પાંખડીઓ/વ્રત વિહારીણી

વિકિસ્રોતમાંથી
← ફૂલની ફોરમ પાંખડીઓ
વ્રત વિહારીણી
ન્હાનાલાલ કવિ
સાગરની સારસી →








૧૪ : વ્રતવિહારિણી

⚜️ ⚜️ ⚜️















આઠે પહોરના અમૃતરૂપ એ સમય હતો. જગતશોભન સૂર્યસુવર્ણ આભમાં યે ન્હોતાં પથરાયાં, અને અન્ધકારના ઓછાયા પણ અન્તરિક્ષમાં ન્હોતા ઉડતા. રાત્રી આથમી હતી. તેજેતેજશીતળ રજતવર્ણું પ્રશાન્ત પ્રભાત પૃથ્વીહૈયે પથરાયેલું હતું; જાણે જગતે ચન્દનીની જાજમ પાથરી!

ત્ય્હારે ભડભડતી ચિતા સળગતી હતી.

તે એક નદીનો તટ હતો, ને નદીતટમાં સ્મશાન હતું. મનુષ્યભસ્મનો અંગલોપન કરતું વર્ષાનું અઘોર જળ રાખના ઢગલાઓમાં થઈને વહતુંઃ જાણે કો અઘોરીએ ઉછાળેલાં પૂર. જળ આજ પ્રમત્ત હતાં. નદીના તીર આગળ, રોજ બાળકો રમતાં ત્ય્હાં, વેળુના દળમાં એક બાળક બળતું હતું.

‘મ્હને સાથે જવા દ્યો. અજાણ્યે માર્ગે એ મ્હારૂં ફૂલ ભૂલું પડશે. ગામમાં તે ભૂલું પડતું ત્ય્હારે હું શોધી લાવતો. બ્હે્નને ખોળે આપતો, માતાને હૈયે સોંપતો. મ્હને જવા દ્યો. ત્ય્હાંના નવા માર્ગોમાં એને કોણ દોરશે? મ્હને સાથે જવા દ્યો.’

સ્મશાનમાં વેળુ પથરાયેલી હતી. જળ ને વેળુની સંગમસીમ ઉપર એક ન્હાનકડી ચિતા બળતી. લાંબા વાંસ લેઈ લેઈ કેટલાક મનુષ્યો સોનાની પૂતળી જેવા બાળકની મંહી ભસ્મ કરતા.

એ રેતીમાં રોજ બાળાઓ રમતી, બાળકો દોડતાં. પણ આજ ત્ય્હાં વયોવૃદ્ધ પુરુષમંડળ હતું. જીર્ણ શીર્ણ વિવર્ણ તનુશેષ એક પુરુષ પાછળ સહુ ઘૂમતા, એને ઘેરી લેતા, અળગો કરતા. વારંવાર સહુ એને ગામ ભણી વાળતા, પણ એની આંખ તો વળી-વળીને ચિતા, ને ચિતા પાછ્ળના જલઓઘને, ને એ બધાંની પાછળના આકાશને નિરખતી.

‘મ્હને ત્ય્હાં જવા દ્યો. જન્મદાતા મ્હારી જનેતા ત્ય્હાં છે, જીવનસખી મ્હારી બ્હેંન ત્ય્હાં છે, આશાપુષ્પ મ્હારૂં બાળકડું ત્ય્હાં છે. મ્હારૂં કુલમંડળ ત્ય્હાં છે, મ્હને ત્ય્હાં જવા દ્યો. દયાળુ થઈ ક્રૂર બનશો? વિરહી રાખી રાજી થશો? કુળનો માંડવડો મ્હારો વિખરાઇ ગયો. ત્હે,નું છેલ્લું ફૂલ કરમાયું, ખર્યું, ભસ્મ થયું. મ્હારાં સ્નેહનાં ફૂલ જ્ય્હાં છે ત્ય્હાં મને જવા દ્યો.’

એને ક્ય્હાં જવું હતું? એ રુદનમૂર્તિ પુરુષનાં સ્નેહફૂલડાં ક્ય્હાં હતાં? સહુ ક્ય્હાં જાય છે? જગતયાત્રાનો વિશ્રામઘાટ ક્ય્હાં છે? સ્નેહ ને આશાનાં ચિરસ્થાયી વિહારભુવનો કિયા દેશમાં છે? જ્ઞાનીઓ, યોગીઓ, ભક્તો, સ્નેહીઓ; સહુ શેને શોધે છે? ત્ય્હારે એને ક્ય્હાં જવું હતું? માનવકુલ ક્ય્હાં જાય છે?

