પાંખડીઓ/પૂરવણી:ગુજરાતણ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← સાગરની સારસી પાંખડીઓ
પૂરવણી:ગુજરાતણ
ન્હાનાલાલ કવિ
(આ શબ્દચિત્ર છે, ને ચિત્રદર્શનોની નવી આવૃત્તિ થશે ત્ય્હારે ત્‍હેમાં છપાશે. દરમિયાન જિજ્ઞાસુઓને માટે માસિકનાં પાનાઓમાંથી લઈને પુસ્તકનાં પાનાંઓમાં મૂકેલ છે.)ભૂપ ! મ્હેં દીઠી ગર્વઘેલડી;
સખી બે મધ્ય ઉભી અલબેલડી;
કદળીસ્થંભ જુગલ સાહેલડી;
વચ્ચે વૈદર્ભી કનકની વેલડી.
પ્રેમાનન્દ

આગળ મોરલો દોડતો ને પાછળ હું દોડતો. મોરને મ્હારે પકડવો યે ન્હોતો, ને મોર મ્હારાથી પકડાય એમે ન્હોતો. ત્‍હો યે મોર દોડતો ત્‍હેની પાછળ પાછળ હું દોડતો. શા માટે દોડતો તે મ્હને પણ ખબર ન હતી.

કોઈક કોયલને ચ્‍હીડવે છે: શા માટે ? કંઈક અણલક્ષ્યા રમતિયાળ ભાવે એમ પજવવાને ખાતર મોરને હું પજવતો હતો.

ઈન્દ્રવેલના ગૂથ્યા પંખા શી પાંખો ફડફડાવતો મોરલો દોડતો. મોરફૂલની ખીલેલી પાંખડીઓ શી એની કલગી વાયુલહરીમાં ફરફરતી. એનો દોડતાં બીડેલો પીંછકલાપ પાછળ ક્ષણેક રંગોનું ઝરણું પાડતો. એ રંગઝરણાંને જાણે લોપવતો લોપવતો હું પાછળ દોડતો.

ન્હાનકડા વિમાન શો, આખરે, મોરલો ઉડી આંબાડાળે બેઠો, ને મ્હને ઊંડી કુંજઘટાની વચ્ચે મૂક્યો.

ફરતી વનરાજીની અલકલટો ઉડતી.

એ એક આંબાવાડિયું હતું, ને દૃષ્ટિ પહોંચે એટલ્રે દૂર એ પથરાએલું હતું.

અબરખ જેવાં ઘેરાં આભલાંના થર ઉપર થર મંડાય ને એ આભલાંનો સાતપૂડો ક્ષિતિજને કિનારે શિખરબન્ધી ધાર જેવો શોભીતો ઢળી રહે એવી આંબાવાડિયાની નીલવર્ણી ધાર આભને પાલવડે ભાત પાડીને પથરાયેલી ગામકાંઠેથી દેખાતી.

ગુજરાતમાં હિમાલય નથી કે ગંગા યે નથી; ગુજરાતમાં વિસૂવિયસ નથી કે નાયગરા યે નથી: ગુજરાતમાં ઘણું ઘણું નથી. પણ ગુજરાતમાં છે ત્‍હેનાં મૂલ કેટકેટલાંએ મૂલવ્યાં છે ? ગુજરાતમાં કદળીનાં વન છે, વડલાની કુંજો છે; વલ્લરીના માંડવા છે, આંબાનાં આંબાવાડિયાં છે. એ કુંજોમાં ને અમરાઈઓમાં હેલિયાં ખાતાં, આભલાં શાં, મીઠાં જલના સરોવરો છે.

લીલી ને ભીની ગુજરાતમાં કુંજો ને નિકુંજો છે. સારો ગુજરાત એક વિશાળ આંબાવાડિયું છે.

ન્હાની ડુંગરીઓ શી સાહેલીઓ ટોળે મળી ગરબો રમવા માંડતી હોય એવી એ અમરાઈ ઘેરગંભીર ઉભી હતી.

એની લીલી ઘટાઓ ઘરચોળાંની ભાતે ભાતીગર હતી. નવા મ્હોરના રૂપેરી વેલબુટ્ટા હરિયાળા પોત ઉપર અજબ સોહાગ ખીલવતા.

એવી ઘરચોળાની સાડી ઓઢીને પ્રકૃતિ સુન્દરી ઉભી હતી.

