પાંખડીઓ/એનું પ્હેલ્લું પુષ્પ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← વીજળીની વેલ પાંખડીઓ
એનું પ્હેલ્લું પુષ્પ
ન્હાનાલાલ કવિ
કુંવારો કે બ્રહ્મચારી?  →


વનની તે મહારાણી હતી.

વનમાં હરિણી વિચરે એવી એ વિચરતી. ડાળખીએ ડાળખીએ કો પંખિણી ઉડે એવી એ ઉડતી.

ચન્દ્રમા ઉગેને આકાશની કુંજોમાં અજવાળાં પથરાતાં. પાંદડે પાંદડે એના રૂપનું કિરણ જઇને બેસતું ને શોભાના અક્ષરો લખતું.

વન જાણે એને જોઇને આનન્દતાં.

ઉડણપંખિણી શી એ ઉડતી હતી.

વનમાં એણે એક વૃક્ષ જોયો, ને વૃક્ષની ડાળેથી વેલીને ઝૂલતી દીઠી. સાડીની કોર જેવી લીલી પલ્લવકોર ઢળેલી હતી.

ગગનની ડાંખળીએ ડાંખળીએ તારકફૂલડાં લટકે છે એવાં એ વેલની ડાંખળીએ ડાંખળીએથી ફૂલડાં લટકતાં.

એ વેલને ભાગ્યદશે સૌભાગ્યચન્દ્રક હતો; એને કંઠ-પ્રાન્તે એકાવળ હાર હતો; એને બાહુદંડે ગજરા હતા; એને પાયપલ્લવે ફૂલનાં ઝાંઝર હતાં.

વનની એ ચન્દ્રવેલ હતી.

ચન્દ્રવેલને નિરખતી ઘડીક એ થંભી ગઇ. વનદેવીનાં કો દર્શન કરે એમ દર્શન કરતી એ ઉભી.

પછી એને થયું કે પોતેય એવી શોભે તો ?

પોતાની અંગુલિની કળીઓ એને ઓછી કુમળી લાગી, હૈયાનાં ઝૂમખાં એને ઝંખતાં લાગ્યાં, કંથની આરસકાન્તિ એને નિસ્તેજ લાગી.

એના મનને કંઈક ઉણપ ભાસી. ' વનની ચન્દ્રવેલ સન્મુખ ઉભતાં મહારાણી ઝંખવાઇ. ચન્દ્રવેલ સમી શોભાસજ્જ થવાના એને કોડ જાગ્યા.

એણે હાથ લંબાવ્યો ને એક ફૂલ ચૂંટયું.

ચૂંટતાં તો એ ફૂલ એણે ચૂંટ્યું, પણ ક્ષણેક પછી એને થયું કે એ ખોટું કર્યું. ચન્દ્રવેલ ભણી જોયું તો ચન્દ્રવેલ ઠપકો આપતી એણે દીઠી.

જગત ભણી મુખ કરીને એ ઉભી.

મનમાં એ મૂંઝાઈ. ઘડીક તો સૂજ્યું નહિ કે કિયા અંગની ડાળખીએ એ ફૂલને લટકાવવું.

પછી એને થયું કે કાળા વાળમાં ગોરૂ ફૂલ ઠીક શોભશે.

ફૂલડાંખળીની બે કુંપળો એણે બે લટોમાં પરોવી. મહારાણીના લલાટદેશના મધ્યપ્રાન્તે સૌભાગ્યના પુષ્પ સમું એ પુષ્પ લટકી રહ્યું.

એને અંગે અંગે આનન્દના ફૂવારા ફૂટ્યા. પોતાનું પ્રફુલ્લેલું રૂપ પોતે દીઠું તો નહિ, ત્હો યે મહારાણીની રોમધારાઓ નિર્ઝરી રહી.

મહારાણીને આજ આનન્દનું પરવ હતું.

વનની રાણી પછી વનમાં સંચરી.

પછી એણે કળાયેલ મોરને નાચતો દીઠો. નૃત્ય તો નહિ, પણ એના યે પગમાં એક જાતનું ઝૂલન જાગ્યું.

પછી એણે કોયલને બોલતી સાંભળી. એનો યે કંઠ ઉઘડી ગયો ને એણે સ્હામો ટહુકાર કીધો. એ ટહુકારે વન ગાજ્યાં, ને કોયલ શરમાઈ ગઈ.

સુન્દરીનો ટહુકો જગતમાં ઢોળાયો ત્ય્હારથી કોયલ કુંજોમાં સન્તાતી ઉડે છે.

તે તિથિએ સુન્દરતાનાં શાસ્ત્ર પૃથ્વીમાં ઉતર્યાં.

-૦-