દશે દિશા સંકેલાઇને એને એક દિશા થઈ હતી. વળી વળીને એની આંખ એ દિશામાં વળતી. જલપૂરને આરે ભગવા ભડકા ભભૂકતા, લાંબા વનવાસ લઇ મનુષ્યો મનુષ્યબાલની સૂકી આંખે ભસ્મ કરતા; એજ એનું આજ દર્શન હતું, એ જ એનું આજ જગત હતું.

પછી તો ચિતા પાછળ નદીનાં પૂર ઉપર અદૃશ્ય કંઇક ઝઝૂમતું એણે જોયું, ને જોઈને ખડખડાટ હસ્યો. રડતાં કે હસતાં એનો ઉચ્ચાર એક હતો, મ્હને ત્ય્હાં જવા દ્યો.

ચિતાની પાછળ ઘેરાં નીર વહતાં, ને ત્હેોની પાછળ સ્હાતમે તીરે વનકુંજો હતી. જલતીરની એ વનકુંજોમાંથી તેજનાં પુષ્પ સમું એક બગલું પાંખ ફડફડાવી અનન્તમાં ઉડ્યું ને ઉંડું -ઉંડેરૂં નિહાળતું નિહાળતું કય્હાંક એ આથમી ગયું. એ નિરખીને તે હસ્યો. વાદળ ને વાદળની પાછળ પથરાતી અનન્તતા નિહાળીને તે રોયો; ને પાછું એનું એ રટવા લાગ્યો.

‘મ્હને જવાદ્યો; ચિતામાં થઈ ચેતનલોકમાં, સ્નેહીઓની સંગે સ્વર્ગમાં કે નરકમાં. મ્હને ત્ય્હાં જવાદ્યો. જનારને ત્હજમે રોકશો? શક્તિ છે? તો ત્હેેમને જ રોકવાં’તાંને? મ્હને જવા દ્યો એ અનન્તના આંગણમાં.’

નદીના પટનો વિસ્તાર ઠીક-ઠીક હતો. મંહી રેતીનાં દળ હતાં. ત્હેેની ઉંચી ભેખડે સિંહાસન સમી ટેકરી હતી. એ ટેકરી ઉપર વિશાળ ઘુમ્મટાળાં પુરાણાં પુરાણાં આમલી ને આસોપાલવ ગોરંભતાં ટેકરી લીલમલીલી હતી.

ટેકરી ઉપરથી એક સુન્દરી નદીપટમાં ઉતરી. કલ્યાણલક્ષ્મી સમી વનશોભા ત્હેાનાં સ્નિગ્ધ નયનોમાં વિરાજતી. ભગવો પાલવ એની આગળ ઉડતો, એની આસપાસ તેજ વર્ષતાં નદીની વેળુમાં એનાં પગલાં પાંદડીઓ પાડતાં.

પુરુષે સુન્દરીને દૂરથી આવતી દીઠી. ત્હે,ની ગૌર પ્રભા, ઉગતા સૂર્ય સમી ત્હેયની ભગવી મુદ્રા, મુખમંડળમાં મુદ્રાંકિત ભાવ, પાછળ વરસતાં સૂર્યતેજનાં કિરણો -કોણ જાણે શું?- જોઇને પુરુષની શોકાચ્છાદી મુખમુદ્રામાં સ્મિતની રેખાઓ ફરકીને શોભી ઉઠી.

એને અગમ્યનાં દર્શન થયાં.

સ્થિર પગલે સુન્દરી પુરુષ ભણી ચાલી. નવસૂર્યની વિખરાતી કિરણાવલિ શી સુભગ કેશાવલિ, નીલવર્ણાં નયનો, પ્રકાશતાં ને અશ્રુનિર્મળ તે પુરુષના દેહશિખરેથી નીતરતા મનોભાવઃ નિરખતી-ન નિરખતી તે સુન્દરી ચિતા ભણી ચાલી. પળમાં પુરુષ સન્મુખ આવી ઉભી.

દયાની મૂર્તિ શી તે આર્દ્ર ભાવે નીતરતી.

‘શું કરો છો આ? આંસુથી ચિતા છંટાશે? મૂવે જીવન આવશે?’

ઉત્તર કાજે ક્ષણેક તે થંભી. અન્તરિક્ષ અબોલ રહ્યું. પાંદડી ઉપર તેજ ફરકે એમ એના હોઠ ઉપર તેજ ફરકતું હતું.

‘કોને બોલાવો છો? સ્વર્ગે ગયેલાંને પાછાં બોલાવો છો? સ્વર્ગ કરતાં જગતમાં વધારે સુખિયાં કરશો? આંસુ કોને માટે છે? પ્રભુયાત્રાએ પ્રિયજન સંચર્યાં એમને કાજે? અનન્તમાં આનન્દે છે એથી યે અંહી આનન્દાવત? ત્ય્હાં આનન્દે છે માટે અંહી રડો છો? ખરૂં છે કે વિરહ ડંખે. કપરા છે મ્રુત્યુનાં વિષના ઉતાર. પણ અગ્નિમાં હાથ નાંખ્યે મ્રુત્યુના ડંખ નહિ મટે. ચાલો; આંસુ લ્હોઇ નાંખો; પૃથ્વી પુષ્પે ભરેલી છે.’