ને એ તો આંબાવાડિયાની અધિદેવતા હતી.

મ્હને એકલવાયો મૂકી મોરલો ઉડી આંબાડાળે બેઠો, કેકારવની કવિતા ગાવા લાગ્યો, ને વનઘટાઓમાં ઘેરી મધુરતાની ધારાઓ ઉછાળવા મંડ્યો ત્ય્હારે બીડેલા મોરકલાપના રત્નસ્થંભ સરિખડી તે મ્હારી દૃષ્ટિ ભરીને ઉભો.

ઈન્દ્રધનુષ્યમાંથી કોરેલી સાક્ષાત મૂર્તિ ત્‍હમે જોઈ છે ? કલ્પી શકો તો છો ને ? એ સૌન્દર્યમૂર્તિની આ છબિ હતી.

એ એકલી ન હતી. સહિયરોનો એમનો હિંડોળો હતો. મહાકવિ પ્રેમાનન્દ એ રૂપહિન્ડોળને વર્ણવી ગયા છે.

વનની પલ્લવઓઢણી સમી એની ભાતીગર ઓઢણી એના અંગને આચ્છાદતી ને ઉઘાડતી. ફરતા ફૂલછોડની વચ્ચે કદળી ફરતાં કદળીનાં ઝૂલન્તાં પાન ફૂલડાંઓમાં ઢળી રહે એવો એનો નવરંગ વેલબુટ્ટીની કિનારીનો ચણિયો ઢળતો. એને ભાગ્યદેશે કુંકુમની બિન્દી શશિયરમાં શશાંક સમી શોભતી. અંગોને ઝીલતી કેસરવર્ણી ચોળી, સૂર્યચન્દ્રને ઝીલતી પૂર્ણિમાના સાંયકાળની સોનેરી વાદળી શી, તગતગતી.

રસજગતની તે અધિષ્ઠાત્રી હતી.

સૌન્દર્યનું જાણે તે ફૂલ હતી; ને ફૂલમાંથી પરાગ ઉડે એમ એના અંગમાંથી સૌન્દર્ય્ના પરિમળ ઉડીઉડીને વાતાવરણને મહેકાવી મૂકતા. વિધાત્રીનાં કિરણો સમાં એનાં સૌન્દર્યનાં કિરણો એ આંબાવાડિયાનાં જાણે સૌન્દર્યના પ્રારબ્ધવિધાતા હતા. पुष्यामि चोषधिः सर्वे सोमो भूत्वा रसात्मकः; પ્રભુની રસચન્દ્રિકાનો જાણે એ ચન્દ્રાવતાર હતી, ને ગીતાઋચા પ્રત્યક્ષ કરતી તે રસાત્મિકા સૌન્દર્ય મૂર્તિ આંબાવાડિયાની ઓષધિઓને પોષતી.

દૂર્ગની દિવાલો ઉલંઘીને રાજવીના રાજમહેલના ગોખ ઝરૂખા ને અટારીઓનાં ઝૂમખાં ઝૂકી રહે એવી એનાં અંબરમાંથી અંગની અટારીઓ ઝઝૂમી રહેતી.

એની સેંથીના જ્યોતિર્માર્ગમાંથી ડાબે ને જમણે પડખે સાળુની સોનવેલ ઢોળાતી. એના બાહુદેશે ચોળીનાં રૂપેરી મ્હોળિયાં અંગરંગમાં ઢળી જતાં. ઝૂલન્તી ઝાડીમાંથી સરોવરજળ દેખાય દેખાય ને ન દેખાય એમ એના ઉડતા પાલવછેડલામાંથી અનંગવર્ણું અંગમંડળ દેખાતું દેખાતું ને ઢંકાતું. ચંપેરી ચોળીમાંનો રેશમભર્યો ધૂપેલિયા મોર ચંપાપાંખડીએ ભ્રમર બેઠાની ઘડીક તો ભ્રાન્તિ જગાડતો.

સોનવેલની કોર બાંધી સૂર્યપ્રકાશ ઢોળાઈ રહે ને તેજછાયાની ભાત મેઘાડંબરે મંડાય એવી ચોરસાના ઓઢણાની મંથાવટી એના કેશપટલ ઉપર પડતી. વાદળીલટકતા શિખર સરિખડો પાછળ અંબરઢાંક્યો અંબોડલો ઉપસતો.

