લખાણ પર જાઓ

ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/મોરૂ!! મોરૂ !

વિકિસ્રોતમાંથી
← મોરલી બોલે છે ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
મોરૂ ! મોરૂ !
ન્હાનાલાલ કવિ
યુગપલટા ઘડશે →


૨૩, મોરૂ ! મોરૂ !




મોરૂ ! મોરૂ ! કય્હાં થકી જઈશ ?
ભમરભૂલી મોરલી રે !
અણુમાંથી ઉડી ઉડી જઈશ,
અમર મ્હારી મોરલી રે !

ફરતી છે પર્વતમાળ,
ભમરમૂલી મોરલી રે !
ગરૂડ શી ગિરિને કુદીશ,
અમર મ્હારી મોરલી રે !

ચોગમ ચ્હડી આવ્યા મેઘ,
ભમરભૂલી મોરલી રે !
વીજળી શી ધનને વીંધીશ,
અમર મ્હારી મોરલી રે !

નીલઘેરૂં ઘેરે આકાશ,
ભમરભૂલી મોરલી રે !
વાદળના પટ ફોડી જઈશ,

અમર મ્હારી મોરલી રે !

વનમાંથી આવ્યા વનમાળી,
ગૂથી ફૂલમંડળી રે;
છાંટ્યા કઈ અદ્ભુત મંત્ર
ભરી ઉરઅંજલિ રે,
કહે, સખિ ! કય્હાં થકી જઇશ ?
ભમરભૂલી મોરલી રે

અમથી શું પજવો છો આમ?
ભૂલી પાડો એકલી રે ?
આંજો મા આંખે અન્ધારા,
નથી મ્હારી બેલડી રે.
તુટશે કંઈ વજ્રના બન્ધ,
નહી તૂટે ફૂલનો રે,
જગતમાં એક જ જન્ત્ર,
મહામન્ત્ર પ્રેમનો રે.