‘સ્મશાનમાંથી ક્ય્હાં લઈ જશો મ્હને? મ્હને અંહી જ રહેવા દ્યો. લઈ જ્શો તો ત્હ્મારે જ પાછો લાવવો પડશે સ્મશાનમાં.’

‘જેવી શ્રી હરિની ઇચ્છા. એના આદેશ, અમારે એ જીવનમન્ત્ર. જીવનવ્રત પૂરાં થયે આપણે યે ત્ય્હાં જવાનાં નથી? જીવનનાં આદર્યાં વ્રત પૂરાં કીધાં સહુ? ચાલો, જગત બોલાવે છે.’

સુન્દરી ત્હેીને જગતમાં દોરી ગઈ. પુરુષબળ વૃથા થયું ત્ય્હાં સ્ત્રીશક્તિ સફળ થઈ.ન્હાનકડી ચિતા, મંહી પથરાતી ઇન્ધણાંની તામ્રરેખાઓ, પાછળ વહેતાં પૂરઃ વળી વળીને એ સહુ જોતો દીનમુખ દુઃખમુગ્ધ પુરુષ સુન્દરીદોર્યો જગતમાં ગયો.

સોનાથી યે મોંઘા બાળકની ભસ્મ લોક ભસ્મ કરી રહ્યા. ચિતા શમી ને છંટાઈ. સહુએ સ્નાન કીધું, શોક કીધો, વૈરાગ્યવિચાર કીધો. પછી સ્મશાનમંડળ ગામ ભણી વળ્યું. ખીલતા ગેલતા લાડતા બાલુડાને નદીની વેળુના અંગારામાં મૂકીને સ્વજનો ગામમાં ગયા.

શોક મોહ જ્ઞાન ત્યાગની વિવિધ વાતો સહુ કરતા હતા. સ્મશાનવૈરાગ્ય છલકાતો હતો. ઘડીકની યે એ છલક મહામૂલી હતી.

એકે કહ્યું: એ બાળા તો સાધુકુંજની સાધ્વી હતી. શોક શમાવવા, આંસુ લ્હોવાં, તપ્યાંને ટાઢાં પાડવા, શીત ચ્હયડ્યાંને ઉષ્મા પાવી, પંખીને પાંખ ને પ્રાણમાં પ્રેરણા પ્રગટાવવી એ એમનાં વ્રત. સાધુકુંજ આત્માની ઇસ્પિતાલ છે. મનનાં દુઃખનાં ઔષધ ત્ય્હાં મળે છે.

બીજા એ કહ્યું: એ તો વ્રતવિહારિણી છે.

તે દિવસનો બપ્પોર નમતો હતો. સ્નેહલતા શી તેજ છાયાઓ વિવૃદ્ધ થતી હતી. વનમાં ગોધણ ઝૂલતું ઝૂલતું ગામ ભણી વળતું હતું. આભ ઉંડાં ને ઘેરાં ને તેજસ્વી હતાં.

દાઝેલી દુનિયા ટાઢી પડતી હતી.

ઘંટા વાગી ને ગુંજતી ગુંજતી નિદ્રાલીન થઈ.

‘બાલકુંજનો સમય થયો છે.’

ન્હાના ન્હાના બિલોરી પ્યાલાઓ, મ્હોટા મ્હોટા સીસા, આરસના ખરલ, ઝીણી-ઝીણકી તુલાઓઃ સહુમાં વ્યવસ્થા પ્રવેશી, નિયમ પ્રવર્ત્યો. ક્ષણમાં તો દયામૂર્તિ શી સુન્દરીઓ ઔષધાલયખંડમાંથી નીસરી. વિશાળ એ શરીર સુખસમૃદ્ધિનું સંગ્રહાલય સૂનું પડ્યું.

સુખપુર ન્હાનું ગામડું છે, પણ સાધુકુંજને લીધે દેશયશસ્વી છે. ત્‍હેનાં ચરણ ચુંબતાં નદીનાં પાણી વહે છે. વસ્તી ઉદ્યમી સન્તોષી ને તેથી ઉજળી છે. ફળ ફૂલ સુગન્ધથી ફરતાં વન ભરેલાં છે, ત્ય્હાં ગોપબાળ રમતા, વેણુ વગાડતા, ગોધણ ચારતા. સહુ ઉપર પ્રન્નવદન આકાશનો ચન્દરવો વિરાજતો.