ઢોળાતી વાદળછાયાને આરે વીજળીની ઝીણીઝીણેરી રેખા પલપલે એવી એના ચરણાનાં ચીરની કિનારીના ઢોળાતા પડછાયાઓમાંથી એક આંગળથી યે અડધેરીક પાનીરેખા ચમકતી.

પાંદડાંમાં પાંદડાં, ને એ પાંદડાંઓના ગાઢગૂંથ્યા પડોમાં ઢંકાયેલું શિવમન્દિર તારલિયાનાં ઝૂમખાં જેવું તરવરતું ઉભું હોય એમ એનો સૌન્દર્યમન્દિર દેહ ચરણા ચીર ને ચોળીની પલ્લવઘટાઓમાંથી ઢંકાયેલો તરવરતો.

નીચી આંબાડાળેથી ધરતી પર ઢળતા મયૂરના પર્ણકલાપ સમો એના દેહનો રત્નસ્થંભ આંખડલી ભરીને ઉભો.

મ્હારી સન્મુખ સૌન્દર્યનો જાણે ફૂવારો ઉડતો હતો.

એના અંગે ફૂલની સાદાઈ હતી. ફૂલડાંના દેવરંગો એનાં અવયવે ને આભરણે રમતા.

સૌન્દર્ય આભૂષણોમાં નથી, હીરામોતીમાં નથી; પણ શબ્દોમાં નિર્વહતા અર્થની પેઠે, અંગોમાંથી નિર્વહતા અર્થસંદર્ભના ઉછળતા રસફૂવારાઓમાં સૌન્દર્ય છે એ પરમ સત્યની તે ઋચા અને પ્રતીતિ હતી.

ઝીણેરા ગુલાબના ઝીણકા પાંદડીદંડ સમા એના અંગુલિઅગ્ર મોરલાનાં ધણને દાણા નીરી ચારતા હતા.

હાથે સોનાનાં મંગળવલય હતાં. કાને સોનાનાં કર્ણફૂલ હતાં. ફૂલછોડે શોભતા બેચારેક ફૂલડાં સમાં આછાં આભૂષણે એનો દેહછોડ દીપતો.

ફૂલછોડે ફૂલેલાં ફૂલ ફૂલછોડનાં જ પ્રફુલ્લેલાં પ્રાણતત્ત્વ છે એમ એનાં આછેરાં આભૂષણ એનાં સૌન્દર્ય-તત્ત્વનાં પ્રફુલ્લેલાં ફૂલડાં સમાં દીસતાં.

ખરૂં પૂછો તો શણગારને તે સુન્દરી શોભાવતી હતી.

લજામણીની પાંદડીઓ સમાં એનાં પોપચાં પડતાં ને ઉપડતાં. પણ એ પાંદડીઓમાંથી કય્હારેક કટારો ઉછળતી.

પુણ્યના પ્રકાશ એની સારી યે દેહદેહરીમાંથી પ્રગટતા હતા. ચન્દ્રદર્શને ચન્દ્ર કે ચન્દ્રિકા પ્રત્યે કો નરાધમ જ દુર્ભાવના થતી. રાવણ સમા કો રાક્ષસને એની દુર્વાસના જન્મતી: દેવો તો એને પૂજ્યભાવે વન્દન વન્દતા.

જગદંબાની એ બાલિકા સન્મુખે ઘણાખરાની અન્તરની મલીનતા ઉપટી જતી.

પોયણાં શી આંખડીઓ પ્રફુલ્લતી, પણ એમાંનું કોક કોક કિરણ તો ખડ્‍ગને ઝબકારે ઝળહળતું.

ગુજરાતની ધ્રુવદિશા ને સૂર્યદિશા રક્ષન્તી સિંહવાહિનીની એ વીર કુમારિકા હતી:

આંખ દર્શનમુગ્ધ હતી, પણ ઉર ઉડતું હતું. મ્હારા અન્તરમાંથી કોક પેલાં કાવ્યચરણો ગુંજી ઉઠ્યું. કવિતાની એ રસરેખાઓમાં ગુર્જરસુન્દરીની ચિત્રરેખાઓ છે.


