યાન ઉચ્ચરતા હોય એમ આંખ ટેબલ ઉપર જ ચોંટેલી હતી : જાણે આસપાસ નયનઅળખામણાં જ એકઠાં મળ્યાં ન હોય.

સ્ત્રીસ્વભાવ જ-કોણ જાણે શાથી ?-પણ એવો છે કે નફ્‍ફટને નભાવી લે, લાજાળને નભાવી લેતો નથી.

હું ને મ્હારી સહિયરો તો નિરાશ થયાં.

અમે તો ધાર્યું હતું કે વાદળિને વિમાને બેસાડીને કિયા કિયા આસ્માનમાં ઘુમાવશે. અમે માન્યું હતું કે કેવી કેવી દિશાઓની કુંજો ઉઘાડીને અન્દરનું બતાવશે. પણ એમણે તો આજ પાંખ ભીડી દીધી હતી, ને કૂંચીઓ ઘેર મૂકીને આવ્યા હતા.

પૃથ્વીથી પર એ ઉડતા જ નહિ.

એમણે તો આજ ડહાપણનાં દફતર ખોલ્યાં હતાં.

ભાષણ આરંભ્યું. દેશદેશના દરવાજા એ ઠોકી આવ્યા, સાગર ઓળંગ્યા, યુગયુગ ઘૂમી વળ્યા. કાશ્મીરની કુંજો દાખવી, શીરાઝના ગુલઝાર વર્ણવ્યા, દીલ્હીનાં રંગભુવનો ખડાં કીધાં. રસ પડે એવું એવું ઘણું રસિકવરે કહ્યું. પણ-પણ છેલ્લેવેલ્લે ધબડકો વાળ્યો.

અમે માન્યું'તું કે કેવાંકે નન્દનવન હવે ઉપસંહારમાં ચીતરશે : કેવાકે પરીઓના મહેલ ઉભા કરશે ને માંહીના દેવદેવાંગનાઓના અલકાના ખેલ દેખાડશે.

એમણે તો શાસ્ત્ર ઉઘાડ્યાં.

રોજ ને રોજ મેડિકલ કોલેજમાં અમે ભણતાં એ જ એમના ભાષણનો ઉપસંહાર હતો.

All women are physiologically the same. What men desire of their women friends is the joy of psychological pleasures.

મ્હને થયું આ તે રસિકવર બોલે છે કે એનાટોમીના પ્રોફેસર ?

હું તો તે દિવસે નિરાશ થઈને પાછી આવી. ને મ્હારા જેવી કંઈ કંઈ નિરાશ થઈને ગઈ હશે.

અમે કેતલીક સહિઓયરો તો અમારા, સ્ત્રીમંડળમાં દરખાસ્ત લાવવાનાં છીએ કે આયન્દે ભાષણકર્તાની આમન્ત્રણ પત્રિકામાં એક ફૂટનોટ છપાવવી કે ' જેવા છો એવા દેખાવું હોય તો જ ભાષણ કરવા આવજો.'

પુરુષો કેવી ગંભીર ભૂલ ખાય છે ? અમ જેવીઓને તે ડહાપણના દરિયા જોઈએ છીએ ? કે રસિકવર ?

-૦-