સુખપુર નદીની ભેખડ ઉપર છે. બાળકો પાણીમાંની છાયાઓ સંગાથે રમતાં, ઉંચી વડની ડાળીએ હીંચકા બાંધી પાણી ઉપર હીંચકતાં, હીંચકતાં હીંચકતાં પાણીમાં ભૂશકા મારતાં, તરતાં, ડૂબકી ખાતાં, મનમાણ્યા ખેલ ખેલતાં.

સુખપુર ફરતાં વન હતાં વનમાં કોયલો બોલતી.

સુખપુરની સીમમાં પણ થોડેક આઘે એક વિશાળી કુંજ હતી. વડ આંબા જાંબૂડાં આસોપાલવથી એ ભરેલી હતી. નિરન્તર ત્ય્હાં કોયલો રહેતી ને બોલતી.

કુંજમાં એક સરોવર હતું. વાદળી જળજ્યોત્સનાભરેલું પાળબાંધ્યું ત્ય્હાં એક સરોવર હતું: નિર્મળી વસન્તવાદળી સમું, નીલમણિના તેજપાટ જેવું, કુંજ વચ્ચે એક સ્વચ્છ સરોવર હતું.

ને એ કુંજમાં બીજું શું હતું? કોયલો બોલતી, મેનાઓ નર્તતી, ચકોરીઓ ઉડતી. વન એમની કલકેલિથી સલ્લોલ બોલતું. કુંજમાં બીજું શું હતું?

ખાટી આમલીઓ હતી; કડવા પણ મીઠાશીળા લીમડા હતા; ગંભીર, સુજન શા ઉન્નત, વડવૃક્ષનાં ઝુંડ હતાં. મંહી કલાધર શીખંડી નાચતા. વળી બીજું શું હતું?

પ્રસન્નવદન તેજનિર્મળ પ્રભામંડળ શો કુંજમાં એક આશ્રમ હતો. વાત્સલ્યદીક્ષાધારિણી પુણ્યપ્રવૃત્તિમય દયાની દેવીઓ શી વ્રતવિહારિણી સંન્યાસિણીઓ મંહી રહેતી.

સંસારને આરે સુખપુરની કુંજમાં સંન્યાસિણીઓ વસતી.

એ સંન્યાસિણીઓને લોક વ્રતવિહારિણી કહેતા.

આશ્રમ પર ભગવો ઝંડો લહરતો; ને ધ્વજપટમાં કુંકુમઅક્ષરે ચીતરેલું હતું કે 'સુખ અને સાધુતા'.

એ વનને સહુ સાધુકુંજ કહેતાં. સુખપુરને સીમાડે સાધુકુંજ હતી.

સાધુકુંજ ઉપર આજ બપ્પોરનો તડકો નમતો હતો. ઘંટારવ ગુંજીને વિશમી ગયો હતો. અત્ય્હારે સાધુકુંજની દયામૂર્તિઓનો દયાના શિક્ષણનો શિક્ષણવિધિ ચાલતો હતો.

કુંજમાં બાગ હતો ને બાગમાં વેલમાંડવો હતો. બાળકોની શિક્ષણશાળા એ વેલમાંડવામાં હતી. એક દિશામાં કેટલાંક બાલબાલિકાને લેઇ સુન્દરીઓ સુન્દર ભાવે અક્ષરલેખન ને શબ્દવાંચન શીખવતી; ફૂલ ટોપી વેલના ગ્રન્થનવિધાન દાખવતી; બાલસેનાની સામન્તિની બની વ્યૂહરચનાના ખેલ ખેલવતી. બીજી દિશામાં બીમારની ઢોલણીઓ હતી, પારણાં હતાં. મૂળિયાં ઉપર નમતી વેલીઓ સમી સાધ્વીઓ ત્ય્હાં બાલકોને હસાવતી, આનન્દાવતી, ઓષધ પાતી, ઢોલિયે ને પારણે ભમરીઓ ને ચકલીઓ મૂકતી, ચિત્ર દેખાડતી, હાલરડાં ગાતી. કોક કોક વેળા પાસે કોક વીણા છેડતું તો કોક મૃદંગ વગાડતું; કોક તાઉસ ને સરોદ સજતું તો કોક જલતરંગને જલતરંગબંસીને જગાડતું. વેણુના સ્વચ્છ મીઠા લલકાર પણ કોક કોમળાંગી સુકોમળ સુરે મનમોહન બોલાવતી. મંડપની મધ્યમાં આરસનાં ફલકો ઉપર દીક્ષિતા દેવીઓ માનસરોવરનો હંસ, મંજરીમાંની કોકિલા, મેઘછાયે નાચતો કલાધર, વિશાલબાહુ મહાભાવ યોધરાજ, કે સ્નિગ્ધનયણી કૌમારશોભના રાજબાલાઃ એવાં રસમધુરાં ચિત્રો આલેખતી. કોઈક સાધ્વીઓ બાલકોને ફળ આપતી, કોઈક સાન્ત્વન દેતી, કોઈક હૃદયે ચાંપતી, કોઈક પાંદડાંને પંખે કે ફૂલડાંને નયનચુંબને બાલકોનાં પોપચાં ઠારતી.