ચોળી, ચણિયો, પાટલીનો ઘેર,
સેંથલે સાળુની સોનલ સેર;
છેડલે આચ્છાદી ઉરભાવ,
લલિત લજ્જાનો વદન જમાવ;
અંગ આંખે યે નિજ અલબેલ
સાળુમાં ઢાંકતી રૂપની વેલ:
રાણકતનયા, ભાવશોભના,
સુન્દરતાનો શું છોડ !
આર્યસુન્દરી ! નથી અવનીમાં
તુજ રૂપગુણની જોડ:
ભાલ કુંકુમ, કર કંકણ સાર,
કન્થના સજ્યા સોળ શણગાર.

અણદીઠ પરિમળથી દેવમન્દિર ભરાઈ રહે એમ અના સૌન્દર્ય પરિમલથી એ આંબાવડિયું ઉભરાઈ રહ્યું હતું.

વેદી ઉપરથી ધૂપનાં વાદળ ઉડે એમ એની દેહવેદી ઉપરથી રૂપનાં વાદળ ઉડતાં.

કુંજો વચ્ચે કુંજોની અધિષ્ઠાત્રી સમી તે ઉભી હતી. આંબાઓ વચ્ચે અમરાઇના રસ નિતારી ઘડેલી રસમૂર્તિ સમી તે ઝૂલતી.

ગુર્જરભૂમિની ભાગ્યવિધાત્રી સમી તે ભાસતી.

ફરતી કુંજો ભરીને એની સહિયરો રમતી. આંબાવાડિયાની એક્કે કુંજ એની સહિયરવિહોણી નહોતી.

આકાશભરમાં ચન્દ્રમા કિરણો ફેંકે છે એમ પલ્લવઘટાઓ ભરીભરીને એ અમૃતકિરણો ફેંકતી. ઉડતી એ કિરણાવલિથી આંબાવાડિયું રસવન્તું ને શોભાવન્તુ થતું.

ફૂલમાંથી ફોરમની પેઠે, ચન્દ્રમાંથી ચન્દ્રિકાની પેઠે, એના અંગઅંગમાંથી કંઇ કંઇ રસધ્વનિના ધૂપ વાતાવરણમાં ઉડતા.

જગતના કો અજબ સૌન્દર્યપુષ્પ સમી ગુર્જરી કુંજની એ ગુજરાતણ હતી.

એનું એક્કે યે અંગ ઉઘાડું ન હતું. કવિતા સમી તે સર્વાંગે ઢાંકેલી હતી. પણ આભલાં સરિખડાં એનાં અંગનાં આચેરાં આચ્છાદનો અનુપમ કાવ્યો ઉચ્ચરતાં.

ધ્વનિકાવ્યની તે મૂર્તિ હતી; ને એ સૌન્દર્યમૂર્તિમાંથી કંઇ કંઇ ગહરા રસધ્વનિઓ ઉછળતા.

ગુજરાતણ એટલે સૌન્દર્યનું ધ્વનિકાવ્ય. ગુજરાતણ એટલે આર્યકવિતાની પરમ રસમૂર્તિ.

ગુજરાતણ એટલે ગુર્જર કુંજોની પ્રેરણા.

અંગમાંથી રસનું ઝરણું નિર્ઝરતું હોય એવી એના સાળુની કોર એને માથેથી ઉતરતી, દેહદેશે ઢોળાતી, ને પગલાંમાં પડતી.

ગુજરાતણ એટલે મીરાંનો ટહુકાર: ગિરનારછાયાની પેઠે પૃથ્વી વીંધી પડતો રાણકનો પડછાયો: પાંચ હજાર વર્ષ પૂર્વે સાગરપાળેથી વગાડેલી કૃષ્ણબંસીના બોલનો અધુરો-મધુરો રસબોલ.

હું તો વન્દન વન્દી રહ્યો ને દર્શનમુગ્ધ સૌન્દર્યસમાધિમાં પડ્યો.

૧૦

પછી પેલો મોરલો ટહુક્યો ને હું જાગી ગયો.

જાગીને જોયું તો આઘે ને આઘે તે જતી હતી, ઓછી ને ઓછી તે થતી હતી. આંબાવાડિયું ઓસરી જતું ને કુંજો આથમતી ને ધરતીમાં ઢળી જતી ત્ય્હાં તે યે ધીરે ધીરે દૃષ્ટિપથમાંથી આથમતી જતી હતી. પાછળ એના પડછાયા રમતા.

સૃષ્ટિમાં સૌન્દર્ય છે ત્ય્હાં સૂધી ગુજરાતણ છે.

-૦-