સહુ આનન્દી હતી, સુખવાહિની હતી, કર્તવ્યવિલાસિની હતી.

'પણ આજ એ ક્ય્હાં ગઇ છે?' એક બાલિકાની વેણીમાં મોરપીંચ્છનો ચાક ગૂંથતાં એક સાધ્વીએ પૂછ્યું.

'ગઈ છે તો દયાનો સન્દેશો દેવાને. મંગળા વાગી ત્ય્હારે સ્મશાનમાંથી રુદન સંભળાતું હતું. ઉષા ઉગી ત્ય્હારની એ દિશામાં ગઈ છે. ફૂલના હાર એના અધૂરા છે, ઓષધના બાટલા એના અણભર્યા છે. અમૃતવલ્લીનો આસવ ઘૂંટતી'તી એ યે અધઘૂંટ્યો પડ્યો છે. પંખિણી જેવી પ્‍હરોડિયે આભમાં ઉડી છે.' જગત એવી પંખિણીઓનું વન છે, ઝૂમખે ઝૂમખે ચકોરીઓ ઉડે છે.

નમતો પ્‍હોર નમીને સ્‍હાંજ પડી. વન ઘેરાં થયાં, કુંજ કુમળી પડી. સાધ્વીઓ કરમાયા જેવી થઈ.

ફરીથી ઘંટારવ થયો ને વનમાં જઈ વિશમ્યો.

'દયામૂર્તિઓ ગામમાં જાય, ને સ્નાનમંડળ સરોવર ચાલે.'

વેરાતી પાંખડીઓ શી યુવતિઓ દિશામંડળમાં વેરાઈ ગઈ. જતાં જતાં એક બાળા બોલીઃ હજી યે તે ન આવી.

હરિણીવૃન્દ સમું એક સાધ્વીમંડળ સરોવરકુંજમાં ચાલ્યું; દિગ્‌વાસિની દેવાંગનાઓ સમું બીજિં સાધ્વીમંડળ સુખપુરને માર્ગે પડ્યું. સહુ ઉપર સ્‍હાંજની શીતળતાનાં ફોરાં વરસતાં.

કુંજમાં નિરન્તર કોયલો બોલતી ને કલ્લોલતી.

સાધ્વીઓ જઈ સરોવરમાં પડીઃ ટાઢકની ઉર્મિઓ સમી જલછાલકો ઝીલતી ઝીલતી, પાણીના ફૂવારા ઉડાવતી, નિર્દોષ ક્રીડામત્ત તરવા લાગી. કમળના ડોડલા જેવા વદનસંપુટ સ્‍હાંજની નિષ્કામ તેજની વાદળીઓમાં પ્રભાપૂર્ણ સુહાતા.

'ને હજી યે એ ન આવી !'

વનકુંજનો છાંયડો સરોવર ઉપર પથરાઇને પડ્યો. સાધ્વીઓ જળશીતળ થઈ. પછી પોયણાં જેવી જળનીતરતી સુન્દરીઓ એકે એકે સરોવરમાંથી નીકળી.

કપોલસોહવતાં જલઝૂમખાં ખેરવતાં ખેરવતાં એકે કહ્યું: સ્‍હાંજ પડી ને ત્‍હો ય એ ન આવી.

ઓ આવેઃ પેલા આસોપાલવની નીચે. જો-જો પ્‍હણે. કુંજમાં નયન પરોવતી બીજી યુવતી બોલી.

સ્‍હવારવાળી સ્મશાનમાંની એ વ્રતવિહારિણી હતી. સ્‍હાંજનાં તેજ સમું હસતી હસતી એ સરોવરે આવી. વનલીલા, સરોવર, આથમતો સૂર્યરાજ; સહુ જોઇને તે હસી પડી. પછી ક્ષણેકમાં ઘટા શી ગંભીર થઇને બોલીઃ

મ્હારે તરવું છે.

એકે કહ્યું: તર્યાં હવે. આજે કાંઈ નહિ.

એણે કહ્યું: ના, ના; મ્હારે જળમાં તરવું છે.

બીજીએ કહ્યું: ડંકો વાગી ગયો. આજ મોડું થયું. જો, સૂરજ નમે છે.

તે ખડખડાટ હસી પડી.

તું હસે છે શાને? એક સાધ્વીએ પૂછ્યું.

જગત રૂવે છે માટે હસું છું: એણે કહ્યું. પેલું ત્‍હમે જૂવો છો?

શું?

પેલું; પેલા આંબા પાછળનું તેજોમય આભ, ને આભને આંગણે ઉડતું પેલું વિમાન. પેલું, પ્‍હણે, કોયલ બોલે છે એની પાછળ. ને ત્‍હેમાં વિરાજેલા -

બોલતાં બોલતાં નદી સમી તે ગંભીર થઈ ગઈ. એની આંખ વનદેશ જોતી, પણ અન્તર કંઈક અનેરૂં નિરખતું. કીકીઓ કંઈક હૃદયમાં ન્ય્હાળતી.

જા-જા, ગાંડી થઈ લાગ છ. એ તો વાદળી છે વાદળી. સહિયરો હસી પડી. હાસ્ય સાંભળી તે આગ્રહીને સ્થિરનયન થઈ.

નહિ, નહિ. ત્‍હેની યે પાછળ, એ વાદળીથી યે વેગળે, જૂઓ, જૂઓ; પેલું, પ્‍હણેઃ આભને આંગણે, ઉડતા ફૂલ જેવું વિમાન; ને મંહી -

અને મંહી શું? બોલનાર પણ એ સ્પષ્ટ જાણતી ન હતી.

સરોવરેથી સહિયરો આશ્રમ ભણી વળી. તેજનાં કિરણો સ્ફુરવતા હરિણમંડળ સમું સહિયરવૃન્દ વનમાંથી આશ્રમે આવ્યું.

આશ્રમની વાડીમાં બાળકો દોડતાં. એમને જોઈને તે રડી પડી ને બોલીઃ એવડી ઉતાવળ શી છે જે?

વાડીમાં ફૂલડાં વેલીઝૂલે હીંચકા ખાતાં. એમને જોઈને તે હસી, ને કહ્યુંઃ જીવન એ કાળનો હીંચકો છે.અ છાંયડે બેઠેલી યુવતીઓ બાળકોને માટે મુગટ ગૂંથતી હતી. તે ડમરો અને સરવની ડાંખળીઓની માળા બાંધતી હતી.

અને પેલું જૂવો છો ત્‍હમે? ત્‍હેણે પૂછ્યું.

શું? નદી ઉપર હોડકું તરે છે તે?

અરે ના-રે! ના. ત્‍હેની પાછળ પેલી પાંખ ઝગમગે છે તે-પેલી તારલા શી શ્વેત વાદળમાં વિહરતી પાંખ.

ના બ્‍હેન! તું ત્‍હારે જો. અમારી આંખો તો આંધળી છે. ન દીઠાનું આજ તું દેખ છ.

દુનિયાની આંધળી આંખે દેખતી થશે. જૂવોઃ સ્મશાનમાં તેજદીવડો છે, પૂર ઘેરાં ઘેરાં હસે છે, ચિતામાંથી આનન્દ પ્રગટે છે. જૂવો સ્મશાનમાં આજ સહુ હસે છે. ને જૂવો, સ્મશાનની પાછળ સ્વર્ગ. સ્વર્ગ આઘાં નથી હો! જૂવો, અઘોરની પાછળ અમૃત, જૂવો-

તું આજ ક્ય્હાં જમી?

દીક્ષામન્ત્રમાં જમવાનું કહ્યું છે? જૂવો, ધ્વજ ઉડે છે. સુખ અને સાધુતાથી જગતને વધાવવું એ આપનું જીવનવ્રત. જમવું એ જીવનવ્રત છે કંઇ? દીક્ષા દેતાં જમવાનું કહ્યું છે કંઈ?

આશ્રમઘંટા વળી વાગી. દિવસનાં અજવાળાં આથમ્યાં હતાં. સહિયરો આશ્રમમાં સિધાવી. પાછળ રાત્રીનો પડદો પડતો હતો.

નદીનાં પૂરને, સ્મશાનને, ચિતાને જોતી જોતી આશ્રમવાડીમાં તે ફરતી હતી. આથમતા દિવસને જોઇ તે રડતી; પડતી રાતને જોઇ તે હસતી.

રાત્રીનો અન્ધારપછેડો આશ્રમને આચ્છાદીને પડ્યો. ચન્દ્રોદય નથી, ચન્દ્રોદયની આશાયે નથી. આશ્રમ આજ અન્ધકારમાં છે.

તે દિવસની રજની નરી અન્ધકારથી ભરલી હતી. અમાસના ઓળા દુનિયામાં પથરાતા. આભમાં તારલા પણ ન હતા. કાજળકાળો મેઘ દિશામંડળને ઘેરી પડ્યો હતો. એકે દિશા ઉજળી ન હતી.

તિમિરવેલ શી તરુમાળા નદીમાં નિરખતી તીરે ઉભી હતી. નદીનાં પૂર વહ્યે જતાં હતાં.

'એમની શી દશા હશે? સાધ્વીમાએ મ્હને દવા પાઇ. આ અન્ધકારને યે હું વીંધતી વહું છું. એમનું શું થયું હશે? લોક કહેતાં માનસવ્યાધિનાં ચિહ્‍નો છે. સાધ્વીમા! ત્‍હમારૂં કલ્યાણ થાવ કે મ્હને ચેતાવી. આત્માના ઉન્માદની દવા આ એમને પાઇશ.'

ચોળી ઉઘાડીને હૈયામાંથી ઔષધી કહાડી અન્ધકારના તેજમાં તે નિહાળી રહી.

પ્રચંડ સમીરણો ગર્જતા. સરિતાનાં પૂર નીચે ઘરઘરતાં ઉપર મેઘની પતરીઓ થરથરતી.

આભ પૃથ્વી ને અન્તરિક્ષ - ત્રિલોક ત્ય્હારે થરથરતો હતો.

'સાધ્વીમા! ત્‍હમારૂં મંગળ થાવ. 'વ્રતપાલનને ભયસીમા નથી, કાલસીમા નથી, લોકસીમા નથી, દિશાસીમા નથી.' શો ત્‍હમારો મહાનુભાવ આદેશ! જઈને ત્‍હેમને આ દવા પાઇશ. સાધ્વીમા! અન્ધકારમાં યે સહુ દેખું છું. ત્‍હમારૂં સ્નેહકાન્ત હૃદય, પેલું જગતની સીમા ઉપરનું અધોર સ્મશાન - '

એ સાધ્વી કેમ થંભી? તે શું જોતી હતી ! તે જોતી ન હતી પણ સાંભળતી હતી. દિશાઓને છેડેથી આવતું કંઇક મન્દ મન્દ હાસ્ય તે સાંભળતી હતી.

તે કોણ હતી?

તે વ્રતવિહારિણી હતી. ત્‍હેનો વ્રતપરાયણ પ્રાણ ત્‍હેના શરીર શબથી આગળ ઉડતો, ને દૂર-દૂરનું કંઈક અસ્ફુટ ને મન્દ મન્દ હાસ્યઘોષણા જેવું એ અનુભવતો.

'હાય હાય! અત્ય્હારે પણ સ્મશાનમાં! અન્ધકારને યે ગણકારતા નથી. અન્ધકારને શું પ્રબુદ્ધને જ ભયપ્રદ છે?'

તે સુન્દરીએ દોટ મૂકી. ઢળી જતા હૃદયને કરસંપુટમાં ઝીલી રાખી સંજીવનવેલની શોધમાં જતી જેવી તે યુવતિએ હરિણગતિથી ન્હાની ન્હાની છલંગો ભરવા માંડી. દુઃખભાર શો ત્‍હેનો વિસ્તૃત ભગવો સાળુ પવનમાં લહેરિયાં ખાતો પછવાડે ઉડતો આવતો.

આકાશમાં રાત્રી અંધારી હતી, ને રાત્રી આડો યે મેઘનો અભેદ્ય પડદો હતો. મેઘ નીચે ભૂતગણ સમા ત્રાડતા સમીરણો વહતા. સરિતામાં પૂર ચ્‍હડેલું હતું. સૃષ્ટિનાં મહાતત્ત્વોની ભયંકરતાથી પૃથ્વી ભયંકર બની હતી.

સાધુ કુંજની સાધ્વી હરિણી શી દોડતી હતી. આશા ને નિરાશા વચ્ચે તે ઝોલાં ખાતી. જીવન માત્ર હૃદયમાં સંગ્રહી ભયભીત ગાય જેવી તે છલંગો ભરતી.

સ્‍હામે કાંઠે ચીતાઓ ભભૂકતી ને અગ્નિ ઉછળતા હતા. સ્મશાન નજીક આવ્યું. શબ્દો ત્‍હેને સ્પષ્ટ સંભળાવા લાગ્યા.

'મા! મ્હને બાળક આપો. સરિતામા! મ્હારી બહેનનું બાળક, મ્હારી માતાનો કુમાર, મ્હારો કુળકુમાર, સરિતામા! મ્હને પાછું આપો. આજની સ્‍હવારે જ ત્‍હમે લીધું છે એ પાછું આપો.'

વ્રતબાળાએ ગતિ વધારી. દેહપુષ્પની પ્રફુલ્લ પાંખડીઓ સમી વસ્ત્રપાંખડીઓ પ્રસારતી વ્રતબાળાની ગતિ મનોભાવ સમી ધસતી.

'મા ! પાછું આપો. સરિતામા ! કેમ બોલતાં નથી? લોક કહેતા કે એ મારો કુલકુમાર ન હતો. મ્હારી બ્‍હેનનું એ મ્હારૂં નહિ? લોક મ્હને ઘેલો કહે છે. લોક ઘેલાં નથી? મ્હારી ભગિનીમાતનું એ મ્હારૂં નહિ? ભગિનીસ્નેહ-માતૃસ્નેહની ડાંખળી બીજે ક્ય્હાં છે? એક વ્રતબાળામાં. સરિતામા ! એ વ્રતબાળા આવે ત્ય્હારે પ્રણામ કહેજો. સ્મશાનમાં યે એનાં ચરણો શીતળતા પાથરે છે.'

તે યુવતી દોડતી હતી. સ્‍હામો કાંઠો હવે દેખાયો. કાંઠાના વેળુપટ દેખાયા. નદીનાં કાળાં ભમ્મર નીર પણ અન્ધકારમાં ઉછળતાં દૃષ્ટિમાં આવી ઉભાં.

'મા ! મ્હને એ આપોઃ મ્હાતી સ્નેહભીની માતા, મારી વીરનયની ભગિની, મ્હારો કુસુમકાન્ત કુમાર. મા ! મા ! સરિતામા ! ન આપો તો મ્હને લ્યો, ને ત્ય્હાં લઈ જાવ જ્ય્હાં એ છે. મા ! લ્યો મ્હને, ને ત્ય્હાં લઈ જાવ. સહુને ત્ય્હાં લઈ જાઓ છો ને મ્હને નહિ લઇ જાઓ? મા! મ્હને લઈ જાવ. લ્યો, લઈ જાઓ, મા!'

એક પુષ્પ પડે એવો નદીનીરમાં ધબકાર થયો, પણ વ્રતબાલાના હૃદયમાં તો પ્રલયગર્જના ગાજી ઉઠી. તે ઉછળીઃ સિન્ધુતરંગ શી પાલવપટ પાથરતી તે ઉછળી. સાધ્વી ભેખડની ધાર ભણી દોડી.

નદીપટમાં મેઘલી અમાસનો ગાઢ અન્ધકાર હતો. અન્ધકારમાં પૂરનાં વમળ પડતાં. ભમરી ખાતાં ખાતાં પૂર ઉછળતાં ધસતાં.

ઘન ગર્જતો હતો - સાધ્વી સ્વર્ગનાં દુંદુભી સાંભળતી. વીજળીઓ ચકમતી હતી - સાધ્વીની આંખ સન્મુખ અનન્તનાં દ્વાર ઉઘડતાં.

'હાય! એ જ, એ જ. એ મોજાને શિખરે. એમને દાવા પાઉં, એમને હૈયામાં લઉં, હુંફ આપું, સંજીવિની પાઉં. એ જ : તરંગશય્યાસુહાગી-'

થરથરી, કમકમી, વિપુલ્લતા શમી ગઈ. એક દેહપાંખડી-એક કિરણ પડે એવું -એક તનુમણિ નીરમાં પડ્યું. પણ તેથી વિશ્વવિલોપિત અન્ધકારે કમ્પી ઉઠ્યો.

'કોણ? વ્રતવિહારિણી? આવોઃ ત્‍હમારા વિના મ્હારૂં સ્નેહસ્વર્ગ અધૂરું રહેત. આવો, જળશય્યા આપણી પ્રેમ શય્યા થશે.'

'ના, ના. આ દવા પીઓ, જગતકાંઠે ચાલો.'

'જગત બહુ જોયું. ચાલો બીજાં જગત જોવાને જઇએ.'

સાધ્વીની કરવેલને નિવારી નાંખી, સંન્યાસિણીને જલભીના ભુજપાશમાં લીધી. આત્માઓને ચુંબન લેતાં હૃદય ઉપર હૃદય પાથરી તેઓ જલમંડપમાં સૂતાં.

'આપણે તટ ભણી જઇએ છીએ; પણ જગતના નહિ, સ્વર્ગના. આથી યે સુકોમળ, આથી યે સહસ્ત્રધા સ્નેહસમૃદ્ધ તટ ભણી.'

'ધન્ય ભાગ્ય! ચાલો. આયુષ્યની આહૂતિ આપી જીવનવ્રત ઉજવીશ. પ્રાણોત્સર્ગ કરીને સ્નેહદીક્ષા લઈશું. મૃત્યુ પી જીવન માણીશું. ચાલો એ સ્નેહભૂમિમાં.'

એ સહુ કોણે જોયું?

પરમ પુણ્ય ને પરમ પાપ અન્ધકારમાં થાય છે. જગત એમને ઓછાં જ ઓળખે છે? દુનિયાનું તેજ ત્‍હેને પ્રકાશી શકતું નથી, દુનિયાના અન્ધકાર એને આચ્છાદી શકતા નથી. આ આપણાં તેજ ત્ય્હાં અન્ધકાર છે, આ આપણા અન્ધકાર ત્ય્હાં સ્થૂળનાં પડ છે.

સૃષ્ટિમંડળના વિકાસમાં માનવસૃષ્ટિ વચલું પગથિયું છે.